હુતાશણી અને ધૂળેટીની રજાઓ દરમ્યાન દર વર્ષની જેમ દીવ, સાસણમાં સહેલાણીઓનો ભારે ધસારો થયો છે. તમામ હોટલોનાં બુકીંગ ફૂલ થઇ ગયા છે. તો અમુક સ્થળે રૂમનાં ભાડાં ડબલ કરી દેવાયા છે. દીવમાં તો વિદેશી પર્યટકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
સાસણમાં પણ સિંહ દર્શનની પરમીટ માટે સિંહ સદન ખાતે પર્યટકોની લાઇનો લાગી છે. જૂનાગઢની ભવનાથ તળેટીમાં ધાર્મિક સ્થળો, જ્ઞાતિની જગ્યાઓમાં જોકે આ વર્ષે પાંખી હાજરી જોવા મળી છે.દીવ પર્યટકોથી ઉભરાઇ ગયું છે.
તમામ હોટલોમાં સામાન્ય દિવસો કરતાં ભાડા બમણાં કરી દેવાયા છતાં હોટલો હાઉસફૂલ થઇ ગઇ છે. હુતાશણીનાં દિવસે દીવનાં સ્થાનિક લોકો હોળી પ્રગટાવે છે ત્યારે બહારગામથી આવેલાં પર્યટકો પણ આ દિવસે હોળીનાં દર્શન કરતા હોય છે.સાથોસાથ તેઓ દીવની પરંપરાથી વાકેફ બને છે. આ તકે દીવની મુલાકાતે આવેલા વિદેશીઓ પણ હેપ્પી હોલી બોલતા જોવા મળે છે. જોકે, ખાસ શરાબનો જ નશો કરવા દીવ આવેલા લોકો કુદરતી સૌંદર્ય માણવા સાથે રંગોત્સવમાં શરાબનો નશો ભેળવી સમુદ્ર તટે મોજમસ્તી અને પાણીમાં ધુબાકા મારવાનું પસંદ કરે છે.
સાસણ ખાતે વેકેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંનાં તમામ હોટલ રીસોર્ટ હાઉસફૂલ જોવા મળે છે. સિંહ સદનમાં તો ૩ દિવસ અગાઉથી જ બુકીંગ ફૂલ થઇ ગયું છે. દેવળીયા પાર્ક તેમજ અભ્યારણ્યમાં સિંહ દર્શનની પરમીટ મેળવવા પર્યટકો વહેલી સવારથી જ સિંહ સદનમાં લાઇનો લગાવતા જોવા મળે છે. તમામ પ્રવાસીઓને સિંહ દર્શનનો લાભ મળે તે માટે ડી.એફ.ઓ. સંદિપકુમાર, આર.એફ.ઓ. જોષી દ્વારા વિશિષ્ટ આયોજન કરાયું છે. વેરાવળમાં જોકે, સંવેદનશીલતાને લઇ સહેલાણીઓનો ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે. સોમનાથ ખાતે ફકત ભાવિકોની જ હાજરી જોવા મળે છે.
જૂનાગઢની ભવનાથ તળેટી સ્થિત ધર્મશાળાઓ, જ્ઞાતિની જગ્યાઓ, આશ્રમો વગેરે સ્થળોએ જોકે આજે સાંજ સુધી સહેલાણીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/01/100301032403_tourist_comes_in_diu_for_vacation.html
No comments:
Post a Comment