Tuesday, Feb 23rd, 2010, 3:01 am [IST]
Bhaskar News, Amreli
ગીર પૂર્વની બોર્ડ પર શિવતળી આશ્રમ પાસે રવિવારે સાંજે કૂવામાં બે સિંહબાળ ખાબક્યા બાદ જંગલખાતું તેને બહાર કેમ કાઢવા તેની મથામણમાં હતી ત્યારે જ બચ્ચાની શોધમાં આવેલી સિંહણને જોઇ જંગલખાતાના સ્ટાફને પીછેહઠ કરવી પડી હતી.
જંગલ ખાતાની કપરી કામગીરીને રવિવારે એક સિંહણે હળવી બનાવી દીધી હતી. સિંહણનું પ્રબળ માતૃત્વ કૂવામાં પડેલા બે બચ્ચાને સલામત બહાર કાઢવામાં મદદરૂપ બન્યું હતું. ધારીથી આશરે ૧૫ કિમી દૂર ગીરપૂર્વની બોર્ડર પર આવેલા શિવતળી આશ્રમ નજીક મોણપુરના ખેડૂતની વાડીમં પંદરેક ફૂટ ઊંડા કૂવામાં અકસ્માતે બે સિંહબાળ પડી ગયા હતા.
બનાવની જાણ થતાં જંગલખાતાનો સ્ટાફ બચાવ માટે જરૂરી સાધન સામગ્રી લઇ મારફતે ઘોડે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જંગલ ખાતાનો સ્ટાફ અહીં પાંજરા લઇને આવી ગયો હતો. કૂવો ઊંડો ન હોય અને ખાલી હોય બન્ને સિંહબાળ જીવતા હોવાથી તેમને બચાવી લેવામાં કોઇ કચાશ રહી ન જાય તે માટે દોરડા અને ખાટલો પણ મગાવી રખાયા હતા.
જેથી જો સિંહબાળ ખાટલા પર બેસી જાય તો ઊંચકીને તેમને બહાર કાઢી શકાય.રાત્રે જંગલખાતાના સ્ટાફ દ્વારા દોરડા સાથે બાંધી ખાટલો કૂવામાં ઉતારવામાં આવ્યો હતો. પરંતુ બચ્ચા બહાર આવ્યા ન હતાં. દરમિયાન સિંહબાળના વિરહમાં ઝૂરતી સિંહણ અહીં આવી ચડી હતી.
કૂવા કાંઠે ઊભા રહી સિંહણે ઘૂરકિયા કર્યા હતા અને માનો અવાજ સાંભળી કૂવામાં રહેલા બચ્ચાઓએ પણ પ્રત્યુતર આપ્યો હતો. બસ પછી તો કુદરતના ક્રમ મુજબ બચ્ચામાં હામ આવી અને કૂવામાંથી બહાર આવવા હવાતિયા મારી ખાટલા પર ચડી ગયા.
વનતંત્રના સ્ટાફને અણસાર મળતાં તુરંત તેમણે દોરડા ખેંચ્યા હતા અને સૌ હરખાઇ ઊઠે એ રીતે ખાટલા સાથે બે બચ્ચાં પણ બહાર આવ્યા હતા. બે સિંહબાળ અને તેની માતાના મિલનનું દ્રશ્ય પણ ભાવુક હતું. થોડીવારમાં જ સિંહણ પોતાના બન્ને બચ્ચાને લઇ અંધારામાં ઓગળી ગઇ હતી.
No comments:
Post a Comment