Divyabhaskar.com | Updated - Aug 19, 2018, 02:06 AM
ગાંડી ગીર તેના છોરૂની પાલન પોષણની જવાબદારી સુપેરે નિભાવે છે. જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ કે માલધારીઓના દુધાળા...
ગાંડી ગીર તેના છોરૂની પાલન પોષણની જવાબદારી સુપેરે નિભાવે છે. જંગલમાં
વસતા પ્રાણીઓ, પક્ષીઓ કે માલધારીઓના દુધાળા ઢોર જ નહી આ માલધારીઓ અને ગીર
કાંઠાના જન જનનું પોષણ આ જંગલ કરે છે. અહિંના લોક જીવનને આ જંગલ અવનવા
ખાદ્ય પદાર્થોની ભેટ આપે છે. આવી જ એક અણમોલ ભેટ છે કંટોલા. કોઇ પધ્ધતિસરની
ખેતી વગર જ જંગલ અને ગીર કાંઠાના વિસ્તારમાં આપોઆપ ઉગી નિકળતા આ કંટોલા
સ્વાદિષ્ટ તો છે જ સાથે ગુણકારી પણ છે.
ગીર કાંઠાના લોકોનું આ મન ભાવતુ શાક છે. જેના માટે કોઇ નાણા ચુકવવા
પડતા નથી. વળી તે દાઢે વળગે તેવુ સ્વાદિષ્ટ પણ છે. કંટોલા આમ પણ આયુર્વેદની
દ્રષ્ટિએ ભારે ગુણકારી છે. ગીર કાંઠાના ધારી અને ખાંભા તાલુકામાં મોટી
માત્રામાં આપો આપ આ કંટોલા ઉગી નિકળે છે. જેના વેલાઓ મોટાભાગે ઝાડી-જાખરાઓ
અને વાડી-ખેતરોની વાડમાં થાય છે. અમરેલી જીલ્લામાં ક્યાય કંટોલાની પધ્ધતિસર
ખેતી થતી નથી. માત્ર કુદરતી રીતે જ ઉગી નિકળતા આ કંટોલા મજુર પરિવારના
લોકો વિણી લાવે છે અને તે બજારમાં શાક તરીકે વેંચાય પણ છે. ખાસ કરીને કુમળા
કંટોલાનું શાક વધુ સ્વાદિષ્ટ હોય છે. ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં
મજુર પરિવારના લોકો આ કંટોલાની અમરેલી તથા આસપાસના વિસ્તારોની શાક
માર્કેટમાં પહોંચાડે છે. તેમને કિલો દીઠ માંડ 40 થી 50 રૂપીયા મળે છે.
જ્યારે આ કંટોલા અમરેલીની બજારમાં રૂા. 100 થી 120 ના પ્રતિકિલોના ભાવે
વેંચાય છે. કંટોલાની આવક મુજબ ભાવ રોજે રોજ ફરતો પણ રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020559-2491506-NOR.html
No comments:
Post a Comment