- ગૌશાળામાં ફરી દીપડો આવશે તેવી શંકાના આધારે શૂટરોએ વોચ ગોઠવી હતી
- મુંજિયાસર અને લુંઘિયાના માનવભક્ષી દીપડા જેવા જ ફૂટમાર્ક છે: કલેકટર
- દીપડાએ વળતો હુમલો કરતા વન વિભાગે ઠાર માર્યો
- દીપડાએ બગસરા પંથકમાં ત્રણ દિવસમાં જ બે લોકોને ફાડી ખાધા હતા
- ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને ખેડૂતોએ દીપડાના આતંક સામે રોષ વ્યક્ત કર્યો હતો
Divyabhaskar.com
Dec 12, 2019, 11:51 AM IST
બગસરાઃ છેલ્લા
ઘણા સમયથી આતંક મચાવનાર માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યો છે. વન
વિભાગે બગસરા ગૌશાળામાં દીપડાને ઠાર કર્યો છે. હાલ દીપડાના મૃતદેહને જસાધર
એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં
આવશે અને ત્યારબાદ દીપડો માનવભક્ષી છે કે નહીં તે અંગે પરીક્ષણ કર્યું
હતું. વનવિભાગે દીપડાનું પરીક્ષણ કરી માનવભક્ષી હોવાનું સ્વીકાર્યું છે.
આજે(11 ડિસેમ્બર) સવારે સીસીટીવીમાં જોવા મળ્યા હતા એ જ 2 દીપડા પૈકી એક
દીપડો વનવિભાગના શાર્પશૂટરે ઠાર કર્યો છે. જેના માટે વન વિભાગ દ્વારા
ગૌશાળામાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ બીજો દીપડો પણ અહીં આવે
તેવું વનવિભાગ અનુમાન છે.
શાર્પ શૂટરોએ દીપડાએ ઠાર માર્યો
મંગળવારી રાતે ત્રણ વાછઠરડામા મારણ બાદ પાંજરાપોળમાંથી તમામ સ્ટાફને હટાવી
લઇ વન વિભાગનો સ્ટાફ અહીં ગોઠવાઇ ગયો હતો અને ગૌશાળાના દરવાજા ખુલ્લા રખાયા
હતાં. સાંજના સાતેક વાગ્યાના સુમારે દીપડો દરવાજેથી અંદર પ્રવેશ્યો હતો
અને શાર્પ શુટરોને જોતા તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે
શાર્પ શુટરોએ એક પછી એક બે ગોળી છોડી આતંક મચાવનાર દીપડાને ઠાર કરી દીધો
હતો અને આ સાથે જ વનતંત્ર અને આ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ઘટનાસ્થળ આસપાસ લોકોના ટોળેટોળા એકઠા થવા લાગતા પોલીસે મામલો સંભાળ્યો હતો
તો બીજી તરફ પ્રિસીસીએફ, સીસીએફથી માંડી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અહિં
દોડી આવ્યા હતાં.
હજુ અનેક દીપડા આઝાદ
દીપડાના મૃતદેહને મુંજીયાસર ડેમ નજીક આવેલી વન વિભાગની નર્સરી ખાતે લઇ
જવાયો હતો અને બાદમાં પીએમ માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયો હતો.
વન વિભાગના પરિક્ષણો બાદ આ દીપડો માનવભક્ષી હતો કે કેમ તે નક્કી થશે. બગસરા
પંથકમાં હજુ અનેક દીપડા આઝાદ ફરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક
દીપડી ગઇકાલે કાગદડીમાં પાંજરે સપડાઇ હતી.
ખાતરીઃ માનવભક્ષી દીપડો જ હોવાની શક્યતા : સીસીએફ
બગસરામાં દીપડો ઠાર મરાયા બાદ રાજકોટના સીસીએફ અશ્વિનકુમાર પરમારે જણાવ્યુ
હતું કે હાલમાં દિપડાના મૃતદેહને જસાધાર ખાતે રીફર કરાયો છે. જ્યાં તેનું
પીએમ કરવામાં આવશે. વનતંત્રના અનુભવના આધારે લાગી રહ્યુ છે કે ઠાર કરાયેલો
દીપડો માનવભક્ષી છે.
રાત્રે 10 થી 4 વચ્ચે મોટા ભાગના હુમલા
ચાલાક દિપડાએ માણસ પર એક નિશ્ચિત સમયગાળામા જ હુમલા કર્યા છે. આ દિપડાએ
મોટાભાગના હુમલા રાતના 10 થી વહેલી સવારના 4 વાગ્યાના સમયગાળા દરમિયાન
કર્યા છે. દિવસના સમયે દીપડો અવરજવર કરતો નથી કે હુમલો કરતો નથી. માત્ર
રાત્રીના આ સમયગાળામા જ હુમલો કરી રહ્યો છે.
જ્યાં શિકાર કરે ત્યાં ફરી વખત આવતો નહોતો
દીપડો માણસ પર હુમલો કરે ત્યારે તે જ સ્થળે બીજી વખત અચુક આવતો હોય છે.
ભુતકાળમા વનતંત્રએ આવા સ્થળે પાંજરાઓ ગોઠવી માનવભક્ષી દીપડાને પકડી લીધા
છે. પરંતુ બગસરા પંથકમા આ માનવભક્ષી દીપડો એક વખત જયાં માણસ પર હુમલો કર્યો
તે સ્થળે બીજી વખત કયારેય ડોકાયો નથી.
વળતો હુમલો કરતા ઠાર કર્યો, આદમખોર દીપડો હોવાની શંકાઃ કલેક્ટર
દીપડાને ઠાર કર્યો હોવાના અહેવાલોની અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓકે
પુષ્ટી કરતા જણાવ્યું કે, આ અંગે બગસરાની ગૌશાળામાં સવારે મારણ કર્યું તું એ
જ પરત મારણ કરવા આવે એવી શક્યતાને પગલે વોચ ગોઠવી હતી. સાંજના સાડા છથી
સાત વાગ્યાની વચ્ચે દીપડો આવતા તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ દીપડાએ વળતો હુમલો કરતા તેને ઠાર મારવામાં આવ્યો છે. દીપડાની ઉંમર
સાત વર્ષ હતી. આ દીપડો આદમખોર હોવાની શંકા છે. જ્યારે ધારા 144 અંગે વન
વિભાગના અહેવાલ બાદ નિર્ણય લેવામાં આવશે.
આ પહેલા 7 ડિસેમ્બરના રોજ વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી 6
ટીમો કામે લગાવી હતી. તેમજ એક 3 CCF(ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ), 4
DFO(ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર) અને 150 વન કર્મી અને 10 શૂટરની ટીમ મેદાનમાં
ઉતારી હતી. આમ પાંચ દિવસ બાદ વન વિભાગ માનવભક્ષી દીપડાને ઠાર કરવામાં સફળ
રહ્યું છે.
ડિસે.ના પહેલા અઠવાડીયામાં દીપડાએ બે લોકોને ફાડી ખાધા હતા
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે પાંચ ડિસેમ્બરની રાત્રે વાડીએ પાણી
વાળવા ગયેલા 44 વર્ષીય વજુભાઈ ધનજીભાઈ બોરડને દીપડાએ હુમલો કરી ફાડી ખાધા
હતા. ત્યાર બાદ 7 ડિસેમ્બરે બગસરાના સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ
(ઉ.વ.40)નામના ખેતમજૂરને પણ દીપડાએ ફાડી ખાતા સમગ્ર રાજ્યના ખેડૂતોમાં રોષ
જોવા મળ્યો હતો. જેને પગલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ શનિવારે
હાથમાં બંધુક લઈ દીપડાઓને ભડાકે દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટનાક્રમ
વચ્ચે દીપડાઓને દેખો ત્યાં ઠાર કરવા માટે સરકારે કડક સૂચના આપી હતી.
10 મહિનામાં ત્રણ બાળકો અને ચાર વૃદ્ધો સહિત 11 જેટલા લોકોને ફાડી ખાધા
1- 26 ફેબ્રુઆરી 2019, ચલાલાના ગોપાલગ્રામમાં અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને ફાડી ખાધો
2- 28 જૂન 2019, તાલાલાનાં જેપુર ગામમાં લઘુશંકાએ ગયેલા હીરીબેન ગોસિયા નામના 65 વર્ષીય વૃદ્ધા દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા
3- 20 સપ્ટેમ્બર 2019, ખાંભાના મુંજીયાસરમા નનુબેન રામભાઈ પરમાર (ઉંમર 70) એક કીમી ઢસડી ફાડી ખાધા
4-28 સપ્ટેમ્બર 2019, અમરેલીના ચાંદ ગઢમાં ચિરાગ પારશીંગભાઈ કટારા નામના 6 વર્ષના બાળકને ફાડી ખાધો
5- 29 સપ્ટેમ્બર 2019, ધારીના મોણવેલમાં મનસુખભાઇ અરજણભાઈ વાળા અને કરશનભાઈ ભીમાભાઈ સગઠિયા નામના સાળા બનેવીને દીપડાએ ફાડી ખાધા હતા
6- 20 સપ્ટેમ્બર 2019, વિસાવદરના પીંડાખાઈમાં ઘરની ઓસરીમાં સુતેલા 60 વર્ષીય વાલાભાઈ માણદભાઈ મારૂને ફાડી ખાધા
7- 25 ઓક્ટોબર 2019, બગસરાના મુંજીયાસરમાં નાગજીભાઈ પટોળીયા નામના વૃદ્ધને દીપડાએ મારી નાખ્યા
8- 17 નવેમ્બર 2019, બગસરાના રફાળામાં પરપ્રાંતીય ખેતમજૂરની ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી
9- 05 ડિસેમ્બર 2019,બગસરાના મુંજીયાસરના વજુભાઇ બોરડ નામના 55 વર્ષીય ખેડૂતને દીપડાએ ફાડી ખાધા
10- 7 ડિસેમ્બર 2019, બગસરાની સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ ઉંમર 40 ખેત મજૂર દીપડાએ ફાડી ખાધા
(અહેવાલ: જયદેવ વરૂ,અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-attack-forest-department-shoot-leopard-in-bagasara-126264895.html