Monday, November 13, 2017

જુનાગઢ: અંધ પ્રૌઢાને 100 મીટર દુર સુધી ઢસડી જઇ દીપડાએ ફાડી ખાધા

Sarman Ram, Junagadh | Last Modified - Nov 07, 2017, 06:03 PM IST
જુનાગઢ પ્રૌઢા અને માળિયાનાં જંગરમાં વૃદ્ઘાને દીપડાએ ફાડી ખાધાનાં બનાવો બનતા હાહાકાર મચી ગયો છે
જુનાગઢ પ્રૌઢા અને માળિયાનાં જંગરમાં વૃદ્ઘાને દીપડાએ ફાડી ખાધાનાં બનાવો બનતા હાહાકાર મચી ગયો છે
જુનાગઢ પ્રૌઢા અને માળિયાનાં જંગરમાં વૃદ્ઘાને દીપડાએ ફાડી ખાધાનાં બનાવો બનતા હાહાકાર મચી ગયો છે
જૂનાગઢ: જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગીર બોર્ડર નજીક આવેલા ગામોમાં સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીઓની અવર-જવર વધી હોય માલઢોરનાં મારણનાં બનાવો સામાન્ય બન્યા છે. એટલુંજ નહીં માનવ પર હુમલાનાં બનાવો પણ વધ્યા છે ત્યારે મેંદરડામાં પ્રૌઢા અને માળિયાનાં જંગરમાં વૃદ્ઘાને દીપડાએ ફાડી ખાધાનાં બનાવો બનતા હાહાકાર મચી ગયો છે. મેંદરડા પંથકમાં ત્રણ માસમાં દીપડાનાં માનવ પરનાં ત્રણ હુમલાની ઘટના બની છે.
મેંદરડાનાં સામાકાંઠા વિસ્તારમાં આલીધ્રા રોડ પર વાંસફોડીયા પરિવાર ઝુંપડુ બાંધીને રહેતા હોય થોડા સમય પહેલા કોઇએ ઝુંપડુ પાડી નાંખતા રવિવારે આખો પરિવાર બહાર મેદાનમાં સુતો હતો ત્યારે મધરાતનાં 1 વાગ્યાની આસપાસ દીપડાએ આવી ચઢી પ્રજ્ઞાચક્ષુ પ્રૌઢા મુકતાબેન દિપકભાઇ કાનાણી (ઉ.વ.55)ને ગળાનાં ભાગેથી પકડી 100 મીટર દુર ઢસડી જઇ ફાડી ખાધા હતા. આ બનાવ બન્યા બાદ 5 પુત્રીઓ પૈકી 1 પુત્રી બિજલ જાગી જતા અને માતાને ન જોતા આસપાસનાં લોકોને ઉઠાડી જાણ કરતાં મુકતાબેનની શોધખોળ હાથ ધરી હતી. વન તંત્રે તપાસ કરતા મુકતાબેનની શરીરનાં અડધા ભાગથી ખવાઇ ગયેલી લાશ મળી આવી હતી.ડેડકડી રેન્જનાં આરએફઓ પંપાણીયા, કેનેડીપુર રાઉન્ડ ફોરેસ્ટર વાળા અને સ્ટાફે દીપડાને પકડવા ત્રણ પાંજરા ગોઠવી કવાયત હાથ ધરી છે.
પુત્ર મજુરીએ ગયેલ ને માતાને કાળ ભેટી ગયો

મૃતક મુકતાબેનને સંતાનમાં 5 પુત્રી, 1 પુત્ર છે. પતિનું 12 વર્ષ પહેલા અવસાન થયુ છે. જયારે 1 પુત્રી વિધવા અને 1 પરિણીત છે. જયારે બીજી 3 પુત્રી માતા સાથે રહે છે. યુવાન પુત્ર અર્જુન માતા સાથે જ રહે છે પરંતુ રવિવારે રાત્રીનાં મગફળીની ગાડી ભરવા ગયેલ અને ત્યાં જ રોકાઇ જતાં માતાને કાળનો ભેટો થઇ ગયો હતો.

3 માસમાં 3 માનવ મોત, 15થી વધુ દીપડા પાંજરે પૂરાયા

મેંદરડા પંથકમાં 3 માસમાં દીપડાનાં હુમલામાં 3 માનવ જીંદગી મોતને ભેટી છે. જેમાં મોટી ખોડીયારમાં પટેલ વૃદ્ધા સાકરબેન જીલુભાઇ વેકરીયા, દાત્રાણામાં 2 વર્ષનો બાળક ચના દિનેશભાઇ બાંભણીયા અને રવિવારે મુકતાબેનનું મોત થયુ હતું. વન વિભાગ દ્વારા 15થી વધુ દીપડાને પાંજરે પુરવામાં આવ્યા છે.
જંગર ગામે વૃદ્ઘાએ ઘરનો દરવાજો ખોલતા દીપડો કાળ બની ત્રાટકયો
 
માળિયા હાટીનાનાં જંગર(ગીર) ગામે વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધા રાજુબેન દેવાભાઇ એરડા (ઉ.વ.70)એ સોમવારે વહેલી સવારે 4-30 વાગ્યે ઉઠીને ઘરનો દરવાજો ખોલ્યો હતો. પરંતુ તેમને કયાં ખબર હતી કે સામે જ દીપડો કાળ બનીને ઉભો છે. રાજુબેને દરવાજો ખોલીને માલઢોરને નિરણ નાંખતા હતા ત્યારે જ દીપડાએ તેમની પર હુમલો કરી દીધેલ અને ગળાનાં ભાગેથી દબોચીને સીમ વિસ્તારમાં  ઢસડી જઇ ત્યાં ફાડી ખાધા હતા.
70 વર્ષનાં વૃદ્ધાને સીમ વિસ્તારમાં ઢસડી જઇ ફાડી ખાધા
 
રાજુબેન સવારનાં વહેલા ઉઠીને ઘરનું કામકાજ કરતા હોય અને તેમનાં આ નિત્યક્રમની પરિવારનાં સભ્યો જાણતા હોય સવારે ઘરનાં સભ્યો જાગી ગયા બાદ રાજુબેન કયાંય જોવા ન મળતા તેમની શોધખોળ કરવા લાગેલ પરંતુ તેમનો કોઇ પતો ન લાગતા ઘરની મહિલાઓએ હાંફળા-ફાંફળા બની શોરબકોર કરી મુકતા ગામનાં લોકો પણ દોડી આવ્યા હતા. બાદમાં વન તંત્રને જાણ કરતા ફોરેસ્ટર ભારતીબાપુ,, ચૌહાણભાઇ સહિતનાં સ્ટાફે જંગર ગામે દોડી આવી તપાસ હાથ ધરતા સીમ વિસ્તારમાંથી રાજુબેનનો મૃતદેહ મળી આવતા પરિવાર આઘાતમાં ગરકાવ બની ગયો હતો. રાજુબેનનાં મૃતદેહને ચોરવાડ  હોસ્પિટલે પીએમ માટે ખસેડાયો હતો. ડીએફઓ ગાંધી પણ હોસ્પિટલે દોડી ગયેલ અને વિગતો મેળવી દીપડાને પકડી પાડવા સ્ટાફને સુચના આપતા અલગ-અલગ સ્થળે 4 પાંજરા મુકવામાં આવ્યા છે. જંગલી પ્રાણીઓ માનવીઓ પર હુમલો કરવાનાં બનાવમાં વધારો થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
 
 
સીમ વિસ્તારમાં પુરતો વીજ પુરવઠો આપવા માંગ
જંગર ગામનાં મોટાભાગનાં લોકો ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા હોય સીમ વિસ્તારમાં રાત્રીનાં ખેતી કામ માટે રોકાતા હોય છે. જયારે દીપડાનાં હુમલાઓની ઘટના બનતી રોકી શકાય એ માટે રાત્રીનાં વીજપુરવઠો આપવામાં આવે એવી ગ્રામજનોની માંગણી ઉઠી છે.
માળિયાહાટીના પંથકનાં ગામોમાં દીપડાનો ત્રાસ વધ્યો
 માળિયાહાટીના તાલુકાનાં ગીર પંથકનાં જલંધર, દેવગામ, કાત્રાસા, લાડુડી, પાણકવા, લાછડી, અમરાપુર, ધરમપુર, વાંદરવડ સહિતનાં ગામોમાં વનરાજોનો ત્રાસ વધ્યો હોવાનું જાણવા મળે છે.

No comments: