Monday, March 28, 2011

સિંહણોનાં મોતે વન ખાતાની પોલ ખોલી.

Monday, March 28 
- નિયમિત ફેરણ ન થતાં હોવાનું ખુલ્યું
- વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું હોવાનું ઉપસતું ચિત્ર
ખાંભા નજીક કંટાળા ગામની સીમમા બે દિવસમાં બે સિંહણનાં મોતની ઘટના પાછળ જંગલખાતાનાં કર્મચારીઓની ઘોર બિનકાળજી સાને બહાર આવી છે. નિયમિત ફેરણુ કરવાની જવાબદારી હોવા છતાં કામચોર કર્મચારીઓ ઘરે પડ્યા રહેતા હોય સિંહણનાં મોતથી અજાણ હતા. હપ્તાખોરી અને પૈસા ઉઘરાવવા સતત વ્યસ્ત રહેતો જંગલખાતાનો સ્ટાફ વન્યપ્રાણીઓનાં રક્ષણ માં સરેયામ નિષ્ફળ જઈ રહ્યો છે. આગલા દિવસે ખુદ અધિકારીઓ જે સ્થળે હાજર હતા ત્યાથી જ બીજા દિવસે બીજી સિંહણનો મૃતદેહ મળે તે વાત જ તંત્ર કેટલુ નભિંરતાથી કામ કરી રહ્યું છે. તે સાબિત થઈ ગયું છે.
ગીર જંગલનાં રક્ષણ માટે મસમોટો સ્ટાફ ફરી રહ્યો છે. ફોરેસ્ટર-બિટગાર્ડ સહિતનો સ્ટાફ જંગલમાં ખુણેખુણાનું ધ્યાન રાખી રહ્યો હોવાનો દાવો કરાય છે. દર બુધવારે આ સ્ટાફ દ્વારા સિંહ-સિંહણોનું લોકેશન પણ મેળવાય છે. જો ક્યાંય સિંહ-સિંહણ માંદા જણાય તો તુરત ઉપરી અધિકારીઓને જાણ કરી તેની સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે.
કંટાળામાં એક સાથે બે સિંહણનાં મોતની ઘટના ફેરણું કરતા સ્ટાફનાં ધ્યાનમાં કેમ ન આવી ? તે સવાલનો જવાબ ખુદ વનતંત્ર પાસે નથી. હકીકતમાં વનખાતાનો સ્ટાફ નિયમીત ફેરણું કરવા જતો જ નથી. અમુક કર્મચારીઓનો ખેડૂતો કે ગામલોકો સિંહોનું લોકેશન પૂછી લઈ તેનું પત્રક બનાવી ઉપર મોકલી દે છે. અહિં બે સિંહણની હાજરી હતી. ત્યારે છેલ્લે તંત્રનાં ચોપડે બંનેનું લોકેશન ક્યાં બોલતુ હતુ તે પણ તપાસનો વિષય છે.
જંગલ ખાતાનાં અમુક પેધી ગયેલા કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં જ વ્યસ્ત રહે છે. પ્રતિબંધીત વિસ્તારમાં માલઢોર ચરાવતા માલધણીઓ પાસેથી હપ્તા લેવા કે મફતમાં દૂધ-છાશ-ઘી લેવા. રિયમલીંગ કરતા ઝડપાયેલા લોકો પાસેથી તોડ કરવો. મારણ કે બાંધકામ જેવા કિસ્સામાંથી મલાઈ તારવવામા જ વ્યસ્ત રહે છે. વન્યપ્રણીનું મોત થાય કે માંદા પડે ત્યારે આમ જનતા જાણ કરે ત્યારે જ તેમને ખબર પડે છે. આવા પેધી ગયેલા કર્મચારી જાત નિરીક્ષણ માટે ભાગ્યે જ પરસેવો પાડે છે. ઉપરી અધિકારીઓ પણ આવા કર્મચારીઓને પગલા નહી લઈ તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
રહસ્યમય ઘટનાનો ભેદ છુપાવવા તંત્રના હવાતિયા : પત્રકારોને પણ અટકાવ્યા –
કંટાળામાં બીજા દિવસે બીજી સિંહણનાં મોતની ઘટનાની જાણ થતા અહિં દોડી ગયેલા પત્રકારો ઘટનાને પૂરેપૂરી જાણકારી ન મળે તે માટે વન કર્મચારીઓએ પત્રકારોને અટકાવ્યા હતા. આ કરતા ચા કરતા કીટલી ગરમનાં ન્યાયે બે કર્મચારીઓ તો રીતસર માથાકૂટ પર ઉતરી આવ્યા હતા. આખરે ઉપરી અધિકારીઓની દરમિયાનગીરી બાદ પત્રકારો ઘટના સ્થળે પહોંચી શક્યા હતા. ઘટના પાછળ તંત્રનો ક્યાંય દોષ ન હોય તો શા માટે પારદર્શક રીતે માહિતી જાહેર કરાતા નથી તેવો સવાલ સ્થાનિક પત્રકારોએ ઉઠાવ્યો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lions-death-open-forest-department-mismanagement-1969550.html

No comments: