Friday, March 18, 2011

જૂનાગઢમાંથી હવા અને પાણીના નમૂના લેવાયા.

જૂનાગઢ, તા.૧૬:
જૂનાગઢ ઔદ્યોગિક રીતે પછાત હોવા છતાં આશ્ચર્ય અને આઘાત જનક રીતે દેશના ઔદ્યોગિક રીતે સૌથી વધુ પ્રદૂષિત એવા શહેરોની યાદીમાં ૪૧ માં ક્રમે મૂકવામાં આવ્યું છે. પરિણામે, શહેરમાં એક વર્ષથી નવા ઉદ્યોગને મંજૂરી જ મળી નથી. આ વિશે ઉગ્ર રજૂઆતો થતા સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ફરી વખત ચકાસણીનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવા અને પાણીની ચકાસણી કરતી સી.એસ.જી. કંપની તથા પી.સી.બી.ના ગાંધીનગરના અધિકારી આર.વી.પટેલ, વિજીલન્સ ઓફિસર જે.કે.વ્યાસ તથા જૂનાગઢ સ્થિત નાયબ ઈજનેર આર.વી.ચૌહાણની ટીમ દ્વારા શહેરના વિલીંગ્ડન ડેમ અને હસ્નાપુર ડેમમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જી.આઈ.ડી.સી.-ર અને ભુવનેશ્વરી એસ્ટેટ ખાતે આજે સવારે ૯ વાગ્યાથી હવાની ચકાસણી માટેના મશીનો મૂકવામાં આવ્યા છે. આવતીકાલે સવારે ૯ વાગ્યા સુધી હવાની ચકાસણી કરવામાં આવશે. અને બાદમાં એજન્સી દ્વારા વિશ્લેષણ કરીને સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને રિપોર્ટ આપવામાં આવશે. આ દરમિયાન બોર્ડની ટીમ પણ જૂનાગઢની મૂલાકાતે આવશે.

Source:http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=271751

No comments: