Saturday, March 26, 2011

વન્ય પ્રાણીના વધતા હુમલાથી લોકોમાં ભય.

Saturday, March 26
- પાંચ દિવસમાં માનવી પર હુમલાના બે અને મારણના પાંચ બનાવો બન્યા
સોરઠ પંથકમાં ગીરનું જંગલ વધુ ગાઢ બન્યું છે. સાવજોની વસ્તી પણ વધી છે. માલધારીઓનાં નેસડાની સંખ્યા ઘટી છે. ત્યારે સાવજોનાં માનવ વસ્તી તરફ પ્રયાણનાં બનાવોમાં વધારો થયા છે. છેલ્લા પાંચ દિવસોમાં મારણનાં પાંચ અને માનવી પર હુમલાનાં બે બનાવો બનતાં લોકોમાં ભય ફેલાયો છે.
જૂનાગઢ જિલ્લામાં ગત સોમવારથી લઇને શુક્રવાર સુધીમાં વન્ય પ્રાણીઓની રંજાડનાં સાત બનાવો નોંધાયા છે. જેમાં મોરૂકાની મહિલાને સિંહે ફાડી ખાધાનાં અને જામકા ગામે દીપડાએ ૩ વ્યક્તિને બચકાં ભર્યાનાં બનાવનો સમાવેશ થાય છે. જ્યારે મારણનાં પાંચ બનાવોમાં સુરવા ગામે દીપડા દ્વારા પાડીનું મારણ, ઊનાનાં ગુંદાળામાં સિંહ પરિવારે ગાયનું કરેલું મારણ, મેંદપરાની સીમમાં સિંહ દ્વારા ભેંસનું મારણ, વીસાવદરનાં મોણપરીમાં ભર બજારે સિંહે વાછડાનું કરેલું મારણ અને ભોજદે ગામમાં બે સાવજોએ કરેલા વાછડાનાં મારણનો સમાવેશ થાય છે. પાંચ જ દિવસમાં બનેલા આ બનાવોને પગલે લોકોમાં ભારે ભયનું સામ્રાજ્ય ફેલાયું છે.
આ અંગે વનવિભાગને વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ અને લોકો દ્વારા રજૂઆતો કરાઇ છે. તાલાલા પંથકનાં ખેડૂતો આ મામલે આંદોલનનાં મૂડમાં આવી ગયા છે. દરમ્યાન વીસાવદરનાં મોણીયા સ્થિત બેરોદગાર નિવારણ દુરાચાર નાબુદી ચળવળ સંગઠને રાજ્યપાલને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, એક તરફ હરણ, નીલગાય, રોઝ, વગેરે ખેતીનાં પાકને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતોની હાલત દયનીય છે. વન્ય પ્રાણી ખેડૂતનાં ખેતરોમાં અગમ્ય કારણોસર મૃત્યુ પામે તો ખેડૂતો પર અમાનુષી અત્યાચાર કરાય છે.
બીજી તરફ સિંહ કે દીપડા ખેડૂતોનાં ફિળયા કે ઘરમાં ઘુસીને માણસને મારી નાંખે. લોકશાહીમાં પણ ખેડૂતો થરથર કાંપી રહ્યા છે. ખેડૂતોની માંગણી સત્વરે ધ્યાને નહીં લેવાય તો આંદોલનની ચીમકી પણ અપાઇ છે.
દીપડાની વસ્તી નિયંત્રિત કરવા માંગ –
તાલાલા તાલુકા કિસાન સંઘનાં પ્રમુખ ભરતભાઇ સોજીત્રાએ જણાવ્યું છે કે, છેલ્લા ૩ વર્ષ દરમ્યાન દીપડાની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. તેની વસ્તી હજુયે વધી રહી છે. જો તેના પર સમયસર નિયંત્રણ કરવામાં નહીં આવે તો આવતા પાંચ વર્ષમાં ગીરની બોર્ડર પર આવેલા ગામડાં અને શેરીઓમાં કૂતરાને બદલે દીપડાઓ જોવા મળશે.
ફેનિં્સગ યોજનાના નિયમો ફેરવો –
બિલખાનાં એકલવ્ય ખેડૂતો સેવા સંઘનાં હરિભાઇ મોવલીયાએ જણાવ્યું છે કે, જંગલ વિભાગની ફેન્સીંગ યોજના છે. તેનાં નિતી નિયમોમાં ફેરફાર જરૂરી છે. ખેડૂતો ઇચ્છે છે કે, જે થાંભલી ૧૦ ફૂટનાં અંતરે નાંખવાની છે. તેમાં ૨૦ ફૂટ માપ રાખવું. અને ૯ તારની જોડવામાં ખેડૂતની જરૂરિયાત મુજબની રાખવી. સબસીડીમાં પણ ૫૦ ને બદલે ૭૦ ટકા અપાય તો ખેડૂતો તે અપનાવી શકે.
વેરાવળ તાલુકામાં રાની પ્રાણીનો ત્રાસ રોકો –
વેરાવળ તાલુકામાં હિરણ નદી આસપાસનાં ગામોમાં જંગલી પ્રાણીઓનો ત્રાસ વધી ગયો છે. અવાર નવાર જંગલી પ્રાણીઓ હુમલા કરતા હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ છવાઇ ગયું છે.વેરાવળ તાલુકાના મંડોર, ભેરાળા, અવની, ઇશ્વરીયા સહિત હિરણ નદી વિસ્તારમાં ગામોમાં જંગલી પ્રાણીઓ દ્રારા થતા હુમલાઓને કારણે લોકોમાં ભય ફેલાયો છે. આ વિસ્તારના ગામોનાં મોટા ભાગનાં લોકો ખેતી સાથે સંકળાયેલા હોવાથી ખેતરોમાં પિયત માટે રાતવાસો પણ કરવો પડે છે. જેથી તેઓના જાનનું જોખમ રહેતું હોવાથી વેરાવળ તાલુકા પંચાયત સભ્ય કરશનભાઇ બારડે તાલાલા ધારાસભ્ય તથા જંગલ ખાતાને આ પ્રાણીઓને પકડવા રજુઆત કરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-fear-of-people-for-wild-animal-attack-1962523.html?HT1=

No comments: