Wednesday, March 23, 2011

જંગલ અને વીડીઓમાં ગેરકાયદે થતાં લાયન શો.

ખાંભા ગીર તા.૨૨ :
ખાંભા અને આસપાસની વીડી વિસ્તારમાં વસતા આશરે ૩૦ જેટલા સિંહ સિંહણ અને બચ્ચાઓ જયારે જયારે મારણ કરે છે ત્યારે વનખાતાની મીઠી નજર હેઠળ લોકોને આમંત્રણ આપી કર્મચારીઓ રોકડીયા વહેવાર કરીને લાયન શો યોજે છે.
૩૦ જેટલા સિંહ સિંહણ અને બચ્ચાઓને મારણ વખતે થતી ખલેલ
 જેના કારણે વનરાજોને શિકારના મારણની મીજબાની માણવામાં ખલેલ પહોંચે છે અને એનેક વાર શિકારને છોડીને ચાલ્યા જવું પડે છે. આ બાબતની ઉચ્ચ અધિકારીઓને જાણ હોવા છતાં આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે. જેને અટકાવવા ગીર નેચર યુથ કલબ દ્વારા કેન્દ્રીય વન મંત્રીને જાણ કરવામાં આવી છે.  ગીર નેચર યુથ કલબના મોહિત ગોંડલિયાએ જણાવ્યા મુજબ ખાંભા નજીકના ગીર વન વિસ્તારમાં  મીતીયાળા અને આંબલિયાળા વીડી વિસ્તારમાં આશરે ૩૦ જેટલા સિંહ સિંહણ અને બચ્ચાઓનો વસવાટ છે. આ સિંહ પરિવાર જયારે જયારે મારણ કરે ત્યારે વન વિભાગના કર્મચારીઓને જાણ થઈ જાય છે. અને આ કર્મચારીઓ મારણ ખાઈ રહેલા વનરાજો અને પરિવારના લાયન શો કરે છે અને આ માટે રોકડા નાણા લે છે. લોકો પણ આવો મોકો ચૂકતા નથી અને એડવાન્સ બુકિંગ કરાવી રાખે છે આથી જયારે મારણ થાય ત્યારે વનકર્મચારી મોબાઈલથી જાણ કરી લોકેશન પર આવી જવા સૂચવી દે છે. એ સ્થળે લોકો બાઈક જીપ અને ફોરવ્હીલમાં પહોંચી જાય છે. બે દિવસ પહેલા તા.૧૭મીએ રાતે પીપળવા ખાંભા ચતુરી રોડ પર એક સિંહણ અને ત્રણ બચ્ચાએ બે ગાયનું મારણ કર્યુ હતુ. એ નિરાંતે મારણ આરોગતા હતા અને પેટની આગ ઠારતા હતા એ સમય કર્મચારીઓએ લાયન શો માટે લોકોને બોલાવતા આશરે સો જેટલા લોકો જૂદા જૂદા વાહનો દ્વારા આવી ગયા હતા. એ પૈકી કેટલાકે પથ્થરોના ઘા કરતા અને કાંકરી ચાળો કરતા વનરાજો વારે વારે મારણ છોડીને જતાં રહેતા હતા આમ એને ભારે ખલેલ પહોંચી હતી. આ બાબતે વન વિભાગના આર.એફ.ઓ રાણપરિયાને વાકેફ કરતા તેણે કોઈ કાર્યવાહી કરી ન હતી. આમ વન કર્મચારીઓને જાણે કે મુક સંમતિ દ્વારા આ શો કરવાની જાણે કે અધિકારીઓએ પરમિશન આપી દીધી હોય એવો તાલ સર્જાયો છે.
સિંહદર્શન માટે ઘૂસેલા ૩ કારનાં ચાલકો પકડાયા, દંડ વસૂલાયો
અમરેલી તા.૨૨ : ધારી તરફના ગીરના જંગલમાં જાણે કે, સાવ રેઢું પડ હોઈ અને વન કર્મચારીઓની જાણે કે, કોઈને રોકટોક ન હોય એમ રાતના સમયે પ્રતિબંધિત વિસ્તારમાં સિંહ દર્શન કરવા વાહનચાલકો ઘૂસી જાય છે. જેને ચેકપોસ્ટના કર્મચારીઓ રોકતા નથી. એમ, સ્પષ્ટ ફલિત કરતો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ખૂદ ડી.એફ.ઓ મુનિશ્વર રાજાએ રાતે સાડા બાર વાગ્યે જંગલમાં ચેકિંગ હાથ ધરતા ત્રણ વાહનો પ્રતિબંધિત વિસ્તારમાં સિંહ દર્શન કરવાના ઈરાદે રખડતા મળી આવ્યા હતાં. આ ત્રણેય વાહનોને ૩૧હજારનો દંડ ફટકારી વસૂલાત કરી હતી.
ગીરના જંગલમાં સાવ રેઢું પડ હોય એમ અવારનવાર વાહનો ઘૂસી જાય છે. જેમાં ચેકપોસ્ટ પરના કર્મચારીઓ આંખમિંચામણા કરે છે. આવા અવારનવાર બનાવો બને છે જેમાં ભાગ્યે જ દંડનીય કાર્યવાહી થાય છે. બાકી બધા છટકી જાય છે. ગઈ કાલે ઉપરોકત અધિકારીએ હડાળા અને ટિંબરવા સેન્ચ્યુરી વિસ્તારમાં ચેકિંગ કરવા નિકળતા રાતે સાડા બાર વાગ્યે જૂનાગઢ વિસ્તારની ત્રણ કારો વનવિસ્તારમાં ઘૂસી હતી. જે તમામને પકડી પાડી દંડ વસૂલ્યો હતો. 
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=273482

No comments: