Saturday, March 12, 2011

અધેલાઈથી ભાવનગર સુધી ગ્રીન ઝોન કોરીડોરની રચના.

Saturday, March 12, 2011 01:23 [IST]
કાળીયારના રક્ષણ માટે કોરીડોર બનશે તેથી કેમિકલ ઝોન અને જીઆઈડીસી સ્થાપવાનું સ્વપ્ન થશે ચકનાચૂર
ભાવનગરને અડીને આવેલા ભાલ પંથકમાં અગાઉ રાજ્ય સરકારે ભાવનગરના ઉદ્યોગ આલમને જી.આઈ.ડી.સી. સ્થાપવાના તેમજ કેમિકલ ઝોન સાકાર કરવાના સ્વપ્નો દેખાડ્યા હતા પણ ભાવનગરને દેખાડેલા આ સ્વપ્નો પણ માત્ર દીવા સ્વપ્નો પણ માત્ર દીવા સ્વપ્ન બની જાય તેવા નિર્ણયો ખુદ રાજ્ય સરકાર જ લઈ રહી છે. ભાલમાં વેળાવદર અભ્યારણ્યને લીધે હવે ગ્રીન ઝોન કોરીડોર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવાનો હોય અધેલાઈથી ભાવનગરની હદ એટલે કે બાડાની લિમીટ સુધી કોઈ ઔદ્યોગિક પ્રવૃત્તિ કરી શકશે નહીં.
આ અંગે મળેલી માહિતી મુજબ ભાવનગર શહેરનો ઔદ્યોગિક વિકાસ વધારવા અગાઉ રાજ્ય સરકારે ભાવનગરથી ભાલ પંથક વચ્ચેના વિસ્તારમાં ૬૦૦ હેકટર જેટલી જમીનમાં ઉદ્યોગ માટે જી.આઈ.ડી.સી. સ્થાપવા તેમજ આ જ વિસ્તારમાં કેમિકલ ઝોન પણ સ્થાપવા જાહેરાતો કરવામાં આવી હતી.
લાંબા સમય સુધી આ મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં અને બીજી બાજુ હવે રાજ્ય સરકારે વેળાવદરના કાળીયારના નેશનલ પાર્કને ધ્યાને લઈ છેક અધેલાઈથી ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (બાડા)ની હદ સુધીની જમીનને ગ્રીન ઝોન કોરિડોટ તરીકે વિકસાવવા નિર્ણય કરાયો છે. કોઈપણ નેશનલ પાર્કને ઈકો સેન્સેટીવ ઝોન ગણાય છે અને આવા નેશનલ પાર્કની બે કિ.મી.ની મર્યાદામાં આ ઝોન હોય છે. પરંતુ હવે રાજ્ય સરકારે તો છેક ભાવનગર સુધી કાળીયાર આવે છએ તેવું માની છેક અધેલાઈથી ભાવનગર સુધી ગ્રીન ઝોન કોરીડોર જાહેર કરી દેતા આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ તો મીંડુ થઈ જશે. જો પોપટ અમલીકરણ થશે તો ભાવનગરના વિકાસને વધુ એક ફટકો હશે.
એક્સપ્રેસ હાઈ-વે પણ ભાવનગર સુધી નથી
ભાવનગરથી ભાલના ટૂંકા માર્ગે અમદાવાદ જતા રોડને એક્સપ્રેસ હાઈ-વે તરીકે વિકસાવાશે તેવું જાહેર થાય છે પરંતુ ખરેખર તો નાણાંની ફાળવણી અમદાવાદના સરખેજથી બાવળીયાળી સુધી જ એક્સપ્રેસ હાઈ-વે માટે થઈ છે બાકી બાવળીયારીથી ભાવનગર સુધીનો માર્ગ તો ૧૦ મીટરનો હાઈ-વે રોડ જ થવાનો છે. નહીં કે એક્સપ્રેસ હાઈ-વે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-green-koridor-foundation-from-adhelai-to-bhavnagar-1927705.html?HT1=

No comments: