Thursday, March 17, 2011

તાલાલા ગીર, કચ્છમાં ધરતીકંપનાં આંચકા.

રાજકોટ તા,૧૬:
તાજેતરમાં જાપાનમાં ભૂકંપ અને સુનામીએ સર્જેલી તબાહી અને કચ્છની નજીક આવેલી માકરાન ફોલ્ટ લાઈન સક્રિય થવાની દહેશત વચ્ચે  સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા ભારે ભૂકંપનો આવવા લાગ્યા છે. ભચાઉ તાલુકાના વાગડ વિસ્તારના વામકા અને આસપાસના વિસ્તારોમાં આજે ૩ની તીવ્રતા સાથે આંચકો આવ્યો હતો. તાલાલા ગીરમાં વહેલી સવારે સાડા પાંચ આસપાસ ધરતીકંપનો ૧.૮ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ચિંતિત બની ગયા હતાં. આંચકાનું એ.પી. સેન્ટર તાલાલા નજીક નોંધાયું હતું.ગાંધીનગર સ્થિત સીસ્મોગ્રાફી ડેટા સેન્ટરના જણાવ્યા પ્રમાણે તાલાલામાં વહેલી સવારે આવેલ ધરતીકંપના આંચકાની તીવ્રતા ૧.૮ ની હતી. તેનું એ.પી. સેન્ટર તાલાલા પાસે જ નોંધાયું છે. જ્યારે વાગડ વિસ્તારના ભચાઉ તાલુકાના વામકા ગામ નજીક આજે સવારે ૬ વાગ્યે ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગઈ કાલે રાત્રે મુંદરા તેમજ માંડવીના દરિયાઈ પટ્ટામાં ભેદી ધડાકા સાથે ઉપરા ઉપરી ર.રની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ગઈ રાતે મુંદરા આસપાસ ભુકંપ આવતા બારી બારણા દરવાજા અને વાસણો ખખડી ઉઠતાં લોકોમાં ભય ફેલાયો હતો. દિલ્હી સ્થિત સિસ્મોલોજી સેન્ટર ભૂકંપનો આંચકાની તીવ્રતા ર.રની દર્શાવે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=271782

No comments: