Source: Bhaskar News, Talala
- મોરૂકા ગીર ગામે એકઠા થયેલ ખેડૂતોએ મહિલાની લાશ પાસે સત્યાગ્રહ કર્યો
- માનવભક્ષી સિંહ પકડાયો
તાલાલા તાલુકાના ભોજદે ગીર ગામે એક શ્રમજીવી પરીવારની માતાની ગોદમાંથી હિંસક દિપડો માસુમ બાળકને ઉઠાવી જઇ બાળકને મોતને ઘાટ ઉતાર્યાનાં બનાવની શાહી હજુ સુકાઇ નથી ત્યાંજ આજે મોરૂકા ગીર ગામે સવારે પોતાની વાડીએ ઢોર મુકવા ગયેલી મહીલા ઉપર એક સિંહ ત્રાટકયો હતો. અને ગળાના ભાગે તથા સાથળમાં બચકાં ભરી લેતાં તેણીનું ઘટના સ્થળે જ મરણ થયું હતું. બાદમાં મોડીસાંજે એ માનવભક્ષી સિંહને વનતંત્રએ પકડીને પાંજરે પૂર્યો હતો.
પ્રાપ્તવીગતો મુજબ, તાલાલા તાલુકાનાં મોરૂકા ગીર ગામની સરોજબેન મોહનભાઇ અકબરી (ઉ.૫૦) નામની પટેલ મહીલા આજે સવારે ઢોર મુકવા પોતાની વાડીએ ગઇ હતી. તેણી ઢોર બાંધી બાદમાં કેરીનાં બગીચામાંથી મોરલા ઊડાડતી હતી. ત્યારે બગીચામાં આવી ચઢેલો એક સિંહ સરોજબેન ઉપર ત્રાટકયો હતો. મહિલાને તેણીનાં ગળા અને સાથળમાં બચકાં ભરી લેતાં તેણીનું ઘટનાસ્થળેજ મોત થયું હતું. મહીલાની મરણ ચીંસો સાંભળી આજુ બાજુની વાડીઓમાંથી લોકો દોડી આવ્યા હતા. પરંતુ તે પહેલા તો મહીલા ખેડુતનો સિંહે કોળીયો કરી નાખ્યો હતો. વહેલી સવારે બનેલ આ બનાવની જાણ ગામમાં થતા ગામના સરપંચ શ્રી વલ્લભભાઇ ચોથાણી સહિતના લોકો બનાવનું સ્થળ ગામની સીમમાં દોડી ગયા હતા. આ બનાવથી ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.
દરમ્યાન મોરુકા ગીર ગામની સહકારી મંડળીના પ્રમુખશ્રી હરસુખભાઇ ભાલોડીયા ના જણાવ્યા પ્રમાણે છેલ્લા બેથી ત્રણ માસ દરમ્યાન જંગલી હિંસક દિપડાનો ત્રાસ મોરુકા ગીર ગામમાં માઝા મુકી રહ્યો છે. મોરૂકા ગીર ગામનાં પરવાડે રહેતા તમામ પરીવારોના રહેણાંક મકાનની આઠ થી દશ ફુટ ઉંચી દિવાલ કૂદી દીપડો ફળીયામાં પ્રવેશ કરી બાંધી રાખેલ પશુઓ ઉપર હુમલા કર્યા છે. મોરૂકા ગીર ગામના દિપડાના ત્રાસના બનાવોથી જંગલખાતાનો સ્ટાફ પણ બધુ જાણે છે છતા પણ આજ સુધી કોઇ પરીણામ લક્ષી કાર્યવાહી થઇ નથી. તાલાલા પંથકમાં દિવસે દિવસે જંગલી જાનવરો નો ત્રાસ માઝા મુકી રહ્યો છે. જેમાં છેલ્લા દિવસોમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.
વન સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચ્યો -
મોરુકા ગીર ગામે બનેલ બનાવના સમાચાર વાયુવેગે આખા તાલાલા પંથકમાં પ્રસરી જતા વન વિભાગની બેદરકારી સામે ભારે લોક રોષ સાથે જંગલ ખાતા સામે ભારે ફીટકાર વરસી રહ્યો હતો. છેલ્લા એક માસથી ઉનાળાની શરૂઆતમાં જંગલમાં પીવાના પાણીના સાંસા થઇ ગયા હોય જંગલી જાનવરો ખોરાક અને પાણી માટે જંગલ માંથી માનવ વસ્તી તરફ પ્રયાણ કરી નિદોર્ષ લોકો અને પશુઓ ઉપર હિંસક હુમલા કરે છે. પ્રથમ ભોજદે ગીર અને ત્યાર બાદ મોરુકના બનાવથી જંગલખાતા સામેનો લોક રોષ ચરમ સીમાએ પહોંચ્યો હોય ઘટનાસ્થળે જવા માટે તાલાલા સહીતના વન વિભાગનો સ્ટાફ ભારે મુંઝવણમાં હતો. ત્યાર બાદ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ૪ કલાક બાદ જંગલખાતાનો સ્ટાફ મોરૂકાની સીમમાં પહોંચ્યો હતો.
માનવભક્ષી સિંહ પકડાયો -
બનાવની તીવ્ર પડઘા પડ્યા બાદ વનતંત્ર દ્વારા આ માનવભક્ષી સિંહને પકડવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. અને મોડી સાંજે મોરૂકાની સીમમાંથી એ સાવજને પકડી પાડવામાં આવ્યો હતો તેવું ડીએફઓ સંદીપકુમારે જણાવ્યું હતું.
ગાંધીનગર જાણ કર્યા બાદ સ્થાનિક તંત્ર આવ્યું -
આજે સવારે તાલાલા તાલુકાના મોરૂકા ગીર ગામે મહિલા ઉપર હિંસક પ્રાણીએ હુમલો કરી મોતને ઊતાર્યાનાં બનાવ અંગે ઘટનાસ્થળે એકઠા થયેલ ગામ આગેવાનો એ તાલાલા રેન્જના આર.એફ.ઓ તથા ગીર પશ્વીમ વિભાગના ડી.એફ.ઓ રમેશ કટારા ને આ બનાવની જાણ કરવા મોબાઇલ ઉપર સંપર્ક કર્યો હતો. પરંતુ અધીકારીઓ એ બે કલાક સુધી ફોન રીસીવ કર્યો નહોતો. બાદમાં તાલાલા તાલુકા કિસાન સંધના પ્રમુખ ભરતભાઇ સોજીત્રા એ ગાંધીનગર સ્થિત વનવિભાગ ના ઉચ્ચ અધીકારીઓને બનાવની જાણ કરતા ગાંધીનગર થી હુકમો છુટતાં વન વિભાગનું સ્થાનીક તંત્ર સફાળું જાગ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-eat-lady-who-worked-in-farm-near-talala-1950931.html
No comments:
Post a Comment