Friday, March 18, 2011

હોળી-ધુળેટી પર્વે કેસૂડાનું (Flame of the Forest) ધૂમ વેચાણ

Friday, March 18, 2011
- કેસૂડાના રંગથી ધૂળેટી રમાય તો શરીરનો રંગ નીખરે છે
- પ્રકૃતિના પુષ્‍પ એવા કેસૂડાના ફૂલો ઔષધિય ગુણોથી ભરપૂર છે
હોળી અને ધૂળેટી પર્વને અનુલક્ષીને અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મોટાભાગના શહેરોના બજારોમાં વસંતના છડીદાર કેસૂડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. હોળી-ધૂળેટીના પવિત્ર પર્વે હવે કેમિકલના રંગોની બોલબાલા થઇ રહી છે અને પરંપરાગત કેસૂડાના રંગો, પાણી ભૂલાતા જાય છે. એટલું ય ઠીક, પણ આજની પેઢીને કેસૂડો શું છે, તે પણ ખબર નથી હોતી. આ વિસરાતા જતા કેસૂડાના રંગોથી હોળી રમવાની શરુઆત ભગવાન કૃષ્ણે વૃંદાવનના રમણરેતીની જગ્યાના કેસૂડાના રંગથી કરી હતી. ત્યારથી આજ દિન સુધી મંદિરો અને હવેલીઓમાં ફૂલડોલ ઉત્સવ એટલે કે હોળીનાં પર્વ કેસૂડાના રંગોથી ઉજવાય છે.
ધીમે-ધીમે કેસૂડાના રંગોનું સ્થાન હવે કૃત્રિમ રંગોએ લઇ લીધું છે. હોળી જે કેમિકલ અને સિન્થેટીક રંગોથી રમાય છે, તે શરીર માટે ખૂબ નૂકશાનકર્તા હોય છે, તેમજ આર્થિક રીતે પણ ખર્ચાળ છે. જયારે કેસૂડાના રંગનું આરોગ્યની દષ્ટિએ પણ સારું એવું મહત્વ છે. ઉનાળો આવતાં પહેલાં દરરોજ કેસૂડાના પાણીથી સ્નાન કરવામાં આવે તો ગરમી લાગતી નથી. કેસૂડાનું પાણી શરીરને રૂપાળુ બનાવે છે.
કેસૂડા અને તેની ઝાડની ઉપયોગીતા વિશે જાણીએ તો, કેસૂડાના ઝાડમાંથી નીકળતો ગુંદર ઔષધિ તથા ચામડુ રંગવામાં ઉપયોગી છે. તેના કૂમળા મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડા અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાના દોરડા અને કાગળ બને છે. તેના પાનમાંથી પતરાવળા, પાતરદુના(પડિયા) અને બીડી પણ બને છે. તેના પાન ખાતર તરીકે ઉપયોગી છે, ઉપરાંત નાગરવેલના પાનને બાંધવામાં પણ ઉપયોગી બને છે, તેના બિયાંમાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેના ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. કેશૂડાના ઔષધિય ગુણો અનન્‍ય છે.
ફાગણ મહિનામાં, વસંત ઋતુમાં ખાખરાના ઝાડ ઉપર કેસૂડો થાય છે. ખાખરાના ઝાડ મોટાભાગે વગડામાં અને જંગલ વિસ્તારના માર્ગોની બંને બાજુ હોય છે. કહેવાય છે કે ખાખરા-કેસૂડાના આ ઝાડની ઉત્પતિ સોમરસ પીધા પછી ગરુડના પીંછામાંથી થઇ છે. કેસૂડાના પાનનું મધ્ય પાંદડું વિષ્ણુ, ડાબું બ્રહમા અને જમણું શિવનું મનાય છે.
ખાખરાના ઝાડની ખેતી નથી થતી. પરંતુ તે કુદરતી રીતે ઉગી નીકળે છે. પંખીઓના ચરકના દાણામાંથી ખાખરાનું ઝાડ આપોઆપ, કુદરતી રીતે ઉગી નિકળે છે અને ખાખરાના ઝાડ ઉપર કેસૂડો ઉગી નીકળે છે. ખાખરાના ઝાડની એક ખૂબી એ છે કે આ વૃક્ષમાં વસંત ઋતુમાં એક પણ પાંદડું હોતું નથી. પરંતુ વૃક્ષ કેસૂડાના ફૂલથી જ છવાઇ જાય છે.
કેસૂડો એ પ્રકૃતિનું પુષ્પ છે. તેની સુંગધ અને શીતળતા તેમજ રંગરુપ અનેરો મદહોશ પેદા કરતો હોય છે. પીળા અને કેસરી રંગના આ ફૂલને બીજસનેહ, બ્રાહોપાદપ, કરક, કૃમિદા, લક્ષતરુ, પલાશ, રકતપુષ્પક અને ત્રિપત્રક અને ગુજરાતીમાં ખાખરિયા, ખાખરો, ખાકડા, ખાનડો, ખાખર, પલાસો કહે છે. ફૂલના ભેદ પ્રમાણે તેના રાતો, પીળો, ધોળો અને કાળો એવા ચાર પ્રકાર છે. ઉનાળાના તાપમાં તેનાં ચકચકિત કેસરી ફૂલ બહુ આકર્ષક લાગે છે. આ ઝાડ આશરે ર૦થી ૪૦ ફૂટ ઉંચું થાય છે. તેનું થડ વાકું અને ડાળીઓ પણ જુદા જુદા વળાંકવાળી હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ ત્રણના ઝૂમખામાં હોય છે. પાંદડાની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. ડાળીઓ ઉપર ત્રણ ત્રણ ઝૂમખામાં પુષ્કળ ફૂલ થાય છે. ફૂલની પાંચ પાખડીઓ દેખાય છે. ફૂલ લાંબા હોય છે.
નવેમ્‍બર અથવા ડિસેમ્‍બરમાં પાંદડા ખરવા માંડે અને જાન્યુઆરીમાં બધા ખરી પડે. એપ્રિલ અથવા મે માસમાં નવા પાન આવે. ફૂલ જયારે ખીલે ત્યારે ઝાડને પાંદડા નથી હોતા પણ રડયાખડયા પાન ડાળીઓમાં દેખાય. એપ્રિલમાં આ શિંગો જાણે પાંદડા હોય એવો દેખાવ કરે છે. આ ઝાડ કાળી માટીમાં સારી રીતે વૃધ્ધિ પામે છે. ખારાશવાળી માટી તેને વધુ અનુકૂળ છે. ખાખરાને પાણી પાવાની જરુર પડતી નથી. તે કુદરતી રીતે જ વૃધ્ધિ પામે છે.

Source:http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-flowers-of-butea-frondosas-sale-on-high-before-holi-in-gujarat-1945631.html

No comments: