Sunday, March 6, 2011

ઘરની ઓસરીમાં સૂતેલા વૃધ્ધા પર દીપડાનો હુમલો.

ખાંભા ગીર તા.૫
મિતિયાળા અભયારણ્ય નજીક આવેલા ખાંભા તાલુકાના દાઢીયાળી ગામે ગત રાતે આવી ચડેલા દીપડાએ ૮ ફુટ ઉંચી કાંટાળી વાડની દીવાલ કુદીને ઘરની ઓસરીમાં સુતેલા ૭૦ વર્ષનાં વૃદ્ધા પર હુમલો કરી ગળેથી ઉંચકીને લઈ જવાનો પ્રયાસ કરતા આ વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જેને ખાંભાના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેનાં માથામાં દશ જેટલા ટાંકા લેવા પડયા છે. તેમજ અનેક જગ્યાએ ઈજાઓ થઈ છે. વિગત મૂજબ દાઢીયાળી ગામે ગરમીના કારણે પોતાના રહેણાંક મકાનની ઓસરીમાં સુતેલા બાબર વૃદ્ધા પાર્વતીબેન બચુભાઈ (ઉ.વ.૭૦) ઘસઘસાટ ઉંઘમાં હતાં. એ સમયે દબાતા પગલે ગામમાં આવેલા દીપડાએ ઉંચી કાંટાળી વાડને કુદીને વૃધ્ધા પર હુમલો કર્યો હતો. વૃધ્ધાનાં માથાને મોઢામાં પકડી લઈ ઉઠાવીને નાસવા જતાં પાર્વતીબેને બુમાબુમ કરતા આસપાસના લોકો અને ગામના લોકો તાબડતોબ એકઠા થઈ ગયા હતા. ભારે શોરબકોર થઈ જવાના કારણે દીપડાએ પાર્વતીબેનને મોઢામાંથી છોડી દીધા હતા. સાત આઠ ફુટ ઉંચી દીવાલ કુદીને દીપડો વાડી વિસ્તાર તરફ નાસી છુટયો હતો. બનાવ બાદ ભોગ બનેલા વૃદ્ધાને ખાંભા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતાં. જયાં તેને માથામાં દશ ટાંકા લેવા પડયા હતા અને અન્ય ઈજાઓની સારવાર કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે શિકારની શોધમાં આ વિસ્તારમાં દીપડાઓ ખુબજ આંટાફેરા કરે છે.જેને પકડી લેવા રજુઆતો કરવામાં આવે છે. પણ, વનખાતુ આળસમાં તાબડતોબ કોઈ કાર્યવાહી કરતું નથી.જેનો લોકોમાં ભારે રોષ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=268380

No comments: