Sunday, March 6, 2011

ખનીજ ચોરી કરતા ટ્રેક્ટરો જપ્ત: દોઢ લાખનો દંડ કરાયો.

Saturday, March 05, 2011 03:54 [IST]
Source: Bhaskar News, Rajula  
- રાજુલા તથા આસપાસના વિસ્તારોમાં બનેલો બનાવ
રાજુલા પંથકમાં છેલ્લા ઘણાં સમયથી ખાણ ખનીજ ખાતાના અધિકારોની મીઠી નજર તળે રોયલ્ટી ચોરીના કૌભાંડો વ્યવસ્થિત ચાલે છે. જે નરી વાસ્તવિકતા છે. ત્યારે અચાનક જ જિલ્લા કલેક્ટરે આદેશ કરતા હરક્તમાં આવી ગયેલા ત઼ંત્રએ આસપાસના ખનીજ વિસ્તારોના ચોરો સામે લાલ આંખ કરી એક દિવસમાં ૧,૫૦,૦૦૦થી વધુની રકમનો દંડ વસૂલ કર્યો હતો. જોકે તવાઇ હાથ ધરતા ખનીજ ચોરોમાં ફફડાટા વ્યાપી ગયો છે.
રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી સહિતના ગામોમાં અધિકારીઓની મિલિભગતથી રોયલ્ટી ચૂકવ્યા વગર બેફામ રેતી અને માટીની ચોરી થઇ રહી છે. થોડા સમય પૂર્વે હેમાળ ગામે ગ્રામજનોએ રેતીની તપાસ કરવા જન આંદોલન છેડ્યું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા તપાસ કરવાનું કાલુ વચન અપાયું હતું. આ જ રીતે જાફરાબાદના દિવાદાંડી, સરખેશ્વર, વઢેરા, વારાસ્વરૂપ સહિતના દરિયાઇ વિસ્તારોમાં ભુખરા પથ્થરની ખાણોમાંથી પથ્થર કઢાતા પાણીની ખારાશ વધી રહી હોવાથી આંદોલન કરવામાં આવ્યું હતું. તે સમયે પણ જવાબદાર તંત્રએ યોગ્ય કરવાની ખાત્રી આપવાનું ડીંડક કર્યું હતું. પરંતુ હાલ સુધી તો પરિસ્થિતિ જૈસે થે જ રહી છે.
ત્યારે શુક્રવારે જિલ્લા કલેક્ટર સોમપુરાએ અચાનક રાજુલાના મામલતદાર ગોવિંદસિંહ રાઠોડને તપાસનો આદેશ કરતા ડેપ્યુટી કલેક્ટર સાંગલે, સર્કલ ઓફિસર વિગુડા, સોલંકી, સહિતનાએ ચારોડીયા, વડલી, મોટી ખેરાળી સહિતના ગામોમાં ચેકિંગ હાથ ધરી ગૌચરો અને સરકારી જમીનમાંથી માટી, પથ્થરોની ચોરી કરનાર ૧૦ ટ્રેક્ટરોને ઝડપી લઇ દોઢ લાખથી વધુનો દંડ કરાયો હતો.
રાજુલામાં ખનીજ ખાતાની ઓફિસ નથી !
રાજુલા, જાફરાબાદ પંથક ખનીજનો અઢળક ખજાનો ગણાય છે. જ્યાં લાલ માટી, સફેદ માટી ગોરમટું, પથ્થરાળ સહિતની વસ્તુઓમાંથી સરકારને કરોડો રૂપિયાની હુંડિયામણની આવક હોવા છતાં રાજુલામાં ખાણ ખનીજ ખાતાની ઓફિસ કે કલાર્ક કે કારકૂનની કોઇ સુિવધા જ નથી !

Source:http://www.divyabhaskar.co.in/article/SAU-tractor-seized-to-theft-mineral-one-and-half-lacs-fine-1907929.html

No comments: