Monday, March 21, 2011

૪ થી ૩૨ દિવસના પ્રસુતિકાળમાં ચકલી ૭ જેટલા ઇંડા મુકે છે.

આમરણના પક્ષીવિદે કરેલું વિશિષ્ટ અવલોકન
આમરણ, તા. ૧૯
જોડીયા તાલુકાના આમરણમાં પક્ષી નિરીક્ષકે ચકલીના પ્રસુતિ કાળ દરમિયાન ઇંડા મુકવાના દિવસો અંગે અને તેના મેટિંગ પીરિયડ વિશે રસપ્રદ નિરીક્ષણ કર્યુ છે. આ અહેવાલ મુંબઇ સ્થિત નેચરલ હિસ્ટરી સોસાયટીને પણ મોકલવામાં આવશે.
તાજા જન્મેલા બચ્ચાંને હોય છે ચાર પગ, જેમાંથી બે પગ બને છે પાંખો
આમરણના પક્ષી નિરીક્ષક જયસુખભાઇ માવદિયાએ નર-માદા ચકલીના બે અલગ અલગ જૂથનું નિરીક્ષણ કર્યુ હતું. જેમા એક જૂથની માદા ચકલીએ ૩૨ દિવસના લાંબા પ્રસુતિ કાળ દરમિયાન ૭ ઇંડા મુકયા હતાં એટલું જ નહીં પ્રસુતિકાળ દરમિયાન પણ ઇંડા મુકયાના સમય ગાળામાં આ માદા ચકલી મેટિંગ પિરિયડમાં વ્યસ્ત જોવા મળી હતી. આ પહેલાં પણ આ માદા ચકલીએ સળંગ ચાર દિવસમાં ચાર ઇંડા મુકયા હતાં. જૂથ-૨ની માદા ચકલીએ પાંચ દિવસમાં ચાર ઇડા મુકયા હતાં અને આ દિવસો દરમિયાન ૧૮થી ૨૦ વખત મેટિંગ પીરિયડમાં જોઇ શકાઇ હતી. ચકલીના ઇંડા મુકવાના દૈનિક ક્રમમાં કયારેક ૨થી ૩ દિવસ તો કયારેક ૧૭ દિવસ જેટલો લાંબો વિલંબ પણ થતો હતો.
ઇંડામાંથી ૧૫ દિવસના ગાળામાં ચાર પગવાળુ રાતા- રતુંબડા રંગનું બચ્ચું બહાર આવે છે જેના આંખના પોપચા બિડાયેલા અને બે ગ્રામનું વજન હોય છે. સમય જતાં આગલા બંને પગમાં રૃંવાટી અને પીંછા ઉગવા લાગે છે અને એ બંને પગ પાંખો બની જાય છે. આ પક્ષી નિરીક્ષકે નોંધ્યું છે કે ચકલીને તેના આવનાર પ્રસુતિ દિવસનો ખ્યાલ આવી જતો હોવાથી પંદર દિવસ પહેલાંથી જ માળો બનાવી લે છે. તેમનો આ નિરીક્ષણનો અહેવાલ પક્ષીઓ માટેની મુંબઇ સ્થિત સંસ્થા નેચરલ હિસ્ટરી સોસાયટીને મોકલવામાં આવનાર છે.
Source:http://www.gujaratsamachar.com/20110320/gujarat/ahd7.html

No comments: