- પ્રતિકૂળ આબોહવાએ અસર બતાવતાં આફત સર્જાવાનાં એંધાણ
- કૃષિ ખાતા દ્વારા તાકીદે સર્વે કરાવવા માંગ
તાલાલા પંથકની સુપ્રસિધ્ધ કેસર કેરીનો મોટાભાગનો પાક અનુકુળ આબોહવાનાં અભાવે નિષ્ફળ જતા બાગાયત ખેડૂતો પર આફત સર્જાઇ છે. જેના પગલે ભૂમિપુત્રોની સ્થિતિ દયાજનક બની છે. ખેડૂતોએ પાક ધિરાણનાં વ્યાજમાં રાહત આપવા સહીતની સહાય આપી મદદરૂપ થવા રાજ્યનાં કૃષિ ખાતા દ્વારા સર્વે કરાવવામાં આવે તેવી માંગ કરી છે.
આ અંગે ગીર પંથકનાં વિવિધ ગામોમાંથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ અનુકુળ આબોહવાના અભાવે તાલાલા પંથકની મીઠી ખુશ્બુદાર કેસરકેરીના બગીચાઓમાં આંબા ઉપર શરૂઆતમાં ખુબ જ મોર આવતા આંબાનાં પાંદડા દેખાતા બંધ થઈ ગયા હતા. જેનાં કારણે કિસાનોને કેસર કેરીના વિપુલપાકની આશા બંધાઈ હતી. પરંતુ આંબા ઉપર મોર આવ્યા બાદ અનુકુળ આબોહવાના અભાવે જે બંધારણ થવુ જોઈએ તે ન થતાં ધીમે ધીમે આંબા ઉપરથી મોર ખરવા લાગ્યા હતા.પરીણામે કેસરકેરીનો ૭૦ થી ૭૫ ટકા જેટલો મોટા ભાગનો પાક નિષ્ફળ જવાની સ્થિતી ઉભી થતા તાલાલા પંથકના બાગાયત કિસાનો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે.
તાલાલા પંથકમાં ગત વર્ષે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં દસ કિલોગ્રામ વાળા ૧૪ લાખ ૮૭ હજાર કેસર કેરીનાં બોક્સ વેંચાણમાં આવ્યા હતાં અને અંદાજે ૩૫થી ૪૦ લાખ બોક્સસૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાડોg, કેનીંગ પ્લાન અને ફુટ માર્કેટમાં વેચાણ માટે ગયા હતા. અને સીઝનમાં તાલાલા પંથકમાં ૫૦ લાખથી પણ વધુ કેસરકેરીનાં બોક્સનું ઉત્પાદન થયું હતું.
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવેલા ૧૪ લાખ ૮૭ હજાર કેસરકેરીનાં બોક્સ પૈકી એક બોક્સનો ભાવ સરેરાશ ૧૪૩ આસપાસ રહ્યો હતો. જ્યારે અન્ય સેન્ટરોમાં એવરેજ ભાવ ૧૪૩ થી વધુ રહ્યો હતો. તાલાલા પંથકમાં ગયા વર્ષે અંદાજે ૯૦ થી ૧૦૦ કરોડ રૂપિયાનો કેરીનાં પાકનો અંદાજ અનુભવીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
જાણકારોનાં મત પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનો પાક માંડ માંડ ૨૫ ટકા જેટલો થવાનું જણાવ્યું છે. તાલાલામાં કુલ ખેતીની જમીનમાંથી ૮૦ ટકા જમીનમાં કેરીના બગીચા પથરાયેલ છે. જે પૈકી કેરીના ઉત્પાદક ૭૦ થી ૭૫ કિસાનોના બગીચામાં જુજ પ્રમાણમાં કેરીનો પાક છે. જ્યારે બાકી ૨૫ ટકા કિસાનોના બગીચામાં સારો પાક છે. પણ ગયા વર્ષ જેવો નથી.
તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો મોટા ભાગનો પાક નિષ્ફળ જતાં કિસાનોને આર્થિક પાયમાલીમાંથી ઉગારી લેવાની માંગણી સાથે રજુઆત કરવા તાલાલા ભાજપ પ્રમુખ રાકેશભાઈ વેકરીયા, મહામંત્રી વિજયભાઈ કનેરીયાની રાહબરી હેઠળનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર જશે અને કિસાનોને પાક ધિરાણના વ્યાજમાં રાહત આપવા સહીતની રજુઆત કરશે.
કેસર કેરીની સીઝન એક માસ મોડી..
તાલાલા પંથકમાં ગયા વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીની સીઝન એક માસ મોડી શરૂ થશે. ગયા વર્ષે પંથકમાંથી ૨૦મી માચેઁ પછી ગીર પંથકનાં વિવિધ ગામોમાંથી કેસરકેરીનો આગોતરો પાક વેંચાણ માટે જુનાગઢ- રાજકોટ સહીત સૌરાષ્ટ્રનાં અન્ય સેન્ટરમાં જશે. ગયા વર્ષે એપ્રિલ માસનાં પ્રારંભથી કેસર કેરીની હરરાજી શરૂ થઈ ગઈ હતી. તેની સરખામણીએ આ વર્ષે મે માસમાં કેરી વેચાણ માટે બજારમાં આવશે.
No comments:
Post a Comment