Saturday, March 26, 2011

દીપડાનાં ત્રાસ પાછળ વધતી સંખ્યા જવાબદાર.

તાલાલા તા.૨૫:
તાલાલા તાલુકામાં દિવસે - દિવસે હિંસક દીપડાનો ત્રાસ વધી રહ્યો હોય ગ્રામ્ય પ્રજાની સલામતી સામે ગંભીર ખતરો ઉભો થયો છે. આ અંગે ત્વરીત કાર્યવાહી કરવામાં નહી આવે તો હવે ગ્રામ્ય પ્રજા પોતાના રહેણાંક મકાનમાં પણ સલામત રહેશે નહી. તેમ, તાલાલા તાલુકા કિસાન સંઘના પ્રમુખ ભરતભાઇ સોજીત્રાએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જંગલી હિંસક દીપડાઓ હવે ગ્રામ્ય વિસ્તારમાં માનવ વસતિમાં આવી રહ્યા છે. છેલ્લા ૩ વર્ષ દરમિયાન દીપડાની વસતિમાં નોંધપાત્ર વધારો છે. તે ચિંતાજનક છે.
દીપડાની વસતિ વધારામાં થયેલ વધારાને સમયસર નિયંત્રણ કરવામાં નહી આવે તો આવતા પાંચ વર્ષ પછી ગીરની બોર્ડર ઉપર આવેલા ગામડાઓની શેરીઓમાં કૂતરાને બદલે દીપડાઓ જોવા મળશે. કારણ કે, ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં જંગલમાંથી આવેલ હિંસક દીપડાઓ માનવ વસતિ ઉપર હુમલાઓ કર્યા હોવાના અત્યારે દરરોજ પાંચથી સાત બનાવો બની રહ્યા છે. જેમાં ઉતરોતર વધારો થતો જાય છે.
માનવ વસતિ ઉપર દીપડાના વધી રહેલ હુમલા તાલાલા પંથક માટે ચિંતા જનક હોય દીપડાની વધી રહેલ વસતિ તુરંત નિયંત્રણમાં લેવા વન વિભાગે વિના વિલંબે ઠોસ કાર્યવાહી કરવા કિસાન સંઘના પ્રમુખે માંગણી કરી છે.
જંગલ ફરતે મજબૂત વાડ બનાવવી જરૃરી
ગિર અને ગિરનાર જંગલમાંથી વન્યપશુઓ બહાર નિકળીને અત્યાર સુધી ખેડૂતોના પાલતુ પશુઓ પર હૂમલા કરતા હતાં. પરંતુ હવે તો હિંસક પશુઓ ખેડૂતો પર પણ હૂમલા કરી રહ્યા છે. ખાસ કરીને દીપડાઓનો રંઝાડ ખુબ જ વધી ગયો છે. સામાજીક કાર્યકર વલ્લભભાઈ કુંજડીયાએ રાજ્યપાલ સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ખેડૂતના ખેતરમાં કોઈ પણ કારણસર વન્યપ્રાણી મૃત્યુ પામે ત્યારે પણ ભોગવવાનો વારો ખેડૂતોને જ આવે છે. વનવિભાગ દ્વારા નાહકના પરેશાન કરવામાં આવે છે. અન્નદાતાને આવી વિકટ સ્થિતિમાંથી છોડાવવાનો એક માત્ર વિકલ્પ છે. જંગલ ફરતે મજબૂત અને ઉંચી વાડ બનાવવામાં આવે તો આ સમસ્યા કાયમી ઉકેલાય જાય તેમ છે. માટે સરકાર દ્વારા આ દિશામાં સત્વરે પગલા લેવામાં આવે તેવી માગણી સાથે આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા આંદોલનાત્મક પગલા લેવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274335

No comments: