Saturday, March 12, 2011

બાળકને ફાડી ખાનાર દીપડો પાંજરે પૂરાયો.

તાલાલા, તા.૭
તાલાલાના ભોજદેની સીમમાં ગોળના રાબડામાં કામ કરતા શ્રમિક પરિવારના બે વર્ષનાં પુત્ર જયદીપને ગત તા.૨ના વહેલી સવારે નિંદ્રા અવસ્થામાં ઝૂંપડામાંથી ઉપાડી જઈ ફાડી ખાનારા આદમખોર દીપડાને પાંચ દિવસની મહેનત બાદ વનવિભાગનાં કર્મચારીએ મુરઘીફાર્મ નજીક ગોઠવાયેલા પાંજરામાં પૂર્યો હતો. વનવિભાગનાં અનુભવી કર્મચારીઓની બનેલી સંયુકત ટીમે દીપડાનાં ફુટમાર્ક સતત પાંચ દિવસ સુધી શોધી ભોજદે ગામની સીમ અને ગીર જંગલની બોર્ડર પર કુલ ૧૫ પાંજરા બકરા મૂકી ગોઠવ્યા હતાં. પરંતુ દીપડો ચતુરાઈપૂર્વક છટકી જાતો હતો.
દિપડો જંગલમાં ચાલ્યો જાય તો અન્ય દીપડાઓમાંથી માનવભક્ષી દીપડાને શોધવો મૂશ્કેલ બને તેમ હોઈ વનવિભાગે રાત્રિ દરમિયાન દીપડાની શોધખોળ ચાલુ રાખી હતી. આમ છતાં દીપડો ન પકડાતા પાંજરામાં બકરાનાં અવાજવાળા મશીનો લગાવાતા લલચાઈ ગયેલો દીપડો આજે વહેલી સવારે ભોજદે નજીક ખાનભાઈનાં મુરઘા કેન્દ્ર પાસે મૂકવામાં આવેલ પાંજરામાં મારણ કરવા ઘૂસતા પાંજરે પૂરાઈ ગયો હતો. બનાવના દિવસે જે ગ્રામજનોએ દીપડાને જોયો હતો તે લોકોને બોલાવતા તેમણે બાળકને ફાડી ખાનાર દીપડાને ઓળખી બતાવ્યો હતો. દીપડાને સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=268947

No comments: