Tuesday, June 30, 2020

કોરોનાને કારણે સાસણગીરનો ટુરિઝમ ધંધો પડી ભાંગ્યો, હોટલ, રિસોર્ટસ, સ્થાનિક જીપ્સી ચાલક બેરોજગાર બન્યા, રાહત આપવા માંગ

  • સાસણ ગીર એ ગુજરાત અને દેશનુ મહત્વનું પ્રવાસન કેન્દ્ર છે અને અનેક લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે
  • 3-3 જીપ્સીનુ સવાર અને બપોરે સફારી સિંગલ સીટ માટે કરન્ટ બુકિંગ કરવામા આવે તો બજેટવાળા પ્રવાસી પણ તેનો લાભ લઇ શકે
  • પ્રવાસન ક્ષેત્રમાં આવેલા રિસોર્ટ અને હોટલોની સમસ્યા શહેરોમા આવેલી સિટી હોટલથી અલગ પ્રકારની છે

દિવ્ય ભાસ્કર

Jun 04, 2020, 01:41 PM IST

રાજકોટ. ટુરિઝમ વ્યવસાયમાં સાસણગીરની સાથે રાજ્યમાં કોઇ પણ સ્થળ ન આવી શકે. પરંતુ કોરોનાના કારણે છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉનને કારણે આ વ્યવસાય પડી ભાંગ્યો છે. આથી ગીર જંગલ લોઝના મુકેશ મહેતાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, કોરોનાને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત પ્રવાસન સાથે જોડાયેલ રાજ્યના સાસણ ગીરના હોટલ, રિસોર્ટસ તથા સ્થાનિક જીપ્સી ચાલક, ગાઇડ વગેરેને વન વિભાગ અને રાજ્ય સરકાર તરફથી વિવિધ રાહત અને મદદ કરવાની માંગ છે. 

મોટા લેબર ફોર્સને કામ આપતો પ્રવાસન, હોટલ અને રિસોર્ટસનો વ્યવસાય ખૂબ જ મોટા પાયે અસર પામ્યો

મુકેશ મહેતાએ જણાવ્યું છે કે, ગુજરાત સરકાર ખૂબ મોટા પાયા પર કોરોનાના ફેલાવાને રોકવા કાર્યરત છે. ગુજરાતમાં જુનાગઢ જિલ્લો ટુરિઝમમાં અગ્રેસર છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોનાએ પ્રવેશ કરી દીધો છે. રાજ્યમાં ખુબ ટૂંકા ગાળામાં દરેક જિલ્લામા મોટાપાયે કોરોનાના દર્દીઓ માટે સ્પેશિયલ હોસ્પિટલ બનાવીને સારવારની વ્યવસ્થા ગોઠવી એ ઘણું જ સરાહનીય કાર્ય છે. અમે એસોસિએશન વતી રાજ્ય સરકારને વિવિધ કાર્યો માટે અભિનંદન પાઠવીએ છીએ. આપ જાણો જ છો કે કોરોનાને કારણે જે લોકડાઉન અને બાદની પરિસ્થિતિમાં મોટા લેબર ફોર્સને કામ આપતો પ્રવાસન, હોટલ અને રિસોર્ટસનો વ્યવસાય ખૂબ જ મોટા પાયે અસર પામ્યો છે. સાસણગીર, દ્વારકા, સોમનાથ, વેળાવદર, પોલો, સાપુતારા વગેરે સ્થાન પર આવેલ રિસોર્ટ હોટલોની સમસ્યા શહેરોમા આવેલી સિટી હોટલથી અલગ પ્રકારની છે. સાસણ ગીર એ ગુજરાત અને દેશનુ મહત્વનું પ્રવાસન કેન્દ્ર છે અને અનેક લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. આ અંગે મુખ્યમંત્રીને મુકેશ મહેતા દ્વારા પ્રવાસન વ્યવસાય ચાલી શકે અને લોકોને રોજગારી મળી રહે તે માટે સુચનો મોકલ્યા છે. આ સુચનોથી લોકડાઉન દરમિયાન અને બાદની પરિસ્થિતિમાં આ વ્યવસાય ફરી ઉભો થવામાં મદદરૂપ થઇ શકે તેમ છે. 

ભારતીય નાગરિકની ફીમાં 30 ટકા અને વિદેશી નાગરિકની ફીમાં 50 ટકાનો ઘટાડો અમલ કરાવો જોઇએ

ગુજરાતના જે વિવિધ પાર્ક અને સેન્ચુરી વિસ્તારમા સફારી થાય છે તેમા હાલની જે ભારતીય નાગરિકની ફી છે તેમા 30 ટકા તથા વિદેશી નાગરિકની ફીમાં 50 ટકાનો ઘટાડો આવતા 1-2 વર્ષ માટે અમલ થાય તેમ કરવો જોઇએ. કોરોનાને કારણે જે લોકડાઉન અને બાદની પરીસ્થિતિમાં જંગલ સફારી લગભગ 2 મહિના જેટલો સમય બંધ રહેશે. જેના કારણે રિસોર્ટસ અને હોટલ તથા જીપ્સી ડ્રાઇવર, ગાઇડ, અને અન્ય બધા મળી અનેક લોકોને રોજગારી પર જોખમ આવી પડ્યું છે જો હવે સફારીને 30 જુનથી બંધ કરીને 1 ઓક્ટોબરે ખોલવામા આવે તો તેના કારણે આશરે 30 દિવસ સુધી બધાને રોજગારી મળી શકે છે.

તહેવારોમાં સવારે અને સાંજે 10-10 જીપ્સી ચાલુ કરવામાં આવે તો અનેક લોકોને રોજગારી મળી શકે

હાલમા OCI CARD હોલ્ડર(NRI)ને કે જેને હાલમા વિદેશીનો ચાર્જ સફારી માટે લેવામા આવે છે. જેમને ભારતીયા નાગરિક મુજબ કે કોઇ અલગ કેટેગરી કરી ઓછો ચાર્જ પરમીટ માટે લેવામા આવે તો તેનાથી અનેક NRI ગુજરાતી લોકો સાસણ ફરવા આવશે. અન્ય ટાઇગર પાર્કમા એમના માટે ભારતીય નાગરિક જેટલો જ પરમીટ ચાર્જ લેવામા આવે છે. હાલમા સાસણમાં માત્ર 6 સીટની જીપ્સી માટે જ પરમીટ મળે છે પણ જો તેની સાથે ઓનલાઇન બુકિંગમા સવારે 5 જીપ્સીમાં સિંગલ સીટ અને બપોરે 5 જીપ્સીમાં સિંગલ સીટ બુકિંગ કરવામા આવે અને 3-3 જીપ્સીનુ સવાર અને બપોરે સફારી સિંગલ સીટ માટે કરન્ટ બુકિંગ કરવામા આવે તો બજેટવાળા પ્રવાસી પણ તેનો લાભ લઇ શકે. અથવા કેન્ટર ચાલુ કરી એનું બુકિંગ ઓનલાઇન ચાલુ કરવામા આવે. હાલમા ચોમાસામા દેવાળીયા ખાતે મીની બસ અને જીપ્સી દ્વારા પણ પ્રવાસન ચાલુ રહે છે. કોરોનાને કારણે જે લોકડાઉન અને બાદની પરીસ્થિતિમાં જંગલ સફારી જો કમલેશ્વર અને શીરવાણ તથા તેવા ઓલ વેધર રોડ વાળા કોઇ 2-3 રુટ બનાવી તેના પર શનિ-રવિ તથા જન્માષ્ટમી, 15 ઓગસ્ટ, રક્ષાબંધન, જેવા તહેવારોમા સવારે અને સાંજે 10-10 જીપ્સી ચાલુ રાખવામા આવે તો તેનાથી અનેક લોકોને રોજગારી મળશે.

હાલમા લાસ્ટ મિનિટ કેન્સેલેશન થાય તો પ્રવાસીને રિફન્ડ મળતું નથી

હાલમા ઓનલાઇન સફારીનું કેન્સેલેશન લાસ્ટ મિનિટમાં બહુ થતું નથી. જેના કારણે વેઇટિંગની સફારી કન્ફોર્મ થતી નથી અને અનેક પ્રવાસીઓને મુશ્કેલી પડે છે. આથી સરકારને આવક પણ ઓછી થાય છે. કારણ એવું છે કે, હાલમા લાસ્ટ મિનિટ કેન્સેલેશન થાય તો પ્રવાસીને રિફન્ડ મળતું નથી એટલે એ ઓનલાઇન જઇ અને કેન્સેલેશન કરાવતો નથી અને સફારીનો શો થાય છે અને વેઇટિંગ પણ ક્લિયર થતું નથી. પણ જો લાસ્ટ મિનિટ સુધી સફારી કેન્સેલેશન માટે 25 ટકા જેટલું રિફંડ આપવામા આવે તો વન વિભાગને પણ આર્થિક ફાયદો થાય અને જીપ્સી, ગાઇડ, પ્રવાસીને અને હોટલને પણ ફાયદો થાય તેવું છે. હાલ જો કોઇ પ્રવાસી પરમીટ કેન્સલ ન કરાવે તો વન વિભાગને પરમીટ ફીના 100 ટકા મળે પણ વેઇટિંગ પરમીટના પૈસા રિફંડ કરવા પડે એના બદલે લાસ્ટ મિનિટ કેન્સેલેશનને 25 ટકા આપે તો લોકોએ 25 ટકા લેવા પરમીટ કેન્સલ કરાવે જેથી સરકારને 75 ટકા મળે અને વેઇટિંગ પરમીટ કન્ફોર્મ થાય એટલે બીજા 100 ટકા મળે (જે પહેલા રિફંડ થવાના હતા). આમ 175 ટકા પરમીટ ફી વન વિભાગને મળે સાથે સાથે વેઇટિંગની પરમીટ કન્ફોર્મ થતાં એક પ્રવાસી ગ્રુપને ફાયદો થાય એક જીપ્સી અને એક ગાઇડને પણ ફાયદો થાય અને વેઇટિંગ પરમીટવાળો પ્રવાસી પણ ખુશી સાથે પરત જાય. આમ બધાને ફાયદો થાય.  
https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/sasangirs-tourism-business-collapsed-due-to-corona-so-hotel-owner-wrote-letter-to-cm-127373483.html

No comments: