Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 02:01 AM
અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જ 23માંથી 11 સિંહના મોત વાઇરસના કારણે જ્યારે અન્ય સિંહોના મોત પરસ્પર લડાઇ (ઇનફાઇટ)...
અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જ 23માંથી 11 સિંહના મોત વાઇરસના કારણે જ્યારે અન્ય સિંહોના મોત પરસ્પર લડાઇ (ઇનફાઇટ) સહિતના વિવિધ કારણોસર થયા હોવાનો સરકારનો દાવો છે. સરકારના જણાવ્યા પ્રમાણે દલખાણીયા રેન્જમાં 36 સિંહને નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે જેમાંથી 3 સિંહની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. જો કે સિંહો કેવી રીતે વાઇરસની ઝપેટમાં આવ્યા એ અંગે સરકારે હજુ સુધી કોઈ નક્કર કારણો આપ્યા નથી. ગીર પંથકના પ્રકૃતિપ્રેમીઓના મતે ગીરના સિંહોના મોત પાછળ મોટાભાગે ઇનફેક્શન અને એકસાથે સાર્વજનિક વિસ્તારમાં ફેંકી દેવાયા મૃત ઢોરનું મારણ કારણભૂત છે. ભૂતકાળમાં આફ્રિકામાં આવેલા સેરેગીટી નેશનલ પાર્ક (ટાન્ઝાનિયા)માં 1994માં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સીડીવી)ના કારણે એક હજારથી વધુ સિંહોના મોત થયા હતા. એ જ રીતે ટાન્ઝાનિયામાં જે રીતે રોગનો ફેલાવો હતો તેના કારણો ગિર વિસ્તારમાં ઘણી રીતે મળતા આવે છે. લીલીયા પંથકના પ્રકૃતિપ્રેમી રાજન જોષીએ 10 દિવસ પહેલા મુખ્યમંત્રીને ગીરની સિંહ પર સીડીવીનું સંકટ તોળાઈ રહ્યું હોવાની ચેતવણી આપતો પત્ર પાઠવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટાન્ઝાનિયામાં નેશનલ પાર્કની સીમાની આસપાસના વિસ્તારમાં લોકોનો ઘણો વસવાટ હતો અને તેટલા જ પ્રમાણમાં કૂતરાઓ પણ વસતા હતાં. જેની લાળના કારણે આ વાઇરસ ફેલાયો હતો. આ વાઇરસ પાછળ સિંહ, દીપડા સહિતના પ્રાણીઓ સાથે કૂતરા, શિયાળ, વરુ વગેરેનો થતો સોશિયલ કૉન્ટેક જવાબદાર હતો. કોઈ એક સ્થળે સિંહ શિકાર કર્યા બાદ ચાલ્યો જાય પછી કૂતરા, શિયાળ વિગેરે શિકાર આરોગવા પહોંચે છે. અને સિંહ એ મારણ આરોગવા ફરીવાર આવે ત્યારે મારણમાં ભળેલી કૂતરા તથા અન્ય પ્રાણીઓની લાળ સિંહના શરીરમાં પ્રવેશે છે. જેના કારણે સિંહમાં ઇન્ફેક્શન ફેલાય છે. જો કે હવે સરકારે ગીરના 5 જિલ્લાના 110 ગામોમાં કૂતરા તથા અન્ય પશુઓનું રસીકરણ શરૂ કરવાની તથા અમેરિકાથી રસીના 300 શૉટ્સ મગાવવામાં આવ્યા હોવાની જાહેરાત કરી છે. ગીરમાં સિંહો વાઇરસનો ભોગ બને છે તેની સાબિતી વિવિધ સંશોધનોમાં મળી છે.https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020131-2884987-NOR.html
No comments:
Post a Comment