Divyabhaskar.com | Updated - Oct 03, 2018, 01:13 AM
સાવજો અસાધારણ બિમારીનો ભોગ બન્યા પણ વનતંત્ર દ્વારા ઢાંકપીછોડો ?
અમરેલીઃ સમગ્ર દેશને જેના પર ગૌરવ છે તે સાવજો ટપોટપ મરી રહ્યા છે. 21-21 સાવજોના મોત બાદ પણ તંત્રએ ઇનફાઇટનું ગાણુ ગાવાનું છોડ્યુ નથી અને ગઇકાલે આખરે કેટલાક સાવજોમાં જુદી જુદી બિમારીઓ હોવાનું કબુલી તે માટે અમેરીકાથી વેક્સીન મંગાવવાની જાહેરાત કરી છે. જ્યારે સવાલ એ ઉઠવા પામ્યો છે કે અત્યાર સુધી તો ખુદ વનમંત્રી પણ ઇનફાઇટનું ગાણુ ગાતા હતાં. સાવજોની મોટાભાગની બિમારીઓની દવા અહિં ઉપલબ્ધ છે. છતાં અમેરીકાથી દવા મંગાવાઇ રહી છે. તે સ્પષ્ટ દર્શાવે છે કે આ સાવજો અસાધારણ બિમારીનો ભોગ બન્યા છે.ગીરના સાવજો જે રીતે એક પછી એક મોતને ભેટ્યા તે અંગે જાણકારો પ્રથમથી જ આ સાવજો ગંભીર બિમારીનો ભોગ બની રહ્યા હોવાનું માની રહ્યા છે. પરંતુ નિંભર વનતંત્રએ ઇનફાઇટ અને ઇનફાઇટના કારણે થયેલા ઇન્ફેક્શનને જ સાવજોના મોત માટે જવાબદાર માની ગંભીર બેદરકારી દાખવી હતી. બે દિવસ પહેલા ખુદ વનમંત્રીએ ધારી અને દલખાણીયાની મુલાકાત લીધી હતી. તે વખતે પણ આ જ વાતો દોહરાવ્યે રખાઇ હતી.
સામાન્ય રીતે અહિં સાવજો બિમાર પડે ત્યારે તેની સારવાર કરાય જ છે અને આ સાવજોને લાગુ પડતી તમામ બિમારીઓની દવા દેશમાં ઉપલબ્ધ જ છે. વનતંત્રએ છેક અમેરીકાથી દવાઓ મંગાવી તે જ દર્શાવે છે કે અહિંના સાવજો એવી ગંભીર બિમારીમાં સપડાયા છે જેની અહિં દવા ઉપલબ્ધ નથી. જો આ દિશામાં ઝડપી કાર્યવાહી નહી થાય તો વધુ સાવજો કાળનો કોળીયો બની જશે.
વનતંત્ર દ્વારા ગીર જંગલમાંથી કેટલાક સાવજોને નિરીક્ષણ માટે ઉપાડી લઇ જામવાળામાં રાખવામા આવ્યા છે. પરંતુ આ સાવજોને જે સ્થળે રખાયા છે તેની આસપાસ ભારે ગંદકી છે. તેના કારણે પણ સાવજો બિમાર પડે તેવી શક્યતા છે. આજે આસપાસમાં ગંદકી હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-if-there-is-no-serious-illness-why-should-we-call-a-vaccine-from-america-for-lion-gujarati-news-5964951-NOR.html
No comments:
Post a Comment