Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 05:11 PM
2 સિંહની જોડીમાં 1 સિંહ ન દેખાતા આ વિસ્તારના ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો
હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા: વનવિભાગની તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ એટલે ધણીધોરી વગરનો રાઉન્ડ. આ રાઉન્ડ નીચે આવતા વિડી અને રેવન્યુ વિસ્તારમાં 15થી પણ વધારે સિંહો કાયમી વસવાટ કરી રહ્યા છે. ત્યારે અહીં રાયડી પાટી બીટ નીચે આવતા મોટા બારમણનો સળવા તરીકે ઓળખાતો રેવન્યુ વિસ્તારમાં પાછલા ઘણા સમયથી 2 સિંહોની જોડી રહે છે. બંને સિંહો એકબીજાના ખાસ ભાઈબંધ છે અને બંને સાથે મળી જ મારણ કરી મિજબાની માણે છે. ત્યારે આ જોડી હાલ બે દિવસથી ખંડિત જોવા મળી રહી છે. એક પુખ્ત વયનો સિંહ લાપતા થતા તેનો ભાઈબંધ પણ સુનમુન પડ્યો રહે છે. છેલ્લા 2 દિવસથી બંનેમાંથી એક પણ સિંહની ડણક આ વિસ્તારના ગ્રામજનો કે ખેડૂતોએ સાંભળી નથી ત્યારે સ્થાનિક લોકોએ આ અંગે વનવિભાગને જાણ કરી છે.આ વિસ્તારના 15 કરતા વધુ સિંહોના હગારના નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલાવા અત્યંત જરૂરી છે
વનવિભાગને જાણ કરવા છતાં વનવિભાગ ઓફિસમાં બેઠા બેઠા સર્વે કરી રહ્યા છે જ્યારે આ સિંહો પૈકી એક સિંહને હગાર જાડો થવાના બદલે સિંહને પાતળા ઝાડા થયા હોવાની સંભાવના સ્થાનિક ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ લાપતા થયેલા સિંહ પુખ્ત વયનો હોવાથી તેની જાન ઉપર જોખમ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. જ્યારે આ વિસ્તારના 15 કરતા વધુ સિંહોના હગારના નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલાવા અત્યંત જરૂરી છે અન્યથા દલખાણીયા રેન્જમાં સિંહોની કૂતરાની માફક મોતને ભેટી રહ્યા છે તેમ અહીં આ ઘટનાનું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં અને સિંહોના મોત માટે રાહમાં આ તુલસીશ્યામ રેન્જના કેહવાતા અધિકારીઓ બેઠા હોય તેમ હાલ લાગી રહ્યું છે.
તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડમાં 15 કરતા વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે
વનવિભાગના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડમાં 15 કરતા વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે તેને હગાર જાડો હોવો જોઈએ તેના કરતાં એકદમ પાતળો જાડો જોવા મળી રહ્યો છે અને તેના કારણે સિંહોને ઝાડા થઈ જાય છે અને શરીર અશક્ત થવા લાગે છે. ત્યારે આ તમામ સિંહોને વહેલી તકે લોકેશન કરી આ હગાર જાડો કેમ નથી થતો તેના નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલાવા અત્યંત જરૂરી છે અન્યથા દલખાણીયા રેન્જમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન અહીં થઈ તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં થયેલા સિંહોને પણ આ હગાર જાડોની જગ્યાએ પાતળો ઝાડો થયા હતા અને બાદમાં ટૂંક સમયમાં ઉલ્ટી શરૂ થઈ જતી હતી અને બાદમાં સિંહોનું મોત નીપજતું હતું. તેવો જ વાઇરસ હાલ રાબારીકા રાઉન્ડના સિંહોમાં જોવા મળી રહ્યો છે.
જોડીદાર સિંહે બે દિવસથી નથી કરી ડણક કે મારણ
તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલને આ ઘટના અંગે પૂછવા માટે જ્યારે ફોન કરવામાં આવતા ફોન ઉપાડવાનું ટાળ્યું હતું અને જેમ કોઈ ઘટના ઘટી જ ન હોય તેમ ઓફિસમાં બેઠા બેઠા તપાસ કરાવી રહ્યા હતા તેવું વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ બંને સિંહોને એટલી ગાઢ ભાઈબંધી છે કે એક ભાઈબંધ લાપતા થતા બીજો સિંહ બે દિવસથી ડણક નથી આપી અને મારણ પણ નથી કર્યું. ત્યારે સિંહમાં એકબીજા પ્રત્યે પ્રેમ જોવા મળી રહ્યો છે પરંતુ સિંહોના નામે હજારો રૂપિયા પગાર લેતા હોય તેને સિંહોની કંઇ જ પડી નથી. મોટા બારમણના વનવિભાગને જાણ કરનાર શિવલાલ સુદાણી સાથે ટેલિફોનિક વાતચીત થતા તેઓએ જણાવ્યું હતું કે આ બંને નર સિંહો છે અને બેલડી છે ત્યારે છેલ્લા 2 દિવસથી આ સિંહ પૈકી એક જોવા મળતો નથી અને આ સિંહ બીમાર હોવાનું મને લાગી રહ્યું હોવાથી મેં વનવિભાગ ને જાણ કરી હતી.
તુલસીશ્યામ રેન્જના 140 સિંહો પર વાઇરસનું સંકટ આવી પહોંચ્યાની શકયતા
હાલમાં ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જ અને જસાધાર એનિમલ કેર ખાતે 21 દિવસ જેટલા ટૂંકા ગાળામાં 23 જેટલા એશિયાટીક સિંહો મોતને ભેટ્યા છે ત્યારે આ સિંહોમાં વાયરસના કારણે મોતને ભેટ્યા હોવાનું આખરે સરકાર અને વનવિભાગએ માન્યું અને હવે સિંહોનો મૃત્યુઆંક ન વધે તેની તકેદારીના ભાગરૂપે હાલ વનવિભાગ સિંહોને બચાવવા મેદાનમાં આવ્યું છે. ત્યારે તુલસીશ્યામ રેન્જમાં પણ આ વાઇરસનો ખતરો છે અને રેન્જના 2015-16 સરકારી ગણતરીના આંકડા પ્રમાણે 140 સિંહો પર આ વાઇરસનો ખતરો હોવાનું મનાઇ રહ્યું છે. તુલસીશ્યામ રેન્જના અને દલખાણીયા રેન્જની નજીક આવતો સિંહોના રહેઠાણ વિસ્તારમાં વનવિભાગ દ્વારા સિંહો પકડવા કોબિંગ હાથ ધરવામાં આવ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-one-lion-missed-in-rabarika-round-of-tulasishyam-range-gujarati-news-5965600-NOR.html
No comments:
Post a Comment