Wednesday, October 31, 2018

સિંહો ખોરાક માટે 70% વન્ય પ્રાણીઓ પર આધારિત, ગાય-ભેંસ પર નહીં

Divyabhaskar.com | Updated - Oct 06, 2018, 11:42 PM

ખોરાક સામે સવાલ માલધારીઓને કાઢ્યા એટલે સિંહો જંગલ બહાર આવ્યા એવું નથી : વન્યપ્રાણીઓનાં રીસર્ચર્સનો સ્પષ્ટ અભિપ્રાય

જૂનાગઢ:ગિર જંગલની દલખાણીયા રેન્જમાં તાજેતરમાંજ સિંહોનાં ટપોટપ મોત થવાની ઘટનાને પગલે વર્ષો પહેલાં જંગલમાંથી બહાર કઢાયેલા માલધારીઓનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. જેમાં એવી દલીલો થઇ રહી છે કે, માલધારીઓને બહાર કાઢ્યા એટલે સિંહોને ખોરાક માટે જંગલની બહાર ભટકવું પડે છે.
આ અંગે વર્ષોથી વન્યપ્રાણી સૃષ્ટિનાં રીસર્ચર અને પ્રકૃતિ પ્રેમી રહેલા નિષ્ણાંતનાં કહેવા મુજબ, સિંહોને જંગલની બહાર આવવાનાં ઘણાં કારણો છે. એક તો સિંહનું સંરક્ષણ થવાને લીધે તેની સંખ્યા વધી એટલે બહાર નિકળ્યા.

વળી સિંહ એક ટેરીટોરીયલ એનીમલ છે. એટલેકે, તે બીજાને પોતાના વિસ્તારમાં ન આવવા દે. અને ઘણા બધા રેવન્યુ વિસ્તાર, સરકારી પડતર જમીન, ગૌચર અને અમુક માલિકીની જમીનો એવી છે જે જંગલ જેવી થઇ ગઇ છે. એટલેકે, ત્યાંથી ઇકો સીસ્ટમ સિંહોને રહેવા માટે અનુકૂળ થઇ ગઇ છે. જેમકે, જ્યાં ખેતી ન થતી હોય એવી જમીન ડુંગરાળ અને ઝાડી-ઝાંખરા ઉગી નિકળ્યા હોય, ત્યાં નિલગાય-જંગલી ભૂંડ જેવા રખડતા પ્રાણીઓનો વસવાટ હોય. અને આવા પ્રાણીઓ હોય એટલે ઘાસ અને પાણી પણ હોયજ. આ રીતે સિંહને રહેવા, ભોજન અને પાણીની સગવડ થઇ જતાં તે ત્યાં પોતાની ટેરીટરી બનાવે છે.

ઘણાં ખેતરોમાં તો ક્યારેક ખુદ વાડી માલિકને ખબર નથી હોતી કે, તેની વાડીમાં ઘણા વખતથી સાવજનો વસવાટ છે. સિંહોના આ પ્રકારનાં વસવાટને સેટેલાઇટ પોપ્યુલેશન કહેવાય. સિંહ ઘાસના મેદાનનું પ્રાણી છે. જ્યારે વાઘ ગીચ જંગલનું પ્રાણી છે. સિંહને પણ ખુલ્લા વિસ્તારો વધુ અનુકૂળ આવે છે. હવે ગિર જંગલની ગીચતા વધી છે. સિંહોની અનુકૂળતા માટે પણ તેને પાંખું બનાવવાની જરૂર છે. આમ સિંહો બહાર નિકળ્યા છે તેને અનુકૂળ સંજોગો સર્જાવાને લીધે. છેલ્લા રીપોર્ટો મુજબ સિંહોના ખોરાકમાં 70 ટકા ફાળો જંગલી પ્રાણીનો છે. 30 ટકા ફાળો માલઢોરનો છે. તેમાંય એકલદોકલ સિંહણ માટે તો ટોળામાં ફરતી ભેંસનો શિકાર કરવો અઘરો છે. કારણકે, ભેંસ સામી થાય છે. જોકે, સિંહો માલઢોરનું સાવ મારણજ નથી કરતા એવું પણ નથી.

સિંહ ખેતર પાસે આવતા નિલગાય-ભૂંડ દૂર ચાલ્યા જાય

ગિર અને ગિર બહાર જે સિંહો છે તેને ખેડૂતોએ બહુ સાચવ્યા છે. કારણકે, ગિરના સિંહ માનવભક્ષી નથી. એટલે તે ક્યારેય માનવી પર હુમલો નથી કરતા. એટલેજ ગિર કે ગિર બહારના લોકો સિંહથી ડરતા નથી. તેમણે સિંહને સ્વીકારેલા છે. સિંહ જ્યારે તેના ખેતર પાસે હોય ત્યારે નિલગાય-ભૂંડ જેવા પ્રાણીઓ ત્યાંથી દૂર ચાલ્યા જાય છે. પરિણામે ખેડૂતોને રાતવાહુ કરવાની પણ જરૂર પડતી નથી.

ઇકો સેન્સિટીવ ઝોન કેન્દ્રે નક્કી કર્યા મુજબનો હોવો જોઇએ

ગિરના સિંહોને રક્ષિત એરિયા મળી રહે એ માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબનો ઇકો સેન્સિટીવ ઝોન હોવો જોઇએ. રાજ્ય સરકારે ઘણી જગ્યાએ તેને ઘટાડી માત્ર 500 મીટરનો રાખ્યો છે. જે વન્યપ્રાણીના લાંબાગાળાના સંરક્ષણ માટે હિતાવહ નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lions-based-on-70-of-animals-for-food-not-on-cows-gujarati-news-5966669-NOR.html

No comments: