Divyabhaskar.com | Updated - Sep 30, 2018, 02:01 AM
ગીર જંગલમાં એક પખવાડીયાથી સાવજોના મોતનો સીલસીલો ચાલી રહ્યો છે અને 14-14 સાવજોના મોત બાદ આખરે વનમંત્રીને છેક આજે...
ગીર જંગલમાં એક પખવાડીયાથી સાવજોના મોતનો સીલસીલો ચાલી રહ્યો છે અને 14-14 સાવજોના મોત બાદ આખરે વનમંત્રીને છેક આજે ધારીની મુલાકાત લેવાનો ટાઇમ મળ્યો હતો. સૌથી કરૂણાની બાબત એ છે કે સાવજોના આ મોત વનતંત્રની ઘોર બેદરકારીથી થયા હતાં પરંતુ વનમંત્રીએ તો વન વિભાગનો સ્ટાફ દિવસ-રાત મહેનત કરી રહ્યો હોવાનું જણાવી તેમને અભિનંદન પણ ઠપકારી દીધા.14 સિંહોના મોતની ઘટનાના લાંબા સમય બાદ રાજ્યના વનમંત્રી ગણપત વસાવા આજે તે અંગેની જાત માહિતી લેવા માટે ધારી ખાતે આવી પહોંચ્યા હતાં. એક તરફ ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે અને સિંહોના મોતનો મામલો ગંભીર બન્યા બાદ છેક સર્વે શરૂ કરાયો છે. તેવી જ રીતે બીજી તરફ વનમંત્રી પણ મોડે મોડે જાગ્યા હતાં. નવાઇની વાત તો એ છે કે 14 સાવજોના મોત થયા ત્યાં સુધી તંત્ર સુતુ રહ્યુ. બલ્કે એક સાવજનું તો મોત થયા બાદ દિવસો સુધી મૃતદેહ પડયો રહ્યો અને માત્ર અવશેષો જ મળ્યા જેના આધારે તે સિંહ છે કે સિંહણ તે પણ નક્કી થઇ શક્યુ નથી. આમ છતાં વનમંત્રી વસાવાએ સારી કામગીરી બદલ વનકર્મીઓને અભિનંદન ઠપકારી દીધા હતાં. અહિં તેમણે જણાવ્યુ હતું કે સાવજોની રક્ષા માટે વનકર્મીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. અગાઉ ઉચ્ચ વનઅધિકારીઓએ સાવજોના મોતની આ ઘટનાને ઇનફાઇટમાં ખપાવી દીધી હતી. આજે વનમંત્રીએ પણ આ સાવજોના મોત ઇનફાઇટ તથા ઇનફાઇટના કારણે સાવજોને ઇન્ફેક્શન લાગવાના કારણથી થયા હોવાનું જણાવ્યુ હતું. સવારે સૌ પ્રથમ તેઓ ધારી પહોંચ્યા બાદ દલખાણીયા રેંજમાં જંગલ વિસ્તારમાં જ્યાં સાવજોના મોત થયા હતાં તે ઘટનાસ્થળોનું પણ નિરીક્ષણ કર્યુ હતું અને બાદમાં બપોરે ધારી ખાતે ફરી અધિકારીઓ, ગ્રામ્ય વિસ્તારના સરપંચો વિગેરે સાથે મીટીંગ કરી હતી. તેમણે લોકો સાથેની ચર્ચામાં સિંહ બચાવવા અંગે તેમના અભિપ્રાયો પણ જાણ્યા હતાં અને સાથે સાથે જણાવ્યુ હતું કે મુખ્યમંત્રી પણ દલખાણીયાની આ ઘટના અંગે તેમની પાસેથી સતત વિગતો લઇ રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020116-2851596-NOR.html
No comments:
Post a Comment