Divyabhaskar.com | Updated - Oct 21, 2018, 11:51 PM
ગંભીર રીતે ઘાયલ સિંહણને સારવાર માટે ધારી ખસેડાઇ : સાવજોની રક્ષામાં વનતંત્રની વધુ એક બેદરકારી સામે આવી
અમરેલી, ખાંભા: ગીરના અણમોલ ઘરેણા સમાન સાવજોની રક્ષામા વનતંત્ર કેટલી હદે પાંગળુ છે તેનો વધુ એક નમુનો તુલશીશ્યામ રેંજના ખડાધાર વિસ્તારમા જોવા મળ્યો છે. જયાં સીમમા બકરા ચરાવતા એક ગોવાળે મારણ માટે ધસી આવેલી સિંહણ પર કુહાડીના ચાર ઘા ઝીંકી તેને લોહીલુહાણ કરી દીધાની ઘટના સામે આવી છે. ગંભીર રીતે ઘવાયેલી સિંહણને હાલમા સારવાર માટે ધારી ખસેડાઇ છે. તો બીજી તરફ જેણે હુમલો કર્યાનુ મનાય છે તે ગોવાળને પકડી વનતંત્રએ પુછપરછ શરૂ કરી છે.સીમમા એક સિંહણ ઘાયલ અવસ્થામાં સુનમુન બેઠી હતી
પોતાના બકરાને બચાવવા માટે ગોવાળે સિંહણ પર હુમલો કરી દીધાની આ વિરલ ઘટના ખાંભા તાલુકાના ખડાધાર ગામની સીમમા બની હતી. તુલશીશ્યામ રેંજ નીચે આવતા ખડાધારની સીમમા એક સિંહણ ઘાયલ અવસ્થામાં સુનમુન બેઠી હોવાની ગઇકાલે વનતંત્રને બાતમી મળી હતી. જેને પગલે વનવિભાગની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઇ હતી. સિંહણને જોયા બાદ વેટરનરી ડોકટરને પણ સ્થળ પર બોલાવાયા હતા. આ સિંહણને પાંજરે પુરી તપાસ કરાતા તેને આંખ, પીઠ તથા કરોડરજ્જુના ભાગે તિક્ષ્ણ હથિયારના ચાર ઘા મરાયાના નિશાન મળી આવ્યા હતા.
ગંભીર રીતે ઘવાયેલી સિંહણ બકરાનો શિકાર કરી શકી ન હતી
આ સિંહણ ગઇકાલે આખો દિવસ એક જ જગ્યાએ બેઠી હતી અને કોઇ જ પ્રકારની મુવમેન્ટ ન હોય તંત્રનુ ધ્યાન ગયુ હતુ. પાંજરે પુરી આ સિંહણને સારવાર માટે ધારી ખાતે ખસેડવામા આવી હતી. વનતંત્રને પ્રથમ દ્રષ્ટિએ એવી માહિતી મળી હતી કે ખડાધારનો એક દેવીપુજક યુવાન ગઇકાલે સીમમા બકરા ચરાવવા માટે ગયો હતો તે સમયે સિંહણે બકરાના મારણનો પ્રયાસ કરતા આ શખ્સે પોતાના બકરાને બચાવવા કુહાડી જેવા હથિયારથી સિંહણ પર હુમલો કરી ચાર ઘા મારી દીધા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલી સિંહણ બકરાનો શિકાર કરી શકી ન હતી.
બેદરકાર વનતંત્ર પર માછલા ધોવાઇ રહ્યાં છે
વનવિભાગે હાલમા આ દેવીપુજક શખ્સને પકડી લઇ તેની પુછપરછ શરૂ કરી હોવાનુ પણ જાણવા મળેલ છે. તાજેતરમા જ દલખાણીયા રેંજમા 23 સાવજોના મોતને પગલે બેદરકાર વનતંત્ર પર માછલા ધોવાઇ રહ્યાં છે તેવા સમયે પણ આ તંત્ર સાવજોની રક્ષામા કેટલી હદે બેદરકાર છે તેવી બીજી ઘટના સામે આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-to-save-his-goat-flockman-jumped-four-looted-axes-on-the-lioness-gujarati-news-5972640-NOR.html
No comments:
Post a Comment