Wednesday, October 31, 2018

દલખાણીયા રેન્જમાં મોતને ભેટેલા તમામ 23 સિંહોનાં મૃતદેહોને સળગાવી દઇ કરાયો નિકાલ

Divyabhaskar.com | Updated - Oct 06, 2018, 11:23 PM

ચાર સિંહને ધારીનાં ભુતીયા બંગલે, ત્રણ સિંહબાળને જંગલમાં ઘટના સ્થળે અને 16 સાવજોને જસાધાર એનીમલ કેર સેન્ટરમા અપાયો છે

અમરેલી: તમને એ જાણીને નવાઇ લાગશે કે જેવી રીતે હિન્દુ સમાજમા માણસના મૃત્યુ બાદ અગ્નિદાહ આપી શબનો નિકાલ કરાય છે તે જ રીતે ગીર જંગલમા કોઇ સાવજનુ મોત થાય ત્યારે તેના મૃતદેહનો પણ અગ્નિદાહ આપીને જ નિકાલ કરવામા આવે છે. માણસના મૃતદેહને અગ્નિદાહ માટે જેવી સગડીઓ સ્મશાનમા બનાવાય છે તેવી જ સગડીઓ સાવજો માટે પણ વનવિભાગે જુદાજુદા સ્થળે રાખી છે. તાજેતરમા દલખાણીયા રેંજમા મૃત્યુ પામેલા તમામ 23 સાવજોના મૃતદેહનો જુદાજુદા સ્થળે આ જ રીતે અગ્નિદાહ આપી નિકાલ કરવામા આવ્યો હતો.

સાવજ જેવી રીતે શાનથી જીવે છે તેવી જ રીતે તેના અંતિમ સંસ્કાર પણ શાનથી થાય છે. સામાન્ય રીતે જંગલમા વન્યપ્રાણીના મૃત્યુ બાદ તેના મૃતદેહનો કુદરતી રીતે નિકાલ થતો હોય છે. પરંતુ ગીરનો સાવજ અહીનુ ઘરેણું છે. જયારે કોઇપણ સાવજનુ મોત થાય ત્યારે તેનુ પોસ્ટમોર્ટમ અચુક કરવામા આવે છે. કયારેક બે ડોકટરની પેનલથી પણ પીએમ કરવામા આવે છે. શરીર પર દેખાતા નિશાનોના આધારે મોતનુ કારણ સ્પષ્ટ હોય તો પણ જરૂરી નમુનાઓ લેબોરેટરીમા મોકલાય છે અને પીએમ બાદ લાશને સળગાવી દઇ નિકાલ કરાય છે.

તાજેતરમા દલખાણીયા રેંજના જે 23 સાવજોના મોત થયા તે તમામ સાવજોના મૃતદેહને અગ્નિ સંસ્કાર અપાયો છે. ચાર સાવજોને ધારીના ભુતીયા બંગલે અગ્નિદાહ આપવામા આવ્યો હતો. જયારે ઇનફાઇટમા મરેલા ત્રણ સિંહબાળને જંગલમા જ સળગાવી દેવાયા હતા. જયારે 16 સાવજોના મૃતદેહને જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે અગ્નિદાહ અપાયો હતો. જસાધારમા પીએમ રૂમની બાજુમા જ અગ્નિદાહની સગડી છે. આમપણ ગીરના વનતંત્ર પાસે કોઇ મૃતદેહને સાચવી શકાય તેવી આધુનિક સુવિધાઓ નથી. અગાઉ સિંહના મૃતદેહને જમીનમા દાટી દેવાતો હતો. પરંતુ આ પ્રથા વર્ષો પહેલા બંધ કરી દેવાઇ હતી.
એક સિંહને સળગાવવા 20 મણ લાકડાની જરૂર

જો એક યુવાન સિંહનુ મોત થાય તો તેના મૃતદેહને સળગાવવા માટે 15 થી લઇ 20મણ લાકડાની જરૂર પડે છે. જો. ચોમાસાનો સમય ચાલતો હોય તો કમસેકમ 20 મણ લાકડા જોઇએ. ઉનાળાના સમયમા 15 મણ લાકડાથી કામ ચાલી જાય છે.

તમામ સાવજોનાં નખ પણ સળગાવી દેવાયા

સાવજોના નખ કિમતી છે. તેના માટે ભુતકાળમા સાવજોનો શિકાર પણ થતો. વનતંત્રના કાયદા મુજબ હવે મૃતદેહની સાથે નખ પણ સળગાવી દેવાય છે. અગ્નિદાહ વખતે તમામ નખ દેખાતા હોય તેવા ફોટોગ્રાફસ લેવાય છે. દરેક અગ્નિદાહ વખતે અહી ફોટોગ્રાફી પણ કરવામા આવી હતી અને આ તમામ 23 સાવજોના નખ પણ તેની સાથે સળગાવી દેવાયા હતા. એક સાવજને 18 નખ હોય છે.

મધ્યગીરમાં કયારેક જંગલમાં જ અગ્નિદાહ

કયારેક કોઇ સિંહનુ જંગલમા અંતરીયાળ અડાબીડ વિસ્તાર કે ડુંગર પર મોત થાય ત્યારે તેના મૃતદેહને ઉંચકીને લઇ આવવો મુશ્કેલ બની જાય છે. આવા સમયે જંગલમા જ જે તે સ્થળે અગ્નિદાહ આપી દેવાય છે. જો કે તેના કારણે જંગલમા દવ ન પ્રસરી જાય તેની પણ તકેદારી રખાય છે. આવી ઘટના ચોમાસામા બની હોય તો વનતંત્રને ઓછી કડાકુટ રહે છે. પરંતુ ઉનાળામા જંગલ સુકુ હોય ત્યારે અગ્નિદાહ આપવામા ખુબ જ તકેદારી રાખવી પડે છે.

કયારેક શાસ્ત્રોકત વિધી કરી ફુલહાર પણ ચડાવાય છે

વન કર્મચારીઓ સાવજો સાથે ઘરોબો ધરાવે છે. ઘણા કર્મચારીઓને સાવજો સાથે લગાવ થઇ જાય છે. એવા અનેક કિસ્સા બન્યાં છે. જયારે આવા સાવજનુ મોત થયુ હોય ત્યારે અગ્નિદાહ દેતા પહેલા કર્મચારી દ્વારા શાસ્ત્રોકત વિધી કરવામા આવે કે સાવજના મૃતદેહને ફુલહાર પણ ચડાવવામા આવ્યા હોય.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-23-bodies-of-lions-were-burned-down-gujarati-news-5966667-NOR.html

No comments: