Saturday, February 13, 2010

સિંહને મધ્યપ્રદેશમાં નહીં ખસેડાય વૈજ્ઞાનિક અભ્યાસ બાદ જ નિર્ણય.

ગાંધીનગર, તા.૧૬

સમગ્ર વિશ્વમાં જેના લીધે ગુજરાતની એક આગવી ઓળખ ઊભી થઇ છે તેવા એશિયાટિક લાયનને નજીકના ભવિષ્યમાં મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યતાઓ ઘણી નહિવત છે. આજે કેન્દ્રીય વન અને પર્યાવરણમંત્રી જયરામ રમેશના અધ્યક્ષસ્થાને મળેલી વન્ય પ્રાણી સંરક્ષણ બોર્ડની બેઠકમાં ગુજરાતે એવી સબળ દલીલ રજૂ કરી હતી કે, અગાઉ બે વખત મધ્યપ્રદેશમાં બે બે જોડાં સિંહ આપવામાં આવ્યાં હતાં પરંતુ તેનું સંરક્ષણ યોગ્ય રીતે થઇ શક્યું ન હતું અને તે જીવી શક્યા ન હતા. એટલું જ નહીં, હાલ મધ્યપ્રદેશમાં વાઘની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે તેવા સમયે સિંહનું સ્થળાંતર કેટલા અંશે યોગ્ય રહેશે તેનો કોઇ વિચાર થવો જોઇએ. ગુજરાતની દલીલ બાદ બોર્ડની બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે, મધ્યપ્રદેશમાં હાલ સ્થળાંતર કરતાં પહેલા વૈજ્ઞાાનિક અભ્યાસ હાથ ધરવામાં આવશે.

*
મધ્યપ્રદેશમાં વાઘની સંખ્યા વધી શકી નથી, ગુજરાતમાં સિંહની સંખ્યા ૩૫૦

ગુજરાતમાં વન વિભાગ અને સરકારના વિવિધ પગલાંને લીધે એશિયાટિક લાયનની સંખ્યા વધીને ૩૫૦ સુધી પહોંચી છે. હવે ગીરના જંગલના ૧૪૦૦ ચોરસ કિમી અભયારણ્યમાં આ સિંહોની સંખ્યા સમાઇ શકાય તેમ ન હોવાથી તેમજ એશિયાભરમાં લુપ્ત થતાં આ રક્ષિત પ્રાણીને બચાવવા, તેની ગીચતાને લીધે ભવિષ્યમાં કોઇ ગંભીર રોગને લીધે તેનો નાશ થવાની શક્યતાઓ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગીર જેવો જ વિસ્તાર ધરાવતાં જંગલોમાં તેનું સ્થળાંતર કરીને સંરક્ષણ કરવાની હિલચાલ શરૃ થઇ છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં એક સ્વૈચ્છિક સંસ્થાએ કરેલી રિટના અનુસંધાનમાં કોર્ટે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડ પાસેથી અહેવાલ માગ્યો છે. તેના પગલે ગુજરાત તેમજ મધ્યપ્રદેશની રજૂઆતો સાંભળવા માટે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠક મળી હતી.

આ બેઠકમાં ગુજરાત વતીથી વન વિભાગના અગ્રસચિવ એસ.કે. નંદા અને અગ્રમુખ્ય વન સંરક્ષક પ્રદીપ ખન્નાએ ઉપસ્થિત રહીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ગુજરાતની દલીલ એવી હતી કે, અગાઉ મધ્યપ્રદેશના શિવપુરી અને ચંદ્રપુરણ એમ બે અભયારણ્યમાં બે જોડ સિંહ આપવામાં આવ્યા હતા પરંતુ ગીરના સિંહને બદલાયેલી જમીન, આબોહવા અને પરિસ્થિતિ સાનુકૂળ નહીં જણાતાં તેઓ સંરક્ષિત રહી શક્યા ન હતા. હવે મધ્યપ્રદેશના કુનો પાલપુર ખાતે સિંહને લઇ જવાની વાત પણ ચોક્કસ અને કોઇ વૈજ્ઞાાનિક અભ્યાસ વગર કરવી નહીં જોઇએ. ગુજરાત આવા કોઇપણ સ્થળાંતરની તરફેણમાં નથી. અહીં નોંધવું જરૃરી છે કે મધ્યપ્રદેશ સરકારે કુનો પાલપુર અભ્યારણ્યની રચના કરી હતી અને તેમાં વાઘને રક્ષિત કરવાના તમામ પગલાં લીધાં હોવા છતાં ૧૦૦૦ વાઘની સંખ્યા ઘટીને આજે ૩૦૦ સુધી પહોંચી ગઇ છે. એવી જગાએ ગુજરાતના સિંહને સ્થળાંતરિત કરવાનું કેટલા અંશે યોગ્ય ગણાય એવો મુદ્દો પણ મંત્રીના ધ્યાન ઉપર મૂકવામાં આવ્યો હતો. સિંહ અને વાઘ એમ બન્ને જંગલના શિકારીઓને એક સાથે રાખવા પણ શક્ય નથી. આથી માત્ર કુનો પાલપુરમાં સ્થળાંતરના જ વિકલ્પને બદલે અન્ય વિકલ્પોનો પણ અભ્યાસ થવો જોઇએ. આ મુદ્દાઓને ધ્યાનમાં લઇને કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે એ હકીકતનો સ્વીકાર કર્યો કે, અગાઉ બે વખતના પ્રયાસો સફળ રહ્યા નથી. ત્યારે મધ્યપ્રદેશમાં સિંહને ખસેડતા પહેલાં વૈજ્ઞાાનિક અભ્યાસ કરવો આવશ્યક છે.

દરમિયાન, ગિરનારમાં રોપ-વેની સુવિધા ઊભી કરવા તેમજ કચ્છના રક્ષિત વિસ્તારમાંથી ઓએનજીસી તથા આઇઓસીની પાઇપલાઇનને પસાર કરવાની મંજૂરી આપવાની ગુજરાતની દરખાસ્તો અંગે રાષ્ટ્રીય વન્ય પ્રાણી સંરક્ષણ બોર્ડે પોતાની ટીમો મારફતે અભ્યાસ કરવામાં આવશે, ત્યાર બાદ મંજૂરી આપવા વિચારાશે તેવો નિર્ણય કર્યો છે.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=114087

No comments: