Saturday, February 13, 2010

ગિરનારના સાવજો ગીરના સિંહ કરતાં વધુ તગડા છે.

Bhaskar News, Junagadh

સાવજો માત્ર સોરઠના જ નહીં, સમગ્ર દેશની શાન છે. સાવજોને મુકત જંગલમાં વિહરતા નિહાળવા એ એક લહાવો છે. જંગલના આ રાજાની અદાઓ મુગ્ધ કરી દે એવી હોય છે. મોટાભાગના પયર્ટકો ગીર અભયારણ્યમાં વસતા સાવજોને નિહાળવા ઊમટી પડતા હોય છે.

એની સાથે જ હવે ગિરનાર પર્વતના જંગલ વિસ્તારમાં વસતા સાવજો એ પણ સિંહપ્રેમીઓ અને વન્યજીવન પ્રેમીઓને આકર્ષયા છે. અનેક સાહસિકો હવે ગીર અભયારણ્યને બદલે ગિરનાર જંગલના વિસ્તારમાં સાવજોના દર્શન કરવા જંગલ ખુંદે છે.સાવજ એટલે ગીર, એવી એક સામાન્ય માન્યતા પ્રવર્તે છે. પણ એ સાચું નથી.

સાવજો ગિરનાર જંગલના પર્વતમાં પણ વસે છે. તાજેતરમાં જ ગિરનાર પર્વત સહિતના જંગલ વિસ્તારને પણ અભયારણ્યનો દરજજો આપવામાં આવ્યો છે. કુલ ૧૮૧ ચો.કિ.મી.માં પથરાયેલા ગિરનાર પર્વતના જંગલની સરહદ જૂનાગઢ અને ભેંસાણ તાલુકાના અંદાજે ૬૦થી ૭૦ ગામડાંને સ્પર્શ કરે છે.

હવે એ ગામડાંઓની સીમમાં પણ છાશવારે સાવજોની ડણકો સંભળાવા લાગી છે. અભ્યાસુઓના જણાવ્યા મુજબ, આશરે બે દાયકા પહેલાં ગીરના જંગલમાંથી ઓઝત નદીના કાંઠે કાંઠે થતાં થતાં કેટલાક સાવજો ગિરનાર પર્વતના જંગલમાં પહોંરયા અને પછી વસતી વધતી ગઇ. આજે તો એ સંખ્યા ૩૬ ઉપર પહોંચી છે.

ગિરનાર પર્વતના આ જંગલ વિસ્તારમાં રોઝડા, નીલ ગાય, સેમરની મોટી સંખ્યા છે. એ ઉપરાંત માલધારીઓના માલઢોર પણ મળી રહે છે. પરિણામે સાવજોને પેટપૂજાની ચિંતા નથી રહેતી. એક અગત્યની વાત એ છે કે, અભ્યાસુઓના મતે ગિરનાર જંગલના પર્વતમાં રહેતા સાવજો ગીર અભયારણ્યમાં રહેતા સાવજો કરતાં વધારે તંદુરસ્ત, સશકત અને આકર્ષક છે.

ગિરનાર પર્વતના હવા-પાણી આ સાવજોને માફક આવી ગયા છે. ગિરનારની પરિક્રમા દરમિયાન અનેક વખત યાત્રાળુઓને આ સાવજોને નિહાળવાનો લહાવો મળે છે. પરિક્રમાના રૂટ ઉપર આમ પણ આડા દિવસે સાવજો ઓ જમાવે છે.

ગીર અભયારણ્યમાં તો હજારો લોકો સાવજોને નિહાળવા જતા જ હોય છે. પણ હવે સાહસિકો ગિરનાર પર્વતના જંગલમાં ડણકો દેતા સાવજોને નિહાળવા પણ જવા લાગ્યા છે. સાંજ ઢળ્યે સાવજપ્રેમીઓ પરિક્રમાના રૂટ ઉપર ઉતરી પડે છે અને મુકતપણે વનરાજાને વિહરતા નિહાળવાનો લહાવો લૂંટે છે.

છેક દાતાર પર્વત સુધી સાવજો પહોંરયા હતા

સાવજોને આમ તો ઘાસના સપાટ મેદાનો વધારે માફક આવે છે. ગીચ ઝાડીને બદલે ખુલ્લા મેદાનોમાં રહેવાનું સાવજો પસંદ કરે છે. ઉબડ ખાબડ જમીન સાવજોને પસંદ નથી. પણ આ તો જંગલનો રાજા છે. એને મોજ પડે તો ગમે ત્યાં પહોંચે. સાવજો દોઢ દાયકા પહેલાં દાતારના ડુંગરની મુલાકાતે પણ ગયા હોવાનું અનેક લોકોએ નિહાળ્યું છે.

એ સમયે દાતાર ઉપર સંદલ વિધીનો કાર્યક્રમ હોવાથી રાત્રે હજારો લોકો પર્વત ચડયા હતા. દાતારના પગથિયાથી થોડે જ દૂર સાવજોએ ધામા નાખ્યા હતા. કોઇ અનિરછનીય ઘટના ન બને એ માટે એ સ્થળે હથિયારધારી પોલીસ મૂકી દેવાયેલ. હજારો લોકોએ ત્યારે પર્વત ઉપર સાવજોને જોયેલા.

સાવજો ગીરના જંગલમાં પરત નથી જતાં

ગીરના જંગલમાંથી પર્વતના જંગલમાં આવી ગયેલા સાવજો એ પછી ગીરના જંગલમાં પરત જવાનું નામ નથી લેતા. ગીર અભયારણ્યમાં લોકોની અવર-જવર વધુ રહે છે. એની તુલનામાં પર્વતના જંગલમાં વસતા સાવજોને માનવીઓના ખલેલ સહિત સહન કરવી પડે છે. ૧૮૧ ચો.કિ.મી.ના જંગલમાં પોત પોતાના સામ્રાજયમાં સાવજ પરિવારો લીલા લહેર કરે છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/02/08/0902080118_girnar_savjo_gir_lion.html

No comments: