Saturday, February 13, 2010

સિંહ અભયારણ્ય મ.પ્ર.માં ખસેડવા ગુજરાતનો ઇનકાર.

Friday, Feb 12th, 2010, 12:07 am [IST]
danik bhaskar
Bhaskar Network, New Delhi

મઘ્યપ્રદેશમાં તેના વાઘ મરી રહ્યા છે, ત્યારે આવી દરખાસ્ત અયોગ્ય: ગુજરાતની દલીલ

ગુજરાતે ગીર એશિયન લાયન સેન્કરયુઅરી(અભયારણ્ય)ને મઘ્યપ્રદેશના કુનો ટાઈગર રિઝર્વ ખાતે ખસેડવાની કેન્દ્રની દરખાસ્તનો ગુરુવારે સુપ્રીમ કોટર્માં જોરદાર વિરોધ કર્યો હતો.

નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતમાં ગીર ખાતેના અભયારણ્યમાંથી સિંહને અન્યત્ર ખસેડવા સામે ચેતવણી આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મઘ્યપ્રદેશ આ સિંહની યોગ્ય કાળજી લઈ શકશે નહીં, કારણ કે તે તેના પોતાના જ વાઘ માટેના અભયારણ્યનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયું છે.

ગુજરાત સરકાર વતી હાજર રહેલા સિનિયર ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીએ મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલક્રિશ્નન, જસ્ટિસ બી.એસ. ચૌહાણ અને ચંદ્રમૌલી પ્રસાદની બેન્ચ સમક્ષ દલીલ કરતા કહ્યું હતું કે ‘તેમના (મઘ્યપ્રદેશના) જ વાઘ મરી રહ્યા છે. આવા સંજોગોમાં કુનો રિઝર્વ ખાતે સિંહને ખસેડવા તે ગંભીર રીતે અયોગ્ય ગણાશે.’

મોદી સરકારે વધુમાં દલીલ કરતા કહ્યું હતું કે ગુજરાતની જનતાને સિંહ અભયારણ્ય હોવા અંગે ગર્વ છે અને તેને કુના રિઝર્વ ખાતે ખસેડવાના કોઈપણ પ્રયાસ થશે તો તે ‘ગુજરાતની જનતાની ઈચ્છાની વિરુદ્ધ ગણાશે. અને તેનાથી તેમની રૂઢિચુસ્તતા અને સાંસ્કૃતિક મૂલ્યનું ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.’ દેશમાં વાઘની સતત ઘટી રહેલી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે તેવા સંજોગોમાં ગીરના સિંહને મઘ્યપ્રદેશ ખસેડવાની કેન્દ્રીય પર્યાવરણ અને વન્યજીવ બોર્ડની દરખાસ્ત થઈ છે.

ગુજરાત સરકારે ગુરુવારે દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે રાજ્ય સરકારે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ અને પર્યાવરણ મંત્રાલય સમક્ષ આ દરખાસ્ત વિરુદ્ધ પૂરતા ટેકિનકલ મંતવ્યો અને હકીકતો રજૂ કર્યા હતાં તેમ છતાં કેન્દ્ર સિંહને અન્યત્ર ખસેડવાનું કહી રહ્યું છે. ગીર ક્ષેત્રને પૂરું સમજ્યા વિના જ આ દરખાસ્ત કરવામાં આવી છે.

બન્ને રાજ્યો મળીને સમસ્યા ઉકેલે : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગુજરાત અને મઘ્યપ્રદેશ બન્નો રાજ્યોની દલીલ સાંભળ્યા બાદ કહ્યું હતું કે ગીર અભયારણ્યના એશિયાઈ સિંહોનું કુને ટાઈગર રિઝર્વમાં સ્થળાંતર કરવાના મામલે બન્ને રાજ્યો પરસ્પર મંત્રણા કરીને ઉકેલી નાખે. કોર્ટે બન્નો રાજ્ય સરકારોને આ માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/12/100212000700_gujarat_say_no_to_transfer_lion_century.html

No comments: