Saturday, February 13, 2010

મોટા માણસાની સીમમાં સિંહ યુવાનને મોઢામાં પકડી નાસ્યો.

અમરેલી તા.૧૧

જાફરાબાદ નજીક મોટા માણસાની સીમમાં ગઈ કાલે મધરાતે ઘેટાં બકરાંની રખેવાળી કરતા માલધારી યુવાન પર સિંહે હુમલો કરી યુવાનને મોઢામાં પકડી ૧પ ફુટ જેટલો ઢસડી જતાં આ યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેને મહુવાની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

હજુ ગઈ કાલે જ વેરાવળ તાલુકાના ઈશ્વરિયા ગામે બે મજુર મહિલાને દીપડાએ ફાડી ખાધાનો અને પોરબંદર નજીક દીપડાએ એક યુવાનને મોઢામાં પકડીને ઢસડી જવાનો બનાવ તાજો જ છે ત્યાં મોટા માણસા ગામે બનાવ બનતા લોકો અને વન ખાતું ચિંતિત બન્યા છે. વધુ વિગત મુજબ જાફરાબાદ તાલુકાના શેલાણા અને મોટા માણસા ગામની વચ્ચે આવેલી સીમમાં એક ખેતરમાં વાડામાં ઘેટા બકરાં બાંધીને તેના રક્ષણ માટે ચારે બાજુ ખાટલા રાખીને ચાર યુવાનો સુતા હતા. અને રખેવાળી કરતા હતા. નારણ મોરી નામનો જામનગર જિલ્લાના કલ્યાણપુર ગામે રહેતો માલધારી યુવાન પણ ધાબળો ઓઢીને સુતો હતો. દરમિયાન, રાતે ૧૧ વાગ્યે એક સિંહે વાડીમાં પ્રવેશી ધાબળો ઓઢીને સૂતેલા નારણ પર ઝપટ મારીને મોઢામાં પકડી લઈને તેને ઢસડવા લાગ્યો હતો. આ સમયે ભારે બૂમાબૂમ થઈ જતાં બધા જાગી ગયા હતા. સિંહે કરેલા હુમલામાં નારણના ગળામાં સિંહની દાઢો બેસી ગઈ હતી. છાતી પર સિંહના પંજાનો નહોર લાગી ગયો હતો. આથી, નારણ ખૂબ જ રાડારાડ કરવા લાગ્યો

હતો. કોલાહલ થઈ જતાં આવી ચડેલા સિંહે નારણને મોઢામાંથી છુટો મુકીને નાસી જતા નારણનો બચાવ થયો હતો. બાદ તેને મહુવા ખાતે સારવાર માટે દાખલ ખસેડાયો હતો.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=158697

No comments: