Saturday, February 13, 2010

વન્ય પ્રાણીના મોત અને માનવી ઉપર હુમલાના ૨૪દી’ માં ૧૦ બનાવ.

Nimish Thakar, Junagadh
Sunday, July 19, 2009 02:50 [IST]
Bookmark and Share

ગીર અને ગીરનારનાં જંગલો હવે સિંહ દિપડા જેવાં વન્ય પ્રાણીઓને ટૂંકા પડવા લાગ્યા છે એ વાત બહુ જૂની થઈ ગઈ. તેનાં પરિણામો હવે નજર સમક્ષ આવી ચડયાં છે. ગત જૂન માસ દરમિયાન એકલા જૂનાગઢ જિલ્લામાં માનવી ઉપર સિંહ અને દિપડાના હુમલાનાં કુલ પાંચ બનાવો નોંધાયા છે. આ બધા જ બનાવો જંગલ બહાર માનવવસ્તીમાં નોંધાયા છે. એ સિવાય આ સમયગાળામાં ઈન્ફાઈટ-બિમારી અને વૃદ્ધત્વને લીધે સિંહ કે દીપડાનું મૃત્યુ થયું હોય એવા પાંચ બનાવો નોંધાયા છે.

જૂનાગઢ જિલ્લામાં સિંહ-દીપડાનાં માનવી ઉપર હુમલાનાં સૌથી વધુ ચાર બનાવો ઉના તાલુકામાં બન્યા છે. તા.૭ જૂને ઉનાનાં અંજાર ગામે સિંહે બે ગાયનાં મારણ બાદ ગોવાળ ઉપર હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી. તા.૧૭ જૂનનાં દીવસે બે બનાવો ઉના તાલુકામાં નોંધાયા હતા.

જેમાં સમઢીયાળાની સીમમાં ગાયો પર હુમલો કરવાની દહેશતથી સિંહણને ભગાડવાની કોશીશ કરતા રબારી ઉપર અને નીતલી ગામે કપાસની વાવણી કરતા ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યોહતો.

તા.૨૯ જુને કોડીનાર તાલુકાનાં માલશ્રમ ગામે રાત્રિનાં સમયે ઘરના વાડામાંથી પરત ફરતી પ્રૌઢા ઉપર દીપડાએ હુમલો કર્યોહતો. તા.૩૦ જુને ઉનાનાં કણેરી ગામે બે સગાભાઈઓ સિંહનાં હુમલામાં ઘાયલ થયા હતા. આ બનાવોના કારણોમાં સિંહોનાં ખોરાક મેળવવાની શોધ કારણભૂત હોવાનું માલુમ પડયું છે.

જો વનરાજને જંગલમાં જ ખોરાક મળી રહે તો તે બહાર ભટકે નહી : પરંતુ કમનસીબે એમ બનતુ નથી. બીજી તરફ જેટલા પ્રમાણમાં સિંહોની સંખ્યા વધી એટલો વધારો જંગલ વિસ્તારમાં નથી થયો. સિંહોએ માનવીની અવર જવર વાળા વિસ્તારોમાં જ અનુકુળતા સાધવી પડે છે.

વન્ય પ્રાણીનાં મોતનાં બનાવો છેલ્લા ૨૩ દિવસ દરમિયાન પાંચ જેટલા નોંધાયા છે. આ પાંચ બનાવોમાં એક સિંહ, બે સિંહણ, એક દીપડો અને એક દીપડીનો સમાવેશ થાય છે. આ પાંચ બનાવોમાં તા.૨૧ જૂને એક સિંહણનું મોત વૃદ્ધત્વને લીધે થયું હતું. એ સિવાય તા.૮ જુનનાં ઉનાનાં સરાકડીયાના બનાવમાં દીપડાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

જશાધાર એનીમલકેર સેન્ટર ખાતે પણ તા.૮ જુને જ સારવાર માટે લાવવામાં આવેલી બિમાર સિંહણનું મોત થયું હતું. માળીયા હાટીનાની બાબરાવીડી નજીક તા.૧૭ જૂને સિંહ સાથેની ઈન્ફાઈટમાં દીપડી મૃત્યુ પામી હતી. જયારે તા.૨૩ જુને બાબરાવીડીનાં મહોબતગઢ વિસ્તારમા સર્પદંશને લીધે એક સિંહ મૃત્યુ પામ્યો હતો.
Source: http://www.divyabhaskar.co.in/2009/07/19/0907190253_three_lion_and_two_leopard_dead_in_june_month.html

No comments: