Saturday, February 13, 2010

બે સૈકા પૂર્વે બનાસકાંઠામાં સિંહની ડણકો સંભળાતી...

Pankaj Soneji/ Palanpur
Friday, July 31, 2009 02:26 [IST]

ડીસામાં અંગ્રેજોના સમયે બનાસનદી બારેમાસ વહેતી અને ઘનઘોર જંગલમાં સિંહ રહેતા હતા, જંગલો કપાતાં બનાસકાંઠામાંથી સિંહ અસ્ત થઇ ગયા,પાલનપુર અને ડીસામાં ૧૮૮૦માં મોટાપાયે સિંહો રહેતા હોવાના દાવાઓ, હાલમાં સિંહના અસ્તિત્વ સામે પણ ખતરો

એશિયાઇ સિંહના અસ્તિત્વ સામે જોખમો ઉભા થયા છે. જંગલોનું આડેધડ કટિંગ, વૃક્ષોની ઘટતી જતી સંખ્યા ‘ગ્લોબલ વોર્મિગ’ માનવ જાત માટે ‘ગ્લોબલ વોર્મિગ’ બની છે. છતાં વૃક્ષોનું મહત્વ માનવી હજું સમજી શકયો નથી. માનવજાત માટે જ નહીં પ્રાણીઓ માટે તે ચિંતાનો વિષય બની ગયો છે.વૃક્ષો ઘટતા અને અનિયમિત વરસાદથી હિંસક પ્રાણીઓ કયારેક માનવ વસતીમાં પણ ધસી આવે છે. ગુજરાતની ઓળખસમાન ગિરમાં શિકાર અને અકુદરતી મોતથી સિંહની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.અતિતમાં ડોકિયું કરીએ તો એક સમય હતો.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ડીસા શહેર ઘટાદાર વૃક્ષોથી આરછાદિત અને વનસંપત્તિ તેમજ જળ સ્ત્રોત ભરપુર વિસ્તારો હતા અને એટલે જ આ વિસ્તારમાં જંગલના રાજા સિંહનું અસ્તિત્વ હતું. બનાસકાંઠા જિલ્લો ર૩-૩૩ થી ર૪-ર૫ અંશના ઉત્તર અક્ષાંસ અને ૭૦-૦૩ થી ૭૩-૦૨ અંશના પૂર્વ રેખાંશ પર પથરાયેલો છે. આ જિલ્લાની ઉત્તર-પૂર્વમાં અરવલ્લીના ડુંગરા તો પિશ્ચમ દિશામાં રણ વિસ્તાર છે. પાલનપુરમાં તો ૮૫૫ વર્ષ પહેલાં ઘોર જંગલ હતું. જયારે ડીસામાં અંગ્રેજોના સમયે બનાસનદી બારેમાસ વહેતી અને ઘનઘોર જંગલ વિસ્તાર હતો.

આ વિસ્તારમાં જંગલો કાપવાને કારણે તેમજ વરસાદથી જમીનનું ધોવણ થતાં મોટાભાગની ફળદ્રૂપ જમીનનો નાશ થયો છે. અગાઉ આ વિસ્તાર ઘનઘોર જંગલોથી ધેરાયેલો હતો. આજે ખૂબજ ઓછા જંગલો જોવા મળે છે. જેથી કેટલોક વિસ્તાર ઉજજડ જોવા મળે છે. એશિયાઇ સિંહ ફકત ગુજરાતમાં વસે છે. રાજયમાં ૧૯૧૨૦ ચો.કિ.મી. વનવિસ્તાર છે. જેમાં માત્ર ૭.૭ ટકા જ વિસ્તાર વૃક્ષચ્છાદિત છે.રાજયના મોટાભાગના વનો આદિવાસી પટ્ટીમાં આવેલા છે.બનાસકાંઠામાં બાલારામ -અંબાજી અભયારણ્ય પ૪૨.૦૮ ચો.કિ.મી. અને જેસોર રીંછ અભયારણ્ય ૧૮૦.૬૬ ચો.કિ.મી. માં પથરાયેલો છે.

જેમાં રીંછ, નિલગાય, દિપડો અને ઝરખ મુખ્ય વન્ય પ્રાણીઓ છે. આ જંગલમાં વધુ પડતા ઢોર, વારંવાર જંગલ દવ, પ્રતિકૂળ ભૂમિય અને આબોહવાકિય સ્થિતિ, વન્ય પેદાશોની માંગમાં થયેલો વધારો તથા આજીવિકા માટે વનો પરની વધુ પડતી નિર્ભરતા જેવા પરિબળો વનો પર અસાધારણ દબાણો લાવે છે.મુખ્યત્વે વધુ પડતાં જંગલો કપાવવાથી અગાઉ સિંહોના થયેલા શિકારના કારણે સિંહ નામશેષ થઇ ગયા છે. એક સમયે મઘ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, તેમજ ઉત્તર ગુજરાતમાં ૧૩૦ વર્ષ પહેલાં સિંહનું અસ્તિત્વ હતું .જે નામશેષ થઇ ગયું છે. જેમાં અગાઉ ઇ.સ. ૧૮૭૮ માં ડીસામાં અને ઇ.સ. ૧૮૮૦ માં પાલનપુર પણ સિંહનું અસ્તિત્વ હતું. જયારે વીસમી સદીની શરૂઆતથી ગીરના આજુબાજુના જંગલોમાં સિંહ પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે.

અત્યારે તેની સંખ્યા ૨૯૧ આસપાસ રહી છે. ત્યારે ગિરમાં છેલ્લા કેટલાક સમયથી સિંહના મૃત્યુ ચિંતા ઉપજાવી રહ્યા છે. જયારે સરકાર તેમજ ખાનગી કંપનીઓના સહયોગથી નાણાં ભંડોળ ઉભું કરી એશિયાઇ સિંહોને બચાવવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે છતાં સિંહની સંખ્યા વધવાના બદલે ઘટતી જઇ રહી છે. જેથી પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળે છે.

ગિર સિવાય સિંહ કયારે જોવા મળ્યા હતા ?

ભારતમાં હરિયાણામાં ૧૮૩૪, ગ્વાલીયરમાં ૧૮૬૫, રેવાહમાં ૧૮૮૬, પાલામઉ ૧૮૧૪, દમોન ૧૮૪૭, ઘૂના ૧૮૭૨, બરોડામાં ૧૮૩૨, અમદાવાદમાં ૧૮૩૬, આબુમાં ૧૮૭૨, ડીસામાં ૧૮૭૮ અને પાલનપુરમાં ૧૮૮૦માં તેમજ હાલ પાકિસ્તાનનો ભાગ કોટદિજીમાં ૧૮૧૪ માં સિંહનું અસ્તિત્વ હતું.
Source: http://www.divyabhaskar.co.in/2009/07/31/0907310226_two_century_above_lion_roar_listen_in_banaskantha.html

No comments: