Tuesday, February 16, 2010

આજકાલ અદ્રશ્ય થઇ ગયેલી ચકલીઓને રહેવા ઘર અપાશે.

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GS NEWS
સોમવાર, 15 ફેબ્રુઆરી 2010

ચકીબેન, ચકીબેન અમારી પાસે રહેવા આવશો કે નહીં? આવશો કે નહીં?

રાજકોટ,
અગાઉના સમયમાં વૃદ્ધ વડિલો બાળકોને ‘ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો’ એવી વાર્તા કહેતાં. આ બાબત એવું સૂચવે છે કે બાળકને પોતાના ઘરમાં ચકલી સહજ રીતે જોવા મળી જતી. સંખ્યાકીય બાબતે ચકલી વ્યાપક હતી.

પરંતુ, સમય જતાં આજે આપણા ઘર, ગામ કે શહેરમાં ચકલીની સંખ્યા ઘટતી ચાલી. આવું કેમ બન્યું? તેનું સામાન્ય અવલોકન કરીએ તો તુરત જ સમજાય જાય તેવું છે. ચકલીની સંખ્યા ઘટવા પાછળનું મુખ્ય કારણ છે માનવીની બદલાયેલી જીવનશૈલી. રોજી-રોટી રળવા ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરો તરફ પ્રયાણ કર્યું. શહેરોમાં જનસંખ્યા વધતાં આપણા મકાનો સંકોચાતા ગયા. જુના દેશી- નળિયાવાળા મકાનોના સ્થાને બહુમાળી મકાનોએ પ્રભુત્વ જમાવ્યું.

ચકલીઓના માળા બનાવવાના સ્થાનો લુપ્ત થતાં ઉડી ગયેલી ચકલીઓ માટે ૫૦ હજાર તૈયાર માળાનું વિતરણ

આ તબક્કે ખપેડાઓ, અભેરાઇઓ, દીવાલ પર લગાવાતા ફોટાઓ ક્રમશઃ લુપ્ત થયા જે સામાન્ય રીતે ચકલીના માળાઓ બનાવવાના સ્થાનો હતાં આથી ચકલીઓને બચ્ચા ઉછેરવાની બાબતમાં મોટો વિક્ષેપ પડયો, જેને લીધે આજે આપણને ચકલીની સંખ્યા ઓછી થયેલી જોવા મળી. જેના કારણો સ્પષ્ટ છે, તો ચકલીના સંરક્ષણ- સંવર્ધન માટે આજે તેના માળાના સ્થાનોની પૂર્તિ કરવી તે તાતી જરૂરીયાત છે. (ચકલીને ઝાડ પર માળો બનાવતા આવડતું નથી)

‘નવરંગ નેચર કલબ’ રાજકોટ ચકલીના કૃત્રિમ પરંતુ વૈજ્ઞાનિક સુઝવાળા માળાઓ પૂરા પાડે છે. આપણા નિવાસ સ્થાનોની સલામત જગ્યાએ લગાવવાથી ચકલી આપણે ત્યાં આવતી થશે, થઇ છે તેવા પ્રાથમિક અવલોકનો પણ છે. આપણને મળેલા આ આશાસ્પદ પરિણામોથી દરેક ઘર પોતાની અનુકુળતા મુજબ આવા કૃત્રિમ માળાઓ લગાવે તેવી દર્દભરી અપીલ ચકલીઓની જ છે કે જેથી આપણી આવનારી પેઢીને જૂની વાર્તા કહીએ ત્યારે ચકલી વિશેની સંકલ્પના બાળકને સમજાવી ન પડે.

સાથે-સાથે ઘરમાં થતાં વંદા, કંસારી જેવા કીટકો પર આપોઆપ નિયંત્રણ આવશે. અહીં હજુ વઘુ સારૂ પરિણામ મેળવવા ચકલી માટેના ચણની છાબડી અને પાણી પીવા માટેનું પાત્ર મૂકવું જે આપણને પંખીઓને ચણ નાખ્યાનો આત્મસંતોષ પણ આપશે. ચકલીનું ઘર જાતે બનાવી શકાય ૫-૫ ઈંચના લાકડાનું અથવા પુંઠાનું ઘર બનાવી શકાય. ખેતરના શેઢે એક લાઇન જુવાર અથવા બાજરાનું વાવેતર પક્ષીઓ માટે કરી શકાય. ચાલુ સાલે ગુજરાતના વિદ્યાર્થીઓના સહકારથી ૫૦૦૦૦ ચકલીના ઘર ગોઠવવાનો સંકલ્પ થયો હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56016/149/

No comments: