Saturday, February 13, 2010

Bhaskar News, Rajkot

સિંહ-સિંહણને પાંજરે પૂરવા રાજકોટના આજી ઝૂના સ્ટાફને એક કલાકની મહેનત કરવી પડી

રાજકોટના આજી ઝૂમાં સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ દરમિયાન રાની પશુઓને અંદરના પીંજરામાંથી મુકત કરી ઊંચી રેલિંગ વરચે વિહરવા દેવાય છે. સાંજે ૬ વાગ્યે રાબેતા મુજબ ઝૂનો સ્ટાફ આ પ્રાણીઓને લાકડી વડે ઠપકારાની ભાષા થકી પાંજરામાં લઈ જાય છે. રવિવારે સાંજે આ પ્રાણીઓને પાંજરામાં પૂરવા ગયેલા સ્ટાફને પાંજરા નં.૨ના રાજવંતી નામની સિંહણ અને પાર્થ નામના સિંહે જરા પણ દાદ નહોતી આપી.

સંવનનકાળમાં રહેલી રાજવંતીને એક પળ માટે પણ દૂર જવા ન દેતાં પાર્થને પાંજરામાં લઈ જવા સ્ટાફે લાકડીઓ બતાવવી શરૂ કરી હતી. પરંતુ પરિણામ શૂન્ય રહેતાં પાછળના ભાગેથી પથ્થરના છૂટા ઘા શરૂ થયા હતા. એક તરફ હનીમૂન માટે સિંહ સિંહણને સતત મેટિંગ કોલ આપતો હતો. પરંતુ સિંહણ દાદ નહોતી આપતી.

પાર્થની રાજહઠ અને રાજવંતીની સ્ત્રીહઠ વરચે ઝૂના સ્ટાફના પથ્થર મારાથી ઉશ્કેરાયેલા સિંહે એકદમ ઘૂરકિયા સાથે દોડી જઈ લોખંડના સળિયા સાથે માથું અફળાવવાનું શરૂ કરતાં તેને કાબૂમાં લેવો મુશ્કેલ થઈ ગયો હતો. લગભગ એક કલાકની કવાયત પછી બંનેને પાંજરે પૂર્યા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2008/01/27/0801272355_natural_tiger_rajkot.html

No comments: