Wednesday, February 17, 2010

ભાવનગર,અમરેલી જિલ્લામાં સિંહ-દીપડાનો આતંક.

Tuesday, Feb 16th, 2010, 3:29 am [IST]
Bhaskar News, Bhavnagar

તળાજામાં દીપડાએ બે ઢોરનાં મારણ કર્યા: સા.કુંડલામાં દીપડો યુવકની પાછળ દોડ્યો : રાજુલામાં સાવજની ટોળી ત્રાટકી

ભાવનગર જિલ્લાનાં તળાજા, મહુવા, સિહોર, પાલીતાણા, વલભીપુર, ચમારડી, ભંડારીયા સહિતનાં અનેક ગામોમાં અમરેલી જિલ્લાનાં રાજુલા, સાવકુંડલા, જેસર પંથકમાં કેટલાક સમયથી સિંહ, દીપડા જેવા પ્રાણીઓએ ભારે આતંક મચાવતા ગ્રામજનોમાં ખાસ કરીને ધરતીપુત્રોમાં ભારે ભય વ્યાપી જવા પામ્યો છે. જ્યારે કે આ બાબતે જંગલખાતુ નિષ્ક્રિય હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

તળાજા બ્યુરોનાં પ્રતિનિધિનાં જણાવ્યા પ્રમાણે તળાજા તાલુકાનાં મોટા ઘાણા ગામનાં કરણા ભાઇ ભરવાડનાં મોટાઘાણાની સીમમાં આવેલ ખેતરમાં માલ ઢોર લાવી ચરાવતા કુંભારીયા તા. મહુવાનાં ગોપાલક નારણભાઇનાં પાલીત ઢોર પર ગત રાત્રિનાં દીપડાએ હુમલો કરીને એક વાછડો તથા બે વર્ષની ઉજરેલ નાની ગાયનું મારણ કર્યું હતું. તેમજ બળદને પણ ઘાયલ કર્યાની રામભાઇ ઘોહાભાઇ તથા માલધારીઓએ વન વિભાગને જાણ કરેલ છે. આ બાબતે તળાજા વન અધિકારી આર.યુ. જોષીને જાણ થતાં વન રક્ષક એસ.પી.વાળા સહિત કર્મીઓને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપેલ હોવાનું જાણવા મળેલ છે.

સાવરકુંડલામાં હાથસણી રોડ ઉપર રહેતા અને જમીનની લે-વેચ કરતા ખેડૂત ગોકળભાઇ વલ્લભભાઇ કોળી (ઉ.વ.૩૫) ગઇ સાંજના આઠેક વાગ્યે ધારીથી ૩૦ કિ.મી. દૂર આવેલા દિતલા ગામના સરપંચ બચુભાઇ ઝાલાના ઝાલા ફાર્મ હાઉસે કેરીની કલમો લેવા ગયેલા ત્યારે ફાર્મ હાઉસના ડેલા પાસે તેઓ પહોચ્યા ત્યા ડેલા પાસે એક ખુંખાર દિપડો બેઠો હતો !

આ દીપડાએ ગોકળભાઇ સાથે ઘુરકીયા કરી તેની પાછળ દોટ મુકતા સદનસીબે ગોકળભાઇ પોતાના મોટરસાયકલ ઉપર જ બેઠા હતા અને બાઇક ચાલુ હતુ જેથી દિપડાની દોટ જોઇ તેણે બાઇક ગિયરમાં નાખી ભગાવ્યું હતુ અને રાડા રાડી કરતા દીપડો પાછો વળી ગયો અને નાસી ગયો હતો.

દીપડાએ ૧૫૦ ફુટ જેટલી દોટ મુકતા આ સમયે વલ્લભભાઇના હોશકોશ ઉડી ગયાનું તેમનું કહેવું છે. અને માંડ તેનો જીવ બચ્યો હતો. સાવજોની એક ટોળી રાજુલા પંથકમાં લાંબા સમયથી ધામા નાંખીને પડી છે. આ સિંહ ગ્રુપ અવાર-નવાર નીલગાય જેવા પશુનું મારણ કરે છે. તો ક્યારેક ગામડાઓમાં ધૂસી માલીકીનાં માલઢોરોને પણ હાની પહોંચાડે છે. રાજુલાથી છએક કિ.મી. દૂર આવેલા દેવકી ગામની સીમમાં ગત મધરાત્રે સાવજોનાં એક ટોળાએ કાળો કેર વર્તાવ્યો હતો. એટલું જ નહીં આ ટોળાએ ચોકી સાથે ગાયનું મારણ કર્યું હતું અને બે ગાયોને દાંત બેસાડી ઘાયલ કર્યા હતા.

મધરાત્રે ગાયોનાં ભાંભરડાથી સીમ વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. જયારે કે માલધારી પરિવારોને પણ સલામત રીતે નાસી જવાની ફરજ પડી હતી. સવારે જયારે ગ્રામજનોને જાણ થઇ ત્યારે ઘટના સ્થળે લોકોનાં ટોળા એકઠા થયા હતા. આ બનાવ અંગે જંગલખાતાનાં અધિકારીઓને જાણ કરાઇ હતી.

આમ ભાવનગર અને અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારોમાં સિંહ અને દીપડાનો વ્યાપ વધતો જાય છે અને જંગલ વિસ્તારમાંથી સીમમાં અને મોકો મળે ગામમાં પણ પ્રવેશી જઇ પશુઓનું મારણ કરતા માલધારીઓમાં ભારે ફફડાટ વયપી જવા પામેલ છે.

No comments: