Tuesday, February 16, 2010

ભવનાથ મેળામાં સાધુને દીપડાએ ફાડી ખાધો.

Bhaskar News, Junagadh

કાશ્મીરીબાપુની જગ્યાનાં રસ્તાની નજીકથી લાશ મળી આવતા તેની ઓળખ મેળવવા તજવીજ

જૂનાગઢનાં ભવનાથમાં શિવરાત્રીનાં મેળામાં આવેલા એક અજાણ્યા સાધુ જેવા લાગતા વૃદ્ધને દીપડાએ ફાડી ખાતા તેનું મોત થયું હતું. આજે કાશ્મીરીબાપુની જગ્યા નજીકથી આ વૃદ્ધની લાશ મળી આવતાં તેને પી.એમ.માં ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં દીપડાઓની સંખ્યા વધતા અવારનવાર ભવનાથ નજીક ચડી આવી હુમલાઓ કરી રહ્યા છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢનાં ભવનાથમાં શિવરાત્રી મેળામાં આવેલા એક અજાણ્યા વૃદ્ધ સાધુ ગતરાત્રીનાં સોનલ નદીનાં છેલામાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે દીપડાએ જંગલના રસ્તા પર આ અજાણ્યા ભિક્ષુકને નિહાળી તેના પર હુમલો કરી તેને ફાડી ખાધા હતા. અને તેનું મોત નિપજયું હતું.

આ બનાવ ગત રાત્રીનાં બન્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે વનખાતાનાં કર્મચારી ખીમાણી પોતાની બીટમાં જતાં તેઓએ આજે બપોરનાં સમયે સોનલ નદીનાં છેલામાં સાધુ જેવા વૃદ્ધની લાશને નિહાળતા તેણે તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતાં આ વૃદ્ધ સાધુને દીપડાએ વીંખી નાંખ્યા હતા. તેની છાતી-પેટ તથા સાથળનાં ભાગમાં દીપડાએ બચકાં ભર્યાનાં નિશાનો મળી આવ્યા હતા.

પોલીસે મૃતદેહને પી.એમ.માં ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. હજુ ત્રણ-ચાર દિવસ પહેલા શિવરાત્રીનાં મેળામાં સેવા કરવા આવેલા ધોરાજીનાં એક આધેડ સેષાવન નજીક ઉઘી રહ્યા હતા ત્યારે દીપડાએ તેના પર હુમલો રી ગંભીર ઇજા કરતાં તેને રાજકોટ ખસેડાયા હતા. ત્યાં આજે દીપડાએ ફાડી ખાધેલા સાધુનો મૃતદેહ મળી આવતાં લોકોમાં ભય ફેલાયો છે. ગીરનાર જંગલમાં પણ દીપડાઓની સંખ્યા વધી જતાં અવાર-નવાર માનવીઓને ફાડી ખાય છે. વનતંત્ર દ્વારા આવા દીપડાઓને પાંજરે પુરવામાં આવે એવી માંગ ઉઠી છે.

બાળ દીપડાને દીપડાએ જ ફાડી ખાધો

વીસાવદરનાં જાંબુડા નજીક કપાસનાં ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો

વીસાવદર તાલુકાનાં જાંબુડાની સીમમાં પુખ્ત વયનાં દીપડાએ નાના દીપડાને ઈન્ફાઈટમાં મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃત દીપડાનાં ગળા ઉપરથી તીક્ષ્ણ દાંતનાં નિશાનો અને સ્થળ પાસેથી પંજાના નિશાનો મળી આવ્યાં છે.વીસાવદર રેન્જનાં આર.એફ.ઓ. કંડોરિયાએ જણાવ્યું હતું કે, બાવાના જાંબુડા રેવન્યુ વિસ્તારમાં આવેલા એક કપાસનાં ખેતરમાં દીપડાનો મૃતદેહ જોવા મળતાં વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

મૃતદેહની આસપાસ તેનાથી મોટા દીપડાનાં પંજાનાં નિશાનો તેમજ તેના ગળા ઉપર બે તીક્ષ્ણ દાંતના નિશાનો મળી આવ્યા હતા. પરિણામે તેનું મોત ઈન્ફાઈટમાં થયાનું અનુમાન કર્યુ હતું. બાળ દીપડાની ઉમર આશરે એકથી દોઢ વર્ષ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વનવિભાગે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સાસણનાં એનીમલ કેર સેન્ટર ખાતે મોકલ્યો હતો. જ્યાં પી.એમ.બાદ તેનો અગ્નિ સંસ્કાર કરાયો હતો.

અઠવાડિયામાં બે મહિલા સહિત ત્રણ નરભક્ષી દીપડાનો શિકાર બન્યા

સોરઠમાં દીપડાઓની રંજાડ દિનપ્રતિદિન વધતી જાય છે. ગત તા.૧૭-૧૧નાં પાતાપુરની સીમમાં દેવિપૂજક શખ્સ પર, ૧૧-૧નાં ગુંદરણની સીમમાં ખેતમજૂર પર, ૨૨-૧નાં લીમધ્રાની સીમમાં ખેડૂત પર, ૯-૨નાં ભવનાથમાં આવેલા ધોરાજીનાં આધેડ પર, હુમલો કર્યો હતો. જ્યારે ૧૦-૨નાં ઇશ્વરીયાની સીમમાં દીપડાએ બે મહિલાઓને ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/14/100214035411_lepard_in_bhavnath_fair.html

No comments: