Saturday, February 20, 2010

આ વર્ષે કેસર કેરીથી બજારો છલકાશે : ત્રણ ગણું ઉત્પાદન થશે.

Bhaskar News, Junagadh

આંબામાં કેરીનું ભારે આવરણ થતા ગીર પંથકની આંબાવાડીઓ કેરી થી છલકાઈ જશે : માર્ચનાં મઘ્યમાં કેરી બજારમાં આવશે

વિશ્વ પ્રસીઘ્ધ કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા તાલુકા સહીત આસપાસનાં ગીર પંથકમાં કેરીનાં આંબાઓમાં ચાલુ સાલ કેરીનું જોરદાર આવરણ થવા સાથે કેરીનું સારુ બંધારણ થતા ગીર પંથકની આંબાવાડીઓમાં કેસરકેરીનો પુષ્કળ પાક જોવા મળી રહ્યો હોય ચાલુ સાલ કેરીનું ઉત્પાદન ગત વર્ષથી ત્રણ ગણું થવાની સંભાવના કેરીનાં જાણકારો જણાવી રહ્યાં છે. કેરીનું પુષ્કળ ઉત્પાદન થવાથી ગરીબ વર્ગનાં લોકો કેરીનો સ્વાદ મોજથી માણી શકશે.

કેસર કેરીનાં ગઢ તરીકે મશહુર ગીર પંથકની કેરી સુંગંધ અને સોડમથી લોકોમાં પ્રિય છે. પરંતુ કેરીનાં ઉત્પાદનમાં છેલ્લા ત્રણ વર્ષથી ઘટાડો થતો હોય કેરીનાં ભાવ ઉચા રહેવાથી સામાન્ય વર્ગનાં લોકોને કેરી ખાવાનું પોષાતું ન હોતું. જયારે ચાલુ સાલ ગીર પંથકમાં કેસર કેરીનું જબ્બર ઉત્પાદન થવાની સંભાવના હોય દરેક લોકો કેસર કેરીનો અનેરો સ્વાદ માણી શકશે. એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રમાં આઠ લાખ મેટ્રીક ટન કેસરકેરીનો પાક થાય છે જેમાં પાંસઠ ટકાથી વધુ કેરીનો પાક ગીરપંથકમાં થાય છે.

ગત ૧૮-૧૨નાં રોજ ગીરપંથકમાં થયેલા કમોસમી માવઠા બાદ વાતાવરણ સાનુકુળ રહેતા કેરીનો પાક મબલખ થશે. હાલ કેરીનો પાક ચાર તબક્કામાં જોવા મળી રહ્યો છે. ડીસેમ્બરની શરૂઆતમાં ખીલેલા મોરમાંથી બંધાયેલ કેરી માર્ચના મઘ્યમાં બજારમાં મળતી થઈ જશે. ત્યાર બાદ તબક્કાવાર સીઝન રેગ્યુલર શરૂ થશે.

હાલ તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ખાખડી (નાની કેરી) દરરોજ આઠ હજાર કીલોથી વધુની આવક છે. અને દસ રૂપિયા લેખે કીલો ખાખડી વેચાઈ રહી છે. અમુક ખેડૂતોનાં આંબામાં આગતર આવેલ કેરી માર્કેટમાં અમદાવાદ-વડોદરામાં વેચાયેલ તે ૧૦૦ રૂપિયાથી ૨૦૦ રૂપિયા કીલો સુધી વેંચાણ થયેલ. કેરીનું પુષ્કળ ઉત્પાદન થવાની સંભાવનાથી ગીરપંથકનાં કેસરકેરી ઉત્પાદક ખેડૂતોમાં ખુશી જોવા મળે છે. હાલ સમગ્ર ગીરપંથક કેસરકેરીની ખુશ્બુદાર સુંગંધથી મહેકી રહ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/20/100220013132_kesar_mengo.html

No comments: