Saturday, February 13, 2010

પાંચ વર્ષ પછી એપ્રિલમાં સિંહોની વસતી ગણતરી.

ગાંધીનગર, તા. ૩૧

આગામી એપ્રિલ મહિનામાં સિંહોની વસતી ગણતરી કરવાનું મહાત્વાકાંક્ષી આયોજન વનતંત્ર દ્વારા હાથ ધરાયું છે. જેના પગલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠકોનો ધમધમાટ શરૃ થઈ ગયો છે. પાંચ વર્ષ પછી ગીર પંથકમાં થનારી આ ગણતરીમાં ૧૦૦૦ જેટલા ગણતરીકારો ભાગ લેશે એમ વનવિભાગના ઉચ્ચ વર્તુળોએ જણાવ્યું છે.રાજ્યના વનવિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહોની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે ૨૦૦૫માં થયેલી વસતી ગણતરીને પાંચ વર્ષ થઈ જતાં હવે ફરીથી સિંહોની ગણતરી કરવામાં આવશે અને તેના માટે આગામી એપ્રિલ મહિનો નક્કી કરવામાં આવ્યો છે. સંભવતઃ એપ્રિલ માસના અંતમાં આ ગણતરી શરૃ થશે. પૂનમની આસપાસના દિવસોમાં ગણતરી હાથ ધરવામાં આવે તેવી શક્યતાના પગલે ગાંધીનગરમાં ધમધમાટ વધી ગયો છે. રાજ્યના ચીફવાઈલ્ડ લાઈફ વોર્ડન બી.એન. શ્રીવાસ્તવે આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, સિંહોની થનારી ગણતરીમાં વૈજ્ઞાાનિકો, તજજ્ઞાો અને કુશળ કર્મચારીઓ ભાગ લેશે. ગણતરીકારો ભાગ લઈને ઉત્તમ રીતે ગણતરી પૂર્ણ કરશે.

વિવિધ બિલાડી કુળના પ્રાણીઓની હાજરી તેઓના પંજાના નિશાનના આધારે જાણી શકાય છે. સિંહના પંજાના નિશાન ઘણાં મોટા હોય છે, તેની સરખામણીમાં દીપડાના પંજાના નિશાન નાના હોય છે. આ પ્રાણીઓના પંજાના નિશાન જ્યાં મળી આવ્યા હોય તેવી પોચી જમીનમાં પ્લાસ્ટર ઓફ પેરીસનો ઉપયોગ કરી પંજાના નિશાનના પ્લાસ્ટર કાસ્ટ બનાવી તેના યોગ્ય માપ લઈને તે પ્રાણી અંગે ચોક્કસ સ્થાન અને વિસ્તાર નક્કી કરવામાં આવે છે. પ્રાણીઓનું તે વિસ્તારમાં અસ્તિત્વ, પ્રાણીની જાત, નર કે માદા, તેમનું પ્રમાણ, તેમનું સંખ્યાબળ અને ગીચતા અને અમુક જાનવરની શારીરિક સ્થિતિ અને તેને થયેલ ઈજાઓ દર્શાવે છે. વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી માટે તેમનાં પાછળના પગનાં નિશાનની તેમજ ‘ડાયરેક્ટ સાઈટીંગ’ પધ્ધતિથી ગણતરી હાથ ધરાશે.

અમદાવાદમાં ૧૮મી સદીના અંત સુધી વાઘ-સિંહ સાથે જોવા મળતા હતા : ડો. સિંહ

૧૮મી સદીની સાલમાં વાઘ અને ભારતિયસિંહ અમદાવાદમાં નોંધાયા હતા. પ્રકૃતિપ્રેમી જેમ્સ કેમ્બલની નોંધપોથીમાં ૧૭૮૩માં ધોળકા પાસે સાબરમતી નદી કિનારેના જંગલોમાં વાઘ અને સિંહ હોવાની નોંધ કરવામાં આવી હતી. પરંતુ જે તે સમયે વિકાસ અને સિંહનો શિકાર થતાં જંગલો પાંખા થયા હતા. આશરે ૧૮૨૫માં શાહીબાગ પાસે વાઘ અવારનવાર સાબરમતી નદીના કિનારે જોવા મળતો હતો. છેલ્લે ૧૮૭૭ની સાલ પછી ક્યારેય અમદાવાદની આસપાસ વાઘ અને સિંહ એક સાથે જોવા મળ્યા નથી. આજ અરસામાં દરેક ઋતુમાં મોડાસા પાસેના જંગલોમાં વાઘનો શિકાર થતો હતો આમ વાઘ સ્થળાંતર કરીને મરીકાંઠાના જંગલોમાં સ્થળાંતર કરી દીપડાઓ સાથે અનુકૂલન સ્થાયી વસવાટ કર્યો હોવાની ઈતિહાસને ચોપડે નોંધ કરવામાં આવી હોવાનું મુખ્યવન સંરક્ષક ડો. એચ.એસ. સિંહે જણાવ્યું હતું.

૧૯૦૧માં સિંહને પુનઃ વસવાટ માટે પહેલ કરાઈ

મહારાજા માધવરાવ સીંધિયા દ્વારા ૧૯૦૧માં સેઓપુર અને શિવપુરીના જંગલોમાં સિંહોનો પુનઃ વસવાટ માટે પહેલ કરવામાં આવી હતી. આ ભગીરથ કામગીરી માટે ગ્વાલીયરના મહારાજાએ જુનાગઢના નવાબ પાસે સિંહની ચાર જોડીની માંગણી કરી હતી. જોકે પાછળથી ઈજીપ્ત અને ઈથોપીયાથી ૧૯૧૬માં સિંહના ૧૦ બચ્ચા લાવવામાં આવ્યા હતા.

૧૯૯૦માં પોરબંદર પાસેના દરિયા કિનારે સિંહ પહોંચ્યા હતા. ૨૦૦૩માં બે નર સિંહ પોરબંદર પહોંચ્યા હતા. જોકે તેમને પકડીને પરત ગીરમાં છોડયા હતા.

સિંહના બીજા ઘર માટે કુંબલ ગઢ, સીતામાતા, દરાહ-જવાહર સાગર જેવા સ્થળોનો વિકલ્પ વિચારી શકાય. જોકે સિંહને અન્ય રાજ્યમાં સ્થળાંતર બાબતે પ્રકૃતિ પ્રેમીઓની સ્પષ્ટ ના છે.

સિંહની વસતી આંકડાઓની માયાજાળ

ભૂતકાળમાં બે લાખ જેટલા સિંહની નોંધ થઈ હતી પાછળથી એક લાખ સિંહનો દાવો કરાયો હતો. હાલ ૨૫થી ૪૦હજાર આફ્રિકન સિંહ અને માત્ર ૩૬૦ સિંહ ગુજરાતમાં જોવા મળે છે.

વર્ષ


સંખ્યા

૧૯૦૫


૬૦થી ૭૦

૧૯૨૦


૫૦થી ૧૦૦

૧૯૩૬


૨૮૭

૧૯૫૦


૨૧૯-૨૨૭

૧૯૫૫


૨૯૦

૧૯૬૩


૨૮૫

૧૯૭૦


૧૭૭

૧૯૭૫


૧૮૦

૧૯૮૦


૨૦૫

૧૯૮૫


૨૩૯

૧૯૯૦


૨૮૪

૧૯૯૫


૩૦૪

૨૦૦૦


૩૨૭

૨૦૦૫


૩૫૯

૨૦૧૦


???

સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા

કેટલીક વિશેષતા

* સિંહ ૨૪ કલાકના દિવસમાં ૨૦ થી ૨૧ કલાક નિષ્ક્રિય રહે છે અથવા નિંદ્રામાં ગાળે છે.
* સિંહ સામાન્ય રીતે પોતાના શિકારને ગળાના ભાગથી પકડી દબાવીને ગુંગળાવીને મારી નાખે છે.
* એક પુખ્ત નર સિંહ એક ટંકમાં ૧૮ કિલોગ્રામ જેટલું માંસ ખાઈ શકે છે.
* ઘણીવાર અન્ય સમુહનો સિંહ બચ્ચાવાળી સિંહણની નજીક પહોંચી જાય તો તેના બચ્ચાને મારી નાખે છે. જોકે આમ કરવા પાછળ મજબૂત જીનનો ફેલાવો કરવા પ્રકૃતિ ર્નિિમત ઘટના છે.
* સિંહની ગર્જના ૫ કિલોમીટર દૂર સુધી સંભળાય છે.
* ખોરાકની શૃંખલામાં સિંહની સુપર પ્રિડેટર સર્વોપરી શિકારી પ્રાણીમાં ગણના થાય છે.
* સિંહ એકંદરે કુટુંબપ્રિય પ્રાણી છે.
* પાઠડાઓ ૫થી ૭ વરસના થાય ત્યારે પુખ્ત અને ઘરડા સિંહોનું સામ્રાજ્ય છિનવી લે છે.
* નર સિંહોની હોમરેંજ ૫૦ ચો.કી.થી લઈને ૧૫૦ ચો.કી. સુધીની હોઈ શકે.
* ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં પ્રાણીઓમાં હું સિંહ છું તેમ કહ્યું છે.
* અર્ધ-નર અને અર્ધ-સિંહ ધારી હિન્દુ દેવતા નરસિંહ અવતાર છે.
* અવકાશમાં પણ ખગોળવિદોએ સિંહ રાશિને સ્થાન આપ્યું છે.
* આપણા દેશની રાષ્ટ્ર મુદ્રામાં સિંહ છે.
* ભારતીય રિઝર્વ બેન્કના ચિન્હોમાં સિંહ જ છે.
* સિંહ અને વાઘણના સંકરણથી લાઈગર તથા સિંહણ અને વાઘના સંકરણથી ટાઈલોન નામથી નવી સંકરણ પ્રજાતિ વિકસી છે.
* ગોવિંદ વલ્લભ પંત ઉચ્ચ સ્થળીય પ્રાણી સંગ્રહાલય નૈનિતાલ ૨૧૦૦ મીટરની ઉંચાઈએ આવેલું છે. જ્યાં સાઈબેરિયન ટાઈગર પણ રાખવામાં આવ્યા છે.
* બિલાડી કુળના પ્રાણીઓમાં ફક્ત સિંહ જ એક એવું પ્રાણી છે કે જેની પૂંછડીના છેડા ઉપર કાળા વાળનો ગુચ્છ આવેલો છે.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=155215

No comments: