ન્યૂઝ વ્યુઝ
આના લેખક છે GSNEWS
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010
ભારતમાં વાઘોનો શિકાર કરીને તેની ચીનમાં નિકાસ કરતી આંતરરાષ્ટ્રીય માફિયા ટોળીઓ કામ કરી રહી છે
'ભારતમાં માત્ર ૧,૪૧૧ વાઘ બચ્યા છે' એ મતલબનો સંદેશો આપતી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની જાહેરખબર કોઈ પણ સંવેદનશીલ નાગરિકનું હૃદય પિગળાવી દે તેવી છે. આ ઝુંબેશને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે કેન્દ્રના વન અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે ધડાકો કર્યો છે કે, ૧,૪૧૧નો આંકડો અતિશયોક્તિભર્યો છે. ભારતના વિવિધ વ્યાઘ્ર અભ્યારણોમાં છેલ્લા ૧૪ મહિનામાં જ ૭૨ વાઘ શિકારીઓનો ભોગ બની ગયા છે. ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં કુલ ૧૬૪ વાઘ હોવાનું કહેવાય છે, પણ તેની આજુબાજુ બની રહેલી હોટેલો માટે જંગલ કપાતાં તેમાંના અનેક વાઘો ખતમ થઇ ગયા છે. આવી જ હાલત અન્ય અભ્યારણોની છે. આ સંયોગોમાં, ૧૪૧૧ પૈકી પણ કેટલા વાઘ હયાત હશે તે કોયડો છે.
પર્યાવરણવિદો કહે છે કે આખી દુનિયામાં જંગલોમાં કુલ ૩૨૦૦ વાઘ જ બચ્યા છે. ચીનમાં તો વાઘનો એટલી મોટી સંખ્યામાં શિકાર થઇ ગયો છે કે ચીનનાં જંગલોમાં માત્ર ૨૦ જેટલા જ વાઘ જીવતા રહ્યા છે. ચીનમાં વાઘના ચામડાની, વાઘનખની અને વાઘના હાડકાંની એટલી મોટી બજાર છે કે ચીનમાં હવે ફાર્મમાં વાઘનો ઉછેર કરીને તેની કતલ કરવામાં આવી રહી છે. ચીનની સરકારે ઇ.સ. ૧૯૯૩ની સાલથી વાઘના ચામડા, હાડકાં વગેરેના વેપાર ઉપર પ્રતિબંધ મૂકયો છે, તો પણ ગેરકાયદે વેપાર ધમધમી રહ્યો છે. હકીકતમાંભારતમાં જે વાઘોનો શિકાર થાય છે તેના શરીરના ભાગો નેપાળ માર્ગે ચીન પહોંચી જાય છે. ભારતમાં વાઘોનો શિકાર કરીને તેની ચીનમાં નિકાસ કરતી આંતરરાષ્ટ્રીય માફિયા ટોળીઓ કામ કરી રહી છે.
ચીનના શ્રીમંતોને પોતાના દીવાનખંડને વ્યાઘ્રચર્મથી શોભાવવાનો ચસકો લાગ્યો છે. તેઓ વાઘની એક ચામડીના બદલામાં ૨૦,૦૦૦ ડોલર (આશરે ૧૦ લાખ રૃપિયા) જેવી જંગી કિંમત ચૂકવવા તૈયાર થઇ જાય છે. ચીનમાં વાઘના માત્ર પંજાના ૧,૦૦૦ ડોલર (આશરે ૫૦,૦૦૦ રૃપિયા) ઉપજે છે. વાઘના હાડકામાં વાજીકરણની શક્તિ હોવાનું ચીનના લોકો માને છે. ચીનના પરંપરાગત ઔષધશાસ્ત્રમાં પણ વાઘના હાડકામાંથી કામશક્તિ વધારતી અનેક દવાઓ બનાવવાની વિધિ બતાવવામાં આવી છે. ચીનમાં એક ખાસ જાતનો દારૃ મળે છે, જે વાઘના હાડકાંને મેળવીને બનાવવામાં આવે છે. આ દારૃ વાઘના આકારની બોટલમાં જ મળે છે. આ દારૃ પીવાથી સેકસની તાકાત વધતી હોવા ઉપરાંત સાંધાના દુઃખાવામાં પણ રાહત થાય છે, એવો દાવો તેના વેચનારાઓ કરે છે. ચીનની મુલાકાતે આવતાં વિદેશી સહેલાણીઓ પણ આ દવાની અનેક બોટલો ખરીદીને પોતાના દેશમાં લઇ જાય છે.
ચીનમાં વર્ષોથી ચાલી રહેલા વાઘના શિકારને કારણે જંગલોમાં વાઘ તો લગભગ ખતમ થઇ ગયા છે. આ કારણે ચીનની સરકારે હવે કતલ માટે ફાર્મમાં વાઘનો ઉછેર કરવાની પરવાનગી આપી દીધી છે. ચીનના ઝીયોંગસેન ટાઇગર રિઝર્વમાં આ રીતે આશરે ૧૫૦૦ વાઘોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. ભારતમાં જેમ કતલ માટે વાડામાં ભૂંડનો ઉછેર કરવામાં આવે છે તેમ ચીનમાં કતલ માટે વાઘનો ઉછેર કરવામાં આવે છે. આ વાઘોને કયાં તો પિંજરામાં પૂરી રાખવામાં આવે છે અને કયાં ઊંચી દિવાલો ધરાવતા વાડામાં છોડી દેવામાં આવે છે. આ વાડામાં એક પણ વૃક્ષ નથી હોતું અને કુદરતી વાતાવરણ પણ નથી હોતું. આ વાતાવરણમાં નર અને માદા વાઘ વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે. આ રીતે જે વાઘો પેદા કરવામાં આવે તેઓ જંગલમાં રહેવાની ક્ષમતા પણ ગુમાવી બેસતા હોય છે. આજથી બે વર્ષ અગાઉ તો ઝીયોંગસેનની રેસ્ટોરાંમાં વાઘના માંસની વાનગીઓ પણ પીરસવામાં આવતી હતી. અખબારોમાં તેને વ્યાપક પ્રસિદ્ધિ મળી તેને કારણે વિરોધ થતાં આ પ્રથા બંધ કરવામાં આવી છે, પણ વાઘના હાડકામાં ઉકાળેલો દારૃ તો હજી પણ છૂટથી વેચાય છે. ઝીયોંગસેનની એક જ દુકાનમાં આ પ્રકારના દારૃની ૨૦૦૦૦ બોટલો દર વર્ષે વેચાઇ જાય છે. ચીનમાં આવા ૨૦ ટાઇગર ફાર્મ આવેલા છે.
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં તડોબા નામનું વાઘનું અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યની નજીક કોલસાની ખાણો માટે ગુજરાતની અદાણી પાવર કંપનીએ લાઇસન્સ માંગ્યું હતું. આ સૂચિત પ્રોજેકટ સામે સ્થાનિક પ્રજાએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ સામે ઝૂકી જઈને કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયે લોહારા ખાણના પ્રોજેકટને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. અદાણી જૂથ ગોંદિયા જિલ્લામાં ૧૮૦૦ મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ નાંખવા માંગે છે. આ જિલ્લો એનસીપીના નેતા અને કેન્દ્રના નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન પ્રફુલ પટેલનો મત વિસ્તાર છે. અદાણીના પાવર પ્લાન્ટ માટે કોલસાની ખાણને મંજૂરી અપાવવા પ્રફુલ પટેલે ખૂબ પ્રયાસો કર્યા હતા, પણ કેન્દ્રના પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે વાઘને બચાવવા કોલસાની ખાણને જાકારો આપી દીધો છે.
સામ્યવાદી ચીનમાં ઇ.સ. ૨૦૧૦ ની ઉજવણી વ્યાઘ્ર વર્ષ તરીકે કરવામાં આવી રહી છે. તેને કારણે ભારતમાં વાઘનો શિકાર અટકે એવી આશા બહુ ઓછી છે. ભારતમાં ઇ.સ. ૧૯૭૨ની સાલમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટ ટાઇગર યોજના શરૃ કરવામાં આવી તેનાં થોડાં વર્ષોમાં વાઘની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી હતી. આજથી ૧૦૦ વર્ષ અગાઉ ભારતમાં આશરે એક લાખ વાઘ હતા. ઇ.સ. ૨૦૦૨ સુધી ભારતના ૩૭ વ્યાઘ્ર અભયારણ્યમાં ૪૦૦૦ વાઘો હયાત હતા. છેલ્લા દસકામાં વાઘના શિકારનું પ્રમાણ અત્યંત વધી ગયું છે. રાજસ્થાનમાં આવેલા વિખ્યાત રણથંભોર નેશનલ પાર્કના બધા વાઘો ખતમ થઇ ગયા છે. અત્યારે ભારતમાં વાઘની સંખ્યા ઘટીને હજાર ઉપર પહોંચી ગઈ છે.
ભારતમાં વાઘનો શિકાર કરતાં શિકારીઓ ચીનની ગેન્ગ સાથે સંકળાયેલા હોય છે. તેઓ સ્થાનિક વનવાસીઓને લાલચ આપીને તેમની પાસેથી વાઘની ભાળ મેળવે છે. ભારતના જંગલ રક્ષકોને જરીપુરાણા તમંચાઓ આપવામાં આવે છે, જયારે વાઘનો શિકાર કરતા માફિયાઓ પાસે એકે-૪૭ જેવી અદ્યતન રાઇફલો હોય છે. ભારતમાં વાઘનો શિકાર કરનાર શિકારીને ૨૦,૦૦૦ રૃપિયા જેવી મામૂલી રકમ જ મળે છે. આ વાઘની ચામડી બિજીંગ પહોંચે ત્યારે તેની કિંમત ૧૦ લાખ રૃપિયા ઉપર પહોંચી જાય છે. ચીનમાં તો વાઘના લોહીનો ઉપયોગ પણ દવા બનાવવા માટે કરવામાં આવે છે. ભારતમાં વાઘનો શિકાર કરવા માટે માફિયાઓ અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. તેઓ જે તળાવમાં વાઘ પાણી પીવા આવતા હોય તેના પાણીમાં ઝેર ભેળવી દે છે. આ પાણી પીને વાઘ મૃત્યુ પામે છે. ગયે વર્ષે ભારતનાં અભયારણ્યોમાં જેટલા વાઘોનાં મોત થયાં હતાં તેમાંના બે તૃતિયાંશ આ રીતે મરેલા મળી આવ્યા હતા. આ રીતે મૃત્યુ પામેલા વાઘની ચામડી છેવટે ફોરેસ્ટ ઓફિસરોને લાંચ આપીને શિકારીઓના હાથમાં જ આવી જાય છે. ભારતમાં વાઘના જે ૩૭ અભયારણ્ય છે, તેમાંના બેમાંથી વાઘ અદ્રશ્ય થઇ ગયા છે અને બાકીના પૈકી ૧૦માંથી અદ્રશ્ય થવાની તૈયારીમાં છે.
રાજસ્થાનમાં રણથંભોરના વાઘ શિકારીઓની ગોળીનો ભોગ બન્યા છે તો બંગાળમાં આવેલા સુંદરવનના વાઘ ગ્લોબલ વોર્મિંગનો શિકાર બની રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવનનું અભયારણ્ય ગંગા નદી જયાં સમુદ્રને મળે છે ત્યાં આવેલું છે. આ વિસ્તારમાં દરિયાની સપાટી સતત વધી રહી છે, જેને કારણે અભયારણ્યનો વિસ્તાર સતત સંકોચાઇ રહ્યો છે. જો ઇ.સ. ૨૦૦૦ના સ્તરથી પાણી ૧૧ ઇંચ જેટલું ઉંચે આવશે તો સુંદરવનનો વિસ્તાર ૯૬ ટકા જેટલો ઓછો થઇ જશે. આ સંયોગોમાં સુંદરવનમાં વાઘની સંખ્યા ઘટીને ૨૦ ઉપર પહોંચી જશે. સુંદરવનના વાઘો પોતાના વિસ્તારમાંથી બહાર આવીને નજીકનાં ગામડાંઓમાં ફરી રહ્યા છે. આ વાઘોથી પોતાના જાનવરોની રક્ષા કરવા ગામડાંના લોકો તેમને ઝેર આપીને મારી નાંખે છે.
ઉત્તરાખંડમાં આવેલો જીમ કોર્બેટ નેશનલ પાર્ક વિદેશી સહેલાણીઓનો માનીતો છે. તેની મુલાકાતે જે પ્રવાસીઓ આવે છે તેઓ જંગલમાં અથવા જંગલની નજીક રહેવાનો જ આગ્રહ રાખે છે. આ કારણે જંગલની ફરતે આવેલા સંવેદશીલ વિસ્તારમાં હોટેલોની સંખ્યા વધી રહી છે. નવી હોટેલોની સ્થાપના કરવા માટે વૃક્ષોનો સંહાર કરવામાં આવે છે. આ રીતે જંગલ પાંખું બની રહ્યું છે. વાઘ જોવા આવતા ટુરિસ્ટોની અવરજવરને કારણે જ વાઘોની સંખ્યા ઘટી રહી છે. આ હોટેલોમાંથી અનેકની માલિકી સ્થાનિક રાજકારણીઓની અથવા તેમના સગાવહાલાઓની છે. પર્યટન ઉદ્યોગ પણ વાઇલ્ડ લાઇફના વિનાશ માટે જવાબદાર છે. ભારતનાં અભયારણ્યોમાં ૧,૪૧૧ વાઘ તો નથી એવું ખુદ પર્યાવરણ પ્રધાને કબૂલ કર્યું છે. હવે ખરેખર કેટલા વાઘ જીવે છે તેની કદાચ તેમને પણ ખબર નથી.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56326/315/
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment