Saturday, February 20, 2010

વેરાવળનાં ઇશ્વરિયામાં દીપડી અંતે પાંજરે પૂરાઈ

વેરાવળ તા.૧૯ :

વેરાવળનાં ઈશ્વરિયામાં એક દીપડી પાંજરામાં પૂરાઈ ગઈ છે. બે શ્રમિક મહિલાઓને ફાડી ખાનારી આ જ દીપડી છે કે કેમ તે અંગે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે.વેરાવળનાં ઇશ્વરિયામાં ૧૦ દિવસ પહેલા બે શ્રમિક મહિલાને દીપડાએ ફાડી ખાધા બાદ આ વિસ્તારમાં વન વિભાગે જુદા-જુદા આઠ સ્થળોએ પાંજરા મૂકી વોચ ગોઠવી હતી. ગઇ કાલે હિરણ નદીનાં સંપમાં મીઠાપુરની પાઇપલાઇન કે જે એક કૂવામાં ગોઠવવામાં આવી છે. તે કૂવામાં પાણી નહીં હોવાથી દીપડો ત્યાં હોવાની આશંકા સાથે અહીં પણ વોચ રાખી હતી. કૂવા નજીક એક પાંજરામાં એક મારણરૃપે કુતરુ રાખવામાં આવ્યુ હતું. ગઇ રાત્રિના દીપડો મારણ કરી જતા દીપડો અહીં હોય એવુ સમર્થન મળ્યુ હતું. તેથી, આજે તે જ પાંજરામાં બકરાનું મારણ રાખવામાં આવતા ગઇ રાત્રે ૧૧-૩૦ કલાકે ચાર વર્ષની એક દીપડી આ પાંજરામાં પુરાઇ હતી. આઠ પાંજરા પૈકીના એક પાંજરામાં આ દીપડી ઝડપાઇ જતાં તેને મોડી રાત્રે જૂનાગઢ સકકરબાગમાં લઇ જવામાં આવી હતી. બે મહિલાને ફાડી ખાનારી આ જ દીપડી છે કે, કેમ તની ફોરેન્સિક તપાસ કર્યા બાદ આ દીપડીએ જો મહિલાને ફાડી ખાધાનું બહાર આવશે તો તો તેને કાયમી સક્કરબાગ ઝૂમાં રખાશે. આ દીપડીએ મહિલાને ફાડી ખાધી ન હોઈ તો ફરી માઇક્રોચિપ બેસાડી જંગલમાં છોડી મૂકાશે. એક દીપડી પકડાતા વનવિભાગે નિરાંત અનુભવી છે. તેમ છતાં હજુ સાત પાંજરામાં બીજા દીપડાઓ પકડવા વોચ યથાવત છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=161326

No comments: