Ketan Dave, Ahmedabad
Saturday, August 29, 2009 04:04 [IST]
Bookmark and Share
કાંકરિયા ઝૂના સિંહ-સિંહણ ગણેશ-ઓખાની ફરિયાદ
એક હિન્દી ફિલ્મનાં ગીતની કડી છે કે ‘અપના જીવન તો રેલકી પટરી, સારા જીવન સામને રહે પર મિલ નહિ પાયે’ જેવા જ હાલ હાલમાં કાંકરિયાસ્થિત કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયના વનરાજ ગણેશ તથા સિંહણ ઓખાની છે, કેમકે આ સિંહ-સિંહણનાં પાંજરા એકમેકથી માત્ર વીસથી પચીસ ફૂટ જ દૂર છે. તેઓ એકબીજાથી આટલાં નજીક હોવા છતાં છેલ્લા સત્તર વર્ષમાં ક્યારેય તેમનું મિલન થયું નથી.
એક પાંજરામાં પુરાયેલી સિંહણ ઓખા છેલ્લા ત્રણેક દિવસથી હિટ(સંવનન માટે આતુર)પર આવતાં પોતાના પ્રિયપાત્ર સાથે મિલન ઝંખી રહી છે. ઉદાસ વદને ખાધાપીધા વગર આળોટતી રહેતી ઓખાની આ હાલત જોઇ કોઇ પણને તેની દયા આવી જાય તે સ્વાભાવિક છે, તો બીજી તરફ સિંહ ગણેશના પણ આવા જ હાલ છે, જોકે તેમનું દર્દ જોઇ કાંકરિયા ઝૂના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ દુ:ખી છે પરંતુ તેઓ પણ તેમનું મિલન કરાવી શકતા નથી, કેમકે તેમને કાયદો રોકે છે, જોકે આ તો વાત થઇ કાંકરિયાનાં સિંહ-સિંહણની, પરંતુ આ ઉપરાંત રાજ્યભરનાં પ્રાણીસંગ્રહાલયોમાં ઘણા સિંહ-સિંહણ, દીપડો-દીપડી, વાઘ-વાઘણ મિલન માટે તરસી રહ્યાં છે.
જંગલના રાજા સિંહને પણ પ્રિય પાત્ર સાથેના મિલનમાં વિલન બનતા આ નિયમ અંગે કાંકરિયા ઝૂના ડો. સાઉધરિયાએ જણાવ્યું હતું કે ‘ ગણેશ તથા ઓખા ક્રોસ બ્રિડથી પેદા થયેલાં પ્રાણીઓ છે એટલે કે તેમની માતા આફ્રિકન સિંહણ અને પિતા એશિયન સિંહ હતો અને નેશનલ ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ હવેથી આવા પ્રાણીઓની વસ્તી વધારવી નહિ એટલે કે જે આવા ક્રોસ બ્રિડવાળા જેટલાં પ્રાણીઓ હયાત છે તેમને સાચવવાં, પરંતુ તેમનાં બચ્ચાં પેદા કરાવવાં નહીં. એટલે આ પ્રાણીઓના અંત બાદ ક્રોસ બ્રિડવાળા સિંહ-સિંહણ નાબૂદ થઇ જાય અને માત્ર ઓરિજિનલ નસલવાળા જ સિંહ-સિંહણ હયાત રહે.’
આ ગાઇડલાઇનનો કડકાઇથી અમલ કરવાનો આદેશ હોઇ ગણેશ તથા ઓખાને એકબીજાની સાથે રાખી શકાતાં નથી. અન્ય એક કારણ જણાવતાં ડો. સાઉધરિયાએ જણાવ્યું હતું કે આ ગણેશ તથા ઓખાની માતા એક જ હતી. માટે જો તેમને મેટિંગ કરાવવામાં આવે તો તેને ‘ઇનબ્રિડિંગ’ કહેવાય અને ઇનબ્રિડિંગથી પેદા થયેલાં બચ્ચાઓમાં જિનેટિકલ પ્રોબ્લેમ રહેવાની શક્યતા હોય છે.
આવાજ હાલ વડોદરા કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયના બે વનરાજ કાલુ તથા રામુ અને સિંહણબાનુના છે. ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન આગળ પોતે લાચાર હોવાનું કમાટીબાગ ઝૂ સુપરિન્ટેન્ડેન્ટ ડો. સી. ટી. પટેલ જણાવી રહ્યા છે. સુરત ઝૂમાં પણ ક્રોસ બ્રિડવાળા સિંહ બહાદુર અને સિંહણ સીતાને આજીવન વેગળાં રાખવામાં આવ્યાં હતાં.
જૂનાગઢ સક્કરબાગને બાદ કરતાં રાજ્યભરનાં પ્રાણીસંગ્રહાલયોમાં ક્રોસ બ્રિડવાળા સિંહ અને સિંહણ છે અને તેમાંય વળી જ્યારે સિંહણ હીટ પર આવે ત્યારે તેની સ્થિતિ ખરેખર દયનીય હોવાનું અને આ પરિસ્થિતિ પ્રાણીઓની માનસકિ હાલત પર પણ અસર કરતી હોવાનું ઝૂના આધિકારીઓ જણાવી રહ્યા છે પરંતુ તેઓ પણ નિયમ આગળ લાચાર છે!
Source: http://www.divyabhaskar.co.in/2009/08/29/090829040446_officer_of_zoo.html
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
No comments:
Post a Comment