Saturday, February 13, 2010

મારણમાં ખલેલ પહોંચાડતા સાવજે બે વર્ષના સિંહને પતાવી દીધો.

Bhaskar News, Amreli
Sunday, April 12, 2009 01:16 [IST]

સાવરકુંડલા પાસેના મેંકડા ગામની સીમમાં સાવજને મારણ સમયે ખલેલ પહોંચાડતા બે વર્ષના સિંહ પર હુમલો કરી સાવજે મારી નાખ્યો હતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ બનાવ કેવી રીતે બન્યો તે અંગેની વિગતો બહાર લાવવા તપાસ શરૂ કરી છે. મેંકડા ગામની સીમમાં રવજીભાઇ કણસાગરાની વાડીમાંથી આશરે પોણા બે વર્ષની ઉમરના સિંહ (પાઠડો)નો મૃતદેહ મળી આવ્યો હતો. બચ્ચું પણ ન કહી શકાય અને પુખ્ત પણ ન કહી શકાય તેવી ઉમરના આ પાઠડા સિંહનું જડબું અને ખોપરીના ચૂરેચૂરા થઇ ગયા હતા.

પાઠડા સિંહના મૃતદેહથી થોડે દૂર એક નીલગાયનું મારણ કરવામાં આવ્યું હોવાના પુરાવા પણ મળ્યા હતા. આથી જંગલખાતાના અધિકારીઓએ એવું તારણ કાઢયું હતું કે પુખ્ત નર સિંહ મારણ કરતો હશે ત્યારે પાઠડો નર સિંહ ત્યાં આવી ચડયો હશે અને તેણે પુખ્ત સિંહની સાથે મારણ કરવાની કોશિશ કરી હશે. આથી પુખ્ત સિંહે ગુસ્સામાં આવી જઇને પાઠડાને પતાવી દીધો હોવો જોઇએ.આવી ઘટનાઓ અવાર-નવાર બનતી રહેતી હોય છે. પરંતુ સિંહ મોટેભાગે બચ્ચાંઓને મારીને ખાઇ જતા હોય છે.

એકબીજાની ટેરેટરીમાં જયારે સિંહ જઇ ચડતા હોય છે ત્યારે પણ એકબીજા પર હુમલો કરતા હોય છે. જો કે શનિવારે સાવરકુંડલા પાસે જે ઘટના બની તેમાં મારણમાં ખલેલ પહોંચાડતા પાઠડા સિંહને પુખ્ત વયના સિંહે મોતને ઘાટ ઉતાર્યોહોય તેવું પ્રથમ વખત બન્યાનું પણ વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. આ વિસ્મયકારી ઘટના બાદ જયાંથી બે વર્ષની વયના સિંહ (પાઠડા)નો મૃતદેહ મળ્યો હતો ત્યાં જ સ્થળ પર તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2009/04/12/0904120117_lions_kills_two_year_old_lion_in_gir.html

No comments: