Saturday, February 13, 2010

ડૈયા-અનીડા વચ્ચે સિંહ પરિવારના ધામા: મારણ સાથેનું પાંજરું મૂકાયું.

Bhaskar News, Gondal
Tuesday, October 28, 2008 00:31 [IST]

ધારી, સાસણથી તજજ્ઞો બોલાવાયા: ૫૦ અધિકારી-કર્મચારીનો કાફલો ખડેપગે

ગીરના જંગલમાંથી છેક ગોંડલ નજીક પહોંચી ગયેલો બે બચ્ચાં સાથેનો સિંહ પરિવાર રવિવારની રાત્રિથી ડૈયા અને અનીડા ગામની સીમમાં સ્થાયી થયો હોવાનું ડીએફઓ માદળિયાએ જણાવ્યું હતું. હાલ આ બન્નો ગામની સીમની વચ્ચે ૫૦૦ મીટરમાં આ આખો પરિવાર આંટાફેરા કરે છે. જુવાર અને કપાસની વચ્ચે આ પરિવાર બેઠો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. બે બચ્ચાં અને સિંહ યુગલને પકડી લેવા માટે મારણ સાથેનું પાંજરું ગોઠવવામાં આવ્યું છે.

આ ઉપરાંત આ સિંહ પરિવારને પકડી લેવા માટે સાસણ અને ધારીથી ખાસ તજજ્ઞોને બોલાવવામાં આવ્યા છે. ડૈયા, અનીડા અને આજુબાજુના ગામના લોકોને સીમ-વાડીમાં ન જવા સૂચના આપવામાં આવી છે. રવિવારની રાત્રિના સાડાચાર વાગ્યા આસપાસ એક વાછરડીનું મારણ કરવામાં આવ્યું હતું.

નાના ઉમવાડાની સીમમાં સિંહ પરિવારે મારણ કર્યા બાદ ત્યાં બાજુમાં નેસડામાં રહેતા ભરવાડ પરિવારો જાગી જતાં તેઓએ હાકલા-પડકારા કરીને સિંહ પરિવારને ભગાડી મુકયો હતો. આથી આ આખો પરિવાર છેલ્લા ૨૪ કલાકથી ભૂખ્યો છે. ત્યારબાદ બે બચ્ચાં સાથેનું સિંહ યુગલ ડૈયા અને અનીડા ગામની સીમની વચ્ચેના વિસ્તારમાં જઇ ચડયું છે. ત્યાં શિકારની શોધમાં આંટાફેરા કરી રહ્યું છે.

ડીએફઓ માદળિયાએ વધુમાં વિગત આપતાં એમ પણ જણાવ્યું હતું કે સિંહને કોલરઆઇડી પહેરાવવામાં આવ્યુ હોય તેનું લોકેશન તો મળી ગયું છે. પરંતુ સતત તેની પાછળ દોડવું પડે છે. જો એક વખત તેઓ લોકેશનની બહાર ચાલ્યા જાય તો તેઓને શોધવા મુશ્કેલ થઇ પડે. આથી ગઇકાલ રાતથી જ ૪૦ થી ૫૦ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો સિંહ પરિવારની પાછળ જ છે અને પાંજરું મૂકવામાં આવ્યું છે તેમાં આ ચારેય પકડાઇ જાય તેવી આશા વનવિભાગના અધિકારીઓ રાખી રહ્યા છે.

રિંગ પાંજરું ગોઠવતાં ૬ કલાક લાગે

એકસાથે સિંહ યુગલ અને તેના બે બચ્ચાં મળી ચાર સિંહને પકડવાના હોય તેના માટે આઠથી ૧૦ ફૂટ ઉચું અને લાંબુ રીંગ પાંજરું મુકવું પડે અને આ પાંજરું ગોઠવતાં અંદાજે ૬ કલાક જેટલો સમય થતો હોવાનું ડીએફઓએ જણાવ્યું હતું. આ પાંજરાની અંદર સ્ટેપ બાય સ્ટેપ દરવાજા હોય છે અને તેની અંદર એકસાથે ચાર સિંહ સમાય જાય તેટલી મોટી જગ્યા હોય છે.

રવિવારની આખી રાત વનખાતુ અને સિંહ પરિવાર વચ્ચે દોડધામ

ચારેય સિંહનું નાના ઉમવાડા ખાતે લોકેશન મળ્યા બાદ ડીએફઓ માદળિયા તેમજ ધારી, સાસણ, ગોંડલ, રાજકોટ, ઉપલેટા અને ધોરાજીથી આવેલા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો સતત આ સિંહ પરિવારની પાછળ જ છે. રવિવારની રાત્રે આ પરિવાર નાનાઉમવાડાથી નીકળી ડૈયા અને અનિડા ગામ વચ્ચેની સીમમાં સ્થાયી થયું છે. આમ રવિવારની રાતથી સોમવારની વહેલી સવાર સુધી સિંહ પરિવાર અને વન વિભાગના કાફલા વચ્ચે દોડધામ રહી હતી.

બે બચ્ચાં સાથે હોય ચીવટથી કામ લેવું પડે

ડીએફઓ માદળિયાએ એમ પણ જણાવ્યું હતું કે સિંહ યુગલની સાથે બે બચ્ચાં હોય એકદમ ચીવટપૂર્વક કામ લેવું પડે. પાંજરાની અંદર સિંહ અને સિંહણ આવી જાય અને બે બચ્ચા જો બહાર રહી જાય તો આ સિંહ યુગલ ન કરવાનું કરી બેસે.

જો એક બચ્ચુ પાંજરાની અંદર આવી જાય અને બીજું બચ્ચું બહાર રહી જાય અથવા તો આ પરિવારનો એકાદો સભ્ય પણ જો પાંજરાની બહાર રહી જાય અને બાકીના જો પકડાય અને તેને જંગલની અંદર છોડી દેવામાં આવે તો તે જંગલમાં પણ અન્યોને મુશ્કેલીમાં મૂકી દે. આથી બે બચ્ચાં સાથે હોય ભારે ચીવટપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે.

રવિવાર રાતથી આખો પરિવાર ભૂખ્યો છે

રવિવારે રાત્રે સાડાચાર વાગ્યા આસપાસ આ પરિવારે નાનાઉમવાડાની સીમમાં ભરવાડના નેસડાની બાજુમાં એક વાછરડીનું મારણ કર્યું હતું. પરંતુ ભરવાડો જાગી જતાં તમામ સિંહ ત્યાંથી ભાગી છૂટયા હતા.

રવિવારની રાત્રે પણ તેઓને પૂરતું ભોજન ન મળતાં અને સોમવારે સવારે પણ આ સિંહ પરિવારે કોઇ મારણ કર્યું ન હોય આ આખો પરિવાર બરોબરનો ભૂખ્યો થયો છે. અને આ તકનો ફાયદો ઉઠાવીને જ ડૈયા-અનિડાની સીમમાં રીંગ પાજરું મુકીને તેમાં મારણ મુકાયું છે. આથી એવી આશા છે કે સોમવારની રાત સુધીમાં આ પરિવાર કદાચ પાંજરાની અંદર સપડાઇ જાય.
Source: http://www.divyabhaskar.co.in/2008/10/28/0810280032_near_anida.html

No comments: