Tuesday, February 16, 2010

જૂનાગઢ એસટીને વધુ ટ્રીપ દોડાવતા ૧૦ લાખનો વકરો.

Bhaskar News, Junagadh

ગત વર્ષની ૧૭ થી ૧૮ લાખની આવક સામે આ વર્ષે વધુ આવક થવાની સંભાવના.
જૂનાગઢના ભવનાથ ખાતે યોજતા શિવરાત્રીના મેળાના કારણે અનેક લોકોને રોજગારી મળી રહે છે. આ વર્ષે મેળાના ચાર દિવસ દરમ્યાન એસ.ટી.એ ૧૫૦૦ જેટલી ટ્રીપો દોડાવી દસ લાખનો વકરો કર્યો છે. ગત વર્ષે મેળા દરમ્યાન ૧૭ થી ૧૮ લાખની આવક થઈ હતી. પરંતુ હજુ આજ રાત અને કાલનો દિવસ ટ્રાફિક રહેશે તેમ હોવાથી ગત વર્ષ કરતા આ વર્ષે આવક વધવાની સંભાવના વર્તાઈ રહી છે.

જૂનાગઢમાં મહાશિવરાત્રી નિમીતે યોજાતા મેળામાં રાજય તથા દેશભરમાંથી શ્રઘ્ધાળુઓ આવે છે. આ શ્રઘ્ધાળુઓ માટે એસ.ટી.તંત્ર દ્વારા ખાસ બસની ફાળવણી કરવામાં આવે છે. ગુજરાત એસ.ટી.એ શિવરાત્રીના મેળામાં વધુ ટ્રીપ દોડાવી ચાર દિવસમાં દસ લાખથી વધુનો વકરો કરી લીધો છે.

આ અંગે એસ.ટી.નાં અધિકારીનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો ત્યારથી જૂનાગઢ સહિતનાં ડેપોની ૧૫૦૦ ટ્રીપો દોડાવવામાં આવી છે. જેના દ્વારા માત્ર જૂનાગઢ ડેપો નેજ અત્યાર સુધીમાં દસ લાખની આવક થઈ ગઈ છે. ગત વર્ષે મેળા દરમ્યાન જૂનાગઢ ડેપોને ૧૭ થી ૧૮ લાખની આવક થઈ હતી.

જેની સામે આ વર્ષે દસ લાખથી વધુની આવક થઈ ગઈ છે. અને હજુ આજે રાત્રે તથા આવતીકાલે ટ્રાફિક રહેશે તેનાથી ગત વર્ષે એસ.ટી.ને થયેલી આવક કરતા આ વર્ષની આવક વધી જવાની સંભાવના છે. ગત વર્ષે બપોર સુધી એસ.ટી. બસ ભવનાથ સુધી જઈ શકતી હતી. પરંતુ આ વર્ષે વધુ ટ્રાફિક હોવાથી આજે સવારથી એસ.ટી.બસ તેમજ અન્ય મોટા વાહનોને ભવનાથ વિસ્તારમાં પ્રવેશબંધી કરી દેવાઈ છે.

શિવરાત્રી નિમીતે સ્થાનિક તથા આજુબાજુના વિસ્તારના અનેક લોકોને રોજગારી મળી રહે છે. એસ.ટી.સિવાય ખાનગી બસ તથા અન્ય વાહન ચાલકોને પણ મેળા દરમ્યાન તડાકો પડી ગયા છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/13/100213000814_st_division.html

No comments: