Saturday, February 20, 2010

વિક્ટોરીયા પાર્ક પ્રકરણે મુખ્યમંત્રી સમક્ષ સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ જશે.

ભાવનગર સમાચાર
આના લેખક છે GSNEWS
શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2010

ભાવનગર,શુક્રવાર
વિકેટોરીયાપાર્કમાં લગાડવામાં આવેલી આગના પ્રકરણે ઘોઘાગેઇટમાં મળેલી જાહેર સભામાં વિધાનસભા વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આગની ઘટનાની ઝાટકણી કાઢી દોષિતો સામે સખ્ત પગલા લેવાની માંગણી કરી હતી.
વિક્ટોરીયા પાર્ક આગ પ્રકરણે નક્કર પગલા લેવાય તેવી વિધાનસભા વિપક્ષ નેતાની માંગ

વિધાનસભા વિપક્ષના નેતા શક્તિસિંગ ગોહિલે જાહેર સભામાં કહ્યું હતું કે સમગ્ર અભિયાનમાં તેઓ સાથે છે.અને બોરતળાવ, તથા સુંદરાવાસ જમીનના અનુસંધાને રિવ્યુ પીટીશન દાખલ કરવી જોઇએ. એમ્પાયર કમિટિ સમક્ષ કરેલી અરજીમાં પરિણામ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર ખાલી ભાષણોથી નહિ ચાલે પરંતુ નક્કર ઠોસ કાર્યક્રમ અને પગલા લેવાયતે જરૃરી છે. અને પ્રથમ જેની જવાદારી છે.તેને પ્રથમ ફરજ નિભાવવી જોઇએ.જરૃર પડયે મુખ્ય મંત્રી પાસે સર્વપક્ષીય પ્રતિનિધિત્વે રજૂઆત કરવી જોઇએ. જળ. જંગલ, જીવ, જમીન, બચાવ સમિતિ દ્વારા આયોજીત વિકટોરીયા પાર્ક આગ પ્રકરણે મળેલી જાહેર સભામાં મોડેથી શક્તિસિંહ ગોહિલે એન્ટ્રી કરતા સભામાં જીવંતતા આવી હતી.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56683/153/

વિકટોરીયા પાર્કની આગ પ્રકરણે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક.

ભાવનગર સમાચાર
આના લેખક છે GSNEWS
શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2010

ભાવનગર, શુક્રવાર
વિકટોરીયા પાર્કની આગની જવાળા હવે ગાંધીનગર સુધી પહોંચી છે અને ઉર્જા મંત્રીની હાજરીમાં મળેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં અનામત જંગલના રક્ષણ માટે એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જો કે આ બેઠકમાં દોષિતો સામે પગલા લેવાની ચર્ચાથી સૌ દુર રહ્યા હતા એ બાબત ઘણી સુચક છે.
વધારાના વોચ ટાવર મુકાશે ઃ અંદરના ભાગે ૧૦ મીટર પહોળો ફાયર બેલ્ટ બનાવવામાં આવશે

ભાવનગર શહેરની મધ્યમાં શહેરના નગર ઉપવન સમાન વિકટોરીયાપાર્કના અનામત જંગલ વિસ્તારમાં તાજેતરમાં અચાનક લાગેલી આગને પગલે આ આરક્ષિત જંગલ માટે ખાસ એકશન પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વન રાજ્યમંત્રીએ પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ વન મંત્રી,પ્રભારી મંત્રી, સૌરભભાઈ પટેલ અને વન રાજ્યમંત્રી રાણાએ યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આરક્ષિત જંગલ માટે ખાસ એકશન પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

ઉર્જા મંત્રી તથા વન મંત્રીએ વન વિભાગ અને રાજ્ય સરકારે વિકટોરીયા પાર્ક માટે જે એકશન પ્લાન ઘડયો છે, તેની વિગતો આપતા જણાવ્યું હતું કે ૨૦૨ હેકટર વિસ્તારમાંપથરાયેલાઆ પાર્ક તથા ૧૦ હેકટર વિસ્તારમાં પથરાયેલ યાયાવર પક્ષીઓના રહેઠાંણ સમા કૃષ્ણકુંજ તળાવ ધરાવતાં આ વિકટોરીયાપાર્ક જંગલ વિસ્તારમાં બાકી રહેલી પાકી દિવાલ બનાવવાનુંકાર્ય આગામી માર્ચ ૨૦૧૦માં પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે ઉપરાંતપ્રજાજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પ્રેરિત કરવા જન જાગૃતિ અભિયાનને વેગ આપવા સાથે ફાયર ફાઈટીંગના અદ્યતન સાધનો વસાવીને તેમજ ફોરેસ્ટ ફાયર મેનેજમેન્ટ મેપ અંગેનો વર્કશોપ યોજીને આગની ઘટના પુનઃ ન બને તે માટેની તકેદારી રાખવામાં આવશે.

વિકટોરીયા પાર્કમાં વધારાના વોચ ટાવર બનાવવા તેમજ પ્રતિબંધિત ઝોનના સૂચિત નિશાનોવાળા બોર્ડ મુકવા તેમજ પાર્કની દિવાલની અંદરના ભાગે ૧૦ મીટર પહોળો ફાયર બેલ્ટ અને ઘનિષ્ઠ વિસ્તારમાં જુદા જુદા ભાગો કરીે ૮થી૧૦ મીટર પહોળાફાર બેલ્ટ બનાવવામાં આવશે.પાર્કમાં વોકિંગ માટે આવનારા નાગરિકો માટે ટાઈમ શિડયુલ બનાવવો તેમજરુટ નક્કી કરવો અને વોર્ટર ચેનલ ટ્રાયમોટને સજીવન કરવું જેવા મહત્વના નિર્ણયો પણ આ એકશન પ્લાનમાં સમાવવામાં આવ્યા છે.
બંને મંત્રીઓએ ભવિષ્યમાં આ આગની દુર્ઘટનાના બને એ માટે જન સહયોગ અને જનજાગૃતિની આવશ્યકતાપર ભાર મુકયો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાવનગર જિલ્લા કલેકટર, નાયબ વન સંરક્ષક તેમજ જુનાગઢ રેન્જના વન સંરક્ષક સહિત ઉચ્ચ અધિકારીપદાધિકારીઓએ ઉપસ્થિત રહી સુચનો કર્યા હતા, અનેચર્ચામાં ભાગ લીધો હતો.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56685/153/

સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા રવિવારે પ્રતિક વૃક્ષારોપણનો કાર્યક્રમ.

Bhaskar News, Bhavnagar

પર્યાવરણ માટે જાગૃત થયેલી સંસ્થાઓને પોતપોતાની સંસ્થામાં ‘‘વૃક્ષારોપણ પ્રતિજ્ઞા’’નો કાર્યક્રમ યોજવા અનુરોધભાવનગરના પર્યાવરણ પ્રેમી જાગત નાગરિકોની લાગણીને માન આપી દિવ્ય ભાસ્કર ગ્રૂપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા શેઠ બ્રધર્સના સહયોગથી અને વનવિભાગના માર્ગદર્શન નીચે રવિવારે સવારે ૮ કલાકે વિક્ટોરીયા પાર્ક ખાતે પ્રતિક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ છે.

વિક્ટોરીયા પાર્કમાં તાજેતરમાં લાગેલી ભયાનક આગ બાદ ભાવનગરના લોકોમાં ઉભી થયેલી ચિંતાને દૂર કરવા પર્યાવરણ પ્રેમીઓની લાગણીને માન આપી ‘સૌરાષ્ટ્ર સમાચાર’ દ્વારા સમુહ વૃક્ષારોપણનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં સહભાગી થવા અનેક સંસ્થાઓ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવેલ છે.

ભાવનગર વનવિભાગની કચેરી દ્વારા હાલ ઉનાળાનો સમય છે અને પાણીની પણ તીવ્ર તંગી છે તથા જમીનમાં ભેજ નથી તે સંજોગોમાં હાલમાં વૃક્ષારોપણ પ્રતિકાત્મક રીતે જ કરવા અને ચોમાસામાં મોટાપાયે વૃક્ષારોપણ કરવા અનુરોધ કરાયેલ છે.

આથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોયને સંસ્થાના બે-બે પ્રતિનિધીઓની હાજરીમાં રવિવારે સવારે ૮ કલાકે વિક્ટોરીયા પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે.સંસ્થાના પ્રતિનિધીઓએ વિક્ટોરીયા પાર્કની અંદર આવેલા ફોરેસ્ટ વિભાગના હોલમાં સમયસર પહોંચી જવા અનુરોધ છે.

જે સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે તે સંસ્થા અને અન્ય પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા પોતપોતાની સંસ્થામાં સમુહમાં ‘ચોમાસામાં સમુહ વૃક્ષારોપણ ઝૂંબેશમાં જોડાશું’ તે અંગેની પ્રતિજ્ઞા લેવા આવે તેવો ‘સૌરાષ્ટ્ર સમાચાર’ દ્વારા જાહેર અનુરોધ છે અને આ પ્રકારે જે જે સંસ્થાઓ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજે તેમણે આ અંગેનો વિગતવાર અહેવાલ તસ્વીર સાથે સૌરાષ્ટ્ર સમાચાર કાર્યાલયે મોકલી આપવા વિનંતી છે.રવિવારે વિક્ટોરીયા પાર્ક ખાતે રજીસ્ટ્રેશન કરાવેલી સંસ્થાઓના બે-બે પ્રતિનિધીઓએ પ્રતિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં આવવાનું છે જ્યારે પોતાની સંસ્થાના કાર્યકરો-વિધાર્થીઓને એકત્ર કરી જાહેર પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ પોતાની અનુકૂળતા મુજબ ગોઠવવાનો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/20/100220023324_tree_transplant_planning_from_saurastra_samachar.html

આ વર્ષે કેસર કેરીથી બજારો છલકાશે : ત્રણ ગણું ઉત્પાદન થશે.

Bhaskar News, Junagadh

આંબામાં કેરીનું ભારે આવરણ થતા ગીર પંથકની આંબાવાડીઓ કેરી થી છલકાઈ જશે : માર્ચનાં મઘ્યમાં કેરી બજારમાં આવશે

વિશ્વ પ્રસીઘ્ધ કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા તાલુકા સહીત આસપાસનાં ગીર પંથકમાં કેરીનાં આંબાઓમાં ચાલુ સાલ કેરીનું જોરદાર આવરણ થવા સાથે કેરીનું સારુ બંધારણ થતા ગીર પંથકની આંબાવાડીઓમાં કેસરકેરીનો પુષ્કળ પાક જોવા મળી રહ્યો હોય ચાલુ સાલ કેરીનું ઉત્પાદન ગત વર્ષથી ત્રણ ગણું થવાની સંભાવના કેરીનાં જાણકારો જણાવી રહ્યાં છે. કેરીનું પુષ્કળ ઉત્પાદન થવાથી ગરીબ વર્ગનાં લોકો કેરીનો સ્વાદ મોજથી માણી શકશે.

કેસર કેરીનાં ગઢ તરીકે મશહુર ગીર પંથકની કેરી સુંગંધ અને સોડમથી લોકોમાં પ્રિય છે. પરંતુ કેરીનાં ઉત્પાદનમાં છેલ્લા ત્રણ વર્ષથી ઘટાડો થતો હોય કેરીનાં ભાવ ઉચા રહેવાથી સામાન્ય વર્ગનાં લોકોને કેરી ખાવાનું પોષાતું ન હોતું. જયારે ચાલુ સાલ ગીર પંથકમાં કેસર કેરીનું જબ્બર ઉત્પાદન થવાની સંભાવના હોય દરેક લોકો કેસર કેરીનો અનેરો સ્વાદ માણી શકશે. એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રમાં આઠ લાખ મેટ્રીક ટન કેસરકેરીનો પાક થાય છે જેમાં પાંસઠ ટકાથી વધુ કેરીનો પાક ગીરપંથકમાં થાય છે.

ગત ૧૮-૧૨નાં રોજ ગીરપંથકમાં થયેલા કમોસમી માવઠા બાદ વાતાવરણ સાનુકુળ રહેતા કેરીનો પાક મબલખ થશે. હાલ કેરીનો પાક ચાર તબક્કામાં જોવા મળી રહ્યો છે. ડીસેમ્બરની શરૂઆતમાં ખીલેલા મોરમાંથી બંધાયેલ કેરી માર્ચના મઘ્યમાં બજારમાં મળતી થઈ જશે. ત્યાર બાદ તબક્કાવાર સીઝન રેગ્યુલર શરૂ થશે.

હાલ તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ખાખડી (નાની કેરી) દરરોજ આઠ હજાર કીલોથી વધુની આવક છે. અને દસ રૂપિયા લેખે કીલો ખાખડી વેચાઈ રહી છે. અમુક ખેડૂતોનાં આંબામાં આગતર આવેલ કેરી માર્કેટમાં અમદાવાદ-વડોદરામાં વેચાયેલ તે ૧૦૦ રૂપિયાથી ૨૦૦ રૂપિયા કીલો સુધી વેંચાણ થયેલ. કેરીનું પુષ્કળ ઉત્પાદન થવાની સંભાવનાથી ગીરપંથકનાં કેસરકેરી ઉત્પાદક ખેડૂતોમાં ખુશી જોવા મળે છે. હાલ સમગ્ર ગીરપંથક કેસરકેરીની ખુશ્બુદાર સુંગંધથી મહેકી રહ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/20/100220013132_kesar_mengo.html

બે હજારની લાંચ લેનાર ચોકીદારને બે વર્ષની કેદ

અમરેલી, તા.૧૮

બાબરાના કોટડાપીઠા ગામે આઠ માસ પહેલા ખાણમાંથી પથ્થર કાવાના બદલામાં રૃ.૫૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા વનવિભાગના એક ચોકીદારને અત્રેની કોર્ટે બે વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

વિગત અનુસાર બાબરાના કોટડાપીઠા ગામેથી પથ્થરની ખાણમાંથી પથ્થર કાઢવા માટે વનવિભાગના ચોકીદાર રમેશચંદ્ર ચીમનલાલ મહેતાએ ગામના મંગા નાથા પરમાર પાસે દર મહિને રૃ.૫૦૦નો હપ્તો આપવા માગણી કરેલ અને વાયદા મુજબ તા.ર૭/૬/૦૯ના રોજ રાજકોટ એસીબીના છટકામાં ચોકીદાર રમેશચંદ્ર રૃ.૫૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જે કેસમાં અત્રેની ફર્સ્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટ જજ કે. કે. મેરીયાએ આરોપી ચોકીદારને બે વર્ષની સખત કેદ અને રૃ.૨૦૦૦નો દંડનો હુકમ કરેલ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=161090

વેરાવળનાં ઇશ્વરિયામાં દીપડી અંતે પાંજરે પૂરાઈ

વેરાવળ તા.૧૯ :

વેરાવળનાં ઈશ્વરિયામાં એક દીપડી પાંજરામાં પૂરાઈ ગઈ છે. બે શ્રમિક મહિલાઓને ફાડી ખાનારી આ જ દીપડી છે કે કેમ તે અંગે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે.વેરાવળનાં ઇશ્વરિયામાં ૧૦ દિવસ પહેલા બે શ્રમિક મહિલાને દીપડાએ ફાડી ખાધા બાદ આ વિસ્તારમાં વન વિભાગે જુદા-જુદા આઠ સ્થળોએ પાંજરા મૂકી વોચ ગોઠવી હતી. ગઇ કાલે હિરણ નદીનાં સંપમાં મીઠાપુરની પાઇપલાઇન કે જે એક કૂવામાં ગોઠવવામાં આવી છે. તે કૂવામાં પાણી નહીં હોવાથી દીપડો ત્યાં હોવાની આશંકા સાથે અહીં પણ વોચ રાખી હતી. કૂવા નજીક એક પાંજરામાં એક મારણરૃપે કુતરુ રાખવામાં આવ્યુ હતું. ગઇ રાત્રિના દીપડો મારણ કરી જતા દીપડો અહીં હોય એવુ સમર્થન મળ્યુ હતું. તેથી, આજે તે જ પાંજરામાં બકરાનું મારણ રાખવામાં આવતા ગઇ રાત્રે ૧૧-૩૦ કલાકે ચાર વર્ષની એક દીપડી આ પાંજરામાં પુરાઇ હતી. આઠ પાંજરા પૈકીના એક પાંજરામાં આ દીપડી ઝડપાઇ જતાં તેને મોડી રાત્રે જૂનાગઢ સકકરબાગમાં લઇ જવામાં આવી હતી. બે મહિલાને ફાડી ખાનારી આ જ દીપડી છે કે, કેમ તની ફોરેન્સિક તપાસ કર્યા બાદ આ દીપડીએ જો મહિલાને ફાડી ખાધાનું બહાર આવશે તો તો તેને કાયમી સક્કરબાગ ઝૂમાં રખાશે. આ દીપડીએ મહિલાને ફાડી ખાધી ન હોઈ તો ફરી માઇક્રોચિપ બેસાડી જંગલમાં છોડી મૂકાશે. એક દીપડી પકડાતા વનવિભાગે નિરાંત અનુભવી છે. તેમ છતાં હજુ સાત પાંજરામાં બીજા દીપડાઓ પકડવા વોચ યથાવત છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=161326

Thursday, February 18, 2010

વિક્ટોરીયા પાર્કની આગની તપાસને ઉંધા પાટે ચડાવવાના પ્રયાસો .

ભાવનગર સમાચાર
આના લેખક છે GSNEWS
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010

ભાવનગર,બુધવાર
ભાવેણાવાસીઓના હૃદયમાં જેનું સ્થાન છે.તેવા વિક્ટોરીયા પાર્ક જંગલના દરવાજા પોતાનું પાપ છુપાવવા માટે જડ જંગલ ખાતાએ બંધ કરી દેતા નગરજનોમાં ભારે રોષ સાથે વનખાતા સામે અનેક શંકાકુશંકા જન્મી છે. આગની સમગ્ર ઘટનાને ઉંધા રસ્તે ચડાવવા વન ખાતુ હવે તેમના આકાઓને બચાવવા અવનવા કિમીયા અજમાવા લાગ્યા છે.
તાંત્રિક વિધીના બહાને આગ લાગ્યાની વાત નાનું છોકરૃય માને નહિ ઃ પાર્કના દરવાજા કેમ બંધ કર્યા ઃ મુખ્યમંત્રીનું કાર્યાલય પોસ્ટ કાર્ડથી છલકાવી દેવાય તો ભાવેણાનો ધબકાર ગાધીનગર સુધી સંભળાશે

વનમંત્રીની વિક્ટોરીયા પાર્કની ભેદી મુલાકાત સમયેજ પાર્કમાથી દારૃની બોટલ અને અન્ય સામગ્રી આશ્ચર્યજનક રીતે મળી આવતા વન ખાતુ તેને તાંત્રિક વિધીમાં ખપાવી તપાસને ઉંધે પાટે ચડાવવાનો હિન પ્રયાસ કરે છે.
જે દિવસે આગ લાગી ત્યારે ૧૫૦ થી ૨૦૦ લોકો જેમાં ફાયર સ્ટાફ, પ્રેસ મીડીયા, લોકો પોલીસના જવાનો વગેરે હતા અને તે પછી વનખાતાએ બધાના માટે દરવાજા બંધ કરી દીધા હતા તો દારૃની બોટલ કોણ મુકી ગયું ? એ વખતે આખા ેકબજો જંગલખાતા પાસે હતો. સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાંચ તપાસ કરે તો આ બધા કૌભાડીયા અને હજારો જીવ સૃષ્ટિના હત્યારાના ધોતીયા ઢીલા થઇ જાય.

જો લઠ્ઠાકાંડમાં સો દોઢસો લોકો મરે તો ગૃહ પ્રધાનનું રાજીનામું રાજીનામું મંત્રાલયે વિક્ટોરીયા પાર્કમાં ૧૫૦ એકટરમાં જંગલ નાશ પામ્યુ છે. હજારો પક્ષીઓ, સર્પો, લાખો કિડીયો, સેંકડો બચ્ચાઓ,ઇંડાઓ, તથા બીજા હજારો જીવ સૃષ્ટિને મોતને ઘાટ ઉતારવામાં આવી તેની નિષ્ફળતા માટે રાજયના વનમંત્રી સીધા જવાબદાર છે. અને ભાવનગર આવતા પહેલા તેને રાજીનામું આપવું જોઇએ ભાવનગર આવ્યા પછી આગ જેને લગાડી હોય પરંતુ ંઠંડે કલેજે આગ લગાડવાની અનુકુળતા જેને કરી આપી છે.તેવા જવાબદાર અધિકારી અને કર્મચારીને સ્થળ પર જ બરતરફ કેમ ન કર્યા વનમંત્રી અને સરકારની બદદાનતથી નગરજનો અજાણ નથી.
વિક્ટોરીયા પાર્કની આગ લગાડનારા શેતાનોને ખુલ્લા પાડી સખતમાં સખ્ત સજા થાયતેવી માગં જો પ્રત્યેક ભાવેણાવાસીઓની હોયતો રાજયના મુખ્યમંત્રીએ સુખદુઃખમાં તેને એક પોસ્ટકાર્ડ લખવાનું કેટલીય જાહેર સભાઓમાં જાહેર વચન આપ્યુંહતું.તો ભાવેણાવાસીઓ ઉઠાવો કલમ અને મુખ્યમંત્રીું કાર્યાલય ભાવનગરવાસીઓના પોસ્ટકાર્ડથી છલકાવી દેવું જોઇએે. એ સિવાય સમગ્ર ઘટનાની સાચી વિગતો ભાજપના કોઇ નેતામાં ખમીર નથી કે મુખ્યમંત્રીને રજૂ કરી શકે. પ્રજાએ જ મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કરી રાજકિય વચેટિયાઓની ભુડી ભુમિકાનો પર્દાફાશ કરવો જોઇએ.તેવું બે દિવસથી ચોરે ચૌટે ચર્ચાયછે. જાણવા મળ્યા મુજબ વિક્ટોરીયા પાર્કના દરવાજા બંધ રાખીને હજારો સર્પો,, પંખીઓ, તથા અન્ય જીવસૃષ્ટિના મૃતદેહો અને અવશેષોનું ખાનગીમાં નિકાલ કરી પુરાવાને નાશ કરાય રહ્યાનું લોકોમાથી સંભળાતુ હતું.
સમગ્ર ભાવેણાવાસીઓના હ્દયને હચમચાવી નાખે તેવી આ ક્રુર ઘટનાના ગૂનેગારોને પકડવા માટે અને આકરામાં આકરી સજા કરવા માટે મુખ્યમંત્રીની ઇચ્છાશક્તિ વધુ દ્રઢ બને તેવી પ્રત્યેેક ભાવેણાવાસીઓની અપેક્ષા છે. જયાં શહેરના લોકો રોજ કિડાયારૃ પુરવા જાય છે. એ હજારો કીડીયારા આગમાં ભસ્મીભુત થઇ ગયા છે. મુખ્યમંત્રી પાસે ભાવનગરના પ્રજાજનોની ખુબ ઉંચી અપેક્ષા છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56375/149/

ગિરનારની રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રચારના અભાવે બહારના સ્પર્ધકો ઘટયા.

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GSNEWS
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010

બહારના રાજયોમાં ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા વિશે કોઈ પ્રચાર જ થતો નથી

જૂનાગઢ, તા.૧૭
આગામી તા.૨૧મીએ યોજાનારી ત્રીજી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં કુલ ૧૬૨ સ્પર્ધકો ભાગ લેશે. બહારના રાજયોમાંથી માત્ર ૬૧ એન્ટ્રી આવી છે. ેતમાંય દિવના ૨૬ બાદ કરતાં માત્ર ૩૫ બહારના સ્પર્ધકો થશે. રૃા ૨૦ લાખની ગ્રાંટ છતાં રમત ગમત વિભાગની લાપરવાહી અને પ્રચાર પ્રસારના અભાવે સ્પર્ધકો આવતા નથી.
ગયા વર્ષના બહારના ૧૩૦ સ્પર્ધકોની સામે આ વર્ષે માત્ર ૬૧ ; તેમાંય દિવ મારફતે ગુજરાતના ૨૬ સ્પર્ધકો
ભવનાથ તળેટીમાં ગિરનાર પર્વત પર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ૨૧મીએ સવારે ૭.૩૦ વાગે શરૃ તશે. રાજય સરકારની ગ્રાન્ટમાંથી વિજેતાઓને રૃા ૫ લાખનું ઈનામ અપાશે, જેમાં પ્રથમ વિજેતાને ૪૦ હજાર, બીજા ક્રમને રૃા ૨૫ હજાર, તૃતિયને ૨૫ હજાર, ચોથાક્રમને ૧૦ હજાર પાંચમાં ક્રમને રૃા ૫ હજાર અને છથી દસસુધીના ક્રમને રૃા ૧૦૦૦ એમ કુલ ૪૦ સ્પર્ધકોને ઈનામ અપાશે.

પ્રથમ સ્પર્ધકોને અગાઉના બે વર્ષમાં રૃા ૫૦ હજાર ઈનામ અપાતું હતું. તેમાં આ વર્ષે રૃા ૧૦ હજારનો ઘટાડો કરાયો છે. ઈનામોમાં ભ્રષ્ટાચાર થતો ન હોવાથી અધિકારીઓને રકમ વધારવામાં રસ નથી! બીજા ખર્ચાઓ દર વર્ષે વધતા જાય છે. ઈનામની રકમ વધે તો જ સ્પર્ધા માટે આકર્ષણ વધશે.
ગયા વર્ષે રાષ્ટ્રીય સ્પર્ધામાં ૨૩૦ સ્પર્ધકો હતા. ચારેય વિભાગના ગુજરાતના ૨૫-૨૫ એમ કુલ ૧૦૦ સ્પર્ધકો હોય છે. એ બાદ કરતા ૧૩૦ સ્પર્ધકો બહારના હતા. આ વર્ષે ૧૬૨ સ્પર્ધકો છે, જેમાં ૧૦૧ લોકલ સ્પર્ધકો છે માત્ર ૬૧ સ્પર્ધકો બહારના છે. ૬૧માંય દિવના ૨૬ સ્પર્ધકો જોડાયા છે. દિવમાંથી આવતા સ્પર્ધકો હકિકતમાં સોરઠના જ સ્પર્ધકો હોય છે. બીજા રાજયના સ્પર્ધકો ૫થી વધુ ન હોવા જોઈએ પરંતુ સંખ્યા કરવા આ રીતે તંત્ર ખૂદ નિયમનો ભંગ કરી દિવ મારફતે સ્થાનિક સ્પર્ધકોને ઘુસાડી દે છે!

જૂનાગઢના રમત - ગમત તંત્ર અને સરકારના રમત - ગમત વિભાગે ગિરનાર સ્પર્ધા વિશે પ્રચાર જ નથી કર્યો. દેશમાં નહેરૃ યુવા કેન્દ્રના ૪૦૦ સેન્ટર છે. તેનો પણ સહકાર લેવામાં આવે અને એક કેન્દ્ર મારફતે માત્ર એક સ્પર્ધક આવે તો પણ ૪૦૦ સ્પર્ધક બહારના થઈ જાય. ગિરનાર સ્પર્ધા અંગે બીજા રાજયોમાં પ્રશિક્ષણ કે કેમ્પ કરવાનું રાજય સરકારને સુજયું જ નથી. રમત ગમત વિબાગના પાપે સમય જતાં સ્પર્ધકો ઘટશે તો સ્પર્ધા જ બંધ કરી દેવી પડે તેવી સ્થિતિ સર્જાશે! ગાંધીનગર અને જૂનાગઢના રમત ગમત વિભાગ વચ્ચે પ્રચારની બાબતમાં કોઈ સંકલન જ નથી.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56375/149/

ધારીના જંગલમાં ગેરકાયદે માટી ખોદનારા ૯ શખ્સો પકડાયા.

આના લેખક છે GSNEWS
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010

અમરેલી, તા.૧૭
ધારી ગીર પૂર્વેના ઘોડાવડ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધુસણખોરી કરી માટી ખોદી ચોરી કરતા નવ શખ્સોને વનવિભાગે પકડી પાડી રૃા ૧૮ લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરી માટી ખોદવાના બનાવમાં એક જેસીબી, ૪ ટ્રેકટર સહિત ૧૮ લાખનો મુદામાલ કબ્જે

ધારી ગીર પૂર્વેના ઘોડાવડી જંગલ વિસ્તારમાં કેટલાક શખ્સોએ ગેરકાયદેસર રીતે ઘુસણસોરી કરી માટીની ખોદકામ કરી ચોરી કરતા હોવાની બાતમીના આધારે ડી.એફ.ો. રાજાની સુચનાથી આર.એફ.ઓ. કે.બી. મુલાણીએ તે સ્થળે છાપો મારતા નરેન્દ્ર ઉર્ફે મંઝ ગોરધન ભેસાણીયા, અશ્વિન ધનજી નાવડીયા, ઘનશ્યામ રવજી પરમાર, રામ વાજસુર વાઘ, બાબુ કુરજી ડાભી, શાંતિલાલ લાલજી, મેરસિંહ માનસિંહ, કનુ વશરામ અને લાલજી વલ્લભ નામના નવ શખ્સો ગેરકાયદેસર રીતે જંગલ વિસ્તારમાંથી માટીની ચોરી કરતા પકડી પાડયા હતાં.

વનવિભાગે એક જે.સી.બી. ચાર ટ્રેકટર અને માટી ખોદવાના સાધનો સહિત કુલ રૃા ૧૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો ્અને જંગલ વિસ્તારમાં ઘુસેલા નવ શખ્સો સામે ગુન્હો નોંધી ઉના કોર્ટમાં રજુ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56401/149/

ભારતમાં શું ખરેખર ૧,૪૧૧ વાઘ બચ્યા છે ખરા ?

ન્યૂઝ વ્યુઝ
આના લેખક છે GSNEWS
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010

ભારતમાં વાઘોનો શિકાર કરીને તેની ચીનમાં નિકાસ કરતી આંતરરાષ્ટ્રીય માફિયા ટોળીઓ કામ કરી રહી છે
'ભારતમાં માત્ર ૧,૪૧૧ વાઘ બચ્યા છે' એ મતલબનો સંદેશો આપતી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની જાહેરખબર કોઈ પણ સંવેદનશીલ નાગરિકનું હૃદય પિગળાવી દે તેવી છે. આ ઝુંબેશને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે કેન્દ્રના વન અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે ધડાકો કર્યો છે કે, ૧,૪૧૧નો આંકડો અતિશયોક્તિભર્યો છે. ભારતના વિવિધ વ્યાઘ્ર અભ્યારણોમાં છેલ્લા ૧૪ મહિનામાં જ ૭૨ વાઘ શિકારીઓનો ભોગ બની ગયા છે. ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં કુલ ૧૬૪ વાઘ હોવાનું કહેવાય છે, પણ તેની આજુબાજુ બની રહેલી હોટેલો માટે જંગલ કપાતાં તેમાંના અનેક વાઘો ખતમ થઇ ગયા છે. આવી જ હાલત અન્ય અભ્યારણોની છે. આ સંયોગોમાં, ૧૪૧૧ પૈકી પણ કેટલા વાઘ હયાત હશે તે કોયડો છે.

પર્યાવરણવિદો કહે છે કે આખી દુનિયામાં જંગલોમાં કુલ ૩૨૦૦ વાઘ જ બચ્યા છે. ચીનમાં તો વાઘનો એટલી મોટી સંખ્યામાં શિકાર થઇ ગયો છે કે ચીનનાં જંગલોમાં માત્ર ૨૦ જેટલા જ વાઘ જીવતા રહ્યા છે. ચીનમાં વાઘના ચામડાની, વાઘનખની અને વાઘના હાડકાંની એટલી મોટી બજાર છે કે ચીનમાં હવે ફાર્મમાં વાઘનો ઉછેર કરીને તેની કતલ કરવામાં આવી રહી છે. ચીનની સરકારે ઇ.સ. ૧૯૯૩ની સાલથી વાઘના ચામડા, હાડકાં વગેરેના વેપાર ઉપર પ્રતિબંધ મૂકયો છે, તો પણ ગેરકાયદે વેપાર ધમધમી રહ્યો છે. હકીકતમાંભારતમાં જે વાઘોનો શિકાર થાય છે તેના શરીરના ભાગો નેપાળ માર્ગે ચીન પહોંચી જાય છે. ભારતમાં વાઘોનો શિકાર કરીને તેની ચીનમાં નિકાસ કરતી આંતરરાષ્ટ્રીય માફિયા ટોળીઓ કામ કરી રહી છે.

ચીનના શ્રીમંતોને પોતાના દીવાનખંડને વ્યાઘ્રચર્મથી શોભાવવાનો ચસકો લાગ્યો છે. તેઓ વાઘની એક ચામડીના બદલામાં ૨૦,૦૦૦ ડોલર (આશરે ૧૦ લાખ રૃપિયા) જેવી જંગી કિંમત ચૂકવવા તૈયાર થઇ જાય છે. ચીનમાં વાઘના માત્ર પંજાના ૧,૦૦૦ ડોલર (આશરે ૫૦,૦૦૦ રૃપિયા) ઉપજે છે. વાઘના હાડકામાં વાજીકરણની શક્તિ હોવાનું ચીનના લોકો માને છે. ચીનના પરંપરાગત ઔષધશાસ્ત્રમાં પણ વાઘના હાડકામાંથી કામશક્તિ વધારતી અનેક દવાઓ બનાવવાની વિધિ બતાવવામાં આવી છે. ચીનમાં એક ખાસ જાતનો દારૃ મળે છે, જે વાઘના હાડકાંને મેળવીને બનાવવામાં આવે છે. આ દારૃ વાઘના આકારની બોટલમાં જ મળે છે. આ દારૃ પીવાથી સેકસની તાકાત વધતી હોવા ઉપરાંત સાંધાના દુઃખાવામાં પણ રાહત થાય છે, એવો દાવો તેના વેચનારાઓ કરે છે. ચીનની મુલાકાતે આવતાં વિદેશી સહેલાણીઓ પણ આ દવાની અનેક બોટલો ખરીદીને પોતાના દેશમાં લઇ જાય છે.

ચીનમાં વર્ષોથી ચાલી રહેલા વાઘના શિકારને કારણે જંગલોમાં વાઘ તો લગભગ ખતમ થઇ ગયા છે. આ કારણે ચીનની સરકારે હવે કતલ માટે ફાર્મમાં વાઘનો ઉછેર કરવાની પરવાનગી આપી દીધી છે. ચીનના ઝીયોંગસેન ટાઇગર રિઝર્વમાં આ રીતે આશરે ૧૫૦૦ વાઘોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. ભારતમાં જેમ કતલ માટે વાડામાં ભૂંડનો ઉછેર કરવામાં આવે છે તેમ ચીનમાં કતલ માટે વાઘનો ઉછેર કરવામાં આવે છે. આ વાઘોને કયાં તો પિંજરામાં પૂરી રાખવામાં આવે છે અને કયાં ઊંચી દિવાલો ધરાવતા વાડામાં છોડી દેવામાં આવે છે. આ વાડામાં એક પણ વૃક્ષ નથી હોતું અને કુદરતી વાતાવરણ પણ નથી હોતું. આ વાતાવરણમાં નર અને માદા વાઘ વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે. આ રીતે જે વાઘો પેદા કરવામાં આવે તેઓ જંગલમાં રહેવાની ક્ષમતા પણ ગુમાવી બેસતા હોય છે. આજથી બે વર્ષ અગાઉ તો ઝીયોંગસેનની રેસ્ટોરાંમાં વાઘના માંસની વાનગીઓ પણ પીરસવામાં આવતી હતી. અખબારોમાં તેને વ્યાપક પ્રસિદ્ધિ મળી તેને કારણે વિરોધ થતાં આ પ્રથા બંધ કરવામાં આવી છે, પણ વાઘના હાડકામાં ઉકાળેલો દારૃ તો હજી પણ છૂટથી વેચાય છે. ઝીયોંગસેનની એક જ દુકાનમાં આ પ્રકારના દારૃની ૨૦૦૦૦ બોટલો દર વર્ષે વેચાઇ જાય છે. ચીનમાં આવા ૨૦ ટાઇગર ફાર્મ આવેલા છે.

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં તડોબા નામનું વાઘનું અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્યની નજીક કોલસાની ખાણો માટે ગુજરાતની અદાણી પાવર કંપનીએ લાઇસન્સ માંગ્યું હતું. આ સૂચિત પ્રોજેકટ સામે સ્થાનિક પ્રજાએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ સામે ઝૂકી જઈને કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયે લોહારા ખાણના પ્રોજેકટને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. અદાણી જૂથ ગોંદિયા જિલ્લામાં ૧૮૦૦ મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ નાંખવા માંગે છે. આ જિલ્લો એનસીપીના નેતા અને કેન્દ્રના નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન પ્રફુલ પટેલનો મત વિસ્તાર છે. અદાણીના પાવર પ્લાન્ટ માટે કોલસાની ખાણને મંજૂરી અપાવવા પ્રફુલ પટેલે ખૂબ પ્રયાસો કર્યા હતા, પણ કેન્દ્રના પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે વાઘને બચાવવા કોલસાની ખાણને જાકારો આપી દીધો છે.
સામ્યવાદી ચીનમાં ઇ.સ. ૨૦૧૦ ની ઉજવણી વ્યાઘ્ર વર્ષ તરીકે કરવામાં આવી રહી છે. તેને કારણે ભારતમાં વાઘનો શિકાર અટકે એવી આશા બહુ ઓછી છે. ભારતમાં ઇ.સ. ૧૯૭૨ની સાલમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટ ટાઇગર યોજના શરૃ કરવામાં આવી તેનાં થોડાં વર્ષોમાં વાઘની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી હતી. આજથી ૧૦૦ વર્ષ અગાઉ ભારતમાં આશરે એક લાખ વાઘ હતા. ઇ.સ. ૨૦૦૨ સુધી ભારતના ૩૭ વ્યાઘ્ર અભયારણ્યમાં ૪૦૦૦ વાઘો હયાત હતા. છેલ્લા દસકામાં વાઘના શિકારનું પ્રમાણ અત્યંત વધી ગયું છે. રાજસ્થાનમાં આવેલા વિખ્યાત રણથંભોર નેશનલ પાર્કના બધા વાઘો ખતમ થઇ ગયા છે. અત્યારે ભારતમાં વાઘની સંખ્યા ઘટીને હજાર ઉપર પહોંચી ગઈ છે.

ભારતમાં વાઘનો શિકાર કરતાં શિકારીઓ ચીનની ગેન્ગ સાથે સંકળાયેલા હોય છે. તેઓ સ્થાનિક વનવાસીઓને લાલચ આપીને તેમની પાસેથી વાઘની ભાળ મેળવે છે. ભારતના જંગલ રક્ષકોને જરીપુરાણા તમંચાઓ આપવામાં આવે છે, જયારે વાઘનો શિકાર કરતા માફિયાઓ પાસે એકે-૪૭ જેવી અદ્યતન રાઇફલો હોય છે. ભારતમાં વાઘનો શિકાર કરનાર શિકારીને ૨૦,૦૦૦ રૃપિયા જેવી મામૂલી રકમ જ મળે છે. આ વાઘની ચામડી બિજીંગ પહોંચે ત્યારે તેની કિંમત ૧૦ લાખ રૃપિયા ઉપર પહોંચી જાય છે. ચીનમાં તો વાઘના લોહીનો ઉપયોગ પણ દવા બનાવવા માટે કરવામાં આવે છે. ભારતમાં વાઘનો શિકાર કરવા માટે માફિયાઓ અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. તેઓ જે તળાવમાં વાઘ પાણી પીવા આવતા હોય તેના પાણીમાં ઝેર ભેળવી દે છે. આ પાણી પીને વાઘ મૃત્યુ પામે છે. ગયે વર્ષે ભારતનાં અભયારણ્યોમાં જેટલા વાઘોનાં મોત થયાં હતાં તેમાંના બે તૃતિયાંશ આ રીતે મરેલા મળી આવ્યા હતા. આ રીતે મૃત્યુ પામેલા વાઘની ચામડી છેવટે ફોરેસ્ટ ઓફિસરોને લાંચ આપીને શિકારીઓના હાથમાં જ આવી જાય છે. ભારતમાં વાઘના જે ૩૭ અભયારણ્ય છે, તેમાંના બેમાંથી વાઘ અદ્રશ્ય થઇ ગયા છે અને બાકીના પૈકી ૧૦માંથી અદ્રશ્ય થવાની તૈયારીમાં છે.

રાજસ્થાનમાં રણથંભોરના વાઘ શિકારીઓની ગોળીનો ભોગ બન્યા છે તો બંગાળમાં આવેલા સુંદરવનના વાઘ ગ્લોબલ વોર્મિંગનો શિકાર બની રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવનનું અભયારણ્ય ગંગા નદી જયાં સમુદ્રને મળે છે ત્યાં આવેલું છે. આ વિસ્તારમાં દરિયાની સપાટી સતત વધી રહી છે, જેને કારણે અભયારણ્યનો વિસ્તાર સતત સંકોચાઇ રહ્યો છે. જો ઇ.સ. ૨૦૦૦ના સ્તરથી પાણી ૧૧ ઇંચ જેટલું ઉંચે આવશે તો સુંદરવનનો વિસ્તાર ૯૬ ટકા જેટલો ઓછો થઇ જશે. આ સંયોગોમાં સુંદરવનમાં વાઘની સંખ્યા ઘટીને ૨૦ ઉપર પહોંચી જશે. સુંદરવનના વાઘો પોતાના વિસ્તારમાંથી બહાર આવીને નજીકનાં ગામડાંઓમાં ફરી રહ્યા છે. આ વાઘોથી પોતાના જાનવરોની રક્ષા કરવા ગામડાંના લોકો તેમને ઝેર આપીને મારી નાંખે છે.
ઉત્તરાખંડમાં આવેલો જીમ કોર્બેટ નેશનલ પાર્ક વિદેશી સહેલાણીઓનો માનીતો છે. તેની મુલાકાતે જે પ્રવાસીઓ આવે છે તેઓ જંગલમાં અથવા જંગલની નજીક રહેવાનો જ આગ્રહ રાખે છે. આ કારણે જંગલની ફરતે આવેલા સંવેદશીલ વિસ્તારમાં હોટેલોની સંખ્યા વધી રહી છે. નવી હોટેલોની સ્થાપના કરવા માટે વૃક્ષોનો સંહાર કરવામાં આવે છે. આ રીતે જંગલ પાંખું બની રહ્યું છે. વાઘ જોવા આવતા ટુરિસ્ટોની અવરજવરને કારણે જ વાઘોની સંખ્યા ઘટી રહી છે. આ હોટેલોમાંથી અનેકની માલિકી સ્થાનિક રાજકારણીઓની અથવા તેમના સગાવહાલાઓની છે. પર્યટન ઉદ્યોગ પણ વાઇલ્ડ લાઇફના વિનાશ માટે જવાબદાર છે. ભારતનાં અભયારણ્યોમાં ૧,૪૧૧ વાઘ તો નથી એવું ખુદ પર્યાવરણ પ્રધાને કબૂલ કર્યું છે. હવે ખરેખર કેટલા વાઘ જીવે છે તેની કદાચ તેમને પણ ખબર નથી.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56326/315/

ડાંગમાં વાઘનો ખોરાક બનતાં નાનાં પ્રાણીઓની તંગી છે.

અમદાવાદ સમાચાર
આના લેખક છે GS NEWS
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010

અમદાવાદ,
કેન્દ્રિય પર્યાવરણ મંત્રી જયરામ રમેશે ગઇકાલે ગુજરાતના ડાંગ જિલ્લામાં વાઘના પુનઃસ્થાપન માટેનો પ્રસ્તાવ મૂકયો છે. ગુજરાતમાં આ વિષયના જાણકારોનું કહેવું છે મંત્રીશ્રીએ સિંહના બદલામાં વાઘની મૂકેલી 'એક્ષચેંજ ઓફર' નવી છે અનેે મધ્યપ્રદેશને સિંહ આપવાની વાતમાં ગુજરાતનો વિરોધ છે પરંતુ ગુજરાતમાં વાઘના પુનઃસ્થાપન માટેની ઓફર નવી નથી. પાછલા વર્ષે ઓગષ્ટના ગાળામાં કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ શ્રી રમેશે ગુજરાતના પ્રતિનિધિઓને ગુજરાતમાં વાઘના પુનઃસ્થાપન માટે દરખાસ્ત કરી હતી. ગુજરાતના વન વિભાગે આ પછી રાજ્યમાં વાઘનું પુનઃસ્થાપન ક્યાં અને કઇ રીતે થઇ શકે એ વિશે વિસ્તૃત સર્વે અને અભ્યાસની કાર્યવાહી આરંભી હતી જે આજે પણ ચાલુ છે.

વન વિભાગ રાજ્યમાં નર્મદા અને ડાંગનાં જંગલોમાં વાઘના પુનઃસ્થાપનની શક્યતાઓનો અભ્યાસ કરી રહ્યો છે

ગુજરાતમાં વાઘના પુનઃસ્થાપનની બાબતે ગુજરાતના વન વિભાગના વડા શ્રી ખન્નાનો સંપર્ક કરતા તેમનું કહેવું છે કે ગુજરાતમાં ડાંગ અને શૂલપાણેશ્વરના નર્મદા નજીકના જંગલોમાં વાઘના પુનઃસ્થાપનની શક્યતા છે. એંશી-નેવુના દશકમાં ગુજરાતના જંગલોમાં વાઘ હતા જ પરંતુ ત્યારે પરિસ્થિતિ જુદી હતી અને અત્યારે જુદી છે. વાઘનું પુનઃસ્થાપન અશક્ય નથી પરંતુ તે માટે પહેલા એ વાતનો અભ્યાસ કરવો પડે કે વાઘ કેમ લુપ્ત થઇ ગયા. જ્યાં સુધી એમના લુપ્ત થવાના કારણોનું સમાધાન ન કરીએ ત્યાં સુધી તેનું પુનઃસ્થાપન ન કરી શકાય. વન વિભાગ વાઘના પુનઃસ્થાપન માટે શું કરવું પડે, ક્યાં શક્ય બને, લોકો પર શું અસર પડે જેવી બાબતોના તલસ્પર્શી અભ્યાસ માટે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટની પણ સર્વે અને ડેટા હેતુથી મદદ લેશે.

તો ગુજરાતના ડાંગમાં વાઘના પુનઃસ્થાપન અંગે વન્યપ્રેમીઓ અને નિષ્ણાતો તથા લાગતાવળગતાઓ માને છે કે પુનઃસ્થાપનનું કામ લાંબા સમયની ધીરજ માંગી લે એવું છે. ડાંગના જંગલોમાં પ્રત્યેક વર્ષે દીર્ધ સમય માટે કેમ્પીંગ કરીને રહેતા પ્રકૃતિપ્રેમી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરતા તેમનું કહેવું છે કે ડાંગનું જંગલ સમૃદ્ધ છે પરંતુ 'લાઇફ' વિનાનું છે. અહીં વાઘના પુનઃસ્થાપન સામેનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે વાઘને ખાવા માટે જોઇએ એવો ખોરાક વિપુલ માત્રામાં ઉપલબ્ધ નથી. ડાંગના જંગલોમાં દિવસો સુધી રહેવાના ક્રમમાં ક્યારેય હરણું કે સસલું સુદ્ધા દેખાયું નથી.જો વાઘનુ પુનઃસ્થાપન કરવું હોય તો પહેલા વાઘનો ખોરાક એવા પ્રાણીઓ નાની ઉંમરમાં જ બીજેથી પકડી લાવીને ડાંગના જંગલમાં છોડવા પડે અને તેમનો કુદરતી ઉછેર થવા દેવો પડે. થોડા વર્ષોની કુદરતી સાઇકલને અંતે જ પ્રાણીઓનું સંતોષકારક પ્રમાણ વધે તો વાઘને છોડી શકાય. આ માટે લોકો કેટલા તૈયાર છે એ પણ પ્રશ્ન છે.
ડાંગમાં વાઘનું પુનઃસ્થાપન થાય તો ત્યાંના લોકોનો મત કેવોક હોય એ અંગે ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલનો સંપર્ક સાધતા તેમનું કહેવું છે કે ડાંગમાં જંગલ વિસ્તારમાં દરેક પાંચ-સાત કિલોમીટરના અંતરે નાની નાની માનવ વસાહતો છે. વાંસના જંગલો કુદરતી ક્રમમાં જ આછા થયા છે. જિલ્લામાં જંગલ વિસ્તાર વિપુલ છે પણ જિલ્લો પોતે જ કદમાં સાવ નાનો છે. દિપડા તો સસલા તથા જળકિનારાના મોટા દેડકાં ઉપરાંત ગામના બકરા ખાઇને જીવી જાય છે પણ વાઘ માટે જે વ્યવસ્થિત ખોરાક જોઇએ એ માટેની વિપુલ પ્રાણીસંપદા જિલ્લામાં છે નહીં. ઉલ્લેખનીય છે ક બુધવારે ચેન્નઇમાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રીએ ફરીથી કીધું છે કે પશ્ચિમ ભારતમાં માત્ર ગુજરાતમાં વાઘ નથી અને વાઘનું પુનઃસ્થાપન થવું જરૃરી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56419/

વિક્ટોરીયા પાર્કની આગ અંગે જીવદયાપ્રેમીઓના મૌન ધરણા.

Wednesday, Feb 17th, 2010, 3:22 am [IST]
danik bhaskar
Bhaskar News, Bhavnagar

વિક્ટોરીયાપાર્કમાં લગાડવામાં આવેલી આગને કારણે ભુંજાઈ ગયેલા નિર્દોષ પશુ-પંખીઓ, જીવ-જંતુઓ તથા પંખીઓએ માળામાં મુકેલા ઈડાઓ તથા શાહુડી, સસલા, સર્પ, કાચબા વિ.મળીને ખાખ થઈ જતાં આજે જીવદયામાં માનતા સર્વ નગરજનોએ ઘોઘાગેઈટ ખાતે વણિક હિત રક્ષક સમિતિ દ્વારા આયોજિત મૌન ધરણા અને મૌનપ્રાર્થનામાં જોડાયા હતા.

આજે ઘોઘાગેઈટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ મેયર રીનાબહેન શાહ જીવ રક્ષક દળ, કરૂણા જીવદયા પરિવાર, પર્યાવરણ સર્વેક્ષણ સંસ્થા, શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.ડી.બી. રાણીંગા, ભરતનગર જીવદયા પરિવાર, સ્ટેશન રોડ જીવદયા પરિવાર, સમસ્ત વણિક સમાજ (વીરસેના), સનાતન ધર્મ મહોત્સવ સમિતિ, બિઝનેસ સેન્ટર વેપારી મંડળ, જૈન સોશ્યલ ગ્રુપ, કોર્પોરેટર અર્જૂનસિંહ ગોહિલ અને કિરણભાઈ ગાંધી, અરૂણ મહેતા, બી.એલ. જોષી, ભાવનગર જૈન સંઘના વિશ્વાસ શાહ, કિરણ શાહ, દીપક શાહ, નલીન વોરા, ડી.કે. શાહ, વિ.હિ.પ.ના કિરીટ મિસ્ત્રી, માધવી ત્રિવેદી, જીતુભાઈ ઉપાઘ્યાય, ભૂપતભાઈ પારેખ, રમણીકભાઈ પંડ્યા, સતીષ ચાવડા પૂણેર્ન્દુ પારેખ, રાજેન્દ્ર શેઠ, રમેશ મહેતા, રસૂલખાન પઠાણ વિ. જોડાયા હતા. તમામ મહાનુભાવોએ અને જીવદયા પ્રેમી નગરજનોએ વિક્ટોરીયા પાર્કના ગૌરવને પુન: સ્થાપિત કરવાના શપથ લીધા હતા. આયોજન અને સંચાલન કમલેશ મહેતાએ કર્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/17/100217032203_dumb_march_for_victoriya_fire.html

દિપડાના હત્યારા આખરે ઝડપાયા : છની ધરપકડ.

Thursday, Feb 18th, 2010, 3:52 am [IST]
danik bhaskar
Bhaskar News, Bhavnagar

આજે ઘોઘા ફોરેસ્ટ ખાતુ કોર્ટ સમક્ષ આરોપીઓને રજૂ કરી જેલ હવાલે કરશેનાના ખોખરા ગામના ડુંગરાળ વિસ્તારમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ દિપડાની થયેલી હત્યા પ્રકરણે આજે છ શખ્સોની વન ખાતાએ ધરપકડ કરી છે. આવતીકાલે આ દરેકને કોર્ટમાં રજૂ કરાશે.

ભાવનગર જિલ્લામાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે, તો બીજી તરફ શિકારીઓ પણ હથિયારો સજાવીને બેઠા હોય તેમ સિંહ-દિપડા જેવા વન્ય જીવોની સલમતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ઘોઘા તાલુકાના ઉખરલા ગામની સીમમાં અને નાના ખોખરા ગામના ડુંગરાળ વિસ્તારમાં ૧૦ દિવસ પૂર્વે દિપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. વન ખાતાએ ખાખાખોળા કર્યા હતા અને ચાર શંકમદો જ ઝડપી પાડ્યા હતા.

આ ચારેય શખ્સો જેલ હવાલે છે, પણ તેની કબુલાતના પગલે આજે છ શખ્સો ઝડપાયા છે. જેમાં જીગા નાનુભાઇ, રૂડા નાનુભાઇ, ભાવસંગ નાનુભાઇ, વજા રાયમલ, પથુ રાયમલ અને ભાલા ભિખાભાઇની વન ખાતાએ ધરપકડ કરી છે. છ પૈકી ત્રણ સગા ભાઇઓ જ છે.

અડધો ડઝન શખ્સોએ એવી કબુલાત આપી છે કે, તેઓએ શિયાળ અને શેઢાડીને ફસાવવા ફાસલો બાંઘ્યો હતો. તો બીજી બાજુ દિપડાની હત્યા થઇ છે તે વાત ચોક્કસ છે. ત્યારે આ શખ્સો કાનૂની છટકબારીમાંથી છટકવામાં સફળ રહેશે કે કેમ ? તે આગામી થોડા સમયમાં જ ખાત્રી થઇ જશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/18/100218031027_leopard_six_killers_arrested.html

રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા ૨૧ ફેબ્રુ.ના યોજાશે.

Thursday, Feb 18th, 2010, 3:03 am [IST]

danik bhaskar
Bhaskar News, Junagadh

જૂનાગઢનાં ગરવા ગીરનારની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા આગામી તા.૨૨ ફેબ્રુના યોજાનાર છે. ત્રીજી વખત યોજાતી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ૧૫૩ સ્પર્ધકોની સંખ્યા થઈ છે. દસ રાજયોના ૧૫૩ સ્પર્ધકોમાંથી ૧૦૧ સ્પર્ધકો માત્ર રાજયના છે. ગીરનાર સ્પર્ધામાં વધુ સ્પર્ધકો ન થવા પાછળ તંત્રની ઉદાસીનતા કારણભુત હોવાની ચર્ચા થઈ રહી છે.

જૂનાગઢ યાત્રાધામ અને પ્રવાસનધામ તરીકે પણ ખાસયિત ધરાવે છે. ભારતભરનાં ૧૪ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓની સાહસકિતાને આહવાન આપવા ગિરનાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી રાજયના રમત-ગમત યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા તરીકેની મંજુરી આપવામાં આવી છે. જેના કારણે આ સ્પર્ધાને સરકારે રાજયકક્ષાની અને રાષ્ટ્રકક્ષાની તારીખો નિર્ધારિત કરી છે. જેમાં રાજયકક્ષાની સ્પર્ધા દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ રવિવારે તથા રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે યોજવામાં આવે છે.

આ વર્ષે ફેબ્રુઆરીનાં પ્રથમ રવિવાર એટલે તા.૨૧ ફેબ્રુઆરીના રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર સ્પર્ધા યોજાશે. ગત વર્ષથી કલેકટર અને ડી.આઈ.ઓ.ના પ્રયત્નથી સ્પર્ધકોના આવવા જવાના ટાઈમીંગની નોંધ કોમ્પ્યુટર દ્વારા જ કરવામાં આવે છે. પ્રત્યેક પગથીયા પરથી ચડતા-ઉતરતા સ્પર્ધકોને દર્શકો જોઈ શકે તે માટે ૨૨ ડીજીટલ કેમેરાઓ મુકવામાં આવશે. રાષ્ટ્રીયકક્ષાની ગીરનાર સ્પર્ધામાં કુલ ૧૫૩ સ્પર્ધકો જોડાયા છે.

જેમાંથી ૧૦૧ સ્પર્ધકો માત્ર ગુજરાત રાજયનાં જ છે. રાજય સરકારની ગ્રાન્ટમાંથી પ્રથમ વિજેતાને ૪૦ હજારનો રોકડ, દ્રિતીયને ૨૫ હજાર તેમજ તૃતિયને ૧૫ હજાર, ચોથા ક્રમને દસ તથા પાંચમાને પાંચ અને ૬ થી ૧૦ને એક હજારનો પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત સ્મૃતિ ચિન્હો, પ્રમાણપત્રો અને ભોજનની પણ વ્યવસ્થા કરાશે. જયારે નટુભાઈ ચોકસી તરફથી વિજેતા સ્પર્ધકોને ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ અપાશે. રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર સ્પર્ધામાં સ્પર્ધકોની સંખ્યા ન થવા પાછળ તંત્રની ઉદાસીનતા કારણભુત હોવાની ચર્ચા થઈ રહી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/18/100218012106_girnar_competition_in_february_national_level.html

‘સિંહના બદલે વાઘ’ની કેન્દ્રની ઓફરમાં ગુજરાતને રસ નથી.

Wednesday, Feb 17th, 2010, 8:44 pm [IST]

danik bhaskar
Munaver Patangwala, Gandhinagar

ગુજરાતમાંથી સિંહ લઈ તેના બદલામાં વાઘ આપવાની કેન્દ્દ સરકારની દરખાસ્તમાં ગુજરાત સરકારે કોઈ રસ દાખવ્યો નથી.તાજેતરમાં કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશે ગુજરાતને એવી લલચામણી ઓફર કરી છે કે ગુજરાત તેમને સિંહ આપ અને તેના બદલામાં કેન્દ્દ તેમને વાઘ આપશે.

નોંધનીય છે કે એશિયાભરમાંથી માત્ર ગુજરાતના ગીરનાં અભ્યારણ્યમાં સિંહ વસે છે અને તે ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સમાન છે.છેલ્લા એક દાયકા અગાઉથી કેન્દ્દ સરકાર ગુજરાત પાસેથી મધ્યપ્રદેશના જંગલોમાં વસાવવા સિંહની માંગણી કરે છે પરંતુ આજદિન સુધી ગુજરાત સરકારે તેમાં કોઈ જ રસ દાખવ્યો નથી એટલે હવે કેન્દ્રિય મંત્રીએ ગુજરાતને ફરી એકવાર સાટા પદ્ધતિ જેવી ઓફર કરી છે.જેમાં કહેવાયું છે કે ગુજરાતના ડાંગ જિલ્લાના જંગલોમાં અગાઉ વાઘ વસતા હતા.

જે સમય જતાં લુપ્ત થઈ ગયા છે એટલે જો ગુજરાત સરકાર ઈચ્છે તો તેઓ ગુજરાતના ડાંગમાં વસાવવા ફરીથી તેમને વાઘ આપી શકે તેમ છે પરંતુ તેના બદલામાં ગુજરાતે મધ્યપ્રદેશ માટે સિંહ આપવા પડશે.તેમની આ ઓફર સામે ગુજરાત સરકારે કોઈ જ રસ દાખવ્યો નથી કેમકે સિંહ ગુજરાતીઓના જીવનપ્રમાલિ સાથે વણાઈ ગયેલું પ્રાણી છે અને ગુજરાતના લોકો પણ આવી ઓફર કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકે તેમ નથી.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/17/100217202602_c-69-646196.html

ગિરનાર તળેટીમાંથી ટન મોઢે કચરો એકત્ર કરી નાશ કરાયો.

જૂનાગઢ, તા.૧૭

શિવરાત્રિ મેળા પૂર્ણ થયા બાદ જૂનાગઢ મહાનગર પાલિકા તંત્રએ હાથ ધરેલ મેળા સ્થળની સફાઈ ઝૂંબેશમાં જે.સી.બી.ની મદદથી ૮પ ટ્રેક્ટર અને ૬૦ જેટલા છકડા રિક્ષા જેટલો કચરો એક્ઠો કરી ભવનાથ તળેટી વિસ્તારને ચોખ્ખો ચણાક બનાવી દેવા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગત તા.૭ થી ૧ર સુધી છ દિવસ સુધી ગિરનાર ભવનાથ તળેટી વિસ્તારમાં યોજાયેલ વિખ્યાત શિવરાત્રિ મેળા અંતર્ગત ઉમટી પડેલ આશરે ૮ લાખ જેટલા શ્રદ્ધાળુઓ થકી મેળાનાં સમગ્ર વિસ્તારમાં પર્યાવરણને હાનીરૃપ પ્લાસ્ટિક સહિતનો ટન મોઢે કચરો ઠલવાયો હતો. દરમિયાનમાં સ્વાઈન ફ્લૂ જેવા મહામારી જેવા રોગના દેશ વ્યાપી હાહાકાર વચ્ચે જૂનાગઢ મહાનગર પાલિકા તંત્રએ તાત્કાલીક અસરથી પોતાના પ૦ જેટલા માણસોના સ્ટાફને બે જે.સી.બી., છ ટ્રેક્ટર અને છકડો રિક્ષા સહિતના સાધનોને કામે લગાડી મેળો પૂર્ણ થયાનાં બીજા જ દિવસે સફાઈ ઝૂંબેશ હાથ ધરી ૮પ ટ્રેક્ટર અને ૬૦ જેટલી રિક્ષા ભરી પ્લાસ્ટિક સહિતનો કચરો એક્ઠો કરી નાશ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરી અંગે મેયર સતિષ કેપ્ટન, ડે.મેયર ગિરિશ કોટેચા અને સંકલન સમિતિ ચેરમેન પ્રવિણ ટાંકે તળેટી વિસ્તારમાં જઈ જરૃરી માર્ગદર્શન અને સૂચના આપી યુદ્ધનાં ધોરણે સફાઈ કામગીરી કરવા તાકીદ કરી હતી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160739

Wednesday, February 17, 2010

મલ્ટિ-મિલિઅન બિઝનેસમાં પીસાતા પ્રાણીઓ અને મુંઝાતા માણસો.

સાયન્સ અને ટેકનોલોજી
આના લેખક છે GS NEWS
શનિવાર, 28 નવેમ્બર 2009

પર્યાવરણમાં દરેક પ્રાણીઓનું ખાસ મહત્ત્વ હોય છે. તે પ્રાણી વાઘ હોય ગાય હોય કે રીનો હોય દરેક પ્રાણી કુદરતી ક્રમમાં રહી પર્યાવરણની જાળવણી કરે છે પરંતુ માનવ પ્રાણી તેમાંથી બાકાત છે.
પૃથ્વી પર આટલી બધી શાકભાજી હોવા છતાં તેને માંસાહાર કરવો ગમે છે. ઘેટાં, બકરાં, ડુક્કર ઉપરાંત પાણીમાંના લોબસ્ટર અને સાપને પણ તે છોડતા નથી. માંસ તો માંસ ખાય છે પણ વધેલા હાડકાનો પાવડર બનાવીને પણ તે મોટી મસ ઇન્ટરનેશનલ ફેક્ટરી ચલાવે છે.

કોસ્મેટિકના વપરાશમાં આવે એવા પદાર્થો મેળવવા તે લાખોની કતલ કરી તેનું માંસ વેચી હાડકાની રાખ બનાવે છે. હાડકાના આ કાળી રાખનું રાસાયણિક લાગતું નામ એટલે બ્લેક બોન ચાર. આ ધંધો આમ તો નીતિની વિરૂદ્ધ છે છતાં વિદેશની કંપનીઓએ તેને કાનુની ઠેરવી દીધેલ છે જેમકે ઇબોનેક્સ કોર્પોરેશન ૨૦૦૭માં જ ખઘછ (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન) પાસે ગાયના હાડકામાંથી કાળી રાખ બનાવવાની પરવાનગી લઈ લીધી હતી.

આજકાલ સૌંદર્યમયી દેહને પ્રાયોરિટી આપવામાં આવે છે સુંદર વાન માટે ‘સ્કાલપેલ ટુરિઝમ’ ખીલ્યું છે. ફરવા જાવ અને શરીરની શસ્ત્રક્રિયા કરી સુંદર બનો પછી સ્પર્ધામાં ભાગ લો પેરિસ અને અમેરિકાની લાખો યુવતીઓ નાક, કાન, ગળું, સ્તન, કમર, નિતંબ અને પગના મસલ્સ પર સર્જયનની છરી ફરવા દે છે.

30-12.gifશરીર રચના સૌંદર્યના ગણિતને અનુરૂપ થાય છે એટલે આજકાલ ‘મેટ ફિનિશ’ ઇનથીંગ કહેવાય છે. મિસ યુનિવર્સ અમેરિકાના રેમ્પ પર કે પેરિસની ફેશન મોડેલ ‘મેટ ફિનિશ’ કરાવે એ વાત સમજાય એવી છે પણ વાપીથી તાપી કે ભરૂચથી ભાવનગરની દિકરી પણ મેટ ફિનિશનો આગ્રહ રાખે છે તેમને ખબર નહિ હોય કે કોસ્મેટિક્સમાં મેટફિનિશ માટે હાડકાની રાખ કે પાવડર વપરાય છે. અમદાવાદની કર્ણાવતી ક્લબ કે રાજપથ ક્લબની લૉનના આકર્ષક સ્ટેજ પર જાડો ગુલાબી હાર પહેરેલી જૈન કન્યાને ખબર નથી કે તેના બ્યુટિશ્યને ગાયના હાડકાના પાવડરવાળો આઇશેડો, આઇ લાઇનર, મસ્કારા અને ફેસ- પાવડર વાપર્યો છે.

તમે ઉસ્ટન, એબર, ન્યુટ્રલ બ્લેક, ફ્રેન્કફોર્ટ બ્લેક વગેરે નામો કોસ્મેટિકના ટેબલ પર વાંચ્યા હશે જે બધા નોન-વેજ ગણાય કારણ કે તેમાં હાડકાનો પાવડર હોય છે જે મેકઅપના ચળકાટ ઓછો કરી મેટ-ફિનીશ આપે છે.
કોસ્મેટીક્સમાં વપરાતું આવું કાળું પિગમેન્ટ કલર્ડ પ્લાસ્ટિક, વુડ સ્ટેઇન્સ, પેપર પ્રોડક્ટ પેઇન્ટસ, લેધર તેમજ વિનાઇલમાં પણ વપરાય છે. આ કાળું પિગમેન્ટ હાડકાને ૭૦૦ ડિગ્રી ગરમ કરી તેનો પાવડર બનાવવાથી મળે છે. ખઘછ પોતે પણ માને છે કે આ પિગમેન્ટમાં કેન્સરકારક પદાર્થ પોલિસાઇક્લિક એકોમેટિક હાઇડ્રોકાર્બન (ઁછલ્લ) હોઈ શકે.

બધા જ લોકો નોન-વેજ નથી હોતા પરંતુ બોટલ કરેલું પાણી તો બધા જ પીએ છે. આ બંધ બાટલીમાં ગુટકા, વંદા પણ જોવા મળ્યા છે એ સમાચાર તમે વાંચ્યા હશે. પરંતુ બાટલીમાંનું પાણી આરોગ્ય અને પર્યાવરણ માટે મોટો ખતરો છે એ જાણી તમને નવાઈ લાગશે. આ પાણી ફિલ્ટર કરવા માટે જે ફિલ્ટર વપરાય છે તે હાડકાની રાખના બનેલા હોય છે. આમ તો આ ફિલ્ટર એક્ટિવેટેડ કાર્બન અથવા એબેઇઝરના છત્ર હેઠળ વેચાય છે પણ પરદે કે પીછે ‘કમીને’ના અનેક પાત્રો કાળો ધંધો કરી રહ્યા છે. પશ્ચિમની ઘણી બધી કંપનીઓ બૉનચારનો ઉપયોગ કરે છે અને પકડાઈ ગયા પછી થોડા મહિના બંધ પણ રહે છે.

તાજું ઝરણાનું પાણી, દેખાડતી આ વોટર બોટલમાં ઘરઆંગણે ફિલ્ટર કરેલ પાણી જ હોય છે. પાણીને ગંગાનું નામ આપવાથી તેનો સ્રોત ગંગોત્રી બની જતો નથી. બોટલનું પાણી ભાગ્યે જ ‘મિનરલ વૉટર’નું સર્ટિફિકેટ ધરાવતું હશે. તરસ લાગી હોય એટલે ‘પીવાલાયક પાણી’નો ટેગ વાંચવાની ક્યાં કોઈને ફૂરસદ હોય છે.

30-13.gifગાયના હાડકાને ૪૦૦- ૫૦૦ ડિગ્રી તાપમાને ગરમ કરી ગ્રે રંગની રાખ બનાવવામાં આવે છે. શેરડીમાંથી બનતી ખાંડને સફેદ, રંગવિહિન બનાવવા માટે આજ રાખ વપરાય છે. આ પ્રક્રિયા ૧૮૧૨થી ચાલી આવે છે.

બૉનચારની વેબસાઇટ પર વાંચતા જણાશે કે પાણી અને ખાંડને શુદ્ધ કરવા માટે વપરાતા બૉનચાર (હાડકાની રાખ)નો માલ ભારત, ચીન, આર્જેન્ટિના અને અફઘાનિસ્તાનના પ્રાણીઓના હાડકામાંથી તૈયાર થયેલો હોય છે....! વાધ, દીપડા, સાબર જેવા પ્રાણીઓનો શિકાર કરી તેના ચામડામાંથી વસ્ત્રો અને અંગોમાંથી દવા બનાવવામાં આવે છે.આ બધાને આંટી મારે એવું દિલને કંપાવનારું ષડયંત્ર સાપના શિકારથી ચાલે છે એ સમજતાં પહેલાં સાપના ઝેરની કેમિસ્ટ્રી જાણી લો.

સાપનું ઝેર ઉત્ક્રાંતિ પામ્યું છે. સાપના ઝેરના ઓથોરિટી ગણાતા ઓસ્ટ્રેલિયાના ખ્યાતનામ વૈજ્ઞાનિક બિઆન ફ્રાયના મતે સાપનું ઝેર મોમાં હોતું જ નથી તેના જેવા બીજા પ્રોટીન અને જૈવિક ઉદ્દીપકો સાપના શરીરના અન્ય ભાગમાં પણ જોવા મળે છે.

કેટલાક નિષ્ણાતોના મતે સાપની લાળમાં આવેલ પ્રોટીન પોતાની રચના બદલી ઝેર સ્વરૂપે રજૂ થાય છે. ઝેરનું ખરૂ કામ તો તેણે કરેલા શિકારના બારીક ટુકડા કરવાનું અને તેને પચાવવાનું છે. યોગાનુયોગ સાપ ડંખે છે ત્યારે જડબાની ઉપર આવેલી કોથળી દબાતા ઝેર બહાર આવી જાય છે એટલે કે ઝેર દાંતમાં હોતું નથી.

કેટલાક સાપ ઝેરી નાગને ગળી જાય છે તો તેને પોતાને કશું થતું નથી પરંતુ એજ સાપ અન્ય ઉંદર, પક્ષી કે ખિસકોલીને કરડે તો તેઓનું મૃત્યુ થાય છે... ! અહીં પેલા એઇડ્સના વિષાણુ ધરાવતા મચ્છરની વાતનો ઉલ્લેખ જરૂરીછે. મચ્છરમાં લ્લૈંફ (હ્યુમન ઇમ્યુનો ડેફીસીઅન્સી વાઇરસ) હોય તો તેને એઇડ્સ થતો નથી પરંતુ એ જ મચ્છર તંદુરસ્ત માણસને કરડે તો માણસને એઇડ્સ થાય છે....! ઝેરનો ઉપયોગ સાપ ભલે પોતાના માટે કરતો હોય પણ આ માનવ જાતને સાપનો પણ બાપ છે ઝેરમાં પણ એને અમૃત દેખાય છે. આ અમૃત તેની કોથળી ભરે છે. તમિલનાડુની ઇસ્લા જાતિ ભારે બહાદુર છે. જેલની તેને બીક નથી એ તો પ્રેમથી ઢગલાબંધ સાપને કોથળા ભેગા કરી ઘરે લઈ જાય છે અને તેમાંથી ઝેર કાઢી ઝેરનું માર્કેટ ચલાવે છે.

આ માર્કેટ પણ ખૂબ વ્યવસ્થિત છે દસ નાગ પકડો એટલે તેમાંથી એક ગ્રામ વિષ પાવડર બનાવી શકાય પહેલા ઝેર કાઢે પછી તેને પ્રોસેસ કરી પાવડર બનાવો કેટ્સ નામના સાપમાંથી ૧ ગ્રામ વિષ પાવડર તૈયાર થાય જેમાંથી રૂા. ૧૫,૦૦૦ મળી જાય. રસેલ્સનો ભાવ જરા નીચો એટલે કે ૧ ગ્રામના ૫૦૦ અને ત્યાર પછી આલી-મવાલી સાપના વિષ પાવડરના ૩૦૦- ૪૦૦ રૂપિયા ઉપજે જમીન કરતાં પાણીના સાપમાંથી મેળવાયેલા ૧ ગ્રામ વિષ- પાવડરના ૩૦૦- ૪૦૦ રૂપિયા ઉપજે. જમીન કરતા પાણીના સાપમાંથી મેળવાયેલા ૧ ગ્રામ પાવડરના રૂપિયા ૧૮,૦૦૦ ગણી લેવાના.

‘કોઈનું ઝેર તો કોઈનો ખોરાક’ એ કહેવતને આધારે ઇસ્લા જાતિનું ગુજરાન સાપ પકડવાથી જ ચાલે છે. ૧૯૭૮માં આવા બાવન કુટુંબોને સાપ પકડવાના લાયસન્સ પણ આપવામાં આવેલા....!

મુંબઈની કેન્સર સંશોધન સંસ્થાના મત પ્રમાણે સાપના ઝેરમાંથી પી-૬ નામનું પ્રોટીન અલગ કરી શકાય. પી-૬ નામનું પ્રોટીન પછી કેન્સર દવા તરીકે વપરાય છે. પી-૬ બીનઝેરી 30-15.gifછે અને ઉંદરોના કેન્સરમાં સફળતાપૂર્વક વપરાયું છે.

સાપનું ઝેર શારીરિક જોમ મેળવવા ઉપરાંત હૃદયરોગ માટે પણ અસરકારક સાબિત થયું છે. ઉંદરના બંધ હૃદયને સાપનું ઝેર ફરી ધબકતું કરી શકે છે ? માનવો પર તેનો ઉપયોગ કરતાં પહેલાં તેને અનેક પ્રોસેસમાંથી પસાર કરી બિનઝેરી બનાવવું પડશે. આ અંગેનું સંશોધન દિલ્હીની હાર્ડંિગ મેડિકલ કૉલેજમાં ચાલુ છે.

હાફકીન ઇન્સ્ટિટયૂટ મુંબઈ ખાતે સાપના ઝેરમાંથી જ વેક્સિન બનાવવામાં આવે છે. ૧૯૬૫માં માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થી તરીકે મને આ ઇન્સ્ટીટયૂટની મુલાકાત લેવા મળેલી. કાચના બીકરનું મોઢું પાતળા આવરણથી બંધ કરી તેની ઉપર સાપનું મોઢું દબાવતા જ તે ઝેર ઓકે એ પ્રયોગ પ્રત્યક્ષ જોવા મળેલો. ડિસ્કવરી પર હવે અવારનવાર કિંગ કોબ્રા સાથેની મસ્તી જોવા મળે છે. આ મસ્તી જોવાને બદલે તેની કોમેન્ટ્રી ઘ્યાનથી સાંભળવા જેવી હોય છે.

પશ્ચિમ મલેશિયામાં સાપના ઝેરમાંથી ‘આરવિન’ નામની દવા બનાવવામાં આવે છે. જે ધમનીમાં જામેલા લોહીના ગઠ્ઠાને ઓગાળે છે.

જે સાપ અનેક જીવોનો ખાત્મો બોલાવે છે તે સાપને દક્ષિણ કોરિયાની પ્રજા કોળિયો બનાવી પેટમાં પધરાવી દે છે. આવા લગભગ ૩૦ લાખ સાપો દરરોજ સીઓલી પ્રજાની ભૂખ ભાંગે છે... આપણે ત્યાં જેમ સલાડની રેસ્ટોરાં હોય છે તેમ ત્યાં ‘સાપ-સૂપ’ની રેસ્ટોરાં ચાલે છે.

પ્રાણીઓને મારી નાંખી આપણે તેનો અવનવો ઉપયોગ કરીએ છીએ. આવા નિરર્થક ઉપયોગો જેમ જેમ વધતા જાય છે તેમ તેમ વઘુ પ્રાણીઓની જરૂર પડે છે અને તેમ તેમ આપણે ‘પ્રાણી ઉછેર’નો છેતરામણો ધંધો કરીએ છીએ. આ ચક્ર આપણા પર્યાવરણના સમતુલનને ખોરવે છે અને ગ્લોબલ વોર્મંિગનું કારણ બને છે. જંગલની આગ, વરસાદની અછત, તાપમાનનો અનહદ વધારો અને દરિયાની જમીન પરની ધૂસણખોરી એ ગ્લોબલ વોર્મંિગનું પરિણામ છે. વિશ્વના આ મહાન પ્રશ્નનો ઉત્તર એ જ છે કે આપણે બને એટલું કુદરતી જીવન જીવીએ સંતો અને મહંતોને ઘરડાંએ સાંભળવા પણ યુવાનોએ ઘ્યાનથી સમજવા જોઈએ.

Source: http://www.gujaratsamachar.com/beta/content/view/49230/394/

ભાવનગર,અમરેલી જિલ્લામાં સિંહ-દીપડાનો આતંક.

Tuesday, Feb 16th, 2010, 3:29 am [IST]
Bhaskar News, Bhavnagar

તળાજામાં દીપડાએ બે ઢોરનાં મારણ કર્યા: સા.કુંડલામાં દીપડો યુવકની પાછળ દોડ્યો : રાજુલામાં સાવજની ટોળી ત્રાટકી

ભાવનગર જિલ્લાનાં તળાજા, મહુવા, સિહોર, પાલીતાણા, વલભીપુર, ચમારડી, ભંડારીયા સહિતનાં અનેક ગામોમાં અમરેલી જિલ્લાનાં રાજુલા, સાવકુંડલા, જેસર પંથકમાં કેટલાક સમયથી સિંહ, દીપડા જેવા પ્રાણીઓએ ભારે આતંક મચાવતા ગ્રામજનોમાં ખાસ કરીને ધરતીપુત્રોમાં ભારે ભય વ્યાપી જવા પામ્યો છે. જ્યારે કે આ બાબતે જંગલખાતુ નિષ્ક્રિય હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

તળાજા બ્યુરોનાં પ્રતિનિધિનાં જણાવ્યા પ્રમાણે તળાજા તાલુકાનાં મોટા ઘાણા ગામનાં કરણા ભાઇ ભરવાડનાં મોટાઘાણાની સીમમાં આવેલ ખેતરમાં માલ ઢોર લાવી ચરાવતા કુંભારીયા તા. મહુવાનાં ગોપાલક નારણભાઇનાં પાલીત ઢોર પર ગત રાત્રિનાં દીપડાએ હુમલો કરીને એક વાછડો તથા બે વર્ષની ઉજરેલ નાની ગાયનું મારણ કર્યું હતું. તેમજ બળદને પણ ઘાયલ કર્યાની રામભાઇ ઘોહાભાઇ તથા માલધારીઓએ વન વિભાગને જાણ કરેલ છે. આ બાબતે તળાજા વન અધિકારી આર.યુ. જોષીને જાણ થતાં વન રક્ષક એસ.પી.વાળા સહિત કર્મીઓને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપેલ હોવાનું જાણવા મળેલ છે.

સાવરકુંડલામાં હાથસણી રોડ ઉપર રહેતા અને જમીનની લે-વેચ કરતા ખેડૂત ગોકળભાઇ વલ્લભભાઇ કોળી (ઉ.વ.૩૫) ગઇ સાંજના આઠેક વાગ્યે ધારીથી ૩૦ કિ.મી. દૂર આવેલા દિતલા ગામના સરપંચ બચુભાઇ ઝાલાના ઝાલા ફાર્મ હાઉસે કેરીની કલમો લેવા ગયેલા ત્યારે ફાર્મ હાઉસના ડેલા પાસે તેઓ પહોચ્યા ત્યા ડેલા પાસે એક ખુંખાર દિપડો બેઠો હતો !

આ દીપડાએ ગોકળભાઇ સાથે ઘુરકીયા કરી તેની પાછળ દોટ મુકતા સદનસીબે ગોકળભાઇ પોતાના મોટરસાયકલ ઉપર જ બેઠા હતા અને બાઇક ચાલુ હતુ જેથી દિપડાની દોટ જોઇ તેણે બાઇક ગિયરમાં નાખી ભગાવ્યું હતુ અને રાડા રાડી કરતા દીપડો પાછો વળી ગયો અને નાસી ગયો હતો.

દીપડાએ ૧૫૦ ફુટ જેટલી દોટ મુકતા આ સમયે વલ્લભભાઇના હોશકોશ ઉડી ગયાનું તેમનું કહેવું છે. અને માંડ તેનો જીવ બચ્યો હતો. સાવજોની એક ટોળી રાજુલા પંથકમાં લાંબા સમયથી ધામા નાંખીને પડી છે. આ સિંહ ગ્રુપ અવાર-નવાર નીલગાય જેવા પશુનું મારણ કરે છે. તો ક્યારેક ગામડાઓમાં ધૂસી માલીકીનાં માલઢોરોને પણ હાની પહોંચાડે છે. રાજુલાથી છએક કિ.મી. દૂર આવેલા દેવકી ગામની સીમમાં ગત મધરાત્રે સાવજોનાં એક ટોળાએ કાળો કેર વર્તાવ્યો હતો. એટલું જ નહીં આ ટોળાએ ચોકી સાથે ગાયનું મારણ કર્યું હતું અને બે ગાયોને દાંત બેસાડી ઘાયલ કર્યા હતા.

મધરાત્રે ગાયોનાં ભાંભરડાથી સીમ વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. જયારે કે માલધારી પરિવારોને પણ સલામત રીતે નાસી જવાની ફરજ પડી હતી. સવારે જયારે ગ્રામજનોને જાણ થઇ ત્યારે ઘટના સ્થળે લોકોનાં ટોળા એકઠા થયા હતા. આ બનાવ અંગે જંગલખાતાનાં અધિકારીઓને જાણ કરાઇ હતી.

આમ ભાવનગર અને અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારોમાં સિંહ અને દીપડાનો વ્યાપ વધતો જાય છે અને જંગલ વિસ્તારમાંથી સીમમાં અને મોકો મળે ગામમાં પણ પ્રવેશી જઇ પશુઓનું મારણ કરતા માલધારીઓમાં ભારે ફફડાટ વયપી જવા પામેલ છે.

ધાવા અને મોરૃકાના ખેડૂતોએ કાજુની ખેતીમાં સફળતા મેળવી.

તાલાલા, તા.૧ર

મીઠી કેસર કેરીનું ઉત્પાદનનું બિરૃદ ધરાવતો તાલાલા પંથક હવે કાજુના ઉત્પાદન તરફ વળ્યો છે. ધાવા અને મોરૃકા ગામના ખેડૂતોએ કાજુની ખેતીમાં સફળતા મેળવી છે. કોઈ જાતના ખર્ચ કે પાણી વગર ટેકરાવાળી વેસ્ટેજ જમીનમાં ધાવાના ખેડૂતે વેન્ગુલા-૪ જાતના કાજુનું સફળ વાવેતર કર્યું છે.

ધાવાના ખેડૂત જશમતભાઈ રામજીભાઈ રોલાએ કાજુની ખેતીમાં સફળતા મેળવી છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમણે પાંચ વર્ષ પહેલા મહારાષ્ટ્રની કોકણ યુનિર્વિસટી હેઠળના સબ સેન્ટર પાલઘર મુંબઈમાંથી રૃ. ૧પ લેખે વેન્ગુલા-૪ જાતની કાજુની ૬૦૦ કલમ લીધી હતી. આ કલમો તેમની ખાડા ટેકરાવાળી પડતર ર૧ વિઘા જમીન પૈકી ૧પ વિઘા જમીનમાં વીસ બાય વીસના અંતરે વાવેતર કર્યુ હતું. આજે ૬૦૦ પૈકી ૪૦૦ કાજુના પાંચ વર્ષના તંદુરસ્ત ઝાડ ખેતરમાં ઉભા છે.

કાજુના પાકને ચોમાસા પછી પાણી ન હોય તો પણ કોઈ અસર થતી નથી. કાજુના પાકને પાણી હોય તો પણ મહિને એકવાર પાણી આપવું જોઈએ. દસ વર્ષ બાદ કાજુનું ઝાડ પરીપકવ થાય ત્યાબાદ આવક શરૃ થશે. દસ વર્ષ પછી એક ઝાડ પર વીસ કિલો કાજુ આવે છે. જો પાણી વગરની જમીન હોય તો પણ એક ઝાડ પર દસ કિલો કાજુ આવે છે. રાજય સરકાર દ્વારા એવોર્ડથી સન્માનિત તેઓએ ઉમેર્યું કે, વેસ્ટેજ જમીન પર ખેડૂત વાવેતર કરશે તો પણ તેમાં સફળ થશે. એક વિઘામાં કાજુના ૪૦ ઝાડનું વાવેતર થઈ શકે છે. કોઈપણ જાતનો રોગ આવતો નથી. પંખીઓ પણ પાકને નુકસાન કરતા નથી. ખાતર-પાણીની જરૃર પડતી નથી. મોરૃકામાં વાવેતર કરી ગીરમાં કેસર કેરીના ઉત્પાદનની શરૃઆત કરનાર દામજીભાઈ સંઘાણીના પુત્ર ડાયાભાઈએ ગુંદરણ-ધાવા વચ્ચે આવેલ પોતાની ૧૩૦ વિઘા જમીન પૈકી ૩૦ વિઘા જમીનમાં કાજુનું વાવેતર કર્યું છે. તેમની જમીનમાં અત્યારે ૧ર૦૦ જેટલા નાના મોટા કાજુના ઝાડ છે. તેમના કેરીના બગીચામાં આજે પણ ૯૦ વર્ષના ઘટાદાર કેસર કેરીના ૩પ આંબા હયાત છે. તાલાલા પંથકમાં કાજુના પાક માટે હવામાન અનુકુળ છે. તેમ, બન્ને ખેડૂતોએ જણાવ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=159210

ખુંખાર દીપડાએ એક વાછડીનું મારણ કર્યું.

તાલાલા(ગીર),તા.૧૪

તાલાલા તાલુકાના આંકોલવાડી (ગીર)ગામે મંડોરાણા રોડ ઉપર રહેતા પટેલ ખેડૂત જીણાભાઈ ભોવાનભાઈ વઘાસીયાના મકાનના આંગણની ૧૫ ફૂટ ઉંચી કમ્પાઉન્ડની દિવાલ કૂદી મકાનના ફળીયામાં પ્રવેશ કરી દીપડો વાછડીનું મારણ કરી જતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

જંગલમાંથી વન્યપ્રાણીઓ માનવવસ્તી તરફ પ્રયાણ કરી રહ્યાં છે ઉનાળાના દિવસો દરમિયાન જંગલમાંથી વન્યપ્રાણીઓ માનવવસ્તી તરફ પ્રયાણમાં હજી વધારો થશે. ત્યારે પંદર પંદર ફૂટ ઉંચી દિવાલો કૂદીને દીપડો મકાનમાં ગયાનો બનાવથી લોકો ભયભીત થઈ ગયા છે. તાલાલા પંથકમાં વન્યપ્રાણીઓની હિફાજત માટે રસ્તાઓ બંધ કરવા કે રસ્તા ઉપર અડચણો ઉભી કરવી સહિતની કાર્યવાહી જંગલખાતુ કરી રહ્યું છે. પણ વન્ય જીવોથી પશુધનને બચાવવા કોઈ કાર્યવાહી કરતું નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=159776

Tuesday, February 16, 2010

ખૂંખાર દિપડાનો શિકાર બનતા યુવાન માંડ બચ્યો.

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GS NEWS
સોમવાર, 15 ફેબ્રુઆરી 2010
અમરેલી,
ધારીના દિતલા ગામની સીમમાં ગઈકાલે મોડી સાંજના સાવરકુંડલાના એક કોળી યુવાન પાછલ એક દિપડાએ દોટ મુકતા યુવાનના હોશકોશ ઉડી ગયા હતાં. સદનશીબે યુવાન બાઈક ઉપર હતો, જેથી તેણે બાઈક ચાલુ કરી ભગાવતા રાડ નાખી તો દિપડો પાછો વળી ગયો હતો અને યુવાનનો જીવ બચી ગયો હતો.

હિતલા ગામની સીમમાં દિપડાએ હૂમલો કરવા દોડમુકી પણ યુવાને પુરઝડપે બાઈક ભગવતા આબાદ બચાવ

સાવરકુંડલામાં હાથસાણી રોડ ઉપર રહેતા અને જમીનની લે-વેચ કરતા ખેડૂત ગોકળભાઈ વલ્લભભાઈ કોળી (ઉ.વ.૩૫) ગઈસાંજના આઠેક વાગ્યે ધારીથી ૩૦ કિ.મી. દુર આવેલા દિતલા ગામના સરપંચ બચુભાઈ ઝાલાના ઝાલા ફાર્મહાુસે કેરીની કલમો લેવા ગયેલો ત્યારે ફાર્મ હાઉસના ડેલા પાસે તેઓ પહોંચ્યા ત્યાં ડેલા પાસે એક ખુંખાર દિપડો બેઠો હતો.

દિપડો ગોકળગાઈ સામે ધુરકીયા કરી તેની પાછળ દોટ મુકતા સદનશીબે ગોકળભાઈ પોતાના મોટરસાયકલ ઉપરજ બેઠા હતા અને બાઈક ચાલુ હતુ. જેની દિપડાની દોટ જોઈ તેણે બાઈક ગેરમાં નાખી ભગાવયું હતું. અને રાડા - રાડી કરતા બચુભાઈ ઝાલાએ પણ હાકલા - પડકારા કરતા દિપડો પાછો વળી ગયો અને નાસી ગયો હતો. દિપડાએ ૧૫૦ ફુટ જેટલી દોટ મુકતા આ સમયે વલ્લભભાઈના હોશકોંશ જ ઉડી ગયાનું તેમનું કહેવું છે. અને માંડ તેનો જીવ બચ્યો હતો.

Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56008/149/

બે સિંહો વચ્ચે લોહીયાળ લડાઇ થઇ, એક ઘાયલ.

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GS NEWS
સોમવાર, 15 ફેબ્રુઆરી 2010

ધારી પાસેના ઘોડાવાડી જંગલનો બનાવ
અમરેલી,
ધારીના ઘોડાવડી જંગલમાં બે સિંહો વચ્ચે જબરી લડાઇમાં ઘાયલ થયેલા એક સિંહને વનવિભાગે શોધીને પકડી પાડ્યો છે. તેને સારવાર માટે જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો છે. જ્યારે બીજા સિંહની શોધખોળ શરૂ કરાઇ છે.

સિંહણને પામવા અથવા વિસ્તારમાં કે પોતાના ગુ્રપમાં પ્રભુત્વ જમાવવા લડાઇ થયાનું અનુમાન

ધારી ગીર પૂર્વેના જસાપર રેન્જમાં ઘોડાવડી જંગલમાં એક ઇજાગ્રસ્ત સિંહ આંટા મારતો હોવાની બાતમીના પગલે ડી.એફ.ઓ. મુનિશ્વર રાજાની સુચનાથી આર.એફ.ઓ. મુલવણી સહિતના સ્ટાફે ગઇકાલે આ જંગલ વિસ્તારમાં પાંજરામાં મારણ મુકી ઘાયલ સિંહને પકડી પાડ્યો હતો. અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો હતો.

ડી.એફ.ઓ. રાજાના જણાવ્યા પ્રમાણે આ જંગલમાં બન્ને સિંહો વચ્ચે ક્યાં કારણસર લોહીયાળ લડાઇ થઇ તે ચોક્કસ કહી શકાય નહીં. બંને વચ્ચે સિંહણને પામવા અથવા વિસ્તારમાં કે પોતાના ગુ્રપમાં પ્રભુત્વ જમાવવા લડાઇ થઇ હોવાનું અનુમાન લગાવી શકાય છે. એક સિંહ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો છે. એટલે હવે બીજા સિંહની હાલત કેવી છે? શરૂ કરાઇ છે.

ઘાયલ સિંહને પાંજરે પુરીને સારવારમાં ખસેડાયો, બીજા સિંહની શોધખોળ

સાથો સાથ આરીના કુલડા ગામની સીમમાં ખેડૂતોને રંજાડનાર એક દિપડાને વનવિભાગે ગઇકાલે પકડી જસાધાર એનીમલ કેરમાં લઇ આવી જંગલમાં છોડી દેવાયો છે. તો કુબડા ગામે ગોવિંદપુરના રસ્તે સવારે રસ્તા ઉપરથી ચાલીને નિકળેલા એક સિંહને સ્કૂલના બાળકોને જોઇ સિંહ દર્શન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય એ છે કે વનપ્રાણીઓની તબીબી ચકાસણી કે સારવાર માટે જસાધાર અને સાસણ ખાતેના ડો. વાઢેર અને ડો. હિરપરાએ સ્વૈચ્છીક રાજીનામા આપી દીધા છે. તેમની હાલમાં વન્યપ્રાણીઓની સારવાર માટે વેટરનટી ડોકટરો ન હોય વન્યપ્રાણીનું આરોગ્ય જોખમાય તેમ છે તો સત્વરે વેટરનરી ડોકટર મુકવા પ્રકૃતિપ્રેમી હસમુખ દવેએ માંગણી કરી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56010/149/

આજકાલ અદ્રશ્ય થઇ ગયેલી ચકલીઓને રહેવા ઘર અપાશે.

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GS NEWS
સોમવાર, 15 ફેબ્રુઆરી 2010

ચકીબેન, ચકીબેન અમારી પાસે રહેવા આવશો કે નહીં? આવશો કે નહીં?

રાજકોટ,
અગાઉના સમયમાં વૃદ્ધ વડિલો બાળકોને ‘ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો’ એવી વાર્તા કહેતાં. આ બાબત એવું સૂચવે છે કે બાળકને પોતાના ઘરમાં ચકલી સહજ રીતે જોવા મળી જતી. સંખ્યાકીય બાબતે ચકલી વ્યાપક હતી.

પરંતુ, સમય જતાં આજે આપણા ઘર, ગામ કે શહેરમાં ચકલીની સંખ્યા ઘટતી ચાલી. આવું કેમ બન્યું? તેનું સામાન્ય અવલોકન કરીએ તો તુરત જ સમજાય જાય તેવું છે. ચકલીની સંખ્યા ઘટવા પાછળનું મુખ્ય કારણ છે માનવીની બદલાયેલી જીવનશૈલી. રોજી-રોટી રળવા ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરો તરફ પ્રયાણ કર્યું. શહેરોમાં જનસંખ્યા વધતાં આપણા મકાનો સંકોચાતા ગયા. જુના દેશી- નળિયાવાળા મકાનોના સ્થાને બહુમાળી મકાનોએ પ્રભુત્વ જમાવ્યું.

ચકલીઓના માળા બનાવવાના સ્થાનો લુપ્ત થતાં ઉડી ગયેલી ચકલીઓ માટે ૫૦ હજાર તૈયાર માળાનું વિતરણ

આ તબક્કે ખપેડાઓ, અભેરાઇઓ, દીવાલ પર લગાવાતા ફોટાઓ ક્રમશઃ લુપ્ત થયા જે સામાન્ય રીતે ચકલીના માળાઓ બનાવવાના સ્થાનો હતાં આથી ચકલીઓને બચ્ચા ઉછેરવાની બાબતમાં મોટો વિક્ષેપ પડયો, જેને લીધે આજે આપણને ચકલીની સંખ્યા ઓછી થયેલી જોવા મળી. જેના કારણો સ્પષ્ટ છે, તો ચકલીના સંરક્ષણ- સંવર્ધન માટે આજે તેના માળાના સ્થાનોની પૂર્તિ કરવી તે તાતી જરૂરીયાત છે. (ચકલીને ઝાડ પર માળો બનાવતા આવડતું નથી)

‘નવરંગ નેચર કલબ’ રાજકોટ ચકલીના કૃત્રિમ પરંતુ વૈજ્ઞાનિક સુઝવાળા માળાઓ પૂરા પાડે છે. આપણા નિવાસ સ્થાનોની સલામત જગ્યાએ લગાવવાથી ચકલી આપણે ત્યાં આવતી થશે, થઇ છે તેવા પ્રાથમિક અવલોકનો પણ છે. આપણને મળેલા આ આશાસ્પદ પરિણામોથી દરેક ઘર પોતાની અનુકુળતા મુજબ આવા કૃત્રિમ માળાઓ લગાવે તેવી દર્દભરી અપીલ ચકલીઓની જ છે કે જેથી આપણી આવનારી પેઢીને જૂની વાર્તા કહીએ ત્યારે ચકલી વિશેની સંકલ્પના બાળકને સમજાવી ન પડે.

સાથે-સાથે ઘરમાં થતાં વંદા, કંસારી જેવા કીટકો પર આપોઆપ નિયંત્રણ આવશે. અહીં હજુ વઘુ સારૂ પરિણામ મેળવવા ચકલી માટેના ચણની છાબડી અને પાણી પીવા માટેનું પાત્ર મૂકવું જે આપણને પંખીઓને ચણ નાખ્યાનો આત્મસંતોષ પણ આપશે. ચકલીનું ઘર જાતે બનાવી શકાય ૫-૫ ઈંચના લાકડાનું અથવા પુંઠાનું ઘર બનાવી શકાય. ખેતરના શેઢે એક લાઇન જુવાર અથવા બાજરાનું વાવેતર પક્ષીઓ માટે કરી શકાય. ચાલુ સાલે ગુજરાતના વિદ્યાર્થીઓના સહકારથી ૫૦૦૦૦ ચકલીના ઘર ગોઠવવાનો સંકલ્પ થયો હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56016/149/

૧૧ સિંહોએ છ પશુઓનું મારણ કર્યું.

Saturday, Jan 30th, 2010, 12:50 am [IST]
danik bhaskar
Bhaskar News, Una

ઉના તાલુકાના મોતીસર ગામમાં ગત રાત્રીનાં ૧૧ સિંહોએ ચડી આવી એક સાથે છ પશુઓનું મારણ કરી નિરાંતે મિજબાની માણી હતી. ૧૧ સિંહો ગામમાં આવી ચડતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો.

ઉના તાલુકાના મોતીસર ગામની સીમમાં આવેલી રતિભાઈ બચુભાઈની વાડીમાં બાંધેલા બળદ પર હુમલો કરી નિરાંતે મિજબાની માણી હતી. બળદનું મારણ કર્યા બાદ થોડે દુર અભેસિંગભાઈ નારણ-ભાઈની વાડીમાં બે રેઢીયાળ ગાયનું મારણ કર્યુ હતું.

બાદમાં સિંહોનું ટોળુ ગામના પાદરમાં આવી ચડ્યું હતું અને ત્યાં એક વાછરડાનું મારણ કર્યુ હતું. સવારે ગ્રામજનોએ ગાય તથા વાછરડાનો મૃતદેહ જોતા અચંબામાં પડી ગયા હતા.

આ અંગે વનવિભાગને જાણ કરતા વનતંત્રનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સિંહોનું લોકેશન મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા. વધુમાં જંગલમાં સિંહોને પુરતો ખોરાક ન મળતો હોવાથી સિંહો શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તાર તરફ આવી ચડે છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/30/100130005037_lions_killed_six_animals_and_enjoy_party.html

ગીરના જંગલમાંથી બાંગ્લાદેશી શખ્સ ઝડપાતા ભારે સનસનાટી

Bhaskar News, Una

વનવિભાગે તેની પાસેથી મોરનાં પીંછા, લોખંડનો સળિયો, છરી કબજે કર્યા

ઉના તાલુકાનાં જશાધાર રેન્જ વિસ્તારમાં શિકાર કરવાનાં ઈરાદે આવેલાં એક બાંગ્લાદેશી શખ્સને વનવિભાગે ઝડપી લેતાં ચકચાર મચી ગઈ છે.

વનવિભાગે તેની પાસેથી મોરનાં પીંછા, લોખંડનો સળીયો અને છરી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વન પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરી તેને કસ્ટડી હવાલે કરી દેવામાં આવ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ જશાધાર રેન્જનાં આરએફઓ કે.બી.મુલાણી, રાઉન્ડ ફોરેસ્ટર, યુ.એન.લલીયા અને ગાર્ડ ભરતભાઈએ ગઈકાલે પેટ્રોલીંગ દરમ્યાન જશાધાર અભ્યારણ્યનાં ધોકાધાર વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી લઈ તેની પાસેથી મોરનાં પીછાં, લોખંડનો સળીયો અને છરી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ શખ્સ શિકાર કરવાનાં ઈરાદે જ જંગલમાં ઘુસ્યો હોય અને મોરનો શિકાર કર્યાનું વનવિભાગ અનુમાન કરી રહી છે.

આ શખ્સની ભાષા કંઈ સમજી શકાતી ન હોય અને બિહાર, ઓરીસ્સા, યુપી જેવા રાજયોનું રટણ કરતો હોવાથી તેને રાજુલા નજીક આવેલી એલ એન્ડ ટી સીમેન્ટ ફેકટરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમીકો પણ તેની બોલચાલ સમજી શક્યા ન હતા.

દરમ્યાન ફેકટરીની કેન્ટીનમાં કામ કરતો રસોઈયો ગણેશ શંકર (રહે.પ.બંગાળ) તેની ભાષા સમજી જતાં વનવિભાગે તેનો દુભાષીયા તરીકે ઉપયોગ કરી વિગતો મેળવતાં આ શખ્સ બાંગ્લાદેશનો રહેવાસી અને તેનું નામ દીલીપસીંગ બાબુલાલસીંગ હોવાનું જાણવા મળ્યું હતું.

ધારીનાં ડીએફઓ રાજાએ પણ આ શખ્સની પૂછપરછ કરી હતી પરંતુ તેની વિચીત્ર ભાષાને લીધે કોઈ જાણકારી પ્રાપ્ત કરી શકયા ન હતા. વન વિભાગે તેની વિરૂઘ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ની કલમ ૯ની ૨(૧૬), ૨(૭૬), ૨(૩૫), ૨(૩૧), ૪૦(૧), ૨૬(૧), ૩૯(૩), ૫૦ અને ૫૧ મુજબ ગુનો દાખલ કર્યોહતો. અને આજે કોર્ટમાં રજૂ કરી કસ્ટડી હવાલે કરી દેવાયો હતો.

બાંગ્લાદેશનો પાસપોર્ટ મળ્યો નથી

આ શખ્સ પાસેથી બાંગ્લાદેશનો પાસપોર્ટ મળ્યો નથી. બે પિત્ન અને ચાર સંતાનનો પિતા છે. અને ભિખારી જેવો દેખાઈ રહ્યો છે.

તપાસના મુદ્દાઓ

- બાંગ્લાદેશથી ક્યારે આવ્યો ?
- કયા રસ્તેથી આવ્યો ?
- અહીં સુધી પહોંચવામાં કોણે મદદ કરી ?
- અત્યાર સુધી ક્યાં ક્યાં આશ્રય લીધો?
- ગુજરાત અને ગીરના જંગલમાં ક્યારે આવ્યો ?
- શિકારનો જ હેતુ કે આતંકવાદી સંગઠન સાથે સાંઠગાંઠ ?

ભાષા ન જાણતો હોવાનો ડોળ તો કરતો નથી ને..?

આ શખ્સ ૬ દિવસથી આવ્યો હોવાનું અને શિકાર કરવા કે જંગલનું લોકેશન જોવા આવ્યો હોય અને જંગલમાં કયાંથી પ્રવેશ્યો તે લોક ચર્ચાએ જોર પકડ્યું છે. ભાષા ન જાણતો હોવાનો ડોળ કરી વન વિભાગને ગેરમાર્ગે તો દોરી રહ્યો નથી ને? તે પણ તપાસનો વિષય બને છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/30/100130020811_bangladeshi_hunter_found_from_gir_forest.html

વિફરેલી સિંહણના ભયથી વૃઘ્ધ ઝાડ પર ચડી ગયા..!

Bhaskar News, Una

ઉના તાલુકાનાં સનખડા ગામની સીમમાં એક વિફરેલી સિંહણથી જીવ બચાવવા ૬૦ વર્ષનાં વૃઘ્ધ સડસડાટ ઝાડ પર ચડી ગયા હતા અને થોડો સમય પછી ડાળી તુટતાં નીચે પટકાયા હતા. અન્ય બે વ્યકિતઓએ પણ માંડ..માંડ પોતાનો જીવ બચાવ્યો હતો.

સનખડા ગામની સીમમાં આવેલાં ગભરૂભાઈનાં આંબાના બગીચામાં ગઈકાલે ધીરૂભાઈ અને તેમનાં પિતા માવજીભાઈ કામ કરી રહ્યા હતા. ત્યાર બાદ બાજુની વાડીવાળા દિલીપભાઈ ત્યાં આવતાં ત્રણેય બગીચામાં લટાર મારવા નીકળ્યા હતા.

આ સમયે એક સિંહણ તેનાં બે બચ્ચા સાથે નજરે પડતાં અને સિંહણ પણ આ લોકોને જોઈ વિફરી ત્રણેય પાછળ દોટ મુકતાં માવજીભાઈ નજીકનાં ઝાડ પર ચડી ગયા હતા. અને બાદમાં ઝાડની ડાળી તુટતાં નીચે પટકાયા હતા. તેમજ તેમના પુત્ર ધીરૂભાઈ અને દિલીપભાઈ પણ કાંટાવાળી ઝાડીમાંથી પસાર થઈ સિંહણથી પોતાનો જીવ બચાવ્યો હતો.

વનવિભાગ ઊંઘમાંથી કયારે જાગશે..?

ઉના પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો સતત મુકામ રહેતો હોવાથી સીમમાં જતાં લોકો ગભરાટ અનુભવી રહ્યા છે. વનખાતું આ સિંહણ અને તેનાં બચ્ચાઓને પાંજરે પુરવા તત્કાલ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/05/100205025258_lioness_after_oldman.html

દીપડાના પાંજરામાં સાવજ સપડાયો.

Bhaskar News, Junagadh

વંથલીના સુખપુરની સીમમાં બે દિવસ પહેલાં ગૌશાળાની દીવાલ કૂદી એક ગાયનું મારણ કર્યુવંથલી તાલુકાના સુખપુર ગામની સીમમાં બે દિવસ પહેલા ગૌશાળાની દિવાલ કુદી ગાયનું મારણ થયું હતું. આ અંગે વનતંત્રને જાણ થતા ગૌ શાળા નજીક દીપડાને પકડવા મારણ સાથે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ગતરાત્રે સિંહ પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વંથલી તાલુકામાં અવાર નવાર દીપડાઓ પાંજરે પુરાતા હતા. પરંતુ સુખપુરમાંથી સિંહ પાંજરે પુરાતા તેને સક્કરબાગ લઈ જવાયો હતો.

આ અંગેની વધુ વિગત મુજબ વંથલી તાલુકાના સુખપુર ગામની ગૌશાળામાં બે દિવસ પહેલા એક ગાયનું મારણ થયું હતું. ગાયનું મારણ થતા ગ્રામજનોને એમ હતુ કે, દીપડાએ ગાયનું મારણ કર્યુ છે.

આથી દીપડાને પકડવા વનતંત્રને જાણ કરી હતી. વનતંત્રને જાણ થતા ગૌ શાળાની નજીક મારણ સાથે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ગત રાત્રીના ચારેક વાગ્યે એક સિંહની ડણક સંભળાતી હતી અને પાંચ-છ વાગ્યે આ સિંહ મારણ કરવા ગૌશાળા તરફ આવતા પાંજરે પુરાઈ ગયો હતો.

વહેલી સવારે દીપડાને બદલે સિંહ પાંજરામાં દેખાતા લોકોમાં આશ્ચર્ય થયું હતું. ગાયનું મારણ કરનાર સિંહ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વંથલી તાલુકામાં અવાર નવાર દીપડાઓ દેખા દેતા હોવાથી સુખપુરવાસીઓ દીપડાએ મારણ કર્યાનું અનુમાન કરતા હતા. પરંતુ મારણ કરવા આવેલો સિંહ પાંજરે પુરાઈ જતા ગામમાં ચર્ચા જાગી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/06/100206012849_leopard.html

દિપડાનો આતંક, બે મહિલાઓને ફાડી ખાધી

Agency, Veraval

વેરાવળ પંથકના ઈશ્વરીયા ગામમાં દિપડાએ આતંક મચાવ્યો છે.

મજૂરી કામ કરીને પેટિયું રળતા મજૂર પરિવારની બે મહિલાઓને દિપડાએ ફાડી ખાતા તેઓનું મૃત્યુ થયું હતું.

ઈશ્વરીયા ગામમાં રાત્રીના સમયે ભાનુબેન રાજુભાઈ પાંડવી અન્ય મહિલાઓ સાથે સૂતા હતા ત્યારે દિપડાએ આવીને હુમલો કર્યો હતો. દિપડો ભાનુબેનને ઝૂંપડાથી દૂર ઘસડી ગયો હતો. જ્યાં દિપડાએ તેમના ગળાના અને માથાના ભાગે ઈજા પહોંચાડતા તેમનું મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણ વેરાવળ ફોરેસ્ટને કરી દેવામાં આવી હતી. જ્યાં વન્ય અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવની વિગતો મેળવી હતી.

જ્યારે અન્ય એક મહિલાને પણ દિપડાએ ફાડી ખાધા હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રથી મજૂરી કામ માટે આવેલા સુશીલાબેનને પણ દિપડાએ હુમલો કર્યો હતો જેમનું પણ મોત નિપજ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/10/100210181231_leopard_violence_killed_two_women_veraval_gujarat.html

નરભક્ષી દીપડાએ બે મહિલાને ફાડી ખાધી.

Bhaskar News, Veraval

વેરાવળ પંથકમાં દિપડાઓની રંજાડ વધતી જાય છે. ગત રાત્રે ઇશ્વરીયા ગામની સીમમાં દંગા નાંખી રહેતા બે પરપ્રાંતીય પરિવાર પર દીપડાએ આતંક મચાવ્યો હતો. રાત્રે દસેક વાગ્યા આસપાસ એક મજૂર મહિલા દંગામાં ઉંઘી રહી હતી ત્યારે દીપડો તેને ઉપાડી ગયો હતો.

અને મહિલાને ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજયું હતું. આ બનાવ વખતે લોકો જાગી જતાં બુમાબુમ થતાં દીપડો નાસી છૂટ્યો હતો. પરંતુ નરભક્ષી દીપડો ત્રણેક વાગ્યા આસપાસ ફરી દંગામા ત્રાટક્યો હતો અને વધુ એક મહિલાને ઉપાડી ફાડી ખાધી હતી.

દીપડાએ છ કલાકમાં બે મહિલાઓને ફાડી ખાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વનવિભાગે નરભક્ષી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.

મૃતક મહિલાઓનાં પરિજનોને એક-એક લાખની સહાય

દીપડાના હુમલામાં મૃત્યુ પામનાર બંને મહિલાનાં પરિવારજનોને વન વિભાગે તાકિદે કાર્યવાહી હાથ ધરી એક-એક લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હોવાનું આરએફઓએ જણાવ્યું હતું.

દીપડાને પકડવા પાંચ સ્થળે પાંજરા મુકાયા

બે મહિલાઓને ફાડી ખાનાર દીપડાને પકડવા વનતંત્ર દ્વારા જુદી જુદી પાંચ જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા છે. દીપડો જંગલ વિસ્તારની બહાર નહીં નીકળ્યો હોય તો આજે રાત્રી દરમિયાન પકડાઈ જશે એવી આરએફઓ વઘાસીયાએ આશંકા વ્યકત કરી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/11/100211030242_lepord_kill_two_lady.html

સેવા કરવા આવેલા ભાવિક પર દીપડાનો હુમલો.

Bhaskar News, Junagadh

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્રમાં ધોરાજીથી સેવા કરવા આવેલા સાતેક લોકો ગત રાત્રે ગિરનાર પર્વત પર શેષાવન નજીક ઉંઘી રહ્યા હતા. ત્યારે વહેલી સવારે દીપડાએ એક શ્રઘ્ધાળું પર હુમલો કરતા તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.

અન્ય લોકો જાગી જતા તેઓએ બુમાબમ કરતા દીપડો જંગલમાં નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ધોરાજીના શ્રઘ્ધાળુને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્રમાં સેવા કરવા માટે અનેક ભાવિકો આવે છે.

આવી જ રીતે ધોરાજીનું એક ગ્રુપ પણ મેળામાં આવતા લોકોની સેવા કરવા આવ્યું હતું. ગતરાત્રે ધોરાજીનું સાતેક લોકોનું ગ્રુપ ગિરનાર પર્વત પર આવેલા શેષાવન નજીક ઉંઘી રહ્યું હતું. એ દરમ્યાન વહેલી સવારે ગિરનારનાં જંગલમાંથી અચાનક ચડી આવેલા દીપડાએ ધોરાજીના ખેડૂત મગનભાઈ બચુભાઈ બાલઘા (ઉ.વ.૫૦)પર હુમલો કર્યો હતો.

દીપડાએ હુમલો કરતા તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. એ દરમ્યાન તેની સાથે રહેલા લોકો જાગી જતા તેઓએ હાકલા-પડકારા કરતા દીપડો જંગલમાં નાસી ગયો હતો. બાદમાં મગનભાઈને તાકિદે જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જયાંથી બે-ત્રણ કલાક સારવાર અપાયા બાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતા. વધુમાં જાણવા મળ્યા મુજબ ધોરાજીનાં સેવાભાવી ગ્રુપના લોકો શેષાવન નજીક ઉંઘી રહ્યાં હતા ત્યારે મગનભાઈ બાલધા લાઈનમાં પાછળ સુતા હતા.

એટલે દીપડાએ આવી તેના પર જ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગિરનાર તથા આસપાસના વિસ્તારોમાં દીપડાઓની રંજાડ વધતી જાય છે. રોજબરોજ દીપડાઓ પશુઓ તથા માણસો પર હુમલાઓ કરતા હોવાના બનાવો બને છે.

પરંતુ શિવરાત્રીના મેળા દરમ્યાન દીપડાના હુમલાથી ભય ફેલાયો છે. વનતંત્ર દ્વારા દીપડાઓની રંજાડ સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/10/100210023312_lepord_attack_at_junagadh.html

ભાંગ પીધા બાદ દસથી વધુ શખ્સો ભાન ભૂલ્યા.

Bhaskar News, Junagadh

તમામને કેફી અસર થતાં સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા

શિવરાત્રી નિમિત્તે ભોળાનાથની પ્રસાદી તરીકે લેવામાં આવે છે. પરંતુ આ પ્રસાદી વધુ પડતી લેવાથી શિવભકતો ભાવ ગુમાવી બેસે છે. ગઇકાલે રાત્રે ભવનાથમાં વધુ પડતી ભાંગનો પ્રસાદ લીધા બાદ દસથી વધુ શખ્સો ભાવ ભૂલ્યા હતા. અને તમામને સીવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.

આ અંગેની વધુ વિગત મુજબ મહા શિવરાત્રી નિમિત્તે ગતરાત્રે જૂનાગઢનાં ભવનાથ વિસ્તારોમાં મહાદેવની પ્રસાદી તરીકે ભાંગનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ વધુ પડતી ભાંગ પી લેવાથી તેની કેફી અસર થઇ જાય છે. ગત રાત્રે શિવરાત્રી નિમિત્તે પલાણા ગામનાં રતિલાલ મનુ દરજી, હિંમતનગરનાં રાયધન પખમણ, સુરતનાં મોહન હરકિશન વિસાવદર નજીકનાં વડાળા ગામનાં દુષ્યંત વિનયકાંત ત્રિવેદી, જોષીપરાનાં હાર્દિક રાજેશ સુથાર તથા અમદાવાદનાં જગદીશ મોહન સહિત દસથી વધુ શિવભકતોએ ભાંગની વધુ પડતી પ્રસાદી પી લેતાં તેઓને ભાંગની કેફી અસર થઈ જતાં આ તમામ શખ્સો ભાન ગુમાવી બેઠા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/14/100214024907_ten_person_in_hospital.html

રેકર્ડબ્રેક ૮ લાખ શ્રદ્ધાળુંઓનો સાગર ઊમટ્યો

Bhaskar News, Junagadh

સવારે ૯-૩૦ વાગ્યાથી જ ભરડાવાવથી વાહન પ્રવેશ બંધ
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં આજે વિક્રમજનક સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં હતાં. નાગાબાવાનું સરઘસ નિહાળવા અને મહાશિવરાત્રીના દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરી પૂણ્યનું ભાથું બાંધવા વહેલી સવારથી જ ભાવિકોનો એકધારો પ્રવાહ ભવનાથ તળેટી તરફ શરૂ થયો હતો, જે રાત્રે નાગાબાવાઓનાં સરઘસ સુધી ચાલું રહ્યો હતો.

દિવસ દરમ્યાન મેળામાં આશરે આઠ લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા હોવાનું નોંધાયું હતું, જે આજ સુધીનો રેકોર્ડ છે. ગયા વર્ષે સાતથી સાડાસાત લાખ લોકો મેળામાં શિવરાત્રીને દિવસે આવ્યાં હોવાનું નોંધાયું હતું. લોકોની ભીડને ઘ્યાનમાં લઇને પોલીસે સવારે ૯-૩૦ વાગ્યાથી જ ભરડાવાવથી તમામ વાહનો માટે પ્રવેશ બંધ કરી દીધો હતો.

મહાશિવરાત્રીના દિવસે મેળામાં આ વર્ષે ગત મહાશિવરાત્રીના દિવસની સરખામણીએ એક લાખ લોકોનો વધારો થયો છે. મેળાનાં પ્રારંભથી લઇ ગઇકાલ સુધીમાં કુલ ૧૦,૨૦,૦૦૦ ભાવિકોની હાજરી રહી હતી. આજના દિવસે ૮ લાખ ભાવિકો ઉમટી પડતાં ૨૦૧૦ના શિવરાત્રી મેળામાં ભાવિકોનો કુલ આંક ૧૮ લાખ ૨૦ હજારને આંબી ગયો છે.

નાગાબાવાઓનાં સરઘસ પૂર્વે ૬ વાગ્યાથી જ માર્ગ ઉપર બેરીકેટ બાંધી તેની આસપાસ ભાવિકોને બેઠક લેવા જણાવી દેવાયું હતું. સાંજે સાડાછ વાગ્યાના અરસામાં રૂપાયતનના પાટિયા નજીક સરઘરનાં રૂટ પાસે લોકોની ભીડને કાબૂમાં લેવા અને ધક્કામુક્કીને અટકાવવા હળવો લાઠીચાર્જ કરવાની પોલીસને ફરજ પડી હતી.

ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધીનાં સમગ્ર માર્ગ ઉપર જાણે કે માનવ કિડીયારૂં ઉભરાયું હોય તેવું લાગતું હતું. લોકોને એટલું અંતર કાપવામાં એકથી દોઢ કલાકનો સમય લાગ્યો હતો.

ઠાઈ કાલે મેળામાં આવેલાં સાણંદના ભરતભાઈ બચુભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘‘હું છેલ્લાં ૧૦ વર્ષથી રાત્રે મારા ગામથી નીકળી બસમાં ભવનાથ દાદાના દર્શને આવું છું. છેલ્લાં દિવસે ભીડ તો હવે સ્વાભાવિક થઇ ગઇ છે.’’ મોટા દડવાના મનજીભાઈ બાબરીયાએ મેળાના ધાર્મિક મહત્ત્વ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘‘મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ ગિરનાર તળેટીમાં વિતે એટલે બેડો પાર થઇ ગઈ સમજજો.’’ મેળામાં છેલ્લાં દિવસ(શિવરાત્રી)નો લાભ લેવાં આવેલાં વિસાવદર તાલુકાના લેરિયા ગામના મથુરભાઈ ઉમરેટીયાએ કહ્યું હતું કે ‘‘અમારું ગામ તો નજીક જ હોઇ સવારે અહીં આવી મેળામાં ફરી નાગાબાવાનું સરઘસ જોઇ રાત્રે જ પરત ફરી જઇએ છીએ.’’

મનપાને મેળામાં રૂ.૯ લાખની આવક

જૂનાગઢ મનપાને આ વષે ફજેત ફાળકાની આવક નથી થઇ, પરંતુ અન્ય સ્ત્રોતમાંથી અંદાજે રૂ. ૮ લાખ ૯૦ હાજરની આવક થઇ છે. મનપાને ગત વર્ષે કુલ રૂ. ૧૧.૩૫ લાખની આવક થઇ હતી. ગત વર્ષે દવા, સફાઇ, સિકયોરિટી, ટોઇલેટ બ્લોક, સહિતનો ખર્ચ રૂ.૧૭ લાખ થયો હતો, જયારે આ વર્ષે રૂ. ૧૬ લાખને આંબી જવાની શકયતા છે.

૮૨ બાળકો વિખૂટાં પડી ગયાં

આજે મહાશિવરાત્રીના દિવસે મેળાની હકડેઠઠ ભીડમાં ૮૨ બાળકો વિખૂટાં પોતાના માતા-પિતાથી વિખૂટાં પડતાં મનપાના માહિતી કેન્દ્ર ખાતે મેળાપ કરાવાયો હતો. અમુક બાળકો અને મોટી વયના લોકો વિખૂટાં પડી જતાં મોબાઈલ ફોન ઉપર પણ માહિતી કેન્દ્રનાં માઘ્યમથી સંપર્ક કરાવાયાનું કેન્દ્રનાં ઇન્ચાર્જ કિશોર ભટ્ટે જણાવ્યું હતું. ગત વર્ષે મેળાનાં અંતિમ દિવસે ૭૩ બાળકો વિખૂટાં પડી ગયાં હતાં, એમ પણ તેમણે જણાવ્યું હતું.

મનપાની આવક (અંદાજે)

વાહન પાર્કિંગ રૂ.૧.૯૦ લાખ
સ્ટોલ-પ્લોટ રૂ.૪ લાખ
રેંકડી, પાથરણાં રૂ.૨ લાખ
ઊતારાનાં વિવિધ રૂ.૭૫ હજાર
ચાર્જ
વોટર વર્કસ રૂ.૨૦ હજાર.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/13/100213003111_mahashivratri_mela.html

જૂનાગઢ એસટીને વધુ ટ્રીપ દોડાવતા ૧૦ લાખનો વકરો.

Bhaskar News, Junagadh

ગત વર્ષની ૧૭ થી ૧૮ લાખની આવક સામે આ વર્ષે વધુ આવક થવાની સંભાવના.
જૂનાગઢના ભવનાથ ખાતે યોજતા શિવરાત્રીના મેળાના કારણે અનેક લોકોને રોજગારી મળી રહે છે. આ વર્ષે મેળાના ચાર દિવસ દરમ્યાન એસ.ટી.એ ૧૫૦૦ જેટલી ટ્રીપો દોડાવી દસ લાખનો વકરો કર્યો છે. ગત વર્ષે મેળા દરમ્યાન ૧૭ થી ૧૮ લાખની આવક થઈ હતી. પરંતુ હજુ આજ રાત અને કાલનો દિવસ ટ્રાફિક રહેશે તેમ હોવાથી ગત વર્ષ કરતા આ વર્ષે આવક વધવાની સંભાવના વર્તાઈ રહી છે.

જૂનાગઢમાં મહાશિવરાત્રી નિમીતે યોજાતા મેળામાં રાજય તથા દેશભરમાંથી શ્રઘ્ધાળુઓ આવે છે. આ શ્રઘ્ધાળુઓ માટે એસ.ટી.તંત્ર દ્વારા ખાસ બસની ફાળવણી કરવામાં આવે છે. ગુજરાત એસ.ટી.એ શિવરાત્રીના મેળામાં વધુ ટ્રીપ દોડાવી ચાર દિવસમાં દસ લાખથી વધુનો વકરો કરી લીધો છે.

આ અંગે એસ.ટી.નાં અધિકારીનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો ત્યારથી જૂનાગઢ સહિતનાં ડેપોની ૧૫૦૦ ટ્રીપો દોડાવવામાં આવી છે. જેના દ્વારા માત્ર જૂનાગઢ ડેપો નેજ અત્યાર સુધીમાં દસ લાખની આવક થઈ ગઈ છે. ગત વર્ષે મેળા દરમ્યાન જૂનાગઢ ડેપોને ૧૭ થી ૧૮ લાખની આવક થઈ હતી.

જેની સામે આ વર્ષે દસ લાખથી વધુની આવક થઈ ગઈ છે. અને હજુ આજે રાત્રે તથા આવતીકાલે ટ્રાફિક રહેશે તેનાથી ગત વર્ષે એસ.ટી.ને થયેલી આવક કરતા આ વર્ષની આવક વધી જવાની સંભાવના છે. ગત વર્ષે બપોર સુધી એસ.ટી. બસ ભવનાથ સુધી જઈ શકતી હતી. પરંતુ આ વર્ષે વધુ ટ્રાફિક હોવાથી આજે સવારથી એસ.ટી.બસ તેમજ અન્ય મોટા વાહનોને ભવનાથ વિસ્તારમાં પ્રવેશબંધી કરી દેવાઈ છે.

શિવરાત્રી નિમીતે સ્થાનિક તથા આજુબાજુના વિસ્તારના અનેક લોકોને રોજગારી મળી રહે છે. એસ.ટી.સિવાય ખાનગી બસ તથા અન્ય વાહન ચાલકોને પણ મેળા દરમ્યાન તડાકો પડી ગયા છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/13/100213000814_st_division.html

બાવાની નવી ટેકનોલોજી...

Rohit Patel, Ahmedabad

જૂનાગઢના ભવનાથ ખાતે યોજાયેલ મહાશિવરાત્રીના મેળામાં રવેળી વખતે નાગાબાવાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં એક બાવા જોડે નવી ટેકનોલોજી જોવા મળી હતી. કે જે તમે ક્યારે જોઈ નહી હોય કે એક બાવાએ પોતાના કાનમાં મોબાઈલનું બ્લૂ ટૂથ પહેર્યું હતું. બાવાને પોલીસના એક કોન્ટેબલે ત્રણ થેલી દૂધ પીવડાવ્યું હતું અને દ્રાક્ષ અને નારંગી ખવડાવ્યાં હતાં. રવેળીને જોવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવી પહોચ્યાં હતાં.

Source: http://www.divyabhaskar.co.in/2010/02/14/100214131035_mahashivratri_junagadh.html

ભવનાથ ડિમોલીશન : નોટિસનો જવાબ નોટિસથી.

Bhaskar News, Junagadh

૫૦ મીટર જમીન રહેણાક માટે ચાલે ઉતારા માટે નહીં : સંચાલકોની સાફ વાત

ભવનાથ તળેટીમાં વર્ષ ૨૦૦૮માં જિલ્લા વહિવટી તંત્રએ મેળા માટેની અનામત એવી ૫૭ એકર જમીન ખુલ્લી કરાવવા ઓપરેશન ડીમોલીશન હાથ ધર્યું હતું. ત્યારબાદ ત્યાંનાં રહેવાસીઓને રૂપાયતન પાસે ૫૦ ચો. મીટરનાં પ્લોટ ફાળવાયા છે. ત્યારે ઊતારા સંચાલકોને વર્તમાન બાંધકામો દૂર કરવા મામલતદારે નોટીસ આપતાં તેના જવાબમાં સંચાલકે તંત્રને સીપીસીની કલમ ૮૦ નીચે દીવાની નોટીસ આપી વિવિધ બાબતો અંગે ખુલાસો માંગ્યો છે.

ભવનાથ ઊતારા, આશ્રમ, અન્નાક્ષેત્ર, મહામંડળનાં કાયદાકીય લડત પંચનાં વડા કાળુભાઈ લખમણભાઈ નાગેશ (રે. દ્વારકા)એ પોતાનાં વકીલ મારફત જિલ્લા વહીવટીતંત્રને પાઠવેલી નોટીસમાં જણાવાયું છે કે, તા.૨૫-૧-૧૦નાં રોજ મામલતદારે ગુજરાત હાઇકોર્ટનાં ચુકાદા મુજબ રૂપાયતન પાસે ૫૦ ચોરસ મીટર જમીન ફાળવી તે સંભાળી લેવા જણાવ્યું છે એ હકીકતે ભવનાથ ક્ષેત્રમાં અનઅધિકૃત રીતે રહેતા લોકો અંગે હાઈકોર્ટની રીટ અંતર્ગત છે.

પરંતુ મેળા વખતે ઊતારાની જે જગ્યાઓ છેક સોરઠ સરકારનાં વખતથી ફાળવાઈ છે તેના માટેની રીટ પીટીશન હતી જ નહીં. ૫૦ ચો.મી. વૈકિલ્પક જમીન ફાળવીને જૂનું દબાણ દૂર કરવાની વાત ફકત રહેણાંકનું દબાણ હતું તેમના માટેની યોજના હતી. કલેક્ટરે તા.૭-૧-૧૦નાં રોજ જે હુકમ કર્યો છે. તે પણ રહેણાંકનાં હેતુ માટેનો છે. પરંતુ એ હુકમ મુજબ જે ફાળવણી થઇ છે તેમાં ઊતારાને પણ લઇ લેવાયા છે.

મામલતદારે હાઈકોર્ટના હુકમ પ્રમાણે પ્લોટની ફાળવણી કર્યા બાદ પણ જે રહેણાંકનાં દબાણો દૂર કર્યા નથી તેને નોટીસ આપી છે. તેમાં વાસ્તવિક રીતે ઉતારાઓની જગ્યાનો સમાવેશ થતો ન હોવા છતાં ઉતારાઓને ૫૦ ચો.મી. જગ્યા આપવાનો હુકમ કરી વર્તમાન બાંધકામો દૂર કરવાની નોટીસ આપી છે. વાસ્તવમાં ઉતારાનો હેતુ ૫૦ ચો.મી. પુરો થઇ શકે નહીં. વહીવટીતંત્રએ હાઇકોર્ટના હુકમનું ખોટું અર્થઘટન કર્યું છે.

ફાળવણીની પુન:ચકાસણી કરો

નોટીસમાં એવી માંગણી કરાઇ છે કે, ૫૦ ચો.મીટરનાં જે પ્લોટો અપાયા છે તે માંગનાર વાસ્તવિક રીતે ઉતારાવાળાનાં પ્રતિનિધિ છે કે, કેમ? તેની ખરાઈ કરવામાં આવે. કારણ કે, ઘણા કિસ્સામાં ઉતારાઓમાં નોકરી કરતાં કર્મચારીએ પ્લોટ મેળવી લીધા છે. આથી ફાળવણીની પુન:ચકાસણી થવી જોઇએ.

કાટમાળ અંગે ફોજદારી

નોટીસમાં તા.૧૧-૧-૨૦૦૮નાં રોજ ડીમોલીશનનો કાટમાળ જે બારોબાર વેચી નાંખ્યો છે તે અંગે ફોજદારી ગુનો નોંધાવનાર હોવાનું પણ જણાવાયું છે.મને કશી જાણ નથી

તા.૧૫ ફેબ્રુ.નાં રોજ અપાયેલી નોટીસ અંગે જિલ્લા કલેક્ટર આશીર્વાદ પરમારે જણાવ્યું હતું કે, હજુ સુધી તો નોટીસ મારા ઘ્યાને આવી નથી.

તંત્રને કરેલા સવાલો

૧.જે ૧૮૭ લોકોને પ્લોટ ફાળવાયા છે તે રહેણાંકનાં હેતુ માટે છે કે ઉતારા માટે પણ ફાળવાયા છે ?

૨.હાઇકોર્ટની પીટીશન ફકત રહેણાંકનાં લોકોની હતી ઉતારા માટેની નહીં તેની તંત્રને જાણ છે ?

૩.૫૭ એકર જમીનમાં રહેતા લોકો અને મેળામાં ઉતારા માટે જે જગ્યા અપાય છે તે અલગ હોવાનું તંત્ર માને છે કે કેમ ?

૪.ભવનાથમાં સરકારી ચોપડે ૧૩૫ ઉતારા છે. હાલ ફાળવેલા ૫૦ ચો.મી. પ્લોટોનાં ૨૫ ઉતારાઓની જગ્યા છે. જે રહેણાંકનાં હેતુ માટે આપી શકાય નહીં. તો બાકીનાં ઉતારાને તંત્ર યથાવત રાખવા માંગે છે કે તેને પણ તોડવા માંગે છે ?

૫.ઉતારાની જગ્યા નિયત છે ત્યારે તેને હટાવીને તંત્ર એટલી જ જમીન અન્યત્ર આપશે ?

૬.ડીમોલીશનની નોટીસોમાં બધા જ ઉતારાઓને અપાઇ છે ? જો ન અપાઈ હોય તો તેના બાંધકામો સરકાર તોડવા માંગે છે કે કેમ ?
Source: http://www.divyabhaskar.co.in/2010/02/16/100216013658_bhavnath_demolistion_notice_answer.html

ભવનાથ મેળામાં સાધુને દીપડાએ ફાડી ખાધો.

Bhaskar News, Junagadh

કાશ્મીરીબાપુની જગ્યાનાં રસ્તાની નજીકથી લાશ મળી આવતા તેની ઓળખ મેળવવા તજવીજ

જૂનાગઢનાં ભવનાથમાં શિવરાત્રીનાં મેળામાં આવેલા એક અજાણ્યા સાધુ જેવા લાગતા વૃદ્ધને દીપડાએ ફાડી ખાતા તેનું મોત થયું હતું. આજે કાશ્મીરીબાપુની જગ્યા નજીકથી આ વૃદ્ધની લાશ મળી આવતાં તેને પી.એમ.માં ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં દીપડાઓની સંખ્યા વધતા અવારનવાર ભવનાથ નજીક ચડી આવી હુમલાઓ કરી રહ્યા છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢનાં ભવનાથમાં શિવરાત્રી મેળામાં આવેલા એક અજાણ્યા વૃદ્ધ સાધુ ગતરાત્રીનાં સોનલ નદીનાં છેલામાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે દીપડાએ જંગલના રસ્તા પર આ અજાણ્યા ભિક્ષુકને નિહાળી તેના પર હુમલો કરી તેને ફાડી ખાધા હતા. અને તેનું મોત નિપજયું હતું.

આ બનાવ ગત રાત્રીનાં બન્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે વનખાતાનાં કર્મચારી ખીમાણી પોતાની બીટમાં જતાં તેઓએ આજે બપોરનાં સમયે સોનલ નદીનાં છેલામાં સાધુ જેવા વૃદ્ધની લાશને નિહાળતા તેણે તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતાં આ વૃદ્ધ સાધુને દીપડાએ વીંખી નાંખ્યા હતા. તેની છાતી-પેટ તથા સાથળનાં ભાગમાં દીપડાએ બચકાં ભર્યાનાં નિશાનો મળી આવ્યા હતા.

પોલીસે મૃતદેહને પી.એમ.માં ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. હજુ ત્રણ-ચાર દિવસ પહેલા શિવરાત્રીનાં મેળામાં સેવા કરવા આવેલા ધોરાજીનાં એક આધેડ સેષાવન નજીક ઉઘી રહ્યા હતા ત્યારે દીપડાએ તેના પર હુમલો રી ગંભીર ઇજા કરતાં તેને રાજકોટ ખસેડાયા હતા. ત્યાં આજે દીપડાએ ફાડી ખાધેલા સાધુનો મૃતદેહ મળી આવતાં લોકોમાં ભય ફેલાયો છે. ગીરનાર જંગલમાં પણ દીપડાઓની સંખ્યા વધી જતાં અવાર-નવાર માનવીઓને ફાડી ખાય છે. વનતંત્ર દ્વારા આવા દીપડાઓને પાંજરે પુરવામાં આવે એવી માંગ ઉઠી છે.

બાળ દીપડાને દીપડાએ જ ફાડી ખાધો

વીસાવદરનાં જાંબુડા નજીક કપાસનાં ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો

વીસાવદર તાલુકાનાં જાંબુડાની સીમમાં પુખ્ત વયનાં દીપડાએ નાના દીપડાને ઈન્ફાઈટમાં મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃત દીપડાનાં ગળા ઉપરથી તીક્ષ્ણ દાંતનાં નિશાનો અને સ્થળ પાસેથી પંજાના નિશાનો મળી આવ્યાં છે.વીસાવદર રેન્જનાં આર.એફ.ઓ. કંડોરિયાએ જણાવ્યું હતું કે, બાવાના જાંબુડા રેવન્યુ વિસ્તારમાં આવેલા એક કપાસનાં ખેતરમાં દીપડાનો મૃતદેહ જોવા મળતાં વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

મૃતદેહની આસપાસ તેનાથી મોટા દીપડાનાં પંજાનાં નિશાનો તેમજ તેના ગળા ઉપર બે તીક્ષ્ણ દાંતના નિશાનો મળી આવ્યા હતા. પરિણામે તેનું મોત ઈન્ફાઈટમાં થયાનું અનુમાન કર્યુ હતું. બાળ દીપડાની ઉમર આશરે એકથી દોઢ વર્ષ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વનવિભાગે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સાસણનાં એનીમલ કેર સેન્ટર ખાતે મોકલ્યો હતો. જ્યાં પી.એમ.બાદ તેનો અગ્નિ સંસ્કાર કરાયો હતો.

અઠવાડિયામાં બે મહિલા સહિત ત્રણ નરભક્ષી દીપડાનો શિકાર બન્યા

સોરઠમાં દીપડાઓની રંજાડ દિનપ્રતિદિન વધતી જાય છે. ગત તા.૧૭-૧૧નાં પાતાપુરની સીમમાં દેવિપૂજક શખ્સ પર, ૧૧-૧નાં ગુંદરણની સીમમાં ખેતમજૂર પર, ૨૨-૧નાં લીમધ્રાની સીમમાં ખેડૂત પર, ૯-૨નાં ભવનાથમાં આવેલા ધોરાજીનાં આધેડ પર, હુમલો કર્યો હતો. જ્યારે ૧૦-૨નાં ઇશ્વરીયાની સીમમાં દીપડાએ બે મહિલાઓને ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/14/100214035411_lepard_in_bhavnath_fair.html

ઓણ સાલ પેટ ભરીને કેરી ખાઇ શકાશે.

Bhaskar News, Rajkot

સૌરાષ્ટ્ર કેરીના ઉત્પાદનનું મોટું થાણું છે. તાલાલા, ઊના, વંથલી અને ધારી પંથકની કેસર કેરી સ્વાદ અને સોડમની દ્રષ્ટિએ અવ્વલ નંબરના છે, કરછે પણ કાઠુ કાઢયું છે. ગીરની કેસર કેરીને કેરીઓની રાણી કહેવામાં આવે છે. પણ છેલ્લા બે વર્ષથી કેરીના ઉત્પાદનમાં જંગી ઘટાડો થયો હતો.

મઘ્યમ વર્ગના માણસો છે...ક... ઉનાળાના ઉતરાર્ધમાં જ ખરીદી શકે એટલી કેરી મોંઘી બની હતી. પણ આ વખતે હવેના બે-ત્રણ મહિનામાં જો કાંઇ અજુગતું ન બને તો ઓણ સાલ બજારો કેરીથી ઊભરાઇ જવાની છે. કષિક્ષેત્રના અભ્યાસુ રમેશભાઇ ભોરાણિયાએ કરેલા સર્વે દરમિયાન અત્યારે આંબાવાડીઓ લચી પડેલી મોર અને ખાખડીના બંધારણથી મ્હોરી ઊઠી છે અને કેરીનો મબલખ પાક વહેવાની આશા બંધાણી છે.

ગત વર્ષની તુલનામાં આ વર્ષે ચિત્ર અનેક ગણું ઊજળું છે. ગત વર્ષે સોરઠમાં સરેરાશ માંડ ૩૦ થી ૩૫ ટકા પાક ઉતર્યોહતો. જ્યારે કચ્છમાં માત્ર ૨૫ ટકા પાક ઉતર્યોહતો. પરંતુ એની સામે ખેડૂતોને દામ ઊચા ઉપજયા હતા. પરિણામે આંબાના વાવેતરના વિસ્તારમાં વધારો થતો જાય છે.

સૌરાષ્ટ્ર કચ્છની સંયુકત બાગાયત કચેરીના આંકડા મુજબ વર્ષ ૨૦૦૭-૦૮માં સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૫૭૭૬ હેક્ટર વિસ્તારમાં આંબા હતા. તેમાં આ વર્ષે ૪.૫૫ ટકા વિસ્તાર વઘ્યો છે. આ વર્ષે ૩૭૪૦૪ હેક્ટર જમીનમાં આંબાનું વાવેતર થયું છે. એટલે કે ગત વર્ષ કરતા૧૬૨૮ હેક્ટર વધુ જમીનમાં આંબાનું વાવેતર નોંધાયું છે. જો કે આ કારણે નહીં પણ મોરનું ખૂબ સારું આવરણ અને મગિયાનું સારું બંધારણ થવાને કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન વધશે એવા ઉજળા સંજોગો સર્જાયા છે.

સૌરાષ્ટ્રમાં ગત વર્ષની તુલનામાં ડબલ પાકની આશા

સોરઠના તાલાલા, ઊના, વંથલીના ખેડૂતોને કેરી આ વખતે તારી દેશે. વિસાવદરના રતાંગ ગામના ખેડૂત નરેશભાઇ બોઘરાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઠંડીના દિવસો ઘટ્યા છે તેને કારણે કેરીનું બંધારણ આગળ-પાછળ થયું છે. મોરનું આવરણ મોડું હોવાને કારણે જો વરસાદ ખેંચાશે તો કેરીનો પુષ્કળ પાક મળશે.

વંથલીમાં આંબાવડિયુ ધરાવતા પ્રવીણભાઇ મકવાણાના મંતવ્ય અનુસાર ઋતુ પરિવર્તનને કારણે અત્યારે મોર, મગિયો કે કોડી જેવા જુદા જુદા સ્ટેજના બંધારણ હોવા છતાં ગત વર્ષ કરતાં બમણું ઉત્પાદન થશે. ધાવા (ગીર)ના જે.પી. હિંગરાજિયાના જમાવ્યા મુજબ કેરીનું સારું બંધારણ છે. રોગ, જીવાત અને વાતાવરણના બદલાવમાં ખેડૂતો થોડી કાળજી રાખશે તો મબલખ કેરી પાકશે.

ગત વર્ષની ખોટ આ વખતે સરભર થઇ જશે

અમરેલી જિલ્લામાં રાજુલાના વડ ગામે આંબાની ખેતી કરતી પીઠુભાઇ બોરિચા કહે છે કે, આ વખતે ત્રણ તબક્કે મોરનું આવરણ આવ્યું છે. હવે કુદરત મહેરબાન રહે અને આગામી બે-ત્રણ મહિના હવામાન સારું રહેશે તો કેરીના ઢગલા થશે. કચ્છના માંડવી તાલુકાના મઉ ગામમાં આંબાવાડી ધરાવતા અને વિદેશમાં કેરીની નિકાસ કરતા બટુકસિંહ જાડેજા કહે છે કે, ગત વર્ષના ઓછા પાકનું વળતર આ વર્ષે મળી જશે એવા મોરના આવરણ નજરે પડે છે. કચ્છના નાયબ બાગાયત નિયામક ડો.ફાલ્ગુનભાઇ મોઢ પણ માને છે કે, અત્યારે મોરમાંથી મગિયો બંધાઇ રહ્યો છે. વાતાવરણનો કાંઇ વિક્ષેપ ન આવે તો કેરીના ઉત્પાદનનું ચિત્ર આશાસ્પદ છે.

તાલાલા યાર્ડમાં ખાખડીની જબ્બર આવક

તાલાલા એપીએમસીના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નવેમ્બરના મોરમાંથી ખાખડીનું બંધારણ થયું છે. ડિસેમ્બરનું આવરણ બળી ગયું છે. જ્યારે જાન્યુઆરીના મોરનો મગિયો બંધાઇ રહ્યો છે. અત્યારે તાલાલા યાર્ડમાં ચારથી પાંચ હજાર કિલો ખાખડીની આવક થાય છે. જે ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે વધારે છે. ખાખડીની વધુ આવક આ વર્ષે વધારે પાક થવાનો નિર્દેશ આપે છે.

બેકી નંબરના વર્ષમાં વ

કચ્છના નિવૃત્ત સંયુકત બાગાયત નિયામક આર.જી. ખોજાએ પોતાના નિરીક્ષણ અને અનુભવી ખેડૂતો, અભ્યાસુઓ પાસેથી મેળવેલી માહિતીનું એક તારણ એ છે કે, આંબાની દેહધાર્મિક પ્રક્રિયા અનુસાર ઉત્પાદનમાં ‘ઓન યર’ અને ‘ઓફ યર’ આવે છે. એકી નંબરની સાલ ઓફ યર અને બેકી નંબરની સાલ ઓન યર ગણાય છે. ઓન યરમાં કેરીનો વધારે પાક મળે છે. આ વર્ષે પણ ૨૦૧૦નું વર્ષ બેકી નંબરનું છે.

રાજુલાના દેવકામાં સિંહોના ટોળાએ ચાર ગાયોનું મારણ કર્યું.

રાજુલા, તા.૧૫

રાજુલા તાલુકાના દેવકા ગામે રાત્રીના સમયે સિંહોના ટોળાએ ગાયોના મારણ કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ ખાતાની ટીમ તત્કાલ દોડી આવી હતી. આ અંગે વધુ તપાસ ફોરેસ્ટ ખાતાની ટીમ કરી રહી છે.રાજુલા તાલુકામાં સિંહના ટોળા અવારનવાર દેખાતા હોય છે અને પશુઓના મારણ કરતા હોય છે. તેવી જ ઘટના ગત રાત્રીના સમયે બનવા પામેલ છે. રાજુલા તાલુકાના દેવકા ગામના જીણાભાઈ વાવડીયાના ખેતરમાં વાડો ભારે રાખી રહેતા અને માલ ઢોરનો ઉછેર કરતા ભરવાડ ગોકળભાઈ બીજલભાઈ રાત્રીના સમયે સુતા હતાં. ત્યારે સિંહોના ટોળા ખેતરના વાડામાં બાંધેલ ચાર ગાયોને ફાડી ખાધી હતી. આ બાબતની જાણ ગોકુલભાઈ ભરવાડે ફોરેસ્ટ ખાતાને કરતા ફોરેસ્ટ ખાતાની ટીમ તત્કાલ ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફોરેસ્ટની ટીમે ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી.

સિંહોના ટોળાએ ગાયોના મારણ કર્યાની વાતો વાયુવેગે ફેલાય જતા ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા જોવા મળ્યા હતા. ગાયોના મૃત્યુની ઘટનાની બાબતે લોકોએ દુઃખ વ્યક્ત કર્યુ. આવી ઘટનાઓ રાજુલા પંથકમાં વારંવાર બનતી હોયછે. જેના કારણે હાલ લોકોમાં સિંહના નામનો ફફડાટ જોવા મળી રહ્યો છે. તેમજ માલધારી લોકોને તેમના માલઢોરની ચિંતા સતાવી રહી છે. કારણ કે, સિંહોના ટોળા રાત્રીના સમયે આવી ઢોરનું મારણ કરતા હોય છે. જેના લીધે હાલ રાજુલા પંથકના લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે. ઉપરોક્ત ઘટના બાબતે ફોરેસ્ટ ખાતાની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ રાજુલા પંથકના લોકોનો સલામતીનો પ્રશ્ન ઉભો થયો છે. હાલ રાજુલાના લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160057

દીપડાએ પાછળ દોટ મુકતા યુવાનના હોંશકોશ ઉડી ગયા.

અમરેલી,તા,૧પ :

ધારીના દિતલાની સીમમાં સાવરકુંડલાના એક કોળી યુવાનની પાછળ એક દિપડાએ દોઢસો ફૂટ સુધી દોટ મુકતા યુવાનના હોંશકોશ ઉડી ગયા હતા. સદનસીબે યુવાન બાઈક પર હતો તેથી, રાડો પાડતા બાઈક ભગાવતા દિપડો પાછો વળી ગયો હતો. અને યુવાનનો જીવ બચી ગયો હતો.

સાવરકુંડલાના હાથસણી રોડ પર રહેતા અને જમીનની લે-વેંચ કરતા ખેડૂત ગોકળભાઈ વલ્લભભાઈ કોળી ધારીથી ૩૦ કિમી દુર આવેલા દિતલાના સરપંચ બચુભાઈ ઝાલાના ઝાલા ફાર્મ હાઉસે કેરીની કલમો લેવા ગયા હતા ત્યારે ફાર્મ હાઉસના ડેલા પાસે તેઓ પહોંચ્યા ત્યારે ડેલા પાસે એક ખૂંખાર દિપડો બેઠો હતો. દિપડો ગોકળભાઈ સામે ઘૂરકીયા કરી તેની પાછળ દોટ મૂકી હતી. સદ્દનસીબે ગોકળભાઈ પોતાના મોટરસાઈકલ પર જ બેઠા હતઈં. બાઈક ચાલુ હતું. જેથી, દિપડાની દોટ જોઈ તેને બાઈક ગેરમાં નાખી ભગાવ્યું હતું. અને રાડારાડી કરતા દિપડો પાછો વળી ગયો હતો. અને નાસી ગયો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160062

એક સિંહણને પામવા બે સિંહ વચ્ચે જબરી લડાઈ.

અમરેલી,તા,૧પ

ધારીના ઘોડાવડી જંગલમાં એક સિંહણને પામવા માટે બે સિંહો વચ્ચેની જબરી લડાઈમાં ઘાયલ થયેલા એક સિંહને વનવિભાગે શોધીને પકડી પાડયો છે. તેને સારવાર માટે જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડેલ છે.

ધારી ગીર પૂર્વેના જશાધાર રેન્જના ઘોડાવડી જંગલમાં એક ઈજાગ્રસ્ત સિંહ આંટા મારતો હોવાની બાતમીના પગલે ડીએફઓ રાજાની સુચનાથી આરએફઓ મુલાણી સહિતના સ્ટાફે આ જંગલ વિસ્તારમાં પાંજરામાં મારણ મુકી ઘાયલ સિંહને પકડી પાડયો હતો અને જશાધાર સારવાર માટે ખસેડયો હતો.

ડીએફઓ રાજાના જણાવ્યા પ્રમાણે આ જંગલમાં એક સિંહણને પામવા માટે બે સિંહો વચ્ચે થયેલી લડાઈમાં આ સિંહ ઘાયલ થયો છે. તેને ગળાના ભાગે હુમલો કરનાર સિંહના ન્હોર વાગ્યા છે. તેને સારવાર અપાઈ છે. તથા ધારીના કુબડા ગામની સીમમાં ખેડૂતોને રંજાડનાર એક દિપડાને વનવિભાગે પકડી જશાધાર એનીમલ કેરમાં લઈ આવી જંગલમાં છોડી દેવાયો છે. કુબડા ગામે ગોવિંદપુરના રસ્તે રસ્તા પરથી ચાલીને નિકળેલા એક સિંહને સ્કૂલના બાળકોએ જોઈ સિંહ દર્શન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણીઓની તબીબી ચકાસણી કે સારવાર માટે જશાધાર અને સાસણ ખાતેના ડો. વાઢેર અને હિરપરાએ સ્વૈચ્છીક રાજીનામા આપી દીધા છે. હાલમાં વન્યપ્રાણીઓની સારવાર માટે વેટરનરી ડોકટરો ન હોય વન્ય પ્રાણીઓનું આરોગ્ય જોખમાય તેમ છે. સત્વરે વેટરનરી ડોકટર મુકવા માગણી ઉઠી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160059

એશિયાઇ સિંહ.

એશિયાઇ સિંહ

સ્થાનિક નામ સિંહ,સાવજ,કેશરી,ઉનિયો વાઘ,બબ્બર શેર

અંગ્રેજી નામ ASIATIC LION

વૈજ્ઞાનિક નામ Panthera leo persica

આયુષ્ય ૧૫ થી ૧૮ વર્ષ

લંબાઇ માથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી.(નર), ૨૮૯ સેમી.(માદા)

ઉંચાઇ ૧૦૫ સેમી.

વજન ૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા)

સંવનનકાળ ઓક્ટોબર,ડીસેમ્બર

ગર્ભકાળ ૧૦૫ થી ૧૧૦ દિવસ

પુખ્તતા ૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા)

દેખાવ શરીર રતાશ પડતા ભુખરા રંગનું, આગળથી માથાનો ભાગ ભારે,પાછળનો શરીરનો ભાગ પાતળો.જાડી લાંબી
પુંછડી,નાના કાન.નર સિંહને ગળામાં કેશવાળી હોય છે.

ખોરાક સામાન્ય રીતે પ્રતિદિન ૬ થી ૮ કિલોગ્રામ, ચિત્તલ,સાબર,જંગલી સુવર,ચોશીંગા,ચિંકારા,ભેંશ,ગાય વગેરે.

વ્યાપ ફક્ત ગીરનાં જંગલમાં.

રહેણાંક સુકુ ઝાંખરા યુક્ત જંગલ, કાંટા વાળું જંગલ, સવાના પ્રકારનું જંગલ.

ઉપસ્થિતિ ના ચિન્હો પગલા,મારણ,ગર્જના.

ગુજરાતમાં વસ્તી ૩૫૯ (૨૦૦૫)

નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૩ ના આધારે અપાયેલ છે.

એશીયાઇ સિંહ એ બિલાડી વંશનું સૌથી મોટું પ્રાણી છે. આ ગુજરાતમાં જ, ગીર અભ્યારણ્યમાં મળે છે.

સિંહણ વર્તુણક
સામાન્ય રીતે શિયાળામાં,જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળામાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે.સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાઓને જન્મ આપે છે,ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.

વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે,સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ ૨૩ વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં ૨૬ વર્ષ નોંધાયેલું છે.[૧]
સંદર્ભ 1. 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત પુસ્તક "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ"
http://gu.pandapedia.com/wiki/%E0%AA%8F%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%87_%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9

પોરબંદરમાં ચેરના વૃક્ષોનું બેફામ છેદન.

પોરબંદર,તા,૧પ

પોરબંદરના જયુબેલી પુલ નીચેથી દરિયાની ખાડીમાં ઉગી નિકળેલા ચેરના વૃક્ષોનું કેટલાક તત્વો બેફામ છેદન કરી નિકંદન કાઢી રહ્યાં છે. તેની જંગલખાતું વર્ષે દહાડે બે-ચાર કેસો કરી આત્મસંતોષ મેળવે છે તેની સામે લોકોમાં રોષ ફેલાયો છે.

પોરબંદરના જયુબેલી પુલ, લકડી બંદર અને સુભાનગર સુધી દરિયાની ખાડીમાં ખારા પાણીમાં ચેરના વૃક્ષો હિલોળા લે છે. પણ હવે, જંગલખાતાની બેદરકારીનાં કારણે અહીં માત્ર વૃક્ષો કાપવા નહીં તેવું બોર્ડ મુકી સંતોષ માની લીધો હોવાથી જંગલખાતાની બેદરકારીનો લાભ લઈ કેટલાક તત્વો બેરોકટોક છેદન કરે છે. જંગલખાતાના ઓછા સ્ટાફના કારણે અને ચેરના વૃક્ષોનો વધુ વિસ્તાર હોવાથી વૃક્ષો કાપનારાઓને મોકળુ મેદાન મળી જાય છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160067

Saturday, February 13, 2010

વન્ય પ્રાણીના શિકારની ઘટનાથી તંત્ર એલર્ટ.

Saturday, Dec 19th, 2009, 2:53 am [IST]
danik bhaskar
Bhaskar News, Bhavnagar

ભાવનગર જિલ્લામાં વિચરતા સિંહના સંરક્ષણ માટે પ્રથમ વખત સ્ટાફ નિયમાનુસાર તાલિમબઘ્ધ કરાયો

સિંહની ઘટતી જતી સંખ્યા અને વન્ય પ્રાણીના શિકાર સામે રાજય સરકારે લાલ આંખ કરી છે જેના પગલે ભાવનગર જિલ્લામાં સિંહના વિચરણ પટ્ટી પર ફરજ બજાવતા વનખાતાના સ્ટાફને પ્રથમ વખત કાનૂની રીતે તાલીમ બદ્ધ કરી ઘટતા પગલા લેવાનું શરૂ કર્યું છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, મહુવા અને ગારિયાધાર પટ્ટી પર સિંહ વસવાટ કરે છે. ભૂતકાળમાં સિંહના શિકારની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. તો અમુક કેસોમાં કાનૂની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. પરંતુ અત્યારે જે સિંહ વિહાર કરે છે તે વિસ્તારમાં સ્ટાફે શિકારીઓ સામે એટલા જ સજાગ થવા ઉપરાંત સજ્જ થવું આવશ્યક બન્યું છે.

કેમ કે, ખુદ મુખ્યમંત્રી પણ સિંહના સંરંક્ષણનો મુદ્દો ઉઠાવી પગલા ભરવા સૂચનાઓ સંબંધિત ખાતાને આપી છે.
ભાવનગરમાં વન ખાતાના ફિલ્ડ પરના સ્ટાને પ્રથમ વખત કાનૂની રૂલ્સ અંગે માહિતી, માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા-દિલ્હીના નિષ્ણાંતોએ પાલીતાણા ખાત શુક્રવારે તાલીમ શરૂ કરી હતી.

આ અંગે મદદનિશ વન સંરંક્ષક કે.એસ. રંધાવાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ક્યારેય આવા પ્રકારની ટ્રેનિંગ અપાઈ નથી. આથી રાજ્ય સરકારે અગમચેતીના પગલારૂપે આયોજન ઘડ્યું છે અને તે મુજબ આજે તાલીમ અપાઈ રહી છે. સિંહના સંરંક્ષણ માટેના પગલા લેવાઈ રહ્યાં છે. સમયઅનુસાર સ્ટાફે પણ તાલિમબદ્ધ થવું આવશ્યક બન્યું છે.

સને ૨૦૦૫ બાદ સિંહની ગણતરી કરવા ગતિવિધી

ભાવનગર જિલ્લાનો અમુક વિસ્તાર સિંહના રહેણાંક માટે જાણીતો છે. સને ૨૦૦૫માં વન ખાતા દ્વારા સિંહની ગણતરી કરવામાં આવી હતી. જે સમયે ૧૪ સિંહ વિહરતા હોવાનું જણાવાયું હતુ. આ ગણતરીને પાંચ વર્ષ પૂર્ણ થતાં ફરી વખત સિંહની ગણતરી કરવાની ગતિવિધી ચાલી રહી છે. સંભવિત મે-૨૦૧૦ સુધીમાં આ ગણતરી કરી નાંખવામાં આવશે. તેમ વનખાતાના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/12/19/091219025328_hunting_of_wild_animal.html

પ્રેમી સિંહને મળવા વિહ્વળ બનેલી સિંહણ જાળી તોડીને ભાગી છૂટી

Bhaskar News, Talala(Gir)
Saturday, January 12, 2008 23:35 [IST]

દેવળિયા ગીર નેશનલ પાર્કમાં ‘ઇલુ...ઇલુ...’

પ્રેમી પંખીડાઓ ઉડી જવાના સમાચારો તો છાશવારે અખબારોમાં ચમકતાં રહે છે. પરંતુ વન્યપ્રાણીઓમાં પણ જુવાની ફૂટતાંવેત ઇલુ ઇલુ શરૂ થઇ જાય ત્યાં સુધી તો જાણે સમજયાં, પરંતુ સિંહણ લોખંડનું આખે આખું પાંજરૂ તોડીને પ્રેમી સિંહને મળવાં રિતસર દોટ મૂકે તે ઘટના રસપ્રદ તો ખરીજ ને ! દેવળિયા ખાતેના નેશનલ પાર્કમાં આ અજીબો ગરીબ કિસ્સો બન્યો છે.

સાસણ (ગીર) થી ૭ કિ.મી. દૂર આવેલ ગીર નેશનલ પાર્ક (દેવળિયા)માં પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા માટે પાર્કમાં રાખવામાં આવેલ સિંહ પરિવારમાંથી એક સિંહણ આજે સવારે નેશનલ પાર્ક ફરતે ફેન્સીંગના બાકોરામાંથી ભાગી છૂટ્ટી હતી. સિંહણ નેશનલ પાર્કમાંથી ગાયબ થઇ હોવાના સમાચાર મળતા તંત્રે રઘવાયું બની સિંહણની શોધખોળ આરંભી હતી. આ સિંહણ તેના પ્રેમી સિંહને મળવા માટે જાળી તોડીને ભાગી છૂટયાનું ખુલતાં પ્રવાસીઓમાં પણ રમુજ સાથે કુતૂહલ ફેલાયું હતું.

દેવળિયા પાર્ક ખાતે પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તે માટે વન વિભાગે ૧૬ કિલોમીટર ફરતે તારની ઊંચી ફેન્સીંગ કરી તેમાં સિંહ પરિવારને વસાવી ગીર નેશનલ પાર્ક ઊભું કરેલ છે. જયાં સિંહ દર્શન કરવા દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે. તે પાર્કમાંં વસવાટ કરતા સિંહ પરિવારમાંથી આ સિંહણ આજે સવારે નેશનલ પાર્ક ફરતે ઊભી કરાયેલ તારની વાડ જર્જરિત થઇ ગઇ હોઇ તે જાળી અમુક જગ્યાએ તૂટેલ હોવાથી તૂટેલ જાળીના બાકોરામાંથી ભાગી છૂટી હતી.

સવારે રાબેતા મુજબ, પ્રવાસીઓ માટે સિંહ દર્શન શરૂ થાય તે પહેલા પાર્કમાં રાઉન્ડમાં નીકળેલા ફોરેસ્ટ ગાર્ડની નજરે પાર્કમાં રખાયેલા બે સિંહણ અને એક સિંહમાંથી એક સિંહણ નજરે ન પડતા આખા પાર્કમાં ખૂણે-ખૂણે ઝાડી-ઝાંખરામાં તપાસ કરતા સિંહણ કયાંય જોવા ન મળતા દેવળિયા પાર્કના સ્ટાફે સાસણ વન-વિભાગના ઉરચ અધિકારીઓને જાણ કરતાં ગીર પિશ્ચમ વન્ય પ્રાણી ડી.એફ.ઓ. રાજા, આર.એફ.ઓ. અપારનાથી સહિતનો સ્ટાફ દેવળિયા પાર્ક ખાતે દોડી ગયો હતો અને તંત્રએ તાકીદે સિંહને પકડી લેવા દોડધામ શરૂ કરી હતી.

પાંજરામાં પણ બીજા બે સિંહો છે જ. પરંતુ આ સિંહો સાથે સંવનન કરવાનું સિંહણે માંડી વાળ્યું હતું અને પાંજરાની બહારના બે સિંહો સાથે આ સિંહણની આંખ મળી જતાં ફાગ શરૂ થયા હતા. ભાગી છૂટેલ સિંહણ નેશનલ પાર્કની આસપાસ ખુલ્લામાં કદાચ ફરતી હોય અને કોઇ ટુરીસ્ટ ઉપર હુમલો કરી બેસે તેવી સંભાવનાથી વન અધિકારીઓએ સવારે ત્રણ કલાક સુધી નેશનલ પાર્કમાં સિંહ દર્શન કરાવવાનું બંધ કરાવી દીધેલ.

ભાગી છૂટેલ સિંહણની શોધખોળ કરી તાકીદે પાંજરે પુરવા વનવિભાગના સ્ટાફે પાડા (ભેંસ)નું મારણ ગોઠવી સિંહણ નજીકના વિસ્તારમાં હોય તો મારણની લાલચમાં વધુ નજીક લાવી પકડી લેવા દોડધામ શરૂ કરી હતી. સક્કરબાગમાં પણ આવી ઘટના બની હતીગત વર્ષે જુલાઇ માસમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહણે પાંજરૂ તોડી પ્રેમી સિંહને મળવા દોટ મૂકી હતી. એ વખતે મેટિંગ સિઝન ચાલતી હોઇ સિંહણથી સિંહનું વિરહ સહન ન થયો ને સિંહણે પ્રેમીને મળવા ચાલતી પકડી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2008/01/12/0801122336_lion_run.html

મારણમાં ખલેલ પહોંચાડતા સાવજે બે વર્ષના સિંહને પતાવી દીધો.

Bhaskar News, Amreli
Sunday, April 12, 2009 01:16 [IST]

સાવરકુંડલા પાસેના મેંકડા ગામની સીમમાં સાવજને મારણ સમયે ખલેલ પહોંચાડતા બે વર્ષના સિંહ પર હુમલો કરી સાવજે મારી નાખ્યો હતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ બનાવ કેવી રીતે બન્યો તે અંગેની વિગતો બહાર લાવવા તપાસ શરૂ કરી છે. મેંકડા ગામની સીમમાં રવજીભાઇ કણસાગરાની વાડીમાંથી આશરે પોણા બે વર્ષની ઉમરના સિંહ (પાઠડો)નો મૃતદેહ મળી આવ્યો હતો. બચ્ચું પણ ન કહી શકાય અને પુખ્ત પણ ન કહી શકાય તેવી ઉમરના આ પાઠડા સિંહનું જડબું અને ખોપરીના ચૂરેચૂરા થઇ ગયા હતા.

પાઠડા સિંહના મૃતદેહથી થોડે દૂર એક નીલગાયનું મારણ કરવામાં આવ્યું હોવાના પુરાવા પણ મળ્યા હતા. આથી જંગલખાતાના અધિકારીઓએ એવું તારણ કાઢયું હતું કે પુખ્ત નર સિંહ મારણ કરતો હશે ત્યારે પાઠડો નર સિંહ ત્યાં આવી ચડયો હશે અને તેણે પુખ્ત સિંહની સાથે મારણ કરવાની કોશિશ કરી હશે. આથી પુખ્ત સિંહે ગુસ્સામાં આવી જઇને પાઠડાને પતાવી દીધો હોવો જોઇએ.આવી ઘટનાઓ અવાર-નવાર બનતી રહેતી હોય છે. પરંતુ સિંહ મોટેભાગે બચ્ચાંઓને મારીને ખાઇ જતા હોય છે.

એકબીજાની ટેરેટરીમાં જયારે સિંહ જઇ ચડતા હોય છે ત્યારે પણ એકબીજા પર હુમલો કરતા હોય છે. જો કે શનિવારે સાવરકુંડલા પાસે જે ઘટના બની તેમાં મારણમાં ખલેલ પહોંચાડતા પાઠડા સિંહને પુખ્ત વયના સિંહે મોતને ઘાટ ઉતાર્યોહોય તેવું પ્રથમ વખત બન્યાનું પણ વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. આ વિસ્મયકારી ઘટના બાદ જયાંથી બે વર્ષની વયના સિંહ (પાઠડા)નો મૃતદેહ મળ્યો હતો ત્યાં જ સ્થળ પર તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2009/04/12/0904120117_lions_kills_two_year_old_lion_in_gir.html

સિંહની હત્યાના અનેક બનાવો વણઉકેલ.

Bhaskar News, Rajkot
Sunday, July 06, 2008 00:43 [IST]

વનતંત્રે ફરિયાદ નોંધાવવાની કે તપાસ કરવાની તસ્દી પણ નથી લીધી

ગીરના જંગલમાં મોટેપાયે સાવજોના શિકાર થયાની ગયા વર્ષે બહાર આવેલી વિગતો બાદ સરકારે સાવજોના રક્ષણ માટે કરોડોની યોજનાઓ જાહેર કરી હતી અને એ દિશામાં થોડું ઘણું નક્કર કામ પણ થયું છે.

પણ આઘાત આપનારી વાત એ છે કે, ભૂતકાળમાં સિંહ સહિતના અનેક વન્યપ્રાણીઓના શંકાસ્પદ મોતના કિસ્સામાં તંત્રે તપાસ કરવાનું કે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ગીર નેચર કલબના પ્રમુખ અમિત જેઠવાએ તંત્ર પાસે માહિતી માંગ્યા પછી સામે આવેલા તથ્યો ચોંકાવનારા સાબિત થઈ શકે તેમ છે.

ગીર નેચર યુથ કલબને મળેલી માહિતી મુજબ ગત તા.૨૨-૦૫-૦૭ના રોજ અંદાજે ૧ થી ૨ વર્ષની ઉંમરના નર સિંહનો મૃતદેહ તુલસીશ્યામ રેન્જના ભાણિયા રાઉન્ડમાં ઉંદરડી નેસના પાણીના પોઈન્ટ પાસેથી મળી આવ્યો હતો. સ્થળ તપાસ દરમિયાન આ સિંહને જમીન ઉપર ઘસડવામાં આવ્યો હોય અને સિંહનું ઝેરી અસરથી મોત થયું હોય એવા નિર્દેશો મળતાં હોવા છતાં એ કિસ્સામાં કાંઈ તપાસ કરવામાં નહોતી આવી મહત્ત્વની વાત એ છે કે, બનાવના ચાર દિવસ પહેલાં જ આ સિંહ ગીદરડી બીટમાં સાત સાવજોના ગ્રુપમાં જોયા હતા.

ફેરણું કરનાર બીટગાર્ડે આ સિંહ એ સમયે તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું. આ સિંહનું મૃત્યુ દેખીતી રીતે જ શંકાસ્પદ હોવા છતાં તંત્રે તપાસ કરવાની તસ્દી નહોતી લીધી.

આ જ વિસ્તારમાં તા.૨૪-૧૨-૦૭ના રોજ પાડાવાળા નહેરા નજીકથી એક પુખ્ત સિંહણનું શબ મળી આવ્યું હતું. આ સિંહણનું મોત ઝેરી અસરના કારણે થયાનું સરકારી દફતરે પણ બોલે છે પણ તેમ છતાં એ ઘટનાના આરોપીઓની આજ સુધી ઓળખ નથી મળી.

આ યાદી લાંબી છે. ગત તા.૨૩-૦૨-૦૭ના રોજ ધારી તાલુકાના ગઢિયા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલી વાડીના કૂવામાંથી બે સિંહ બાળના શબ મળ્યા હતા. સિંહ દર્શનની ધેલછામાં કોઈ ફોર વ્હીલ વાહનના ચાલકે વાહન દોડાવતાં આ સિંહબાળ કૂવામાં પડી ગયાનું તપાસ દરમિયાન સ્પષ્ટ થયું હતું. આમ છતાં આ કિસ્સામાં તપાસ આગળ નહોતી વધારાઈ.

અન્ય એક બનાવમાં ખાંભા તાલુકાના નવા માલકેશ ગામેથી પકડાયેલા એક સિંહને માઈક્રો ચિપ્સ બેસાડીને તા.૨૮-૦૭-૦૭ના રોજ કોઠારિયા રાઉન્ડના લીમડાવાળા જંગલમાં છોડવામાં આવેલો. આ સિંહનું ઝેરી અસરથી મૃત્યુ થયું હતું. તા.૯-૧૨-૦૭ના રોજ ઊના તાલુકાના કોદિયા રેવન્યુ ડેમના અંદરના ભાગેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કિસ્સામાં પણ ગુનો નથી નોંધાયો.

આ ઉપરાંત ખાંભા તાલુકાના કતારધામ વિસ્તારમાં બે વર્ષ પહેલાં એક દીપડાને તથા પીપરિયા ગામ નજીક દીપડીના બરચાંને બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ બધી ઘટનાઓ વન્યપ્રાણીઓની હત્યાને લગતી છે. ગીર નેચર યુથ કલબના પ્રમુખ અમિત જેઠવા દ્વારા આ તમામ વિગતો સાથે ઉરચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે એમ યાદીમાં જણાવાયું છે.
Source: http://www.divyabhaskar.co.in/2008/07/06/0807060045_many_murders_mistry.html

ગીર-ગિરનાર: શેર-સવા શેર.

Ustav Magazine
Thursday, April 16, 2009 18:27 [IST]

કુદરતના ખોળે ઊછરતા એશિયાના સાવજનો અસલી મિજાજ, શરીરના રોમ રોમ ખડા કરી દેતી ડણક અને તેની રૂઆબદાર છટાને માણવી હોય તો ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યની મુલાકાત લેવી જ રહી. સાસણગીર ઉપરાંત આસપાસનાં અનેક પ્રવાસધામ વારંવાર જવાની ઇરછા થાય તેવાં છે...

Junagadhવયપ્રેમીઓ માટે ગીર કરતાં સારો કોઇ વિકલ્પ ગુજરાતમાં નથી. સિંહ જોવા હોય કે હરણ, દરિયાકાંઠે જવું હોય કે ધોધ નીચે સ્નાન કરવું હોય, ગીરમાં અને તેની આસપાસ બધું મળી રહે છે. સાસણ ખાતે સરકારી ઉતારા અને ‘સિંહ સદન’ છે, જયાંથી સિંહ જોવા જવાની બધી વ્યવસ્થા થઇ શકે છે. સાસણથી ૧૦ કિલોમીટર દૂર દેવળિયા સફારી પાર્કમાં દસ-બાર સિંહ છે. પ્રવાસીઓને ત્યાં સરકારી ગાડીમાં લઇ જઇ સિંહ દર્શન કરાવાય છે.

આ ઉપરાંત વન ખાતાની પરવાનગી લઇને જંગલમાં પણ જઇ શકાય છે. સિંહ ઉપરાંત ત્યાં કાળિયાર, દીપડા, નીલગાય, ચિંકારા, ઝરખ વગેરે પ્રાણીઓ અને જાતજાતનાં પક્ષીઓ પણ જોવા મળે છે. વિશ્વમાં કુદરતી અવસ્થામાં બે જ જગ્યાએ સિંહ જોવા મળે છે, ભારત અને આફ્રિકા. છેલ્લી ગણતરી પ્રમાણે ગીરમાં લગભગ ૩૫૯ સિંહ વસે છે.

પ્રવાસની ટોચ: ગિરનાર

Girnarગુજરાતનું સૌથી ઊંચું સ્થળ એટલે ગિરનાર. પર્વત, પ્રકòતિ, પ્રાણી, ધર્મસ્થાનો બધું એકસાથે જોવું હોય તો ગિરનાર પહોંચી જવું. જુનાગઢને છાંયડો પૂરો પાડતા ગિરનાર જવા માટે પહેલા જુનાગઢ જવું પડે. ગિરનારના મુખ્ય શિખરની બાજુમાં દાતાર નામનું હિંદુ-મુસ્લિમ બંને કોમ માટેનું ધર્મસ્થાન છે. આ બધા ઉપરાંત ગિરનારમાં ઢગલાબંધ ફરવાલાયક સ્થળો છે.

કેવી રીતે જવું?

રાજ્યના બધા જિલ્લામથકો સાથે જુનાગઢ જોડાયેલું છે. શહેરથી ગિરનારની તળેટી સાતેક કિલોમીટર દૂર છે. જુનાગઢ રેલવે સ્ટેશન પણ છે. નજીકનું એરપોર્ટ કેશોદ ૪૦ કિલોમીટર દૂર છે.

કેવી રીતે જવું?

Girnarગીરની નજીકનું એરપોર્ટ ૧૭૫ કિલોમીટર દૂર રાજકોટનું છે. અમદાવાદથી સાસણ લગભગ ૪૦૦ કિલોમીટર દૂર છે. ત્યાં સુધી જવા માટે ટ્રાન્સપોટર્ેશનની ઉત્તમ સરકારી સુવિધા ઉપલબ્ધ છે. નજીકનું રેલવે સ્ટેશન અને મોટું શહેર જુનાગઢ ૬૫ કિલોમીટર દૂર છે. ત્યાં સુધી રેલવેલાઇન ઉપલબ્ધ છે.

ત્યાંની સુવિધાઓ

તાલુકામથક સાસણગીરનું પ્રવેશદ્વાર કહી શકાય. ત્યાં રહેવા-જમવાની ઉત્તમ સુવિધા છે.નવેમ્બરથી જૂન વરચેનો સમય ગીરની મુલાકાત લેવા માટે અતિ ઉત્તમ સમય છે. ચોમાસા દરમિયાન સિંહદર્શન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.
Source: http://www.divyabhaskar.co.in/spotlight/summer_vacation/200904160904161852_gir_girnar.html

ઝૂના અફસર પ્યારના દુશ્મન ...!

Ketan Dave, Ahmedabad
Saturday, August 29, 2009 04:04 [IST]
Bookmark and Share

કાંકરિયા ઝૂના સિંહ-સિંહણ ગણેશ-ઓખાની ફરિયાદ

એક હિન્દી ફિલ્મનાં ગીતની કડી છે કે ‘અપના જીવન તો રેલકી પટરી, સારા જીવન સામને રહે પર મિલ નહિ પાયે’ જેવા જ હાલ હાલમાં કાંકરિયાસ્થિત કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયના વનરાજ ગણેશ તથા સિંહણ ઓખાની છે, કેમકે આ સિંહ-સિંહણનાં પાંજરા એકમેકથી માત્ર વીસથી પચીસ ફૂટ જ દૂર છે. તેઓ એકબીજાથી આટલાં નજીક હોવા છતાં છેલ્લા સત્તર વર્ષમાં ક્યારેય તેમનું મિલન થયું નથી.

એક પાંજરામાં પુરાયેલી સિંહણ ઓખા છેલ્લા ત્રણેક દિવસથી હિટ(સંવનન માટે આતુર)પર આવતાં પોતાના પ્રિયપાત્ર સાથે મિલન ઝંખી રહી છે. ઉદાસ વદને ખાધાપીધા વગર આળોટતી રહેતી ઓખાની આ હાલત જોઇ કોઇ પણને તેની દયા આવી જાય તે સ્વાભાવિક છે, તો બીજી તરફ સિંહ ગણેશના પણ આવા જ હાલ છે, જોકે તેમનું દર્દ જોઇ કાંકરિયા ઝૂના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ દુ:ખી છે પરંતુ તેઓ પણ તેમનું મિલન કરાવી શકતા નથી, કેમકે તેમને કાયદો રોકે છે, જોકે આ તો વાત થઇ કાંકરિયાનાં સિંહ-સિંહણની, પરંતુ આ ઉપરાંત રાજ્યભરનાં પ્રાણીસંગ્રહાલયોમાં ઘણા સિંહ-સિંહણ, દીપડો-દીપડી, વાઘ-વાઘણ મિલન માટે તરસી રહ્યાં છે.

જંગલના રાજા સિંહને પણ પ્રિય પાત્ર સાથેના મિલનમાં વિલન બનતા આ નિયમ અંગે કાંકરિયા ઝૂના ડો. સાઉધરિયાએ જણાવ્યું હતું કે ‘ ગણેશ તથા ઓખા ક્રોસ બ્રિડથી પેદા થયેલાં પ્રાણીઓ છે એટલે કે તેમની માતા આફ્રિકન સિંહણ અને પિતા એશિયન સિંહ હતો અને નેશનલ ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ હવેથી આવા પ્રાણીઓની વસ્તી વધારવી નહિ એટલે કે જે આવા ક્રોસ બ્રિડવાળા જેટલાં પ્રાણીઓ હયાત છે તેમને સાચવવાં, પરંતુ તેમનાં બચ્ચાં પેદા કરાવવાં નહીં. એટલે આ પ્રાણીઓના અંત બાદ ક્રોસ બ્રિડવાળા સિંહ-સિંહણ નાબૂદ થઇ જાય અને માત્ર ઓરિજિનલ નસલવાળા જ સિંહ-સિંહણ હયાત રહે.’

આ ગાઇડલાઇનનો કડકાઇથી અમલ કરવાનો આદેશ હોઇ ગણેશ તથા ઓખાને એકબીજાની સાથે રાખી શકાતાં નથી. અન્ય એક કારણ જણાવતાં ડો. સાઉધરિયાએ જણાવ્યું હતું કે આ ગણેશ તથા ઓખાની માતા એક જ હતી. માટે જો તેમને મેટિંગ કરાવવામાં આવે તો તેને ‘ઇનબ્રિડિંગ’ કહેવાય અને ઇનબ્રિડિંગથી પેદા થયેલાં બચ્ચાઓમાં જિનેટિકલ પ્રોબ્લેમ રહેવાની શક્યતા હોય છે.

આવાજ હાલ વડોદરા કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયના બે વનરાજ કાલુ તથા રામુ અને સિંહણબાનુના છે. ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન આગળ પોતે લાચાર હોવાનું કમાટીબાગ ઝૂ સુપરિન્ટેન્ડેન્ટ ડો. સી. ટી. પટેલ જણાવી રહ્યા છે. સુરત ઝૂમાં પણ ક્રોસ બ્રિડવાળા સિંહ બહાદુર અને સિંહણ સીતાને આજીવન વેગળાં રાખવામાં આવ્યાં હતાં.

જૂનાગઢ સક્કરબાગને બાદ કરતાં રાજ્યભરનાં પ્રાણીસંગ્રહાલયોમાં ક્રોસ બ્રિડવાળા સિંહ અને સિંહણ છે અને તેમાંય વળી જ્યારે સિંહણ હીટ પર આવે ત્યારે તેની સ્થિતિ ખરેખર દયનીય હોવાનું અને આ પરિસ્થિતિ પ્રાણીઓની માનસકિ હાલત પર પણ અસર કરતી હોવાનું ઝૂના આધિકારીઓ જણાવી રહ્યા છે પરંતુ તેઓ પણ નિયમ આગળ લાચાર છે!
Source: http://www.divyabhaskar.co.in/2009/08/29/090829040446_officer_of_zoo.html

સિંહને સંભોગ વખતે છંછેડયો, તો ‘સમાધિ’ નક્કી.

Kalash
Wednesday, January 28, 2009 14:15 [IST]

સંભોગ ક્રિયા (મેટિંગ) વખતે સિંહ પાસે ફરકવાથી ગીરમાં એક યુવાને જીવ ખોવો પડયો. આ સમયે સિંહ કોઇની દખલઅંદાજી સાંખી લેતા નથી. આ વિશે સિંહના મેટિંગ સમયની એકથી વધુ વખત ફોટોગ્રાફી કરી ચૂકેલા ગુજરાતના ખ્યાતનામ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મુકેશ આચાર્ય પોતાના અનુભવો ‘કળશ’ સાથે શેર કરે છે...

‘આ તસવીર જોઈ રહ્યાં છે તે સાસણ ગીરના સેડકડીની છે. આ તસવીરો માટે હું આખો દિવસ આ મેટિંગ લાયન કપલને નિરખતો રહ્યો હતો.

આમ તો સિંહ માટે આખું વર્ષ પ્રજનન ઋતુ જ છે, તેમ છતાં સપ્ટેમ્બર-ઓકટોબર મેટિંગની સિઝન ગણી શકાય. મેટિંગ કાળમાં (સૌરાષ્ટ્રની બોલીમાં ‘ઘોરમાં છે’) સિંહ-સિંહણ સળંગ ચાર દિવસ સુધી સાથે રહેતા હોય છે. સળંગ ચાર દિવસ ખાધા-પીધા વગર માત્ર મેટિંગ માટે જ સમય ફાળવતા કપલ આજુ બાજુની દુનિયાને સંપૂર્ણપણે ભૂલી જતા હોય છે. આ સમયે તેઓ કોઈપણ પ્રકારનું ડિસ્ટર્બન્સ પસંદ કરતા નથી.

જંગલી પ્રાણીઓ પણ સમજીને આવા કપલની પાસે જતાં નથી હોતા. પરંતુ આ સમયે કોઈ માણસ જાણીજોઈને ડિસ્ટર્બ કરે તો નર સિંહ આ ખલેલને બર્દાશ્ત નથી કરી શકતો. ત્યારે સિંહ કોઈ પણ સમયે હુમલો કરી શકે છે.

આ સમયે તો વ્યકિત ભાગી પણ શકતો નથી અને તેને સિંહ તેને ફાડી નાખે છે. ચાર દિવસના અંતે સિંહ સિંહણ બંને એટલા નર્વસ થઈ ગયા હોય છે કે રીતસર થાકેલા લાગે છે અને અંતે મેટિંગકાળ પૂરો થતા છૂટા પડે છે.

આ મેટિંગ સમયને ઘણા લોકો ગલગલિયાંની રીતે લેતા હોય છે અને કપલને ડિસ્ટર્બ કરતા હોય છે તેના લીધે હુમલાની ઘટનાઓ બનતી હોય છે, જે યોગ્ય નથી. ફોટોગ્રાફીની દ્રષ્ટિએ આ સમયગાળો સરળ છે કેમ કે સિંહ કપલ ધીરે ધીરે જગ્યા બદલે છે. તેને લીધે ફોટોગ્રાફી કરવા યોગ્ય સેટિંગ કરવાનો સમય મળે છે. શિકાર કરતી વખતે ફોટો ખેંચવો સૌથી મુશ્કેલ વસ્તુ છે.

Source: http://www.divyabhaskar.co.in/2009/01/28/0901281419_lion_matting.html

પ્રણયક્રીડામાં ખલેલ કરનાર દીપડા પર સિંહનો હુમલો..

Bhaskar News, Talala
Saturday, October 24, 2009 00:25 [IST]

માણસો વચ્ચે થાય એવો ઝઘડો આંકોલવાડી રેન્જના જંગલમાં પ્રાણીઓ વચ્ચે થયો

તાલાલા તાલુકાનાં આંકોલવાડી રેન્જ હેઠળના બામણાસા (ગીર)ગામ નજીકનાં પીએફનાં જંગલ વિસ્તારમાં આજે વહેલી સવારે સિંહ-સિંહણનું જોડુ મેટીંગ પીરીયડમાં પ્રણયક્રીડામાં મગ્ન હતુ ત્યારે નજીકની આંબાવાડી માંથી આવી ચડેલા દિપડા બે સિંહ યુગલની મસ્તીમાં ખલેલ પહોંચાડતા છંછેડાયેલા સિંહે આક્રમકતા સાથે દિપડા ઉપર હુમલો કરતા સિંહ અને દિપડા વચ્ચે ઈનફાઈટ થયું હતું.

જેમાં દિપડાને કમરમાં અને સાથળના ભાગોમાં સિંહે ગંભીર ઈજા કરી લોહીલુહાણ કરી નાંખતા સિંહથી જીવ બચાવી દિપડો ભાગી આંબાવાડીમાં લપાઈલ ગયો હતો. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજા ગ્રસ્ત દિપડાને શોધી પાંજરે પૂરી સારવાર માટે સાસણ વેટરનરી હોસ્પિટલમાં ખસેડયો હતો.

બામણાસા (ગીર) નજીકના પીએફનાં જંગલ વિસ્તારમાં બે દિવસથી સિંહ-સિંહણનું જોડુ ફરતુ હતું. તે સિંહ યુગલ આજે વહેલી સવારે બામણાસા ગામ નજીકનાં બોકળાધારનાં જંગલ વિસ્તારમાં પ્રણયક્રીડામાં મગ્ન હતું. ત્યારે નજીકનાં આંબાવાડીમાં ઘણા દિવસોથી ફરતો દિપડો સિંહ યુગલ નજીક પહોંચી ગયો હતો અને સિંહ યુગલ સામે જોર થી ઘુરકીયા કરી ખલેલ પહોંચાડતા આક્રમક બનેલા સિંહે દિપડા ઉપર હુમલો કરતા સિંહ-દિપડા વચ્ચે ઈનફાઈટ જામી હતી.

ફાઈટમાં સિંહે દિપડા ઉપર હુમલો કરતા સિંહ-દિપડા વચ્ચે ઈનફાઈટ જામી હતી. ફાઈટમાં સિંહે દિપડાને કમર અને સાથળનાં ભાગે પંજા મારતા તિક્ષ્ણ નહોરથી દિપડો લોહી લુહાણ બની ગયો હતો અને સિંહથી જીવ બચાવી આંબાવાડી તરફ ભાગી લપાઈ ગયો હતો. વહેલી સવારે ખેતરો તરફ કામે જતા મજુરોએ ઘટના અંગે આંકોલવાડી રેન્જ ઓફીસને જાણ કરતા આરએફઓ પટેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

જયાં બનાવની વિગત જાણી ડી.એફ.ઓ. અમીતકુમાર અને એસીએફ કટારાને જાણ કરતા બન્નો અધિકારીઓના માર્ગદર્શન મુજબ સાસણથી લોકેશન પાર્ટી બોલાવી ઈજાગ્રસ્ત દીપડાનાં પંજા તથા લોહીનાં નીશાન ઉપરથી દિપડાને શોધી પાંજરામાં પુરી સારવાર માટે સાસણ વેટરનરી હોસ્પિટલમાં મોકલી આપેલ. ઈનફાઈટ બાદ સિંહ-સિંહણનું જોડુ સેન્ચુરી તરફનાં ગાઢ જંગલ તરફ ચાલ્યું ગયુ હોય દિપડા સાથે ફાઈટમાં સિંહને ઈજા પહોંચી છે કે કેમ ? તે માટે ફોરેસ્ટ કર્મીઓ સિંહ યુગલની શોધખોળ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક માસ પહેલા ધાવા નજીક મેટીંગ પીરીયડ માટે ઉતેજીત થયેલા સિંહે સિંહણને ફાડી ખાધી હતી.

Source: http://www.divyabhaskar.co.in/2009/10/24/091024002538_lion_attack_leopard_in_gir.html

પુલ પરથી પછડાયેલા સિંહની મરણચીસ વિધાનસભામાં ગાજી.

Saturday, Dec 19th, 2009, 12:15 am [IST]
danik bhaskar
ભાસ્કર ન્યૂઝ.

સાસણગીર નજીક હિરણનદીનાં પુલ પરથી રહસ્યમય સંજોગોમાં ખાબકેલા સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. દસેક દિવસ પહેલા બનેલી આ ઘટનાનો પડઘો આજે વિધાનસભામાં પડયો હતો. તાલાલાનાં ધારાસભ્યે પૂછેલા પ્રશ્નનાં જવાબમાં વનવિભાગે એવો પ્રત્યુત્તર પાઠવ્યો હતો કે, વાહન દોડાવવાને પગલે સિંહ પુલ પરથી ઠેકડો નહોતો માર્યો આથી છંછેડાયેલા ધારાસભ્યે જો વાહન દોડાવવાની ઘટના ન બની હોય તો રાજીનામું આપવા પડકાર ફેંકયો હતો. અને બનાવ અંગે તપાસ કમિટી રચવા માંગણી કરી હતી.

સાસણ ગીર નજીક આવેલા હિરણનદીનાં પુલ પરથી ગત તા.૭ ડિસે.ની રાત્રે એક ડાલામથ્થાએ ઠેકડો મારતાં પછડાટને લીધે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાદમાં બીજે દિવસે સાસણનાં ગ્રામજનોએ બંધ પાળી સિંહને શ્રદ્ધાંજલિ આપવા સાથે ભારોભાર રોષ ઠાલવ્યો હતો.

આજથી શરૂ થયેલા વિધાનસભા સત્રમાં તાલાલાનાં ધારાસભ્ય ભગવાનજી ભાઈ બારડે સિંહનાં પુલ પરથી છલાંગ મારવાનાં કારણો અંગે પ્રશ્ન પૂછયો હતો. જવાબમાં સિંહ પાછળ વાહન દોડાવાયાની ઘટના બની જ ન હોવાનો વનવિભાગે પ્રત્યુત્તર પાઠવ્યો હતો.

આજરોજ ભગવાનજીભાઈએ ગૃહમાં પડકાર ફેંકયો હતો કે, જો સિંહ પાછળ વાહન દોડાવાયાની ઘટના બની ન હોય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઉં. તેમણે એવું ભાર પૂર્વક જણાવ્યું હતું કે, સિંહની પાછળ વાહન દોડાવવામાં આવ્યું હતું. અને ફુલ હેડલાઈટો ફેકંવામાં આવી હતી.

દરમ્યાન સિંહ પુલ પર આવી જતાં અને સામેથી પણ વાહનોની ફુલ લાઈટો દેખાતાં તેની પાસે પુલની દિવાલ ઠેકવા સિવાય કોઈ આરો રહ્યો ન હતો. જો કે, એ નિદોઁષ પ્રાણીને દિવાલ સામાન્ય નહી પરંતુ પુલની હોવાનો ખ્યાલ નહોતો.

પરિણામે એ છલાંગ તેના માટે મોતનું કારણ બની ગઈ. તેમણે બનાવ અંગે તપાસ કમિટીની રચના કરી સિંહ પાછળ વાહન દોડાવનારાઓ સામે કડક પગલા ભરવા માંગણી કરી હતી.

તેમણે ઉમેયું હતું કે, સિંહનાં દાંત છેક ઉપર ચઢી જવા સાથે પાંસળીઓ તૂટી જતાં પીડાદાયક મોતને ભેટયો હતો.ચર્ચા ઉગ્ર બનતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દરમિયાન ગીરી કરી સભ્યની સિંહ પ્રત્યેની લાગણી ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2009/12/19/091219001535_107004.html