જૂનાગઢ, તા.૧૬
જૂનાગઢના ગિરનાર
રોપ-વે અંગેના ક્લીયરન્સ સર્ટિફિકેટ મામલે આગામી તા. ૧૯ના સુપ્રિમ કોર્ટની
એમ્પાવર્ડ કમિટી જૂનાગઢમાં આવનાર છે. આ કમિટી મુલાકાત લે એ પૂર્વે હાલ
ધારાસભ્યએ દિલ્હીમાં કમિટીના સભ્યો સાથે મુલાકાત કરી હતી અને રોપ-વેને
ક્લીયરન્સ સર્ટિફિકેટ મળે તે અંગે ચર્ચા કરી હતી. જ્યારે મેયર પણ રોપ-વે
મળે તે માટે કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે.
કમિટી મુલાકાત લેએ
પૂર્વ ધારાસભ્યએ કરી દિલ્હીમાં રજૂઆત, સાસણ ખાતે મેયર કમિટી સમક્ષ રજૂ કરશે
પ્રેઝન્ટેશન
જૂનાગઢમાં ચાર
દાયકાથી અધ્ધરતાલ ગિરનારના રોપ-વે પ્રોજેક્ટને વન અને પર્યાવરણ સહિતના
વિભાગો દ્વારા મંજૂરી મળી ગઈ હતી અને મંજૂરીના અંતિમ તબક્કામાં સુપ્રિમ
કોર્ટની એમ્પાવર્ડ કમિટી સમક્ષ આ પ્રક્રિયા પહોંચી છે જેમાં કમિટીએ સાઈટ
મુલાકાત બાદ ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવાની વાત કરી હતી અને આગામી તા. ૧૯ના
બપોરે સુપ્રિમ કોર્ટની એમ્પાવર્ડ કમિટીના ચેરમેન પી.વી. જયક્રિષ્નન, સભ્ય
જી.કે. જીરાવાલા અને મહેન્દ્ર વ્યાસ જૂનાગઢ આવી રોપ-વે સાઈટની મુલાકાત
લેશે. આ કમિટી ૧૯મીએ જૂનાગઢ આવી ગિરનાર રોપ-વે સાઈટની મુલાકાત લે એ પૂર્વે
આજે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૃ તથા અન્ય કાર્યકરોએ દિલ્હી જઈ
સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી સમક્ષ રજૂઆત કરી હતી અને અગાઉ રોપ-વે ઝુંબેશ
અંતર્ગત તૈયાર કરાયેલી એક લાખ નગરજનોની સહીઓ ધરાવતો રક્ત છાંટણાયુક્ત
સહીગ્રંથ કમિટીના ચેરમેનને સુપ્રત કર્યા અને લોકોની લાગણીને ધ્યાને રાખી
રોપ-વે યોજનાને ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવા રજૂઆત કરી હતી.
આ ઉપરાંત કમિટીના
સભ્યો જૂનાગઢની મુલાકાત બાદ સાસણ ખાતે જનાર છે અને ત્યાં રાત્રી રોકાણ કરશે
તેથી ત્યાં જૂનાગઢના મેયર રોપ-વે મળે તે હેતુથી એક પ્રેઝન્ટેશન રજૂ કરશે.
આમ ૧૯મીએ સુપ્રિમ કોર્ટની એમ્પાવર્ડ કમિટીની મુલાકાત બાદ રોપ-વેનું ભવિષ્ય
નક્કી થશે.
જો પુરતો વિકાસ કરી સુવિધા વિકસાવાય તો
પોરબંદરનો રમણીય દરિયા કિનારો ગોવા, દીવને પણ ટક્કર મારી શકે
પોરબંદર, તા. ૧૬
પોરબંદરથી ૩-૪ કિ.મી. નજીકના વિસ્તારમાં આવેલા રમણીય સમુદ્ર કાંઠાનો
વિકાસ કરવા માટે તંત્ર હકારાત્મક અભિગમ દાખવે તો અહીંયા સુંદર પર્યટન સ્થળ
વિકસાવી શકાય છે.
બોટીંગ, પેરાગ્લાઇડીંગ જેવી પ્રવાસીઓને આકર્ષતી સુવિધાની જરૃર
શહેરના ઇન્દિરાનગર નજીકના સુંદર સાગરકાંઠે પ્રવાસીઓને વધુને વધુ આકર્ષવા
માટે સરકારે અલગથી ગ્રાન્ટ ફાળવીને જુદા જુદા વિકાસના કામો કરાવવા જોઇએ એ
પ્રકારની માગણી પોરબંદરમાંથી ઉઠી છે. માત્ર ૩-૪ કિ.મી.ના વિસ્તારમાં આવેલ આ
રમણીય સમુદ્રકિનારો પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર એટલા માટે બની
રહેશે કે અહીંયા ભેખડો નથી તેથી સમુદ્ર સ્નાન કરવા માટેના શોખીનોને પણ
અહીંયા ખેંચી લાવી શકાય છે. સમુદ્રના મોજાં સીધા જ રેતી સુધી પહોંચી જાય
છે. પથ્થરો અને ભેખડો નહીં હોવાને કારણે દરિયાના મોજા અફડાવવાના અને
અકસ્માત સર્જાવાના બનાવો અહીંયા ભાગ્યે જ બને છે કેમ કે ખૂબ જ છીછરો
દરિયાકિનારો હોવાથી ડુબવાના બનાવો બનતા નથી.
જો દીવના નાગવા બીચની જેમ અહીંયા બોટીંગ અને પેરેગ્લાઇડરીંગની સગવડો
તંત્ર દ્વારા વિકસાવવામા આવે તથા રમણીય સમુદ્ર કિનારે બાળમનોરંજનના સાધનો
સહિત બગીચાનો ઉછેર કરવામાં આવે તો પ્રવાસીઓ આપોઆપ અહીંયા ઉમટી પડશે.
પર્યટકો માટે બેઠક વ્યવસ્થા ઉપરાંત ખાણીપીણીની સુવિધા વધારાય તો સહેલાણીઓને
પણ આકર્ષી શકે તેવા આ દરિયાકિનારે લોકોને ફરવાની મજા ડબલ થઇ જશે. આ અંગે
વહીવટી તંત્ર તથા રાજય સરકારે પ્રવાસન સ્થળોના વિકાસની રકમમાંથી ચોક્કસ
ગ્રાન્ટ ફાળવીને યોગ્ય પ્રોજેકટ તૈયાર કરીને મુકવો જોઇએ જેથી પ્રવાસીઓને
આકર્ષવામાં સરળતા રહે તે પ્રકારનું સુચન થયું છે.
Source: http://www.gujaratsamachar.com/20111117/gujarat/sau4.html