Saturday, November 19, 2011

વિદ્યાર્થીને સિંહના પાંજરા પર હાથ મુકવો ભારે પડ્યો.


Source: Bhaskar News, Vadodara   |   Last Updated 2:00 AM [IST](19/11/2011)
શહેરના સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં મિત્ર સાથે ગયેલા યુનિ.ના વિધાર્થીએ પાંજરાના સળિયા પર ટેકવેલા હાથ પર સિંહે બચકુ ભરી લીધુ હતું. સિંહે હાથ મોઢામાં લઇ લીધા બાદ વિધાર્થીએ ભારે મથામણ કરતા છુટકારો થયો હતો. વિધાર્થીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીના હાથ પર બચકું ભરી લેનાર સિંહ ‘કુંવર’ને તાજેતરમાં જ જુનાગઢથી લવાયો છે.
બનાવની વિગતો અનુસાર શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી કુષ્ણ લીલા સોસાયટીમાં રહેતા અશોકભાઇ ગોહીલ ટેલરિંગનો વ્યવસાય કરે છે. તેમનો ૨૨ વર્ષીય પુત્ર ધ્રુવ મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં બાયોકેમસ્ટ્રીનો અભ્યાસ કરે છે. શુક્રવારે ધ્રુવ અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો તેનો મિત્ર ચેતન અમીન સાંજે સયાજીબાગમાં ફરવા માટે ગયા હતા. જ્યાં બંને મિત્રો પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા.
જ્યાં સાડા ચાર વાગ્યાના અરસામાં સિંહના પાંજરા પાસે ઉભા હતા. દરમિયાન ધ્રુવે તેનો હાથ પાંજરાના સળિયા પર ટેકવ્યો હતો. જેની પર સિંહની નજર પડતા તેને ઝપટ મારી ધ્રુવનો હાથ મોઢામાં લઇ લીધો હતો. બંને મિત્રોએ બૂમાબૂમ કરતા નજીકમાં ઉભેલા સિકયુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા.
ગાર્ડે પોતાનો દંડો પાંજરા પર અથાડી સિંહને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સિંહે મચક આપી ન હતી. બીજી બાજુ યુવકે તેનો હાથ બચાવવા સિંહ સાથે ખેંચતાણ કરી હતી આખરે તેમાં સફળતા મળતા હાથ સિંહના મોઢામાંથી છુટી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીના હાથ પર બચકું ભરી લેનાર સિંહ ‘કુંવર’ને તાજેતરમાં જ જુનાગઢથી અત્રે લવાયો છે.
Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-VAD-hands-bite-learner-a-lion-killed-in-vadodara-2574708.html?HF-8=

No comments: