Source: Dilip Raval, Amreli | Last Updated 12:31 AM [IST](13/11/2011)
ગીરનું પરોપકારી જંગલ માત્ર વન્ય સૃષ્ટિનું પાલન પોષણ કરે છે તેવું નથી પરંતુ અહિં વસતા લોકો માટે આ જંગલ અનેક ખાદ્ય પદાર્થો પુરા પાડે છે. ટીમરૂ, બોર, કરમદા, દેશી કેરી, આંબલિ, રાયણ જેવા અનેક ખાદ્ય પદાર્થો ગીરમાં મબલખ પાકે છે. આયુર્વેદમાં જેનું કદકેરૂ મહત્વ છે તે આમળા પણ ગીરમાં પૂષ્કળ પ્રમાણમાં પાકે છે. હાલમાં આમળાની સિઝન ચાલી રહી છે. ગીરકાંઠા ઉપરાંત ગીરની અંદર આવેલા આમળાના વૃક્ષો અનેક લોકોને હાલમાં રોજગારી પુરી પાડી રહ્યા છે. આમળાની સિઝન હજુ એકાદ મહિનો ચાલશે.
ગીરમાં આમળા ખુબ પાકે છે. સાથે સાથે અમરેલી જીલ્લાના ગીરકાંઠાના ગામડાઓમાં પણ મોટા પ્રમાણમાં આમળા પાકે છે. ગીરમાં આમળા પુરી પાડતી આમળીઓ સ્વયંમ ઉગેલી છે. જ્યારે ગીરકાંઠાના ગામોમાં ખેડૂતોએ વાડી-ખેતરના શેઢે મોટા પ્રમાણમાં આમળીઓ ઉગાડી છે. આ આમળીઓમાં હાલમાં લુમે ઝુમે આમળા લટકી રહ્યા છે.
એક સમયે પાણીના મુલે મળી રહેલા આમળા હાલમાં અનેક લોકો માટે રોજગારીનું સાધન બની ગયા છે. મજુર વર્ગના અનેક લોકો જંગલખાતાની મીઠી નઝર હેઠળ અથવા તો ગેરકાયદે જંગલમાં ઘુસી જાય છે અને સાંજ પડતા પહેલા આમળા વિણી પરત આવતા રહે છે. પગપાળા તેઓ ગીરમાં અંદર સુધી ઘુસણખોરી કરે ત્યારે માંડ સામાન્ય મજુરી છુટે તેવી આવક તેમને મળે છે. તેમણે વિણેલા આમળા દસ થી વીસ રૂપીયે કિલોના જથ્થાબંધ ભાવે બજારમાં જાય છે. જ્યાં તેનો ભાવ લગભગ બમણાથી વધી જાય છે.
આમળાની સિઝન દોઢેક મહિના પહેલા શરૂ થઇ છે. જે હજુ આગામી એકથી દોઢ માસ સુધી ચાલશે. ત્યારબાદ ટીમરૂ પાકવા લાગશે. હાલમાં કાતરી પણ મોટા પ્રમાણમાં ગીરમાંથી બહાર આવી રહી છે. આગામી દિવસોમાં મોટા કાતરા બજારમાં મળતા થઇ જશે.
બારમાસી આમળી દુઝણી ગાય સમાન -
ગીરમાં થતી આમળીઓ પૈકી ઘણી આમળીઓ બારમાસી હોય છે. સામાન્ય રીતે આમળીઓમાં વર્ષમાં ેએક વખત ફળફુલ આવે છે પરંતુ બારમાસી આમળીમાં ચોમાસામાં પણ ફળફુલ આવે છે. આ આમળીઓમાં વર્ષમાં બે વખત આમળાનો પાક લઇ શકાય છે. ટિંબરવાના જંગલમાં પુષ્કળ બારમાસી આમળીઓ છે.
સૌથી વધુ આમળા ક્યાં પાકે છે ?
આમ તો ગીરકાંઠાના મોટાભાગના ગામડાઓમાં આમળા પાકે છે. કારણ કે ખેડૂતો વાડી-ખેતરના શેઢે પાંચ-પચ્ચીસ આમળીઓ વાવી દે છે. સૌથી વધુ આમળા ધારી તાલુકાના ચાંચઇપાણીયા, જળજીવડી, દુધાળા વગેરે ગામોમાં પાકે છે.
No comments:
Post a Comment