Monday, November 28, 2011

ખેતરમાં આવી ચડેલી મગર ત્રણ કલાકે માંડ ઝડપાઇ.

કેશોદ તાલુકાના અજાબ ગામની સીમમાં
જૂનાગઢ, તા. ૨૭
કેશોદ તાલુકાના અજાબ ગામની સીમમાં ગઇકાલે એક સાડા પાંચ ફૂટ લાંબી મગર ચડી આવી હતી. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા તેઓએ આવી ત્રણેક કલાકનો રેસ્કયુ ઓપરેશન બાદ મગરને પકડી લઇ સાસણ ખસેડી હતી.
વન તંત્રએ યુવાનોની મદદથી મગરને મહામહેનતે પકડીને સાસણ લઇ જતાં ગ્રામજનોને હાશકારો
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદ તાલુકાના અજાબ ગામની સીમમાં આવેલા બાબુભાઇ કમાણીના ખેતરમાં એક મગર ચડી આવી હતી. ખેતરમાં કામ કરતા લોકોની નજરે મગર ચડી જતા તેઓએ વાડી માલિકને જાણ કરી હતી. અને બાદમાં વાડી માલિકે કેશોદ વન વિભાગને જાણ કરતા વન તંત્રના સ્ટાફે આવી. રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન તંત્રનો સ્ટાફ અમુક સેવાભાવી સંસ્થાના કાર્યકરો તથા ગામના યુવાનોએ અંદાજે ત્રણ કલાક કરેલી જહેમત બાદ મગર પકડાઇ હતી.
મગર પકડાયા બાદ તેને પીપળામાં નાખી લઇ જવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એકવાર તે નિષ્ફળ નિવડયો હતો અને ફરીથી મગરને પીપળામાં પુરી તેને સાસણ ખાતે લઇ જવામાં આવી હતી. આમ ત્રણ કલાકની જહેમત બાદ મગર ઝડપાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મગર પકડાઇ ગયાના સમાચાર સાંભળી મોટી સંખ્યામાં ગ્રામજનો મગર જોવા ઉમટી પડયા હતા.
Source: http://www.gujaratsamachar.com/20111128/gujarat/sau1.html

No comments: